Dina Vachharajani

Inspirational

4  

Dina Vachharajani

Inspirational

સાથી હાથ બઢાના

સાથી હાથ બઢાના

3 mins
209


કોરોનાના આ બીજા મોજાંએ તો ભલભલાના હાંજા ગગડાવી દીધા હતાં. આ વાયરસે જાણે ઘરે-ઘરે જવાનું નક્કી કરી લીધું હતું. અને આ વખતે તો એ એટલો ચેપી હતો કે ઘરની એક વ્યક્તિને ચેપ લાગ્યો કે બાકીનાં બધાં અરે ! પહેલાં સલામત મનાતા એ યુવાનો અને બાળકો સુધ્ધાંને ઝપટમાં લઈ લેતો. હવે ઘરની બધી જ વ્યક્તિ માંદી હોય તે કોણ કોની ચાકરી કરે ! પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. એકલાં રહેતા પુષ્ષાબેન ટીવી પર અને છાપાંના સમાચારમાં આવું બધું વાંચતાં ને એમને ખૂબ દુ:ખ થતું. પણ પોતે તો આમાં ભગવાનને પ્રાર્થના સિવાય શું કરી શકે ?

એમની સોસાયટી ખૂબ મોટી હતી પાંચ મોટાં -મોટાં બિલાડીંગ અને હરએક બિલ્ડીંગની ત્રણ-ત્રણ વીંગ. આ સોસાયટીનું એક વોટ્સએપ ગ્રુપ પણ ખરું. પંચોતેર વર્ષનાં પુષ્પાબેનને સ્માર્ટ ફોન વાપરતાં આવડતો તે એ પણ એ ગ્રુપમાં મેમ્બર હતાં. એમાં હમણાં રોજ એક-બે ફેમીલી પોઝીટીવ થયાં એવા ખબર આવતાં ને એમનો જીવ બળતો. એમને કેવી રીતે મદદ કરું ? એવો વિચાર એ ભલા જીવને આવતો પણ આ ઉંમરે પોતે માંડ પોતાનું કરતાં ત્યાં બીજા માટે શું કરે ? એવામાં એમના નીચેના ફ્લેટમાં રહેતાં નીમા-નીલય ને એમનાં બે નાનાં બાળકો પોઝીટીવ થયાં. આ નીમા પુષ્પાબેનનો ખૂબ ખ્યાલ રાખતી .લોકડાઉનમાં બહારથી શાક-પાન લાવવું. એમની બાઈ ન આવી હોય તો પોતાની બાઈને મોકલી એમનું કામ કરાવી દેવું અને સાજે-માંદે ખાવાનું પણ દઈ જતી. પુષ્પાબેન કહેતાં તું તો મારી દીકરી જેવી છો.હવે આવી દીકરી જ માંદી હતી.ફોન કર્યો તો ખબર પડી કે એ લોકોને તો ખૂબ અશક્તિ છે.ઉઠીને કંઈ કરી શકે એમ નથી.લીંબુ-પાણી..ફ્રૂટ્સ -ખાખરા પર દિવસો કાઢે છે.એકવાર હોટલથી મંગાવ્યું તે વોચમેન એમના દરવાજે મૂકી ગયો પણ દવાથી બધાના મોઢાં આળા થયેલાં તે તીખું ખાઈ જ ન શક્યા. આ બધું સાંભળી એમને થયું મારે કંઈક તો કરવું જોઈએ. પણ એમની નાજુક તબિયત એમને કંઈ વધારે દિવસ આ મહેનત નહીં કરવા દે અને પોતે તો ફક્ત નીમાને મોકલશે ! બીજા કેટલાયે કુટુંબ અત્યારે પોઝીટીવ છે એમનું શું ? આ માટે તો આખી સોસાયટીએ મળીને તોડ કાઢવો પડે અને એ પણ જલ્દી જ !

એ સાંજે એમણે ઢીલી ખીચડી ને સૂપ જેવું એમની નાજુક તબિયતે બનાવી શકાય એવું ભોજન બનાવ્યું અને વોચમેન સાથે નીમાને મોકલતા હતાં ત્યાં એમને એક આઈડીયા આવ્યો એમણે એ વાનગીઓનાં ફોટા લીધા. વોચમેન ડબ્બા લઈને જતો હોય એવો ફોટો લીધો અને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અપલોડ કરી નીચે લખ્યું.

' ભગવાન, મારા માંદા પડોશીની આ નાનીસી સેવામાં મને તારી પૂજાનો સંતોષ મળ્યો પણ આ સાથે મારી બે પ્રાર્થના પણ સ્વીકારજે.......

આ મારા લાચાર પડોશીને કાલે ભૂખ્યા ન રાખતો અને

ક્યારેય મને આવી લાચાર ન બનાવતો......'

ચાર ચોપડી ભણેલા પુષ્પાબેનને સાયકોલોજીનો સ પણ નહોતો ખબર પણ અનુભવે માણસનાં મનની ઓળખમાં એ જરાય કાચા નહોતાં !

બીજું બધું તો ઠીક પણ એમનાં ' ક્યારેય મને આવી લાચાર ન બનાવતો ' શબ્દોએ લોકોના મનમાં રહેલાં ભય અને વાસ્તવિકતા સમજવાનાં બટનો દબાવી, બધાને વિચારતાં કરી દીધા ....' અરે ! આવું તો આપણી સાથે પણ ક્યારેય થઈ શકે છે ! બલ્કે હાલનાં સંજોગોમાં શક્ય છે કે આપણો પણ વારો આવશે જ ! તો શું કરીશું ?

બસ, આ તો શું કરીશું ?? સવાલે જાદુ કર્યું. અચાનક ઘણીએ સ્ત્રીઓ જાગૃત થઈ ગઈ. કમીટી જાગ્રત થઈ ગઈ અને રાતોરાત સોસાયટીમાં કામ કરવા આવતી બે રસોઈવાળા બેનની મદદથી સોસાયટીના જ ફૂલ કીચન ફેસીલીટી સાથેના રિક્રિએશન -નાની પાર્ટી માટે રાખેલ નાનાં હોલમાં સોસાયટીના કોરોનાગ્રસ્ત કુટુંબો માટે પૌષ્ટિક રસોઈ બની ..ડિઝપોઝેબલ વાસણમાં પેક થઈ પહોંચતી થઈ ગઈ. અને એમને બીજી કોઈ મદદ જેવીકે દવા લાવવી, ડોક્ટરનું માર્ગદર્શન મેળવવું, હોસ્પિટલની માહિતી મેળવવા માટે ' યંગ બ્રીગેડ ' પણ બની ગયું.

હવે સૌને સધિયારો હતો કે આપણે એકલાં નથી, ઘણાં સાથીઓ સાથે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational