રંગોળી
રંગોળી


આજે મારે વાત કરવાની છે મારા લેખન ક્ષેત્ર સિવાયના અન્ય એક પહેલુની અને તે છે “રંગોળી!”
મારા પિતાશ્રીને ચિત્રકળાનો ખૂબ શોખ છે. પૂર્વે દિવાળી ટાણે તેઓ અમારા આંગણમાં ખૂબ સુંદર રંગોળી બનાવતા. મારા મોટાભાઈ તેમની સાથે રહીને તેમને મદદ કરતા. આ જોઈ મારા સ્વ. માતાશ્રી મને કાયમ કહેતા, “બેટા, તું પણ તારા પિતાજીને રંગોળીમાં મદદ કરને.”
ખબર નહીં કેમ પરંતુ એ સમયે મારા મનમાં એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે રંગોળી તો માત્ર છોકરીઓ જ પાડે છે અને તેથી હું માતાશ્રીને કોઈકને કોઈ બહાનું બતાવી છટકી જતો. મારા માતાશ્રીની અદમ્ય ઈચ્છા હતી કે હું રંગોળી બનાવું પરંતુ મેં ક્યારેય રંગોળીને હાથ પણ અડાડ્યો નહીં. મારા માતાશ્રી મને ખૂબ વહાલ કરતા હતા. અમને બંનેને એકબીજા વગર એકપળ પણ ચાલતું નહોતું. જયારે ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ તેમનું હાર્ટફેલથી અચાનક અવસાન થયું ત્યારે હું અંદરથી હચમચી ગયો હતો. આ દુઃખદ ઘટનાના થોડાક દિવસો બાદ મારા પરમ મિત્ર એવા પ્રદીપ સકપાળ મારા ઘરે મને મળવા આવ્યા. તેમની સાથે તેમના એક મિત્ર દીપક નાચણકર પણ હતા. પ્રદીપભાઈએ મને દીપકભાઈની ઓળખાણ કરાવતા કહ્યું કે તેઓ એક રંગોળી કલાકાર છે અને ૨૮ માર્ચ ૨૦૧૭ના રોજ ગુડી પાડવાના દિવસે તેઓને ૨૦૦૦ સ્ક્વેર ફૂટ લાંબી રંગોળી દોરવાનું વિચાર્યું છે પરંતુ સમસ્યા એ હતી કે તેમને આટલું મોટું પરિસર મળી નહોતું રહ્યું. એ સમયે મારી માતાશ્રીના અવસાનને લઈને હું ખૂબ દુઃખી હતો પરંતુ સામાજિક કાર્યમાં મદદરૂપ થવા માટે મેં તેમને સહાયતા કરવા સહમતિ આપી. મારા ઘરની નજીક આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં હું તેમને લઇ ગયો અને તેની આસપાસનું પરિસર દેખાડ્યું. મંદિરનું પરિસર જોઈ તે બંને ખુશ થઈને એકીસાથે બોલ્યા, “અમને આવી જ જગ્યા જોઈએ.”
તેઓને જગ્યા પસંદ આવતા મેં બીજા દિવસે કુબેરેશ્વર મહાદેવ મંદિરના સંસ્થાપકશ્રી રાજેશભાઈ પટેલજી પાસેથી તેમને મળવાનો સમય લીધો. તેઓશ્રીએ તેમના વ્યસ્ત સમયમાંથી અમને મળવા માટે સમય ફાળવ્યો હતો એ ખરેખર અમારા માટે ખૂબ આનંદની વાત હતી. શ્રી રાજેશભાઈ એવા વ્યક્તિત્વના ધની છે કે જેઓ ધાર્મિક અને સામાજીક કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહે છે. ગુડી પાડવાના દિવસે અમે ૨૦૦૦ સ્ક્વેર ફૂટ લાંબી રંગોળી દોરવાના છીએ એ સાંભળી તેઓ ખૂબ ખુશ થયા. તેઓશ્રીએ અમને રંગોળી માટે મંદિરના પરિસરને ઉપયોગમાં લેવાની માત્ર છૂટ જ આપી નહીં પરંતુ એક ઝાટકે અમારી સઘળી ચિંતાનું નિરાકરણ પણ કરી આપ્યું. તેઓશ્રીએ ગુડીપાડવાના દિવસે અમારા સહુ કલાકારો માટે ખૂબ જ સરસ અને સુદંર વ્યવસ્થા પણ કરી આપી હતી. જોકે મારી માતાશ્રીના અવસાનના લીધે હું એ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો નહોતો પરંતુ મારાથી શક્ય તેટલી મદદ મેં તેઓને કરી હતી. ૨૮ માર્ચ ૨૦૧૭ના રોજ ગુડીપાડવાના દિવસે સવારના ચાર વાગ્યાથી સહુ કલાકારો રંગોળી દોરવામાં વ્યસ્ત થઇ ગયા અને જોતજોતામાં તો સવારના નવ વાગ્યા સુધી ૨૦૦૦ સ્ક્વેર ફૂટની ભવ્ય દિવ્ય રંગોળીનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું હતું. એ વિશાળ રંગોળી જોઈ મને વિચાર આવ્યો કે, “જો આ રંગોળી મારા માતાશ્રીએ જોઈ હોત તો તેમને કેટલો આનંદ થયો હોત!” બીજી જ ક્ષણે મારી અંતરઆત્મામાંથી અવાજ આવ્યો કે, “જો તેં આ રંગોળી દોરવામાં ભાગ લીધો હોત તો તારી માતાશ્રીની આત્માને કેટલી ખુશી મળી હોત.” આ વિચાર આવતા જ મારી આત્મા તડપી ઉઠી. કાશ! મને પણ રંગોળી દોરતા આવડતી હોત. જોકે કોઇપણ બાબતને શીખવા માટે ઉંમર નથી હોતી. મેં તરત દીપકભાઈને મારા મનની વાત કહી સંભળાવી. તેઓએ તેમના રંગોળી ગુરૂ શ્રી શેખર ખેડકર જોડે મારી મુલાકાત કરાવી આપી. પહેલી મુલાકાતમાં મેં શેખરજીને નમ્રતાથી કહ્યું કે, “મેં આજદિન સુધી રંગોળીને હાથ સુદ્ધાં લગાડ્યો નથી પરંતુ હવે મારે ગમે તેમ કરીને રંગોળી શીખી મારે એ મારી માતાને અર્પણ કરવાની છે.”
મારા સદનસીબે શેખરજીએ મને રંગોળી શિખવાડવાનું બીડું ઝડપ્યું. હું પણ તેઓ જે શીખવાડતા તેની ઘરે આવી મન લગાવી પ્રેક્ટીસ કરતો પરિણામે માત્ર સાત દિવસમાં હું રંગોળી પાડતા શીખી ગયો અને ૧૯ એપ્રિલ ૨૦૧૭ના રોજ મેં મારા માતાશ્રીની તસવીર સામે મારી પ્રથમ રંગોળી દોરી તેનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો. ત્યારબાદ પ્રદીપભાઈ અને દીપકભાઈ જોડે રહીને મેં “એકદંત રંગોળી કલાકાર ગ્રુપ”ને વિકસાવ્યું અને ૨૩ એપ્રિલ ૨૦૧૭ના રોજ વડોદરાના ફન સ્ટ્રીટમાં અમે સહુ કલાકારોએ મળીને એક વિશાળ રંગોળી દોરી હતી. આ રંગોળીનો વિડિયો પણ મેં તૈયાર કરી યુટ્યુબ પર મુક્યો હતો. આમ કુબેરેશ્વર મહાદેવ મંદિરની ૨૦૦૦ સ્ક્વેર ફૂટની રંગોળીએ મારી અંતરાત્માને જગાડી પરિણામે ખૂબ જ ટૂંકાગાળામાં હું રંગોળી કલાકાર બની ગયો! એકવાર શેખરજીના રંગોળી શિબિરમાં હું સહુ રંગોળી કલાકારોના અનુભવ કથનને રેકોર્ડ કરી રહ્યો હતો. તે કલાકારોમાં એક રંગોળી આર્ટિસ્ટનું નામ હતું શ્રીમતી તૃષ્ણા અભિષેક સાળુંકે! જયારે આપણી ઓળખાણમાંથી કોઈ નીકળે આવે છે ત્યારે તેનો આનંદ કંઇક જુદો જ હોય છે. મેં ઉત્સાહથી તેમને પૂછ્યું કે, “તૃષ્ણાજી, તમને રંગોળી દોરવાની પ્રેરણા કોના પાસેથી મળી?”
જવાબમાં તૃષ્ણાજીએ અનપેક્ષિત જવાબ આપ્યો, “તમારી પાસેથી!”
મને નવાઈ લાગતા મેં પૂછ્યું, “મારી પાસેથી!!! એ કેવી રીતે?”
તૃષ્ણાજીએ કહ્યું, “મેં ફેસબુક પર તમારો ફન સ્ટ્રીટવાળો વિડિયો જોયો હતો. તેમાં તમને સર્પ રેખા દોરતા જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું હતું કારણ એક કલાકાર તરીકે હું જાણું છું કે તે શીખવા માટે કોઈને પણ ઘણો સમય લાગે છે. તમને આટલી સરળતાથી સર્પ રેખા દોરતા જોઇ મને વિચાર આવ્યો કે તમારા જેવો વ્યક્તિ કે જેણે જિંદગીમાં ક્યારે રંગોળી હાથમાં પકડી નહોતી, જો એ માત્ર સાત દિવસમાં આટલી સુંદર સર્પ રેખા દોરી શકે છે તો પછી હું કેમ રંગોળી ન શીખી શકું? બસ અને તેથી જ હું રંગોળી શીખવા અહીં આવી છું.”
આ સાંભળી મારી અંતરઆત્મા એ વિચારી આનંદથી ઝૂમી ઉઠી કે, “મારા માતાશ્રીની આત્માને કેટલી ખુશી મળતી હશે મને દોરતા જોઇ આમ રંગોળી.”