STORYMIRROR

Shesha Rana(Mankad)

Abstract Tragedy Others

4  

Shesha Rana(Mankad)

Abstract Tragedy Others

સૌભાગ્ય

સૌભાગ્ય

4 mins
221

"જો તો ખરી પેલી આપણી સામેના ઘરમાં જે રહેવા આવી છે, કેવી રીતે ફરે છે, હાથ સાવ બંગડી વગરના અને જોતો ગળું મંગળ સૂત્ર વગરનું એનું ગળું. વર જીવતો છે તોયે વિધવાની જેમ ફરે છે." મારા સાસુ બારીમાં જોતાં જ કહ્યું.

અમારી સામે એક નાનું પરિવાર રહેવા આવેલું. પતિ પત્ની અને સાસુ. ત્રણનો જ પણ સુંદર પરિવાર. ત્રણ મહિનામાં ક્યાંય કોઈ ઝગડો થયો હોય, કે આપસમાં પણ ઊંચા અવાજે બોલ ચાલ થઈ હોય એવું સાંભળ્યું ન હતું.

 ઘર સાવ અમારી સામેનું એટલે આવતાં જતાં અને આંગણામાં કામ કરતાં થોડી ઘણી વાતચીત થઈ જતી. હસમુખી હતી સ્વાતિ, જેને મળે એને ચોક્કસ બોલાવતી. તેનો પહેરવેશ પણ એકદમ સાદો હા, મોર્ડન પણ બોલ્ડ નહિ. મે તેને ક્યારેય પણ ખૂબ તૈયાર થઈને ફરતી નથી જોઈ. તેના હાથ અને ગળું હમેશાં અડવું જોયું હતું.

તેનું આ રીતે સૌભાગ્યના કોઈપણ ચિન્હો વિના ફરવું એ અમારી સોસાયટીના સ્ત્રીઓ ને જ નહિ પણ પુરુષોને પણ ગમતું નહિ. ભલા એક વિવાહિત સ્ત્રીનું અને પતિની હયાતી છતાં આમ રહેવું ખટકવા લાગ્યું હતું. લોકો તેના મોઢે તો નહિ પણ પીઠ પાછળ વાતોની સરસ્વતી વહેવડાવી દેતા.

કોઈ કોઈ તો એના સાસુને સ્વાતિના અડવા હાથ અને ગળા માટે સંભળાવી દેતા, પણ એના સાસુ મજાકમાં વાત ઉડાવી દેતા.

મારા સાસુની બૂમે મને વિચારમાંથી જગાડી મૂકી.

"તને યાદ છે ને આજે સાંજે સોસાયટીમાં ફૂલ કાજળી ઉજવવા બહેનો ભેગા થવાના છે. નાની છોકરીઓને આપવાની ભેટ લઈ લેજે."

બસ હા, નો જવાબ આપી મશીનના જેમ કામ કરતાં કરતાં ફરી પાછું મન સ્વાતિના વિચારે જઈ ચડ્યું. આજે ફૂલ કાજળીના પ્રસંગમાં એ શું પહેરશે કેવી લાગશે. આજે પણ એ અડવી જ આવશે કે શું,? આજનો પ્રસંગમાં કુંવારી કન્યાઓ સારો પતિ મેળવવા અને સ્ત્રીઓ પતિના સુખ સમૃદ્ધિ માટે વ્રત કરતી હોય છે. અમારી સોસાયટીમાં વ્રત કરનાર બાળાઓનું સન્માન કરવા આશીર્વાદ રૂપે ભેટ અપાય છે. જેને જેવી ગમે એવી ભેટ આપે છે, પણ છોકરીઓનો પ્રસંગ એટલે મોટે ભાગે બધાં સજવા સવરવાની જ વસ્તુઓ આપે. મે પણ નકલી નેકલસ અને ચાંદલાઓનો ખજાનો અલગ અલગ ગીફ્ટ પેક કર્યાં હતાં.

કામ કાજ પતાવતાં સાંજ આવી પણ ગઈ. અમે સોસાયટીના ગાર્ડનમાં આવી ગયાં. સ્ત્રીઓ અને બાળકીઓ સજી ધાજીને આવ્યાં હતાં. આ કાર્યક્રમ ખાલી બહેનો અને બાળકીઓ માટે જ હતો. ફળાહાર, ગીતો ગરબા ઉત્સવથી વાતાવરણમાં કલબલાટ મચી ગયો હતો. પણ આ બધામાં હાજર હોવા છતાં પણ મારું મન સ્વાતિના વિચારોમાં ખોવાયેલું હતું. એ સાસુ વહુ આવ્યાં બાળાઓને ભેટ દેવાનું ચાલતું હતું ત્યારે જ આવ્યાં. એકદમ સાદાં પણ નવાં જ સલવાર સૂટમાં, હા એના હાથમાં કે ગાળામાં સિચ્વેશન નહોતી બદલાણી. સુંદર લાગતી હતી. બાળકીઓ માટે ફ્રૂટસ અને પુસ્તકોની મજાની ભેટ લઈ આવી હતી. એને જોઈને હું તો મનોમન બોલી પડી વાહ સુપર !

  પણ, મારા સાસુ ચિડથી મને કોણી મારીને બોલ્યાં જો પેલી અડવી સૌભાગ્યવતી આવી ગઈ અને પછી ભેટ પણ પોતાના જેવી જ લઈ આવી છે. સાવ અક્કલ જ નથી લાગતી કેવા પ્રસંગ પર કેવી ભેટ આપે છે. આજે તો મારે એની સાસુને કહેવું જ છે." આજુ બાજુ બેઠેલાં આધુનિક પહેરવેશ ધરાવતાં બધાં બહેનો એ મારી સાસુની વાતમાં હામી ભરી.

હજી તો મારા સાસુએ પોતાના શુભ ભાવોને વાચા જ આપી હતી ત્યાં સ્વાતિના સાસુ અમારી તરફ જ આવ્યાં, એક ખુરશી બેસવા માટે સરખી કરતાં હતાં ત્યાં ખુરશી તેમના હાથમાંથી છટકી ગઈ. અને મારા સાસુએ સંભળાવવાનો મોકો પકડી લીધો,

"અરે, ગાયત્રીબેન ખુરશી પણ તમારી સ્વાતિ જેવી છે, બેય તમારાથી સચવાતી નથી."

ગાયત્રીબેન નિર્દોષ ભાવે હસી પડ્યા, પણ એમ મારા સાસુ આજે એમને જવા દે એવાં ન હતાં. તે તરત જ બોલ્યાં "ગાયત્રીબેન તમારા દીકરાની વહુ આમ સૌભાગ્યવતી હોવા છતાં વિધવાની જેમ અડવે હાથે અને ગળે રહે એ સારું ન કહેવાય. ન કરે નારાયણ પણ ક્યારેક તમારા દીકરાને કંઈ થઈ જાશે તો માથે હાથ દઈ રોવાનો વારો આવશે, એનું સોભાગ્ય છીનવાઈ જશે. "

ગાયત્રીબેન થોડીવાર આઘાતથી મારી સાસુ સામે જોવા લાગ્યાં, પણ મનમાં જ કશું વિચારી મક્કમ પગલે સ્ટેજ પાસે પહોંચી ગયાં માઈક હાથમાં લઈને બોલવાનું શરૂ કરી દીધું.

  "માફ કરજો પણ મારે થોડા સવાલોની વાત કરવી છે, અહીં ઊભેલી દરેક બહેનને જેમાં કેટલીક સૌભાગ્યવતી છે તો કેટલીક મારા જેવડી સાસુઓ વિધવાઓ છે. મારો આ પ્રસંગ ખરાબ કરવાનો કોઈ ઈરાદો નથી. મારી સ્વાતિ સૌભાગ્યની નિશાનીઓ નથી પહેરતી એ વાત ઘણાં માટે તકલીફજનક છે. અને એનાથી મારા દીકરાને તકલીફ થાશે એ ચિંતા ઘણાને દૂબળાં કરી દે છે. બસ આ બધાં ને મારો એક પ્રશ્ન છે. પરણિત સ્ત્રીઓ સોભગ્યનાં સામાજીક ચિન્હો જેવાં કે, બંગડી અને મંગળસૂત્ર હમેશાં પહેરતી હોય છે તો પણ આપણાં સમાજમાં વિધવાઓ કેમ છે ? આવી સ્ત્રીઓના પતિ તો અમરપટો લખવતા હશે ને ? હું પણ હાથમાં બંગડી અને મંગળસૂત્ર સજાવી ફરતી હતી તો પણ હું વિધવા થઈ. આ સવાલોના જવાબો ચોકસ આપજો હો" થોડીવાર પોતાની વાતનો પડઘો સાંભળવા અટક્યાં પણ ચારેકોર સ્તબ્ધતા ફરી વળી હતી. પછી તેમણે ફરી શરૂઆત કરી.

"અને હા, રહી વાત મારી સ્વાતિની તો એના લગ્નને અગિયાર વર્ષ થઈ ગયાં, હજી મારો દીકરો બરાબર છે, અને ન કરે નારાયણ કંઈ થયું તો પણ વાંક સ્વાતિનો નહિ હોય. એને જેમ રહેવું હોય તેમ રહી શકે છે. બસ ચાલો મારી વાત અહીં પૂરી થઈ પણ મારા પ્રશ્નોનો ચોકસ જવાબ આપજો."

એતો પોતાની વાત પૂરી કરીને પાછાં બાળકોને ભેટ આપવા લાગી ગયાં. જાણે કંઈ બન્યું જ ન હોય. પણ મારી અને મારા સાસુની દુનિયાં જ હલી ગઈ હતી. કારણ અમે બંને દોઢ વર્ષ પહેલાં સજીધજીને રહેતાં, સવારે ઊઠીને સેથો અચૂક પૂરતાં અને મંગળસૂત્ર લટકાવીને રાખતાં. તો પણ એક એક્સીડન્ટ અમને એક સાથે મંગળસૂત્ર વિનાનો બનાવી ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract