નિરાળી Nirali Patel

Romance Thriller

4.3  

નિરાળી Nirali Patel

Romance Thriller

શાલિની 2

શાલિની 2

6 mins
23.3K


શાલિનીએ સાંભળી રામની કહાની -

એરપોર્ટ પર આવી પહોંચેલી બસે તો અમને સહીસલામત પહોંચાડી દીધાં, પણ શાલિની હજુ પણ આઘાતમાં હોય એવું લાગી આવ્યું. જ્યારથી મેં મારો ભૂતાન જઈ મોંક બનવાનો નિર્ણય એને જણાવ્યો ત્યારથી તેની નજર બારીની બહાર જ હતી. કદાચ વીતી ગયેલી ક્ષણો યાદ કરતી હશે, કે અહીં હોવાનો અફસોસ. અને મેં પણ એના ઘા પર વધુ મીઠું ન ભભરાવતા ચૂપ રહેવાનું પસંદ કર્યું. ખબર નહીં એ મારા વિશે શું વિચારતી હશે.. અફકોર્સ, ચરિત્રહીન જ માનતી હોવી જોઈએ. બીજો વિચાર પણ શું આવી શકે એક ભારતીય સન્નારીને. એ રાત જ શું કામ આવેલી? ખેર, જે થઈ ગયું એ થઈ ગયું. બંનેની ઈચ્છા હોવી એ પણ પ્રભુ ઈચ્છા જ હશે. હવે અફસોસ કરીને શું ફાયદો. મેં પણ એ રાત ને મોકો ક્યાં ગણેલો.. કે હું ચરિત્રહીન કહેવાઉં, હું પણ સજ્જન જ છું ને. આ વિચારો કરતાં હું પણ ચૂપ જ રહેલો. 

પોતપોતાનો સામાન લઈ લેવાની બૂમ પડતાં હું અને શાલિની ત્યાં ફર્યા. અને એને ઉદાસ જોઈ મારાથી અનાયાસે બોલાઈ ગયું, ચાલ આ સામેવાળા કેફેમાં જઈએ. મારે ભૂતકાળ કહેવો છે મારો. એમ પણ હજુ ચેકઈન માટે કલાકનો સમય છે. ભીડમાં જવા કરતા શાંતિથી બેસીએ. મેં બંનેનો સામાન લીધો..પણ જાણે એણે કંઈ સાંભળ્યું ન હોય એવું લાગ્યું. મેં શાલિનીનો હાથ પકડ્યો ને રસ્તો ક્રોસ કરાવ્યો. પણ એક રોબોટની જેમ એ મારી જોડે ચાલતી હતી એની મને એજ વખતે જાણ થઈ જ્યારે એક કાર આવી ને હું ઊભો રહી ગયો પણ એ એની જ ગતિમાં હતી. મેં એનો જોરથી હાથ ખેંચ્યો ને એના હાવભાવ કે ચહેરાની રેખાઓમાં કોઈ ફેર ન પડ્યો. ગાર્ડન કેફેના એક ટેબલ પર ઝાડની છાયામાં અમે બંને ગોઠવાયા. પાણી પીને શાલિની ને કંઈક શાતા વળી. એટલે હું એના હાથ પર હાથ મૂકી બોલ્યો.

 'રામ' આ નામ મને મારા દાદા તરફથી મળેલ. એ રામનાં મોટા ભક્ત. જ્યારે માબાપે આશા છોડી કે એમને પણ કોઈ વારસદાર હોય, ત્યારે દાદાએ બાધા માની. અમારે ત્યાં લોકો મુંડન કરાવે તિરૂપતિ જઈને, પણ દાદા એ રામેશ્વરમ જવાની બાધા રાખી. એ પણ પાંચસો ગરીબને એક ટંક ભોજન પીરસવાની. ને એ ફળી, કેમકે આજે મારે આ શાલિનીને મારી આપવીતી કહેવાની હતી. એમ કહી મેં આંખ મારી. એ મારી સામે મોટી સ્થિર આંખોનાં ડોળા કાઢી અપલક જોઈ, પલકોને એકવાર ઝપકવીને ત્રાંસી આંખે જોયું આકાશ તરફ ! અને જો સાંભળ..મેં લંબાવતાં કહ્યું, હું એક લાગણીહીન પરિવારમાં જન્મ્યો હતો. લાંબા સમય સુધી પિતા અને માતા મારી સાથે ન હતાં. મારા બાળપણમાં તેઓ આખો સમય લડતા હતાં. ક્યારેય એમનું પ્રેમાળ કે ભાવનાત્મક રૂપ નહોતું જોયું. મેં મોટાભાગનો સમય દાદા જોડે જ વિતાવેલો. તે સમયે અમારે ત્યાંની ડિક્શનરીમાં છૂટાછેડા જેવો શબ્દ પણ ન હતો. એટલે કમને જૂદું ઘર લઈને દાદાથી અલગ રહેતાં. દાદાના ગુજરી જતાં મારા માતાપિતા બંને સાથે હવે વધુ નહીં રહેવા વિચાર કર્યો..  21 વર્ષની ઉંમરે મારી પાસે સોશ્યલ સ્કિલ્સનો અભાવ હતો અને જીવનની પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે ખબર ન હતી. મેં વિચાર્યું કે આમાંથી ઉગરવું એ એક ચમત્કારથી વધુ નહીં હોય. કમને મારા કુટુંબને છોડવાનો મેં નિર્ણય કર્યો અને તેમનાં ભાવનાત્મક વલણને લઈ હંમેશાં વિચારી રહ્યો છું કે હું મારી લાઈફ બનાવીશ અને મારી રીતે જ જીવીશ. અને મારી આંખમાંથી એક બે આંસુ વરસી ગયાં જેની નોંધ શાલિની એ લઈ જ લીધી. 

 મેં એને કીધું, લાંબી વાર્તા ટૂંકી કરું. જ્યારે મેં ઓટોમાં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું એન્જિનિયરિંગ કરીને, ત્યારે માનવ સમુદાયના એકમ તરીકે લાગ્યું કે હું કોઈ સારું પાત્ર ન ભજવી શકું. એક વ્યક્તિ તરીકે, મેં મારા દાદાને લીધે, અત્યાર સુધીના અનુભવોથી, માનસિક અને આધ્યાત્મિક વૃદ્ધિ આ વયે ઘણી કરી લીધી. હું માનું છું કે આપણે ભલે આધ્યાત્મિક મનુષ્ય નથી પણ, એક આધ્યાત્મિક હોવાનો મારો એક્સપિરિયન્સ છે. તેથી, મેં મારા જીવનને શરૂઆતથી શરૂ કરવાનું નક્કી કર્યું. વધુ વૈવિધ્યસભર અનુભવ મેળવી પોતાની જાત માટે વિચારવાનું શરૂ કરીને જીવન જીવું જે રીતે હું ઇચ્છું છું. હું બોલે જતો હતો ને શાલિની એક ચિત્તે સાંભળી રહી છે એવો હજું તો અહેસાસ થયો અને અમને બંને ને ખલેલ પહોંચી, જ્યારે વેઇટરે ઓર્ડર લેવા મેનુ આપ્યું. થોડીવાર રહીને ઓર્ડર આપીશ કહી મેં ફરી બોલવાનું ચાલુ કર્યું કારણકે શાલિની સાંભળવા ઉતાવળી થતી હોય એવું લાગી જ આવેલું. 

મેં ફરી કડી જોડી. ડેઇલી પેમેન્ટ કરવાવાળા પેઇન્ટિંગ તેમજ બાંધકામના કામ કરીને મેં મારી મુસાફરી શરૂ કરી. હોટેલમાં વેઈટર, ટેલિકોમ કંપની માટે માર્કેટિંગ, શિક્ષક માટે હેલ્પર તરીકે મેં કામ કર્યાં. ટ્યુશન કર્યા, એન્જિનિયરિંગના કામો, ભંડોળ ઊભું કરવા માટે પ્રોગ્રામ કે લગ્ન માટે ઇવેન્ટ મેનેજિંગ કર્યું. શાળાઓમાં બાળકો માટે નાટક દ્વારા એકાગ્રતા અને કુશળતા શીખવ્યાં. કેવી રીતે વિચારવું તેના પર મેન્ટલ ડિસેબલ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું / પુખ્ત વયના લોકો સ્વતંત્ર રીતે જીવવું, સમર્થન કેવી રીતે પૂછવું અને પોતાને ગૌરવશાળી કેવી રીતે બનવું એ શીખવ્યું. સેરેબ્રલ લકવાગ્રસ્ત વ્યક્તિના પર્સનલ હેલ્પર તથા કાર્યકાર હેલ્પર બન્યો. 

 વચ્ચે મેં લગભગ 2 વર્ષ સ્વૈચ્છિકતા લીધી, વેશ્યાઓનું પુનર્વસન, ફક્ત એક બે જણ માટે કરાવ્યું, જોકે દિવસો જતાં ત્યાં જ મને ખબર પડી કે પુરુષ હોવું એ જન્મની બાબત છે, પરંતુ સજ્જન હોવું એ પસંદગીની બાબત છે. અને પછી પેલેએટિવ કેર એનજીઓ માટે સાથે હોવા છતાં હેલ્પર શોધનારા જેવાં લોકો અને મર્યાદિતજીવન રોગોવાળા લોકોની સંભાળ લીધી, તેમની ઇચ્છાઓ પૂર્ણ કરી. તેમના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન વગેરે પૂરાં પાડ્યાં. અહીંથી જ મેં મૃત્યુ અને જીવન વિશે વધુ પાઠ શીખ્યા કે જે જીવનના સાઈકો સામાજિક પાસાઓ હતા. મેં બચાવેલા પૈસાથી અને મિત્રોની હેલ્પથી, ભયને સ્વીકાર્યા વિનાં, જ્યાં ક્યારેય ન હોવાનું વિચાર્યું હતું ત્યાં એકલાએ મુસાફરી કરી હતી. જેમ કહેવાય છે, વાસ્તવિક શિક્ષણ ચાર દિવાલોની અંદર મળતું નથી એમ હું યાત્રામાં હતો અને સ્વને શિક્ષિત કરતો હતો, અજાણ્યાંને સમજવાની યાત્રામાં હતો. જીવન શું છે? ... કેમ છે? આપણે અહીં? ... શું હું અહીં પૃથ્વી પર એક વ્યક્તિ તરીકે હોઉં તો વાંધો નથી ને?  હેતુ શું છે?  વગેરે. અને એટલે જ મેં મોન્ક બનવાનું અડગ પગલું ભરવાનું વિચાર્યું છે. તું મને સાથ આપીશ? એટલે કે મને ભૂલી જઈને શાલિની, તું તારી જિંદગીમાં આગળ વધીશ? એકી શ્વાસે બોલી જઈને એની આંખોમાં આંખ નાંખી મેં પૂછી જ લીધું. 

અને પાણીનો ગ્લાસ લેવા જેવો હાથ આગળ કર્યો ત્યાંજ શાલિનીએ મારા ગ્લાસ પકડેલા હાથ પર એનો હાથ મૂકી દબાવ્યો. અને એક ઊંડો શ્વાસ લઈને બોલી.. જો ડિયર.. જે થયું એ થયું. મને આઘાત તો લાગ્યો જ છે.. કારણકે મેં વિચાર્યું હતું કે હું અને મારો પ્રેમ તને તારા નિર્ણયથી ડગમગાવીને જ રહીશું. પણ તું એનાથી પર છું. તું વિના સંકોચે તારી જિંદગીમાં આગળ વધી શકે છે. નિયતીમાં લખેલું હોય એ કોણ રોકી શકે. હું તને ભૂલી શકીશ કે નહીં એ તો સમય બતાવશે. પણ હાલ તો આપણે એક એક આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડીએ તો ..? કેવું રહેશે શબ્દ કદાચ એના ગળામાં ડૂમા સ્વરૂપે બાઝી ગયો હશે. તો આ મુલાકાત, આ વળગણ જેને પ્રેમ કહેવો કે નહીં એ દ્વિધા આ બધું કેમ છે એવું જાણે મને એની આંખો પૂછી રહી હતી. અને મેં સજળ આંખે માંગણીને વધાવી. જૂદા થવાનું દુઃખ તો મનેય હતું. પણ એ મારા નિર્ણય આગળ નમતું ન હતું. એટલે જ હું અડગ રહ્યો. કારણ એક જ, મારે જિંદગી એક વ્યક્તિ કે પરિવાર માટે નહીં પણ આખા ય વિશ્વ માટે ખર્ચ કરવી છે. અને સ્વને ઓળખવામાં જીવન પસાર કરવું છે. 

આ બાજુ માંડ આઈસ્ક્રીમ ડૂમા સાથે ગળે ઉતારીને, એક ઉષ્માભર્યું હગ આપીને અમે છૂટાં પડવા જતા હતાં ત્યાં જ શાલિની એ મોબાઈલ કાઢી સેલ્ફી લઈ લીધી. અને બોલી આટલો હક તો તું આપીશ ને મને? મારા અને તારા ફોટોઝ મોબાઈલમાં તો રાખી શકું ને? સજળ નેત્રે દબાતાં સ્વરે માંડ બોલી હોય એમ લાગ્યું. 

મેં માત્ર હા ન કહેતાં શાલિનીનાં ગાલ પર ટપલી મારી કપાળ પર એક વ્હાલભર્યું ચુંબન આપ્યું, કારણ મારો પણ અવાજ જાણે સ્વરપેટીમાંથી નહીં નીકળવાનું વચન લઈને બેસી ગયો. અને મને ફરી એ વીંટળાઈ પડી. દિલમાં કંઈક તૂટવાનો અવાજ આવ્યો.. જાણે કે મારો કોઈ ભ્રમ તૂટી રહ્યો છે. અને મારાં ગાલ પર જાણે મારી જ આંખમાંથી કોઈ ઝાકળ આવી ખર્યું હોય એવી અનુભૂતિ થઈ. 

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance