સાચ્ચો યુવાન ( બાળ વાર્તા )
સાચ્ચો યુવાન ( બાળ વાર્તા )
આજે ગુલાબભાઈ પીઝાહટમાં એમનાં દીકરાના દીકરા હારે પીઝા ખાતા હતા. આજુબાજુ બધાં ફક્ત ટીનએજર હતાં. બધાં આ દાદા અને પૌત્રને જોતા હતા. અને કાંઇક અંદર અંદર વાત કરીને હસતા હતા. પણ દાદા અને પૌત્ર કોઇને એ વાતથી કાંઇ જ ફરક નહોતો પડતો. બન્ને મજાથી પીઝાની મોજ માણી રહ્યા હતા. અંકિત અને એના દાદા. બસ જાણે એમની જ દુનિયા હતી. તોય દાદા ક્યારેક અંકિતથી છૂપી રીતે આજુબાજુનાં લોકોને જોઇ લેતા પણ અંકિત એટલો ચતુર હતો કે એની નજર પણ દાદાજી પર રહેતી. અને એ બોલતો, "દાદાજી, દુનિયા જાય ખાડામાં. આપણે મજા કરવાની આજુબાજુ જોવાનું નહીં.. અને ગુલાબ ભાઈ પાછા પૌત્ર હારે દુનિયાને ભૂલી જતા.
ત્યાંથી બંને પિકચર જોવા ગયા. ખબર નહીં કયુ હતું પણ અંકિત આજે એમને ઇગ્લીશ પિકચર જોવા લઈ આવ્યો હતો. આ અઠવાડિયાનો એક દિવસનો ક્રમ હતો અંકિતનો. અંકિતે ગુલાબ ભાઈને એસ.એમ.એસ. વાંચતાં લખતાં. મોબાઈલ વાપરતાં, કોમ્પુટર વાપરતાં બધું જ શીખવ્યું હતું.
અંકિતનાં પપ્પા એટલે ગુલાબ ભાઈનો દીકરો મહેશ. ડો. મહેશ.. કે જે મુંબઈનો મોટો હાર્ટ સ્પેસીયાલિસ્ટ કહેવાતો. પણ એને ગુલાબભાઇ સાથે જરા પણ ન જામતું. ગુલાબભાઇનાં પત્ની ઉષાબહેનનાં જીવતા જ એ અલગ રહેવા ચાલ્યો ગયો હતો. અને હાર્ટ સ્પેસીયાલિસ્ટ ડો. મહેશ કામદારનાં મમ્મી હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાં. દીકરાનું અલગ થવાનું દુઃખ એમને ખાઈ જતું હતું. ગુલાબભાઇ પત્નીની તબિયત જોઈને કેટલીકવાર દીકરાને મનાવવા ગયા. પણ દીકરો ન જ માન્યો. અને જ્યારે ઉષાબહેને પોતાનો અંતિમ શ્વાસ લીધો ત્યારે જ ગુલાબભાઈ એ પત્નીની સાથે દીકરાનાં નામનું પણ નાહી લીધું હતું. નક્કી કરી લીધું હતું કે કંઈ પણ થાશે હવે દીકરા સાથે વાત નહી કરું. દીકરાનું મોઢું પણ નહીં જોઉં. પણ અંકિતથી તેઓ દૂર ન રહી શક્યા. રહેવાની કોશિશ બહૂ કરી પણ અંકિતે તો જાણે વ્રત લઈ લીધું હતું દાદાજીને મનાવવાનું. આખરે એની સામે ગુલાબભાઇ હારી ગયા. પણ હજી એમણે મહેશને તો માફ ન જ કર્યો..અંકિત ક્યારેક વાત પણ કાઢે તો પણ ગુલાબ ભાઈ ત્યારે કડક સ્વરે કહી દેતા. "અંકિત જો તે મારી સાથે દોસ્તી કરી છે અને એ દોસ્તીમાં ક્યાંય પણ મહેશ નામનો કોઇ વ્યક્તિ નથી આવતો અને જો તેનું નામ લઈશ તો હું તારી સાથે દોસ્તી તોડી નાંખીશ.." અને પછી અંકિતે કદી એના પપ્પાની વાત ઉચ્ચારી નહોતી. એ અને એના દાદા મજા કરતા.
ગુલાબભાઇને એ દિવસ યાદ આવ્યો જ્યારે એમની પત્નીને ગયે અઢાર વર્ષ થયા હતા. હવે તે ખૂબ જ એકલા થઈ ગયા હતા. મિત્રો હતા પણ એમને કોઇ સાથે વધારે વાત કરવી ગમવી નહી. એમને બે દીકરીઓ અને એક દીકરો હતો. પોતે જ્યારે અઢાર વર્ષનાં હતા ત્યારથી એમણે માવાનું શરૂ કરી નાખ્યું હતું.
કચ્છનાં ભચાઉ ગામમાં રહેતા હતા. એમનાં પપ્પાને લકવાનો હુમલો થયો હતો અને એનાથી નાના બીજા ત્રણ ભાઇ બહેન હતા. અને ઘરમાં સૌથી મોટા ભાઈ તરીકેની જવાબદારી પોતે લઈ લીધી હતી. દિવસ રાત કામ કરીને એ ઘર ચલાવતા હતા. ૨૫ વર્ષની ઉંમરે તેઓ મુંબઈની છોકરી ઉષા સાથે પરણ્યા. એટલે મુંબઇમાં આવવાની જગ્યા એમને મળી. ઉષાનાં પપ્પાને ગુલાબ ભાઈ ની મહેનત કરવાની લગન વિષે જાણ હતી..એટલે એમણે એમને મુબંઇમાં કસ્ટમમાં કામ અપાવી દીધુ. અને પછી ક્યારેય ગુલાબભાઇ પગ વાળીને બેઠા નહીં. બધા ભાઈ બહેનોને એક એક કરીને કામે લગાડ્યા, પરણાવ્યા એમની વચ્ચે એમને ત્રણ સંતાન થયા. પછી એ બાળકોને સારામાં સારુ શિક્ષણ મળે બસ એ જ લગન. કારણકે પોતે ભણી નહોતા શક્યા. પોતે કોલેજમાં જઈ નહોતા શક્યા. પોતાના મિત્રોએ જે મજા કરી હતી એ એમણે માણી નહોતી એટલે એ દીકરા દીકરીઓને કદી કોઇ વાતેના ન પાડતા. એમનો એક જ કાયદો હતો જ્યા હો ત્યાંથી રાતના દસ વાગે ઘરે આવી જવું.
દીકરીઓ એમ.બી.એ. થઈ અને દીકરાને ડોક્ટર બનાવ્યો. દીકરીઓને બંનેને ભણાવીને પરણાવી. બંને અમેરીકામાં સેટલ થઈ ગઈ. દીકરાને બસ ત્યાં જવાનો મોકો મળ્યો ત્યારે ગુલાબ ભાઈ એ હા ન જ પાડી, "ના તારે ભારતમાં જ રહેવાનું છે. બધાં આમ જ પોતાનો દેશ છોડીને ખાલી પૈસા કમાવા ત્યાં જતા રહેશો તો આ દેશનું શું થશે? આ એમની જીદ જ દીકરાને દૂર કરવાનું કારણ બન્યું. બે મોકા મહેશને મળ્યાં પણ બંને વખતે એમણે ના જ પાડી. અને જ્યારે મહેશ હાર્ટ સ્પેસીયાલિસ્ટ થઈ ગયો ત્યારે એણે નક્કી કરી લીધુ કે એ ભેગો નહી રહે. એનું કહેવું હતુ કે મારે મારું જીવન મારી રીતે જીવવું છે. લગ્ન થઇ ગયાં હતાં.
એક દીકરો થઈ ગયો હતો. જે હાથ જલો થઈ ગયો હતો. હવે એને એનાં માતા પિતાની જરુરત નહોતી. એ એને એનાં માતાપિતા આડા આવતાં હતાં. કેટકેટલુ મનાવ્યું પણ આખરે એ અલગ થઈને જ રહ્યો. પછી પણ ક્યાં કોઇ કોશિશ ઉષાબહેને બાકી રાખી હતી. પોતે એને ના પણ ક્યાં પાડતા હતા. પણ મહેશ ન જ માન્યો. આખરે ઉષાબહેન મૃત્યુ પામ્યાં. અને ત્યારે મહેશ આવ્યો ત્યારે ગુલાબભાઈએ એને કાંઇ કરવા ન દીધું.
પણ અચાનક એ દિવસે અંકિત ઘરે આવ્યો અને કહેવા લાગ્યો. "દાદાજી મારા દોસ્ત બનશો? પહેલા તો એમણે કાંઇ જ જવાબ ન આપ્યોં. પણ અંકિત જેનું નામ, જગ્યા પરથી ચાર કલાક ન ખસક્યોં. બસ એક જ વાત." પપ્પાને મૂકો એક બાજુ, મારા દોસ્ત બનશો કે નહીં એ કહો? અને આખરે એમણે માનવું પડ્યું હતું અને એ દિવસથી અંકિતનો દર અઠવાડીયાનો એક દિવસ દાદાજી સાથે વિતાવતો. રોજ કોલેજથી વળતા હાય બાય કરી જતો. ત્યાં એણે એક દિવસ કહ્યું, "શું તમે દાદાજી ક્યાંય બહાર આવતા જતા નથી? ક્યાંય હોટલમાં જમવા નથી જતા. પિકચર જોવા નથી જતા. કાંઇક તો કરો. કેટલા બોરીંગ છો તમે.."
એક દિવસ અચાનક મોબાઇલ લઈ આવ્યો અને કહે, "આ લ્યો આ તમારી હારે જ રાખવાનો.. અને હા આ પપ્પાના પૈસાનો નથી... મારી કમાણીનો છે... એટલે ચૂપચાપ રાખી લેજો." કાંઇ પણ બોલ્યા વગર." દાદાજીએ મોબાઇલ શીખવા માંડ્યો. એકદમ આવડી ગયો. ત્યાં એક દિવસ અંકિત પિકચરની ટિકીટ ઉપાડી આવ્યોં. અને કહે, "તૈયાર થાવ આપણે પિકચર જોવા જવાનું છે..." કેટલી ના પાડી છતાં પણ અંકિત ન જ માન્યો એના જીવનનો એક જ ફંડા હતો, "આપણી માટે કોણ જીવે છે કે આપણે બધાનું વિચારીને જીવવાનું?" કેટલીયે વાર એમને શરમ આવતી. જ્યારે અંકિતની ઉંમરનાં એમને જોઈને હસતા. પણ અંકિત એમને પણ કાંઇ ન કહેતો. એ દાદાજીને કહેતો, "દાદાજી દુનિયા જાય ખાડામાં... આપણે મજા કરવાની આજુબાજુ જોવાનું નહી." અને હવે તો ગુલાબ ભાઈને પણ ફરક નહોતો પડતો. એમને એમ થવા લાગ્યું હતું. જાણે એ પચ્ચીસ વર્ષ પાછા નાના થઈ ગયા હતા.. પાછા જીવી ઉઠ્યા હતા. એમને એમ થાતું કે કેટલીયે વાર તેઓ આ પીઝાની હોટલ પાસેથી નીકળતા હતા ..એમને વિચાર પણ આવતો હતો કે આમા શું મળતુ હશે કે બધા જુવાનીયા જ આમા જાય છે..અને આજે એ ક્ષણ આવી હતી કે એ પોતે એમાં જઈને બેસતા અને ખાતા હતા..એકવાર મહેશ આવ્યો પણ હતો અને આવીને કહ્યુ પણ હતુ કે " પપ્પા જ્યારે મારા બાળકે મારી સામે જવાબ આપ્યો ત્યારે મને ખબર પડી કે માતા પિતાને કેટલું દુ:ખ થાય જ્યારે બાળકો સામા થાય મને માફ કરી દ્યોં." પણ ઉષાબહેનની પીડા તેઓ ભૂલી નહોતા શક્તા.. એમણે મહેશને કાંઇ જ ન કહ્યું. પોતે જ પોતાનાં ઘરમાંથી બહાર જતા રહ્યા. પછી મહેશ ન આવ્યોં..પણ અંકિતે દોસ્તી કરીને પોતાને જીતી લીધો હતો..ક્યારેક એ મસ્તીમાં કહેતો" એ ગુલાબ અપને સાથ મસ્તી નહી હો.. જૈસા મૈ બોલતા હું વૈસા કરનેકા.." અને ગુલાબભાઇ દિલ ખોલીને હસી પડતા.
બંને પિકચર જોઇને ઘરે જવાના રસ્તા પર ચાલતા હતા..વાતો કરતા હતા. ત્યાં અંકિતનો બે દોસ્ત મળ્યાં.એક સાથે અંકિત વાત કરતો હતો. બીજા સાથે નહોતો કરતો. ગુલાબભાઈ બધું જોતા હતા. ત્યાં જેની સાથે અંકિત વાત કરતો હતો એ દોસ્ત બોલ્યો, "અંકિત યાર ભુલ જા ના સબ.. અબ દોસ્તી કર લે ના ઉસસે વાપસ.. કિતને દિન ચલેગા તુમ દોનો કા નાટક.." ત્યારે ગુલાબભાઈને ખબર પડી કે બીજા દોસ્ત સાથે અંકિતના અબોલા હતા.. ત્યાં અંકિત બોલ્યો, "દેખ યાર મૈને તો ઉસે ચાર બાર મોબાઇલ કીયા પર વો મેરા ફોન હી નહીં ઉઠાતા.. મુજે તો યે નહી બોલના પંસદ હી નહીં... પૂછ ઉસે.." અને હજી એ દોસ્ત બોલાવે ત્યાં તો અંકિતે જ બૂમ પાડી, "એ નીલી ઇધર આ... બતા ઇસે મૈને તુજે ફોન કીયા થા કી નહીં..?" અને હજી એ કાંઇ બોલે એની પહેલા તો અંકિતે એને ગળે લગાડી દીધો... વાતાવરણ આખું જાણે ભાવ ભર્યુ થઈ ગયું.. અને કોઇ દેખાડતું ન હતું પણ બધાના હ્ર્દયમાં હર્ષનાં આંસુ હતા.. બધા રાજી થઈને અલગ થયા.. પાછા ગુલાબભાઇ અને અંકિત ચાલવા લાગ્યા.. ગુલાબભાઇએ અંકિતને પૂછ્યું, "શું થયું હતુ તમારે વચ્ચે?"
અંકિતે કહ્યું, "અરે દોસ્ત, એ અમારા ક્લાસની છોકરીની મસ્તી કરતો હતો તો મે એને ટોક્યો કે આમ ન કર.. તો એણે મને એટલું માર્યુ કે મારે છ ટાંકા લેવા પડ્યા હતા.."
ગુલાબ ભાઈએ કહ્યું, "તોય તે એને ફોન કર્યાં..?"
અંકિતે હસતાં હસતાં કહ્યું, "દાદાજી, પહેલ કોઇકે તો કરવી જ પડેને.. અને હું આજના જમાનાનો યુવાન છું. જો હું આવું બધું કરીશ તો મારે ન બોલવાવાળાઓનું લિસ્ટ લાંબુ થતુ જશે... મારું માનવું છે કે આજનાં યુવાનોમાં કોઇ પણ રીતની નફરત હોવી જ ન જોઇયે. બધા માટે ખાલી પ્રેમ અને આત્મભાવ હોવો જોઇયે. એટલે મે ફોન કર્યાં."
ગુલાબભાઇ વિચારમાં પડી ગયા... થોડી વાર ચાલ્યા પછી એમણે અંકિતને કહ્યું, "તારા બાપને ફોન લગાડીને પૂછ એ ક્યાં છે? મારે એને મળવું છે. હું પણ તારો દોસ્ત છું. હું પણ સામેથી જઈશ એને મળવા."
અને હવે અંકિત દાદાજે ને ભેટીને રડી પડ્યો. "હા, દાદાજી હવે તમે મારા સાચ્ચા દોસ્ત અને આજના સાચ્ચા યુવાન.."
અને ગુલાબ ભાઈને પોતાનાં યુવાન થવા પર ગર્વ થવા લાગ્યો..કે યુવાન શરીરથી નહી પણ મનથી થવાય છે... અને સાથે વિચારતા હતા કે અંકિત તું જ આજનો સાચ્ચો યુવાન છો કે તે જે કામ માટે મારી હારે દોસ્તી કરી હતી એ કામ તારું આજે પૂરું થયું. જો બધા યુવાનો તારા જેવા થઇ જાય તો આ દેશમાં નહીં પણ આ દુનિયામાં ક્યાંય અબોલા અને નફરત રહે જ નહી..
