સહાય
સહાય
મોંટેરીના કાંઠે આવેલી કોસ્ટલ ગાર્ડ ઓફિસમાં આજે સેમ્યુલ મોડી રાત સુધી કોઈજ કારણ વગર બેઠેલો હતો, અમેરીકામાં ઘણું ખરું કોસ્ટલ ગાર્ડને ઓફિસ સાથે રેસિડેન્સિયલ સવલત હાજર હોવાથી તેના વિશાળ દરિયાનો કાંઠો સલામત હતો. ગેરકાએસર ઘૂસપેઠ ને અવકાશ નહતો. સરકારી કચેરીની દીવાલે લોલક ડોલાવતી લટકતી ઘડિયાળે નવનાં ટકોરા પડ્યા. સેમ્યુલે ઘડિયાળ સામે જોયું જૂના સમયનું ઘડિયાળ હતું. કોસ્ટલ રાખેવાળી ઉયરાંત આ ઘડિયાળની પણ રખેવાળી કરી ચાવી આપવાનું કામ પણ સેમ્યુલ જ કરતો..
સેમ્યુલ બસ આવતે મહિને પોતે નિર્વૃત થવાનો હતો. આજ જગ્યાએ રેતીની માફક સરી ગયેલા સેમ્યુલની જિંદગીના ત્રીસ વરસના સાથીદારની સાક્ષીરૂપ દીવાલ ઘડિયાળ અત્યારે પણ એજ ચોકસાઈથી સમય બતાવતું હતું. ખરું પૂછો તો સેમ્યુલને પણ આ ઘડિયાળ સાથે એક અબોલ નાતો બંધાઈ ચૂક્યો હતો. ઘણુખરું રાત્રિના નવને ટકોરે સેમ્યુલ તેની ઓફિસની પછીતમાં આવેલા તેના શયનખંડમાં જઇ સૂઈ જતો.
આજે સેમ્યુલ નવનાં ટકોરે ઊભો થઈ રોજિંદા ક્રમ અનુસાર પોતાના આવાસમાં સુવા માટે ગયા, અને સેન્ડવિચ અને સ્કોચના ગ્લાસને ન્યાય આપી ડાયનીગ ટેબલ ઉપર રહેલા ફાનસની વાટ સંકોરવા હાથ લાંબાવ્યો ત્યાં તેના ઘરના દરવાજે ટકોરા પડતાં હોયું તેવું લાગ્યું. તેને અચંબો થયો, આજ દિવસ સુધી તેના ઘરના દરવાજે કોઈ ટકોરા પાડે એવી ઘટના આ પહેલી હતી. દરવાન જ્યોર્જ તેના આઉટ હાઉસના દરવાજે ચોકી કરતોજ હોય અને તે આવનારને દોરીને સાથે લાઈનેજ ઘેર આવે. અત્યારે રાત્રિના નવ વાગી ચૂક્યા હતા. આવી સૂમસામ રાત્રિએ કોઈને અર્જન્ટ કામ હોય તો જ્યોર્જ ખુદ આવે, આમ કોઈને એકલા તેની પાસે તો ન જ ધકેલે. બારીમાથી સેમ્યુલે રાત્રિના ઝાંખા ઉજાસમાં આઉટ હાઉસના દરવાજે જોયું તો ત્યાં, કોઈ હતું જ નહીં, લાગ્યું કે દરવાન જ્યોર્જ કદાચ પગ છૂટો કરવા દરિયા કિનારે ટહેલતો હશે. નહિ તો કોઈ અહીં ઘરના દરવાજા સુધી આમ કોઈ ટકોરા પાડવા આવી ન શકે.
સેમ્યુલે દરવાજાની સાંકળ ખોલી, જૂના જમાનાના દરવજાને હળવો ધક્કો માર્યો લાકડાના દરવાજે જાડેલા મિજાગરાના અવાજ સાથે દરવાજો ખૂલતાંની સાથે કોઈ પાછળ વિકરાળ પશુ પડ્યું હોય તેમ, એ છોકરાઓ સેમ્યુલના ઘરમાં ઘસી આવ્યા. આમ અચાનક ચાર છોકરાઓને ઘરમાં ઘૂસી આવેલા જોઈ સેમ્યુલને ક્રોધ અને દયા બંને એક સાથે આવી. પોતાના ઉપર કાબૂ મેળવી જોયું તો તેની સામે એક બારેક વારસનો છોકરો ઊભો હતો, તેની કેડમાં બે વરસની છોકરી તેડેલી હતી , બીજા હાથની આંગળીએ ચાર વરસની છોકરી અને બરાબર તેની પછળ એક બીજી છ વરસની છોકરી જૂના કપડાનું પોટલું ઉપાડી ઊભી હતી.
