nayana Shah

Inspirational

4.0  

nayana Shah

Inspirational

સાૈંદર્ય

સાૈંદર્ય

7 mins
804


વિધિ ઘણા વિચારોમાં પડી ગઈ હતી. મનુષ્ય ભલેને હજારો માઈલ દૂર રહેતો હોય છતાં પણ સામેની વ્યક્તિ વાત કરે એ ઉપરથી ખ્યાલ આવી જાય કે એના અવાજમાં ઉમળકો છે કે નહીં. અવાજમાં ઉત્સાહ છે કે નિરાશા છે. વિધિની વાત જ જુદી હતી. અજાણી વ્યક્તિ જોડે પણ થોડીવાર વાત કરે તો એના બોલવા ઉપરથી એના સ્વભાવની ખબર પડી જાય. એટલે તો અમેરિકા જેવા દેશમાં પણ એ ક્યારેય કોઈથી છેતરાતી નહીં. પણ આ વખતની વાત જુદી હતી. અને એથી જ એના મનમાં જાતજાતના વિચારો આવતા હતા. શાશ્વતી તો એની નાનપણની બહેનપણી હતી. એમની મિત્રતા વિશે તો એવું કહેવાતું કે, "તન જુદા છે પણ મન એક જ છે. "અરે આ બંને બહેનપણીઓ એટલે પક્ષીની બે પાંખો. જ્યાં જાય ત્યાં જોડે જ હોય તેથી કહેવાતું કે, "પક્ષી એક પાંખે ના ઊડે." કોલેજમાં બંને માટે આ જ વાક્ય વપરાતું.

વિધિને હતું કે શાસ્વતીને હું આશ્ચર્યચકિત કરી દઈશ. ભારતમાં જઈ કંઈ પણ કહ્યા વગર હું એની સામે ઊભી રહીશ. શાશ્વતીને એની આંખો પર વિશ્વાસ જ નહીં આવે કે હું આવી છું. 

 વિધિ અને શાશ્વતીના લગ્ન થોડા થોડા અંતરે જ થયેલા. વિધિ લગ્ન બાદ અમેરિકા એના પતિ સાથે સ્થાયી થવાની હતી. વિધિનો પતિ સ્વભાવે હસમુખો હતો. શાશ્વતીના લગ્નમાં એ જ્યારે ગઈ ત્યારે લાગતું હતું કે એના સાસરીયા જે રીતે વાતો કરે છે એ રીતે બધાને સહેલાઈથી આંજી શકે છે. સામેની વ્યક્તિને પ્રભાવિત કરી દે એવું બોલવાની જાણે એમને જન્મજાત આવડત ના હોય ! પણ આ વિધિ હતી. એ કોઈથી ક્યારેય અંજાઈ જાય એવી ન હતી. એ તો શાશ્વતીના પ્રેમમાં પૂરેપૂરી ભીંજાઈ ગઈ હતી. શાશ્વતીમાં માત્રને માત્ર પ્રેમથી બીજાને ભીંજવી દેવાની આવડત હતી.

શાશ્વતી ક્યારેય ગુસ્સો કરતી નહીં. તેથી વિધિ ઘણીવાર કહેતી, "શાશ્વતી, તારા મગજમાં બરફનું કારખાનું છે. તારી મીઠી મીઠી વાતો સાંભળી ગમે છે. ત્યારે લાગે છે કે તારા મોંમા ખાંડનું કારખાનું છે. તું તો જાણે બબ્બે કારખાનાની માલિક હોય એવું જ લાગે." 

શાશ્વતી કહેતી," વિધિ, મનુષ્યની કિંમત પૈસાથી નહીં, એના સ્વભાવથી થાય છે. મૃત્યુ બાદ લોકો એ વ્યક્તિ પાસે કેટલા પૈસા હતો એ યાદ નહીં કરે, પરંતુ હંમેશા એનો પ્રેમાળ સ્વભાવ યાદ કરશે." 

પરંતુ એને અમેરિકાથી શાશ્વતીને ફોન કર્યો ત્યારે શાશ્વતીના બોલવામાં ઉમંગ ન હતો. જાણે શાશ્વતી નહીં કોઈ બીજું જ બોલી રહ્યું છે.એની વાતોમાં ઉષ્માનો સતત અભાવ હતો. વાતો બિલકુલ ઔપચારિક કરતી હતી. 

એની દીકરી કોલેજમાં હતી. દીકરો એન્જીનીયર થઈ ચૂક્યો હતો. બધી રીતે શાશ્વતી સુખી હતી. એનો પતિ ઓછાબોલો હતો. જો કે શાશ્વતીના કહેવા પ્રમાણે તેના પતિનો સ્વભાવ ઘણો સારો હતો. પતિ એકનાે એક હતો. તેથી મા-બાપ પણ દીકરા વહુ સાથે રહેતા હતા. શાશ્વતીથી કાેઈને મન દુઃખ થાય એ શક્ય જ ન હતું. પરંતુ હંમેશા ઉત્સાહિત રહેતી શાશ્વતી હૃદયના ઉમળકા વગર વાત કરે અને તે પણ તેની ખાસ મિત્ર વિધિ સાથે એ વાત જ દુઃખદ હતી. 

જો કે વિધિ એ પૂછ્યું કે, " તારી દીકરી ઘરમાં નથી ? તારો દીકરો મઝામાં, ત્યારે માત્ર એટલું જ બોલી, 'હા'. વિધિ જ્યારે ભારત આવી ત્યારે એ શાશ્વતીની બાબતમાં ચિંતિત હતી.જ્યારે એ શાશ્વતીના ઘરે પહોંચી ત્યારે શાશ્વતી સોફા પર બેસી રહી હતી. એના સસરા છાપું વાંચી રહ્યા હતા. આ સમયે શાશ્વતી સોફા ઉપર સૂનમૂન બેસી રહે એ વાત વિધિના માન્યામાં આવતી ન હતી. વિધિ ઉમળકાભેર શાશ્વતીને ભેટવા ગઈ ત્યારે શાશ્વતી બે ડગલા દૂર ખસીને બે હાથ જોડી 'જયશ્રીકૃષ્ણ' કહ્યાં. આંખોમાં ન તો આવકાર હતો કે ન તો કરુણભાવ. બિલકુલ સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં એ હતી. વિધિની આંખોમાં આંસુ આવી ગયા. મનમાં થયું કે હું કોઈ અજાણી વ્યક્તિને મળી રહી છું. આ શાશ્વતી હોઈ જ ના શકે. 

એટલી વારમાં જ શાશ્વતિના સસરાએ બૂમ પાડી," સવિતાબેન, ચાની કેટલી વાર છે ? ચા- નાસ્તો આપી જાવ. હું ક્યારનો રાહ જોઉં છું. "વિધિ શાશ્વતીની સામે જોતાં બોલી, " આ સવિતાબેન કોણ છે ? "એ તો અમારી રસોઈયણ બાઈ છે. શાશ્વતી અત્યંત ધીમા અવાજે બોલી. શાશ્વતી કાયમ રસોઈ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનનારી એ રસોઈયણના હાથની રસોઈ જમે એ વાત વિધિના મનમાં ઊતરતી જ ન હતી. શાશ્વતીના ઘરમાં આવ્યા બાદ વિધિને એક પછી એક આશ્ચર્યના ઝટકા લાગતા ગયા. વિધિ સ્તબ્ધ બની ગઈ હતી. કોઈ અજાણી વ્યક્તિના ઘરમાં આવી જાણે એ અજાણી વ્યક્તિ જોડે વાત કરી રહી હોય એવું લાગવા માંડ્યું હતું.

થોડી જ વારમાં સવિતાબેન ચા- નાસ્તો લેઈ શાશ્વતી પાસે આવ્યા ત્યારે શાશ્વતીએ કહ્યું, " એક કપ ચા વધારે લાવજો અને સાથે બીજો નાસ્તો પણ લાવજો. " 

વિધિ સાંભળી રહી. એની રસાેઈવાળી બાઈએ વિધિને જોઈ હતી છતાં પણ એક કપ ચા લાવી હતી. શાશ્વતીએ જાતે ઊઠીને એને પાણીનો ગ્લાસ પણ પીવા આપ્યો હોત તો એ વિધિને મન અમૃત હોત. પણ ભાવશૂન્ય સખી અને રાંધનારી બાઈના હાથના ચા-નાસ્તા કરતા ભૂખ્યા રહેવું સારું એવો ભાવ એના મનમાં ઉઠ્યો હતો. મનમાં થતું હતું કે આવા ભારેખમ વાતાવરણથી છુટકારો મળે તો સારું. 

વિધિએ એનું પાકીટ ખોલી એમાંથી બદામ, પિસ્તા કાઢ્યા. બંને બાળકો માટે ચોકલેટાે કાઢી અને શાશ્વતી તરફ હાથ લંબાવ્યો કે શાશ્વતીએ બૂમ પાડી, " સવિતાબેન, આ બધું લઈને ઠેકાણે મૂકજાે. વિધિનું અંતર કકળી ઊઠયું. પોતે લાવેલી વસ્તુઓ હાથમાં લેવા પણ શાશ્વતી તૈયાર ન હતી. અત્યાર સુધી તો શાશ્વતી કહેતી, " વિધિ, તું આવે છે એ જ મારે માટે બહુ છે. વસ્તુ આપીને પ્રેમનું પ્રદર્શન કરવાની જરૂર નથી. હૃદય નાે ઉમળકો એ જ મુખ્ય છે.તારી એલચીના દાણાથી સુવાસથી પણ અત્યંત સુગંધિત આપણી મૈત્રી છે. એની તોલે આવી તુચ્છ વસ્તુ ના આવે. આજે એ કોઈ વાતનો વિરોધ પણ કરતી નથી.કોઈ અરે એને જ્યારે ચોકલેટાે આપે ત્યારે હસતાં હસતાં કહેતી," વિધિ, આ ચોકટોની મીઠાશ આપણી મિત્રતાની મીઠાશ આગળ ફિક્કી લાગે." 

એની વાત સાથે વાત કરવાના ઈરાદાથી વિધિએ પૂછ્યું, "તારા બાળકો અને પતિ ક્યાં છે ? શાશ્વતી સપાટભાવે બોલી, " પતિ યોગામાં ગયા છે, દીકરો જિમમાં ગયો છે અને દીકરી કોલેજ ગઈ છે. માત્ર વિધિ જે સવાલ પૂછે એનો જ જવાબ આપતી. શાશ્વતી સાથે વધુ વાર બેસતા ગુગળામણ થશે એવું લાગતાં જ વિધિ બોલી, " શાશ્વતી હવે હું જાઉં છું."વિધિ ઊઠી છતાં પણ શાશ્વતી એને બેસવા આગ્રહ ના કર્યો. વિધિ ઊઠીને જવા લાગી ત્યારે શાશ્વતીએ જોયું કે વિધિની આંખમાં આંસુ છે. પ્રિય સખીની આંખમાં આંસુ જોતાં એની આંખમાં પણ આંસુ આવી ગયા. બોલી, " વિધિ મારા વર્તન બદલ તને ખૂબ દુઃખ થયું છે એ હું સમજી શકું છું. પણ મને મારું આ વર્તન દેખાય છે પરંતુ તને દેખાય છે કે મારા શરીર પર સફેદ દાગ છે. શાશ્વતીનું વાક્ય પૂરું થયું એ સાથે જ વિધિની નજર શાશ્વતી તરફ ગઈ. અત્યાર સુધી શાશ્વતીના હૃદયનું સૌંદર્ય જોવા ટેવાયેલી વિધિની નજર શાશ્વતીના સફેદ દાગ પર પડી જ ન હતી.

વિધિએ આંખમાં આંસુ સાથે કહ્યું, " શાશ્વતી હું તારી મિત્ર છું. હું ગાડી નથી કે ચામડી સામે જોવું. " કહેતાં વિધિ જોરથી શાશ્વતીને ભેટી પડી. શાશ્વતી સ્તબ્ધ થઈ ગઈ. એકાએક જાણે મુશળધાર વરસાદ પડયાે હોય એમ શાશ્વતી પણ વિધિને વળગી પડી. બોલી, "આજે વર્ષો પછી કોઈએ મારો સ્પર્શ કર્યો છે. વિધિ તું નહીં માને મારા બાળકો, પતિ કે મારા સસરા પણ મારા હાથનું પાણી પીવા તૈયાર નથી. મારા જ ઘરમાં હું અછુત બનીને રહું છું. હું તો બાળપણથી તને ઓળખું છું. જ્યારે મારી રસોઈવાળી બાઈએ તને ચા- નાસ્તો આપ્યો ત્યારે કડવી દવાની જેમ તે ચા - નાસ્તો કરેલાે. એ વાત મારા ધ્યાન બહાર ન હતી. વિધિ હું ખરેખર મજબૂર છું. મારી જિંદગીમાંથી રસકસ ઊડી ગયો છે." 

" શાશ્વતી તું આવા વિચારો કરવાનું છોડી દે. ખરેખર તો તારા ઘરના બધાને બાહ્ય સૌંદર્ય જોઈએ છે. કોઈ હૃદયનું સૌંદર્ય જોતું નથી. અને રસોઈવાળી રસોઈ કરે છે એટલે એ માત્ર પૈસાનો વિચાર કરે છે. રસોઈ કરતી વખતે પણ વિચારતી હોય છે કે હજી મારે બીજા બે ઘેર જઈને રસોઈ કરવાની છે. રસોઈ વાળી બાઈ માત્ર ધંધાકીય વિચારસરણી ધરાવતી હોય છે. જ્યારે શાશ્વતી, આપણા ઘરોમાં તો વર્ષોથી નિયમ છે કે પ્રભુ સ્તુતિ કરતાં કરતાં જ રસોઈ બનાવવાની. એ રસોઈમાં મીઠાશ હોય, એક ભાવ હોય અને રસોઈ કરનારના વિચારોની અસર પણ આની પર પડે છે. એવું આપણા ચુસ્ત વિચારસરણી ધરાવતા ઘરોમાં માનવામાં આવે છે." વિધિ થોડી વાર બોલતાં બોલતાં અટકી. શાશ્વતી ચોધાર આંસુએ રડી રહી હતી. એની લાગણીઓને માત્ર એક જ વ્યક્તિ સમજી શકી હતી. બાકી પોતાના હાડમાંસમાંથી ઉત્પન્ન થયેલા બાળકો પણ એમની માનું ભીતરનું સૌંદર્ય કયાં જોઈ શકયા છે ? 

વિધિ બાેલી રહી હતી. "શાશ્વતી, જે લોકો સંસ્કાર કે હૃદયનું સૌન્દર્ય જોઈ શકતા નથી એના માટે દુઃખ કરવાનું જ ના હોય. હું તારી સાથે બેઠી તો પણ મારું ધ્યાન તારા શરીર તરફ ન હતું. શાશ્વતી, મને વચન આપ કે હવેથી તું ખુશ જ રહીશ અને હૃદયના સંસ્કારને સૌંદર્ય ભીતર પડેલું છે એનો જ વિચાર કરીશ." વિધિ વાક્ય પૂરું થતા શાશ્વતી બોલી, " હવેથી એમ જ થશે. " એટલું બોલતાં શાશ્વતીના મોં પર સંતોષ હતો. 

વિધિ કહી રહી હતી કે ખરેખર તો કેટલાય ઘરોમાં ઝઘડાખોર વહુઓ હોય છે. વહુઓને ત્રાસ આપનારી સાસુઓ હોય છે. તો એવાનું બનાવેલું ભોજન ના ખાવું જોઈએ. કેટલી રૂપાળી સ્ત્રીઓ આડા ધંધા કરતી હોય છે. તો શું એ માત્ર એના સૌંદર્ય લીધે સમાજમાં સારી કહેવાશે ? શાશ્વતી, તું હંમેશ એક વાત યાદ રાખ જે કે કોઈનાય દિલને મીઠા બે શબ્દો બોલી પહોંચાડનાર વ્યક્તિ સૌંદર્યવાન છે,નહીં કે કોઈની સાથે ઝઘડો કરનાર વ્યક્તિ સૌંદર્યવાન હોવાથી સારી થઈ જાય.

 વિધિની ટેક્ષી ચાલુ થઈ ત્યારે શાશ્વતીના મોં પર પરમ સંતોષ હતો. કારણ આજે એને સૌંદર્યનો અર્થ સમજાઈ ગયો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational