શો ઓફ
શો ઓફ
મને અહીં આ ગંધાતી અંધારી ઓરડીમાં પુરવામાં આવ્યો છે. કેટલા દિવસથી અહીં બંધ છું એ મને ખબર નથી, મારું અપહરણ કરવામાં આવ્યું છે, અપહરણ કરનાર ચહેરો છૂપાવવા બુકાની બાધે છે. રોજ બે ટાઈમ જમવાનું આપી જાય છે. મારા પપ્પાને ફોન કરી મને છોડવા ભાવતાલ કરે છે ત્યારે મને મમ્મીનો અવાજ ફોન પર સાભળવા મળી જાય છે. તેણે તો રડી રડીને આંખો લાલ કરી લીધી હશે, બીચારી, મારા માટે કરગરતી હતી. મે એને હંમેશા દુ:ખી કરી છે.
મારું નામ જ્યોત હું તમને મારી વાત એટલે કે અપહરણ કથા કરવા માંગુ છું, એટલે અહીં લખવા બેઠો છું મટિરીયાલિસ્ટિક સમયમાં મારા જેવા યુવાનીના ઉંબરે ઉભેલા કિશોરોને આધુનિક ગેજેટ્સનું ઘેલું માતાપિતાથી પરિવારથી જોજનો દૂર લઈ જાય છે મારું પણ બસ આવું જ છે. મારી સ્કૂલમાં મોટા ભાગના સ્ટુડન્ટ સ્માર્ટ મોબાઇલનો ઉપયોગ કરતા, સ્ટડી માટે ઓછો અને બીન જરૂરી બાબત માટે ઘણો જેને અમે કુલ કહેતા.
પણ મારા માટે ઘરની બહાર આવા ગેજેટ્સ વાપરવાની મનાઈ હતી, મારી મમ્મી માનતી કે આવી બધી વસ્તુઓ દેખાડા માટે નથી. એટલે જ હું ઘરેથી છૂપાવીને બધી વસ્તુઓ સ્કૂલમાં લાવતો આખરે હું એક બિલ્ડરનો દીકરો હતો. હું પણ કુલ હતો. બધા પર ઇમ્પ્રેશન પાડવી હતી ને મને.
પપ્પા એક જાણીતા બિલ્ડર છે,અને મમ્મી પ્રોફેસર, માંગો તે લઈ આપે પણ વાપરવા પર નિયમોનો ભાર મુકવામાં આવે. રોજ સવારના નાસ્તા સાથે સલાહ ફ્રી માં મળતી. હું આ સલાહ ના સંસ્કારથી કંટાળી ગયો હતો. પપ્પા સામે બોલવાની હિંમત નહીં એટલે મમ્મીને સંભળાવી ઝગડી નીકળી જતો, મમ્મી મને સમજાવવાના બધા જ પ્રયત્નો કરતી, એને દુઃખી કરી હું પોતાનું ધાર્યું કરી લેતો, નવી અને મોંઘી વસ્તુઓ લઈ હું સ્કૂલમાં જતો તો મારી આજુબાજુ મિત્રોનું ટોળું વળી જતુ હતું, મને અલગ જ માન મળતું અને મને મારી આ દુનિયા ચમત્કારી લાગતી.
પણ આ મારી ચમત્કારી દુનિયા મારો એક ભ્રમ છે એ મને વહેલું સમજાઈ જવાનું હતું, અમારી શાળામાંથી ટૂર જવાની હતી, બે દિવસ નો પ્લાન હતો સાપુતારા જવાનું હતું. એના માટે 25 હજારની ફી સ્કૂલમાં જમા કરાવવાની હતી. મારા મોટાભાગના મિત્રો જવા માટે તૈયાર હતા, રહેવા માટે સ્કૂલની જ ત્યાંની શાખાની હોસ્ટેલ ફાળવવામાં આવી હતી. મે મારા ઘરે આ વાત જણાવી મારા પપ્પાએ રકમ વધારે છે સ્કૂલ વાળા લૂંટ ચલાવે છે કહી જવાની ના પાડી. મને ખૂબ ગુસ્સો આવ્યો મારા આ કંજૂસ પપ્પાને અમદાવાદથી સાપુતારાના અંતરની પણ ખબર નથી એવું વિચારી હું સમસમીને ચૂપ રહ્યો. હું તો મારું ધાર્યું જ કરવાનો હતો.
બીજા દિવસની સવારે મમ્મીનાં ડ્રોવરમાંથી જેટલી હાથમાં આવી એટલી રકમ, નવું આઈ પેડ, નવી સ્માર્ટ વોચ લઈ સ્કૂલ જતો રહ્યો, ટુરની ફી ચૂકવી સ્કૂલ બંક કરી થોડા મિત્રો સાથે ફરવા નીકળી ગ્યો, મને મારા મિત્રો જીત, મનોજ અને મુકુલ પર ઘણો જ વિશ્વાસ હતો. અમે સ્કૂલમાંથી સીધા જ મોલમાં ફરવા ગયા. જેને જે ખરીદવું હોય તે ખરીદતા હતા. અને હું બધાંને માટે રૂપિયા ખર્ચ કરતો હતો, આજે મારું ખિસ્સું ભરેલું હતું. અમે બધા મૂવી જોવા ગયાં, સારી હોટેલમાં જમ્યાં. આખી સવાર અને સાંજ જુદી જુદી જગ્યાએ ફરતા રહ્યાં. ઘરે મારી ચિંતા કરતાં હશે એવી ખબર હોવા છતાં તેમને મારી કિંમત હવે સમજાઈ હશે એમ વિચારી હું ખુશ થતો હતો.
રાત પડી એટલે હવે ઘરે પાછા ફરવાની ઈચ્છા થઈ. મે મારા મિત્રોને વાત કરી. હોટેલમાં જમીને પોતપોતાના ઘરે જવાનું નક્કી કર્યું. પાછો મે મારો મોબાઈલ સ્વીચ ઓફ રાખ્યો હતો એટલે ઘરે વાત પણ થઈ નહતી. આજે તો ખૂબ મજા આવી એમ વિચારી જમવાનો આનંદ માણ્યો. પછી એક રિક્ષામાં મિત્રો સાથે ઘરે જવા નીકળ્યો, બસ પછીનું મને યાદ નથી.
જ્યારે ભાનમાં આવ્યો ત્યારે આ અવાવરૂ જગ્યા પર હતો. પણ હું હતો ક્યાં ? મારા મિત્રો ક્યાં હતા ? જેવા પ્રશ્નો મને થવા લાગ્યા. અને બીક પણ ખૂબ લાગતી હતી. મને પાછા મમ્મીનાં ડિસિપ્લીનવાળા હાથોમાં સેફ રહેવું હતું, અને હંમેશાં આકરા લાગતા પપ્પાની વાતો હવે સમજાઈ હતી.
દરવાજો ખૂલ્યો અને બુકાનીધારી શખ્સો આવ્યા અને મારી વિચારધારા તૂટી, મને પકડીને ઊભો કર્યો એમાંથી એક બોલ્યો " ચાલ તારા બાપે રોકડા આપી દીધા હવે અમે તને છોડી દઈએ" બધા ખરાબ રીતે હસ્યા મને આ ગમ્યુ નહીં, હું ઘસડાતો એમની સાથે બહાર આવ્યો, ઘણા દિવસે પ્રકાશ જોવા મળ્યો.
કદાચ છેલી વાર જોવા મળતો હતો, એમનો પ્લાન મને આ દુનિયામાંથી વિદાય અપાવવાનો હતો. આ વાત સમજાતાં જ મારું મગજ બહેર મારી ગયું એક ગુંડાના હાથમાંની છરી ને જોઈ હું બેબાકળો બની જોરજોરથી રડવા લાગ્યો. મારી આજુબાજુ ઘણા અવાજો આવતા હતા પણ હું સમજી શકતો નહોતો. પોલીસે આવીને મને બચાવી લીધો પણ એ ક્યારે આવ્યા એ મને ખબર ન પડી, પોલીસને જોઈને જીવમાં જીવ આવ્યો. બધા ગુંડાં પકડાઈ ગયા.
પોલીસ મને પોલીસસ્ટેશન લઈ આવી, મારા માતાપિતાને જોઈ હું દોડ્યો મમ્મી વળગીને રડ્યો ખૂબ રડ્યો, મમ્મી તો મને સાચવી રહી હતી, હિંમત આપતી હતી, "બધું બરાબર થઈ જાશે," હું થોડો બરોબર થયો એટલે પોલીસે મારી પાસેથી બધી જ વિગત જાણી લીધી.
સામે જ મારા મિત્રો લાઈનમાં ઊભા હતા, હું તેમને જોઈને ખુશ થઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર મારા સુધી આ મિત્રોની મદદથી પહોંચ્યા હશે, ઇન્સ્પેક્ટર સરે મારો ભ્રમ તોડ્યો, તેમણે કહ્યું "જ્યોત અમે તારા સુધી આ તારા મિત્રોની મદદથી પહોંચ્યા, અને તે જે આ તકલીફ વેઠી એ આ મિત્રોને જ કારણે. તેઓએ જ તેમના અન્ય સાથીઓ સાથે તને ઉપાડી લીધો હતો. તારી બધી વસ્તુઓ અને બચેલા ૩૦ હજાર રૂપિયા અમે મેળવી લીધા છે. તારા પપ્પા પાસેથી પાંચ લાખની માંગણી કરી હતી " હું તો આ સાંભળી હતપ્રભ થઈ ગયો, મારા વિશ્વાસને એક જબરદસ્ત ધકો લાગ્યો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી અમને જવા દીધાં.
હું મારા ઘરે પહોંચ્યો મમ્મી પપ્પાની માફી માંગી, આજ સમજાણું કે તેઓ જૂના જમાનાની નહીં પણ દેખીતા આધુનિક સમયની સાઈડ ઈફેક્ટ સમજાવતાં હતાં. અને એ હું ઠોકર ખાયને સમજ્યો.
