શિકાયત
શિકાયત
રાજ એક ઓફિસમાં કામ કરતો હતો. તેના ઘરે તેના મમ્મી અને પત્ની રહે. તેના પિતાજી થોડા સમય પહેલા અવસાન પામેલ.
રાજના મમ્મી થોડા જુના ખ્યાલવાળા. અને તેની પત્ની આધુનિક વિચારોવાળી. તે બંનેને એકબીજાની વાત કે કામ ગમે નહીં. સાસુનું કામ વહુ ને ન ગમે. અને વહુનું કોઈ કામ સાસુને ન ગમે.
બંને વચ્ચે કોઈ ને કોઈ બાબતે ઝઘડો થયા જ કરે. એમાં આવી બને રાજનું. ઘેર આવે એટલે શિકાયતનો ઢગલો થઈ જાય.
તેની પત્ની સાસુની ફરિયાદ ચાલુ કરે. સાસુ પત્નીની શિકાયત ચાલુ કરે. રાજ એમ મૂંઝવણમાં મૂકાયો. હવે કરવું શું. મમ્મીને કંઈ ન કહેવાય કે ન પત્નીને. આ તો મુસીબત થઈ.
જેમ દિવસો પસાર થાય એમ શિકાયત તો વધતી જ જાય. એનો કોઈ ઉકેલ ન આવે. રાજે નક્કી કર્યું આનું કંઈક કરવું પડશે. તેણે એક યુક્તિ વિચારી કાઢી.
એક દિવસ તેણે તેના મમ્મી અને પત્નીને બોલાવીને કહ્યું. તમારા બંને માટે એક શિકાયતની પેટી લાવ્યો છું. જેને જે ફરિયાદ હોય એ તેમાં રોજ રાત્રે ચિઠ્ઠી લખી અને પેટીમાં નાખી આપે.
એ ચિઠ્ઠી હું વાંચીને જે શિકાયત હશે તે મમ્મી માટે હશે તો મમ્મીને કહીશ. પત્ની માટે હશે તો એને કહી દઈશ. આમ બંને સાસુ વહુ એ એકબીજા વિરુદ્ધ ચિઠ્ઠી લખી પેટીમાં નાખે.
રાજ એ બંને ચિઠ્ઠી વાંચીને ફાડી દેય. તેના મમ્મી પાસે જઈને કહે, " આજ તો તમારા વિરુદ્ધ એકપણ શિકાયત લખી નથી તમારી વહુએ. એટલે સાસુ રાજી થાય. એ જ વાત તેની પત્નીને કહે, "આજ તો મમ્મી એ તારા વિરૂદ્ધ કંઈ શિકાયત જ નથી લખી. " એટલે પત્ની રાજી.
બીજે દિવસે સાસુએ વિચાર્યું મારી વહુ મારી વિરુદ્ધ કોઈ શિકાયત નથી કરતી તો મારે પણ કંઈ નથી લખવું. નહીતર રાજને થશે મને જ શિકાયત છે. આવું જ પેલી બાજુ તેની પત્નીએ વિચાર્યું, કે મારે મમ્મી વિરુદ્ધ કંઈ શિકાયત લખવી નથી. બાકી રાજને મારો જ વાંક દેખાશે.
રાજની આ યુક્તિ કામ કરી ગઈ. બંનેની પેટીમાં શિકાયત આવતી બંધ થઈ ગઈ. અને બંને ખુશી ખુશી રહેવા લાગ્યા.
