શું કહું તને
શું કહું તને
ઘણાં વર્ષો પછી એ બસમાં મળી ગઈ, મારાથી બસ ચાર સીટ આગળ જ હતી. સારું થયું મારી કાર ખરાબ થઈ અને હૂં બસમાં આવ્યો. આજ આટલાં વર્ષો પછી પણ પહેલાં જેવી જ દેખાતી હતી.
બારમાં ધોરણથી મેડિકલ કોલેજમાં સાથે જ હતી. ઇન્ટરશીપ પણ સાથે જ કરી અને હોસ્પિટલ બનાવવાનું સપનું પણ ચાર આંખોથી સાથે જ જોયું. પણ લાલચના આટાપાટા એ સપનાઓના એકજ રસ્તે ડીવાઈડર ઉભું કરી દીધું, મે એની સાદગી સામે રૂપિયાનો ચળકાટ સ્વીકાર્યો, એની સહજતા સામે આડંબર અપનાવી આગળ વધતો રહ્યો.
કોલેજના મિત્રો પાસેથી એની હોસ્પિટલ અને સેવા યજ્ઞની વાતો રોજ મારા કાને આવતી, મનના છાને ખૂણે એને બિરદાવતો, સાચું કહું તો ક્યાંક અદેખાઈના તણખા પણ મનમાં જાગતા, પણ હું લાચાર હતો.
એક ઝાટકા સાથે બસ ઊભી રહી, ઘણા સમય પછી અમારી બસમાંથી ઉતારવાની જગ્યા એક હતી, હું એની નજર બચાવી ઉતર્યો બસ જતી રહી, અને એ મારી સામે આવી ઊભી, એજ સ્મિત સાથે એણે મને પૂછ્યું, "કેમ છો ?"
મારા મનમાં જ હું જવાબ આપી બેઠો "શું કહું તને ?" રોજ રૂપિયાનો ફફડાટ મને મારાથી દૂર લઇ જાય છે. પણ બનાવટી હસતાં મુખે "બસ મજામાં" જ કહી શક્યો. અને ફરી પાછી મારી નજીકથી દૂર જતી જોઈ રહ્યો, બસ જોઈ જ રહ્યો.

