સાચી કેળવણી
સાચી કેળવણી
રામજીભાઈ એક મોટા શહેરમાં રહેતા હતા. પોતે મોટા ઉધોગપતિઓ હતા તેમની પત્ની તેમને ઉદ્યોગમાં મદદ કરતા. તેમને બે સંતાન હતા. વિશાલ અને કેયુર. વિશાલ મોટો અને કેયુર નાનો.
વિશાલ ભણવામાં ખૂબ હોંશિયાર. જયારે કેયુર તેનાથી વિરુદ્ધ એકદમ તોફાની અને ભણવામાં જરાય ધ્યાન ન આપે. તેના મમ્મી પપ્પા નાનપણમાં તો સમજાવતા. પણ મોટો થતો ગયો તેમ તેના માતા-પિતા તરફથી પ્રેમ ઓછો થતો ગયો.
વિશાલને તેઓ ખૂબ લાડકોડથી ઉછેર કરે. જે વસ્તુ જોઈએ તે તરત હાજર. મોબાઈલ નવી નવી વસ્તુઓ. જે વસ્તુ જોઈએ તે લાવી આપે. જયારે કેયુર માટે તો કોઈને પ્રેમ જ નહિ. પરંતુ કેયુરને બાજુમાં રહેતા પડોશી ધ્યાન આપે. તે તેને ખૂબ સારા સંસ્કાર આપે. સત્ય, પ્રામાણિકતા, વડીલોને માન સન્માન વગેરે બાબતો શીખવે.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો. બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. વિશાલને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. જયારે કેયુરે એક નાની દુકાન માંડી. થોડા સમય પછી વિશાલના મેરેજ થઈ ગયા. તેની પત્ની નોકરી કરતી હતી.
જ્યારે કેયુરે એક સામાન્ય ગરીબ કુટુંબની છોકરી સાથે લગ્ન કર્યા.
વિશાલ અને તેની પત્નીને માતા પિતા ભારે પડવા લાગ્યા. તેમણે તેમને કહી દીધું તમે ગામડે જતાં રહો. રામજીભાઈ અને તેની પત્ની ગામડે આવી ગયા. દિવાળીનો તહેવાર આવ્યો. તેમને એમ કે વિશાલ આવશે અને અમને સાથે લઈ જશે. પણ વિશાલ તો આવ્યો જ નહિ.
એક દિવસ આ વાતની જાણ કેયુરને થઈ. તે તેના માતા-પિતાને લેવા આવ્યો કહ્યુ,"ચાલો તમે મારી સાથે રહેજો. તમે આવ્યા એની જાણ મને હમણાં થઈ. માટે લેવા આવવામાં મોડું થયું".
પિતાએ કહ્યું , "બેટા મોડું તારે નહિ, મોડું તો અમારે થઈ ગયું કે અમે સાચી કેળવણી ન આપી શક્યા. "
