ભયનો પડછાયો
ભયનો પડછાયો
શ્વાસ ઊંડા લેવા પડતા હતા. અવાજ મોઢાંમાંથી બહાર ન આવે એ રીતે. ચૂપ ચાપ દબાતા પગલે અગાસી તરફ ભાગ્યો...
એવો ડરી ગયો હતો કે શું કહું...
વરસાદનાં ફોરાં વચ્ચે તડકો પણ ચમકતો હતો...
અને એમાં ચમકતો હતો મારો પડછાયો. હું ડરી ગયો બસ થોડી સેકન્ડમાં જ એ પડછાયો ગાયબ થઈ ગયો અને તડકો પણ.
મારો પડછાયો ગાયબ થયો એટલે હું ડરી ને ઉભો રહી ગયો.
ત્યાં નીચે દરવાજાનો અવાજ સંભળાયો... હું વધારે ડરી ગયો. સુકાઈ ગયેલા કપડાં અડધાં પલળી ગયેલાં. ફટાફટ દોરી પરથી હાથમાં લઈ પાછો વળ્યો. ત્યાં ફરી પાછો પડછાયો મારો જમીન પર ઉપસી આવ્યો. અને તડકો પણ. હું ડરી ગયો. શું કરવું એ સમજાયું નહિ. કપડાં લઈ નીચે ભાગ્યો.
નીચે એક કડક અવાજ આવ્યો.
"અરે તમે કપડાં લેવામાં કેમ મોડું કર્યું? જુઓ હવે બધાં કપડાં અડધાં ભીનાં થઇ ગયાં.
રૂમમાં અંધારું થઈ ગયું હતું. હું લાઈટ થતાં ફરી ડરી ગયો... જમીન પરની સફેદ ટાઇલ્સમાં મારો પડછાયો જોઈ...
ફટાફટ રૂમમાં દોરી બાંધી કપડાં સુકાવી દીધાં...
ફરી પાછો ડરી ગયો લાઈટ હતી પણ દરવાજે કે જે દીવાલે મારો પડછાયો જ નહિ... ખૂબ ડરી ગયો. પણ પછી સમજાયું. આ પડછાયો તો સામે ઉભેલી દમદાર જીવન સંગીનીમાં ઢંકાઈ ગયો હતો. ચાલો હવે ડરવાની જરૂર નથી. વરસાદનાં ફોરાની શરૂઆતમાં કપડાં ઉપાડી લીધાં હતાં અને રૂમમાં સૂકવી પણ દીધાં હતાં.
ત્યાં ફરી પાછો પડછાયો ધ્રુજી ગયો.
"આમ એક પર એક કપડાં સુકાવાય? ક્યાંથી સુકાય આ કપડાં. તમને કંઈ શીખવી શકાય એમ જ નથી.""
તે કપડાં તરફ આગળ વધી. દીવાલ પર ફરી પડછાયો ડોકાયો અને એ ડરી રહ્યો હતો... ભયના પડછાયાથી...

