સારાશ
સારાશ
"પાવની, રડવાથી કોઈ દુ:ખ દૂર થતું નથી. દુઃખનો તો સામનો કરવાનો હોય. જે તમે હસીને કરો કે રડીને કરો. સુખ અને દુઃખ તો આવતું જ રહેવાનું. જયારે દુઃખ આવે ત્યારે સુખને યાદ કરી લેવું. જેથી દુઃખ ઓછું થઈ જાય." પાવનીનો પતિ કૈવલ્ય પાવનીને આશ્વાસન આપતાં કહી રહ્યો હતો.
"જિંદગીમાં તમે મને એટલું બધું સુખ આપ્યું છે કે હું આ દુ:ખ સહન કરી શકતી નથી. મને વધુ દુઃખ એ બાબતનું છે કે ઘરનું કામ પણ તમારે કરવું પડે છે. હું તો ઊઠી પણ શકતી નથી."
"અત્યાર સુધી ઘરનું બધું કામ તેં જ કર્યું છે. એટલે આખો દિવસ તું કેટલું બધું કામ કરતી હતી એ વાતની હું કદર કરી શકું માટે જ તને બિમારી આવી છે. બીજું કે મહિના પછી તું હરી ફરી શકીશ."
"જયાં પ્રેમ હોય ત્યાં ગણતરી ના હોય.હું ઓફિસનું કામ ઘેર લાવતો હતો ત્યારે તું મને મદદ કરતી હતી. પણ મેં તને ક્યારેય મદદ કરી નથી. દીકરાના જન્મથી લઈને એના લગ્નની તૈયારી હોય કે એને અમેરિકા જવાની તૈયારી બધુંજ તેં સહજતાથી પાર પાડ્યુ છે. "
પરંતુ પાવનીના આંસુ સતતપણે વહેતાં રહેતાં હતાં. ત્યારે કૈવલ્યએ કહ્યું કે દીકરા વહુને અમેરિકાથી બોલાવી લઈએ. પણ પાવનીનો એક જ જવાબ હતો કે એમના આવવાથી હું કંઈ સાજી થઈ જવાની નથી. પછી એમને શા માટે તકલીફ આપવી ?
આ વાત થતી હતી ત્યાં જ ફોનની રિંગ વાગી. દીકરાનું નામ જોતાં જ કૈવલ્ય બોલી ઉઠયો, "પાવની, દીકરા ને બોલાવી લેવો છે ?"
"ના, દીકરા ને તો ખબર પણ પડવી ના જોઈએ કે હું પડી ગઈ છું અને પથારીવશ છું. "
પાવની ઝટપટ આંસુ લૂછતાં બોલી, "મારે વાત કરવી છે."
પાવની એ બને તેટલી સ્વસ્થતા જાળવીને વાત કરી. દર વખતની જેમ રાજીખુશીની વાત કરી.
ત્યારબાદ પાવની ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ એ પહેલીવાર આ રીતે સૂઈ રહી હતી. કયારેક તાવ પણ આવે તો ખીચડી મૂકીને સૂઈ જતી. એ જાણતી હતી કે એના પતિને બહારનું જમવાનું અનુકૂળ નથી આવતું . દીકરાના જન્મ વખતે તો એના સાસુ હતા એટલે બહુ વાંધો ના આવ્યો. કૈવલ્યનું બધું સચવાઈ ગયું. દીકરો માંડ એક વર્ષનો થયો ત્યારે એના સાસુનું અવસાન થયું. દીકરો 'ડે'સ્કૂલમાં હતો. પાવની ઘરમાં બધું જ કામ જાતે જ કરતી. ખરેખર તો એને કામવાળીનું કામ ગમતું ન હતું. કુટુંબ બંને જણાનું મોટું હતું. જયારે કોઈ બિમાર હોય ત્યારે દિવસે દવાખાને રહેવું તથા ટિફિન લઈ જવું. બધા નજીક નજીક રહેતા હતા. કોઈને કંઈ પણ કામ હોય તો સૌ પ્રથમ પાવનીને જ યાદ કરે. કોઈને શોક હોય તો દિવાળીના નાસ્તા કરીને પાવની મૂકી આવતી. બધાની પ્રિય વ્યક્તિ એટલે પાવની. માબાપ કોઈ પણ વાતની ના કહે તો બધા પાવની આન્ટીને સમજાવવા કહેતાં. પાવની બધાને ખૂબ સારી રીતે સમજાવી શકતી.
સાસરી પક્ષ, પિયરપક્ષ હોય કે બંનેમાંથી કોઈનો મોસાળ પક્ષ હોય કે એના ભાઈબહેનો હોય દરેકની મુશ્કેલીઓમાં પાવની હાજર જ હોય. પાવનીને જોતાં જ જાણે કે મુશ્કેલીઓ ગભરાઈને દૂર ભાગી જતી.
પાવની બાથરૂમમાં પડી ગઈ હતી. એનાથી ઉઠાતું ન હતું. એ માનતી કે આટલું મોટુ કુટુંબ બંને પક્ષે છે મહિનો તો આંખો બંધ કરી ને ખોલીશ ત્યાં સુધી મહિનો પુરો થઈ જશે. એની ધારણા પણ સ્વાભાવિક હતી.
પરંતુ દરેક વખતે મનુષ્યની ઈચ્છા કે ધારણા મુજબ કયા કંઈ થાય છે ? કુટુંબમાંથી બધા ખબર જોવા આવતાં. દરેક જણ કહેતુ કંઈ કામ હોય તો કહેજો. કંઈ કરવાનું હોય તો લાવો કરી આપું. પણ ઘરમા કઈ વસ્તુ કયાં મુકી છે એ ઉઠીને એ કયાંથી બતાવી શકે ? ત્યારબાદ રસોડું ધોવું કે વાસણો ધોઈ અને લૂછીને મુકવા એ બધું કોણ કરે ? અત્યાર સુધી બધાની તકલીફમાં એ હાજર થઈ જતી. દિવાળી જેવા તહેવારમાં પણ કોઈ સગાને પાવની યાદ ના આવી. કૈવલ્ય હવે નિવૃત્ત હતો. એ કહેતો, "પાવની, બજારમાંથી ટિફિન લાવીને જમવાની પણ મજા હોય છે. "
"પણ આટલા મોટા કુટુંબમાંથી કોઈ મદદે ના આવ્યું. આખી જિંદગી મેં બધાનું કર્યું. દિવાળીના દિવસોમાં પણ કોઈને આપણે યાદ ના આવ્યા ? "
"પાવની અપેક્ષા એ દુઃખનું મૂળ છે. ઈશ્વર જેમ રાખે તેમ રહેવું."
સાચી વાત છે કે એવું કહેવાય છે કે, "તમે એટલા મીઠા ના બનો કે લોકો તમને ખાઈ જાય અને એટલા કડવા પણ ના બનો કે લોકો તમને થૂંકી કાઢે."
બીજું કે આપણામાં કહેવાય છે કે, "નેકી કર ઓર કૂવે મેં ડાલ" આપણે કોના માટે શું કર્યું એ ભૂલી જવાનું.
અઠવાડિયામાં તો પતિપત્ની બંનેનું વજન ઉતરવા માંડયું. પાવની કહેતી કે તહેવારમાં પણ કોઈનેય આપણે યાદ ના આવ્યા. જયારે હું તો બધાનું કરતી હતી.
"પાવની, તું સ્વેચ્છાએ બધાનું કરતી હતી પછી શા માટે તું અપેક્ષા રાખીને દુઃખી થાય છે ? "
"પાવની... તું બિમાર છું એ મને કાલે જ ખબર પડી. " કહેતાં એની નાનપણની સહેલી શ્ર્લોકા ઘરમાં દાખલ થઈ. પાવની તથા એના પતિ સામે જોતાં બોલી, "બજારમાંથી ટિફિન મંગાવે છે. નાસ્તા બજારમાંથી લાવે છે. હજી તારી બહેનપણી શ્ર્લોકા જીવે છે. આપણે તો કેટલા નજીક રહીએ છીએ ! કાલથી સવાર સાંજ મારી પુત્રવધૂ ટિફિન તથા નાસ્તો આપી જશે. જો તું ના કહીશ તો મને ખરાબ લાગશે. " શ્ર્લોકાના ગયા બાદ કૈવલ્યએ કહ્યું, "પાવની, આપણે જેનું કર્યું હોય એ જ આપણું કરે એ જરૂરી નથી. તમે કરેલા સારા કે ખરાબ કર્મોની નોંધ ઉપરવાળો રાખતો જ હોય છે. ભલે તમે જેને મદદ કરી હોય એ વ્યક્તિ તમને મદદ કરે એ જરૂરી નથી. ઈશ્વર તમે જે સારા કાર્યો કર્યા હોય એનો બદલો કોઈ બીજી વ્યક્તિ દ્વારા આપીને ઈશ્વર તમારી સારાશની નોંધ લેતા જ હોય છે.