સેમ્યુલે કંટાળા સાથે પૂછ્યું "એલા કોણ છો તમે લોકો ? આટલી મોડીરાત્રે અહીં મારી પાસે કેમ આવ્યા ?"
પેલા મોટા છોકરાએ આંગળીએ વળગેલી છોકરીનો હાથ છોડાવ્યો અને તે હાથથી કુરનીશ બજાવતા બોલ્યો "સાહેબ માફ કરો, અમે તમારી શરણમાં છીએ, અમને તમારી પર મોટી આશા છે. અમારે તમારી “સહાય’ની જરૂર છે. તમે અમને ક્યાથી ઓળખો સાહેબ ? અમે તો મેક્સિકોથી ભાગીને અહીં મોંટેરીમાં ઘૂસી આવેલા હતા. મારુ નામ એલેક્સ છે આ મારી ત્રણ બહેનો છે, સૌથી નાની જેન, અને આ મારિયા અને ત્રીજી મેરેલીન."
સેમ્યુલે એલેક્સની સામે જોયું, તે પરાણે વહાલો લાગે તેવો ફૂટડો છોકરો હતો ને ફાકડું અંગ્રેજી બોલતો હતો,પણ કાળની થાપાટમાં ને ભૂખે તે અત્યારે નિસ્તેજ દેખાતો હતો.
"પણ છોકરા તું આ તારી બહેનોની સાથે મારી પાસે કેમ આવ્યો ? તેં તો તે કિધુજ નહીં ! શું તને દરવાજે કોઈએ રોક્યો નહીં ?"
"અરે સાહેબ હું અમેરિકાના ગાર્ડની નજર ચૂકવીને અમેરિકાની બોર્ડર વટાવી, મેક્સિકોથી ઘૂસેલો છું, તો આ તમારા દરવાનનું શું ગજું ! હું તેની નજર ચૂકવીને તમારી પાસે આવેલો છું. માફ કરજો પણ કામ જ એવું હતું કે તમારી પાસે આવવું પડ્યુ."
સેમ્યુલને દયા આવી, અને દીવાલે લટકતા સિકામાથી બ્રેડના ટુકડાઓ કાઢી છોકરાઓને ખાવા આપ્યા. "તારે કોઈ મદદની જરૂર હોય તો હોમલેસ સેંટરમાં જવું જોઈએ અહીં મારી પાસે શું કામ આવ્યો ?"
"અરે સાહેબ તમે તો મારી માને બોર્ડર ક્રોસ કરતાં રોકીને જેલને હવાલે કરી છે, તમે જરા સમજો અમારા પિતા તો મારી માને છોડી બીજી કોઈસાથે જતાં રહ્યા, મેક્સિકોમાં કોઈ આજીવિકા ના હતી એટ્લે તે દિવસે મારી માએ અમને પહેલા બોર્ડર ક્રોસ કરાવી, અને તે બોર્ડર ક્રોસ જતી હતી અને તમારા હાથે પકડાઈ ગઈ અને તમે તેને આજીવન કારાવાસમાં ધકેલી દીધી.
સેમ્યુલ વિચારતો હતો કે ફરજ્પાલનમાં ગુનેગાર હોય તેને પકડવા અને કાયદો તેનું કામ કરે, તેમાં પોતે શું કરે. સામે ઉભેલા નાદાન છોકરાઓની હાલત જોઈ સેમ્યુલની આંખે પાણી આવી ગયા. પણ હવે શું સજા તો થઈ ગઈ. "છોકરાઓ તમે ફિકર ન કરતાં તમે મારી પાસે રહી શકો છો."
તેવામાં જ્યોર્જ આવી ગયો, સેમ્યુલે તેને, આ છોકરાઓનો હવાલો આપી દેખરેખ રાખવા કહ્યું. બીજે દિવસે સવારે સેમ્યુલ સાહેબની “સહાય” મેળવાથી, ચારેય છોકરાઓ આનંદથી દરિયાકિનારે રમતા હતા. સવારના અગિયાર થયા તો પણ સેમ્યુલ સાહેબનો ચાય માટે કોલ ન આવ્યો. તેથી જ્યોર્જે ઓફિસમાં જઇ જોયું તો સેમ્યુલ સાહેબ તેમના રાઇટિંગ ટેબલ ઉપર નિશ્ચેતન થઈ ઢળેલા હતા. ટેબલ ઉપર "બેસહાયને સહાય” લખેલું એક કવર હતું.
જ્યોર્જે કવર ખોલીને જોયું તો સેમ્યુલે તેની નિવૃતિની તમામ રકમ આ બાળકોને નામ કરી, કુદરતની અદાલતમાં છોકરાઓને બેસહરા કરવા બદલ માફી માંગી હતી. ત્યારે ઓફિસની ઘડિયાળમાં બપોરના બાર વાગ્યા હતા, એ સાથે છોકરાની મુશીબતોના પણ બાર વાગી ચૂક્યા હતા.
