PRAVIN MAKWANA

Inspirational Children

3  

PRAVIN MAKWANA

Inspirational Children

રોબર્ટ ગોડાર્ડ : મૃત્યુ પછી માનપાન

રોબર્ટ ગોડાર્ડ : મૃત્યુ પછી માનપાન

4 mins
266


૧૯૧૪ના વર્ષમાં અમેરિકાની ક્લર્ક યુનિવર્સિટીના એક પ્રોફેસરે કેટલાંક સંશોધનોના અંતે એક લેખ લખ્યો. એ લેખ અમેરિકાની જાણીતી સ્મિથ સોનિયન કંપનીના મેગેઝિનમાં છપાયો. આવા લેખોની એ સમયમાં બહુ નોંધ લેવાતી નહોતી, પણ સ્મિથ સોનિયન કંપનીના પ્રચાર અધિકારીએ એ લેખ વાંચ્યો અને તેઓ ચમકી ગયા. તેમને એ લેખ ક્રાંતિકારી લાગ્યો. એ લેખનું શીર્ષક હતું ‘અવકાશી ઉડ્ડયન પદ્ધતિ’. ક્લર્ક યુનિવર્સિટીના પ્રોફેસરે એ લેખમાં શૂન્યાવકાશમાં ગતિ કરનારા રોકેટની કલ્પના કરી હતી અને અવકાશી ઉડ્ડયન સિદ્ધાંતના આધારે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે અવકાશી ઉડ્ડયન માટે તેમણે કલ્પના કરેલી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે તો પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર રોકેટ મોકલી શકાય.

સ્મિથ સોનિયન કંપનીના પ્રચાર અધિકારીને એ લેખ અત્યંત રોમાંચક અને દૂરોગામી અસરવાળો લાગ્યો એટલે તેમણે એ લેખની કોપી અમેરિકાનાં જાણીતાં અખબારોના તંત્રીઓને મોકલી આપી. અખબારોના તંત્રીઓએ એ લેખની માહિતીને બહોળી પ્રસિદ્ધિ આપી, પણ નેગેટિવ રીતે. કેટલાંક અમેરિકન અખબારોના તંત્રીઓએ ક્લર્ક યુનિવર્સિટીના તે પ્રોફેસરને પડકાર ફેંકતા તંત્રીલેખો પણ ઘસડી કાઢ્યા.

અમેરિકન અખબારોના મોટા ભાગના તંત્રીઓએ ક્લર્ક યુનિવર્સિટીના પ્રોફેસર કમ વૈજ્ઞાનિકને સલાહ આપી કે ભલા માણસ, તું વૈજ્ઞાનિક બનવાના ધખારા છોડીને વિદ્યાર્થીઓને ભણાવવામાં ધ્યાન આપ. એક અખબારના તંત્રીએ તો તે પ્રોફેસરની ઝાટકણી કાઢતો તંત્રીલેખ લખ્યો: ‘જુલ વર્ને પોતાના પુસ્તક ‘ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન’માં ભૂલ કરી છે એ જ ભૂલ આ પ્રોફેસરે કરી છે. શૂન્યાવકાશમાં રોકેટ પોતાનો માર્ગ કરી લેશે એમ માની લેવામાં કર્ક યુનિવર્સિટીના પ્રોફેસરે આંધળૂકિયું કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, કેમ કે નાનું બાળક પણ સમજી શકે એમ છે કે રોકેટ એન્જિનને આગળ ધપાવવા માટે વાતાવરણની જરૂર પડે છે.

પત્રકારો તે પ્રોફેસર કમ વૈજ્ઞાનિક પર એવી રીતે તૂટી પડ્યા હતા કે તેણે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય. તે પ્રોફેસર કમ વૈજ્ઞાનિક રોબર્ટ ગોડાર્ડ હતા. અમેરિકન અખબારોના તંત્રીઓની તડાપીટથી રોબર્ટ ગોડાર્ડ થોડા દિવસ ડઘાઈ ગયા. તેઓ સરળ અને શરમાળ પ્રકૃતિના માણસ હતા. તેમને પ્રસિદ્ધિની પડી નહોતી. સ્મિથ સોનિયન કંપનીના મેગેઝિનમાં તેમણે લખેલા લેખને કંપનીના પ્રચાર અધિકારીએ પ્રસિદ્ધિ અપાવી દીધી. એને લીધે તેમના પર જાહેરમાં માછલાં ધોવાયાં હતાં.

રોબર્ટ ગોડાર્ડના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે લખાયેલા લેખને એવા તંત્રીઓ વખોડી રહ્યા હતા જેમને સાયન્સ વિશે કશી પણ ખબર ન હોય! પણ તેમણે બહુ ઝડપથી સ્વસ્થતા મેળવી લીધી. તેમણે પોતાની ડાયરીમાં લખ્યું કે વિજ્ઞાન વિશે બિચારા તંત્રીઓ શું સમજી શકે ? છતાં તંત્રીઓએ જે હોહા મચાવી દીધી હતી એનો જડબાતોડ જવાબ આપવાનું તેમણે નક્કી કર્યું. ગોડાર્ડે જાહેર કર્યું કે રોકેટ પોતે જ એક સ્વયંસંચાલિત યંત્ર છે. વાતાવરણ સાથે તેને કોઈ જ લેવાદેવા નથી. રોકેટમાંથી બહાર નીકળતા વાયુઓ જ એને ગતિ આપે છે.

તેમણે ન્યુટનનો ગતિનો નિયમ પણ ટાંક્યો અને કહ્યું કે ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ પણ એ જ કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સામસામી દિશામાં હોય છે. પછી સામાન્ય માણસને સમજાવવા માટે તેમણે વધુ સરળ જાહેરાત કરી કે ‘મારી વાત સરળ રીતે સમજવી હોય તો રોકેટમાંથી બહાર ફેંકાતા ગેસને બંદૂકમાંથી છૂટતી ગોળી તરીકે કલ્પી લો. બંદૂકમાંથી ગોળી છૂટતાં જેમ બંદૂક પાછી પડે છે એમ પેલા ગેસના ધડાકાથી રોકેટ ઉપરની દિશામાં આગળ ધપશે.

એ પછી તેમણે જીદ અને ઝનૂન સાથે વર્ષો સુધી રોકેટ ઉડાવવા માટે પ્રયોગો હાથ ધર્યા. રોબર્ટ ગોડાર્ડના પ્રયોગો જોઈને જર્મન વૈજ્ઞાનિકોનું ધ્યાન તેના તરફ ખેચાયું. તેઓ ગોડાર્ડના પ્રયોગોમાં ભારે ઊંડો રસ લેવા લાગ્યા અને તેમણે ગોડાર્ડના સિદ્ધાંતોનો ઊંડો અભ્યાસ પણ કરવા માંડ્યો. ૧૯૧૪માં અવકાશી ઉડ્ડયન પદ્ધતિ લેખ લખીને તંત્રીઓના શાબ્દિક ટપલા ખાનારા રોબર્ટ ગોડાર્ડે ૧૯૨૬માં એટલે કે ૧૪ વર્ષ પછી પ્રવાહી ઈંધણ ભરેલું પ્રથમ રોકેટ બનાવ્યું. એ રોકેટ ઉડાડવાનો પ્રયોગ નિષ્ફળ જશે એવી બધાની ધારણા હતી. રોબર્ટ ગોડાર્ડે જ્યાં રોકેટ ઉડાડવાનો પ્રયોગ હાથ ધર્યો એ જગ્યાએથી થોડે દૂર મોટી સંખ્યામાં માણસો એકઠા થઇ ગયા.

રોબર્ટ ગોડાર્ડે એ રોકેટ હવામાં ઉડાડ્યું અને તેમણે જે વ્યાખ્યા આપી હતી એ પ્રમાણે રોકેટમાંથી ફોર્સ સાથે ફેંકાતા ગેસના સ્ફોટના આઘાતને કારણે પ્રત્યાઘાતરૂપે રોકેટ ઉપર તરફ ઊડ્યું. બધા આભા બનીને એ દૃશ્ય તાકી રહ્યા. રોબર્ટ ગોડાર્ડનું એ રોકેટ ૨૦ માળ જેટલું ઊંચે એટલે કે આશરે ૧૯૦ ફૂટ સુધી ઊડ્યું. એ રોકેટમાં પ્રવાહી ઈંધણ ભરવાની ક્ષમતા ઓછી હતી એટલે એ રોકેટ માત્ર ૧૯૦ ફૂટ સુધી જ ઊડ્યું, પણ તેમણે એ સાબિત કરી દીધું કે રોકેટ આઘાત અને પ્રત્યાઘાતના નિયમ પર કામ કરે છે. તેમને રોકેટ ઉડાડવામાં સિદ્ધિ મળી. તેમને એ સમયના વૈજ્ઞાનિકોએ નવા યુગના આરંભ તરીકે ગણાવી. ગોડાર્ડના એ પ્રયોગ પછી તેમને તેમના દેશની સરકારે તમામ પ્રકારની સહાય આપવા માંડી. જોકે રોબર્ટ ગોડાર્ડે પહેલી વાર રોકેટ ઉડાડ્યું એ પછી થોડાં વર્ષોમાં તે મૃત્યુ પામ્યા, પરંતુ તેઓ મૃત્યુપર્યંત રોકેટ ઉડાડવાની દિશામાં નવા નવા પ્રયોગો કરતા રહ્યા. રોબર્ટના પ્રયોગ પછી લોકો એટલું માનતા થયા હતા કે રોબર્ટ ગોડાર્ડ રોકેટને ૨૦૦ ફૂટ જેટલું ઊંચું ઊડાવી શકે છે. જોકે રોકેટથી આવકાશને ઓળંગીને ચંદ્ર ઉપર જવાની વાતો તો બધાને હવાઈ કિલ્લા જેવી જ લાગતી હતી.

જોકે રોબર્ટ ગોડાર્ડના મૃત્યુનાં થોડાં વર્ષો બાદ રોકેટના સહારે ચંદ્ર પર જવાની વાત શક્ય બની અને ત્યારે રોબર્ટના ટીકાકારોનાં મોઢાં બંધ થઈ ગયાં. એપોલો-૧૧ યાને ચંદ્ર પર ઉતરાણ કર્યું ત્યારે તેની પાછળ રોબર્ટ ગોડાર્ડની દીર્ઘદૃષ્ટિ જવાબદાર હતી. રોબર્ટના મૃત્યુ પછી એપોલો-૧૧ યાન ચંદ્ર ઉપર ઊતર્યું ત્યારે દુનિયાને રોબર્ટ ગોડાર્ડની મહત્તા સમજાઈ, પણ એ વખતે રોબર્ટ ગોડાર્ડ હયાત નહોતા.

રોબર્ટ ગોડાર્ડને જીવનભર મિત્રોની, સાથી પ્રોફેસરોની, તંત્રીઓની અને ઘણાં સગાં-સંબંધીઓની ઠઠ્ઠા-મશ્કરીનો ભોગ બનવું પડ્યું, પણ મનથી વિચલિત થયા વિના ગોડાર્ડે પોતાની શોધ પૂરી કરી. અત્યારે અવકાશયાત્રા અને ચંદ્રયાત્રાની કોઈને નવાઈ લાગતી નથી, પણ ત્યારે એક સદી પહેલાં ગોડાર્ડે એવી કલ્પના પણ કરી હતી તો ઘણા લોકોએ એને ગાંડો ગણાવી દીધો હતો.

રોબર્ટ ગોડાર્ડની મહત્તા જીવનપર્યંત કોઈને સમજાઈ નહીં, પણ તેમને મૃત્યુ પછી માનપાન મળ્યાં. ગોડાર્ડના મૃત્યુ પછી તેમને અમેરિકાની સંસદે માનપાત્ર આપ્યું અને સ્મિથ સોનિયન કંપનીએ તેમને લેન્ગલે એવોર્ડ આપ્યો!

ટૂંકસાર એ છે કે તમારી કલ્પનામાત્રથી લોકો તમને હાંસીને પાત્ર બનાવે, પણ તમે તમારા ધ્યેય વિશે મક્કમ હો તો તમે મંઝિલ સુધી પહોંચી જ શકો છો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational