JHANVI KANABAR

Inspirational

4.5  

JHANVI KANABAR

Inspirational

રંગબેરંગી શમણાં

રંગબેરંગી શમણાં

5 mins
190


`બા આજે તો આ સફેદ સાડલો ના પહેરો...’ કહેતી આઠ વર્ષની વૈભવી દોડતી આવીને બાના ખોળામાં બેસી ગઈ. બાને આજીજી કરતા બોલી, `આજે દિવાળી છે. જો મારું ફ્રોક.. કેવુ રંગબેરંગી છે ? તમે પણ મા જેવો લીલા રંગનો સાડલો પહેરોને..!’ ભાનુબાને વૈભવીની નિર્દોષ વાણી સાંભળી આંખમાં ઝળઝળિયા આવી ગયા. પોતાના આંસુને સાડલાની કોરથી છાનામાના લૂછતા કહ્યું, `બેટા મારે ન પહેરાય, તારા દાદા મને મુકીને બહુ દૂર ચાલ્યા ગયા ને એટલે...’ `પણ એનાથી રંગીન સાડલાને શું લેવાદેવા ?’ માસૂમ વૈભવીના પ્રશ્નો ખૂટતા જ નહોતા. થાકીહારીને માએ તેને મદદ કરવા રસોડામાં બોલાવી લીધી.

આજથી પચાસેક વર્ષ પહેલાં વૈધવ્ય એ સ્ત્રીઓના જીવનનું મોટુ દુર્ભાગ્ય ગણાતું. વિધ્વા સ્ત્રીઓના જીવનમાં રંગને અને સ્વાદને કોઈ સ્થાન ન હોય, ખૂણો પાળવો પડે, તહેવાર-ઉત્સવમાં ભાગ લઈ ન શકે કે સામાજિક પ્રસંગોમાં હાજરી ન આપી શકે. એક વાક્યમાં કહીએ તો શ્વાસ લેવાની છૂટ, પણ જીવવાનો હક છીનવાઈ જાય.

સોમાભાઈ અને મૃદુલાબેનને બે સંતાનો. દીકરી વૈભવી અને દિકરો કિશન તથા વિધ્વા બા ભાનુબેન. સોમાભાઈએ વૈભવી દીકરી હોવા છતાં કોઈ વેરોઆંતરો નોતો રાખ્યો, તેને પણ ખૂબ લાડકોડથી ઉછેરી હતી. ગામની એક શાળામાં તેને ભણવાય મૂકી હતી. આ શાળામાં દીકરીઓ ખૂબ ઓછી ભણવા આવતી હતી, કારણ ત્યારે કન્યાઓને માત્ર પારકાઘરે જઈ ગૃહસ્થી કેમ સંભાળવી એ જ શીખવવામાં આવતું. બીજા કોઈ જ્ઞાન પર તેનો હક નહોતો. ગામમાં કેટલાય લોકો સોમાભાઈને કહેતા કે, `દીકરીને ભણાવીને તેનું જીવતર ન બગાડાય. કોક દાડો હાથમાંથી નીકળી જશે. તેને તો પારકે ઘેર મોકલી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી.’ બધું સાંભળીને સોમાભાઈ હસીને કહેતા, `અરે ભાઈ ! મારે તો દીકરી ને દિકરો સરખા. મારા માટે એ કંઈ બોજ નથી. ભણાવીએ ગણાવીએ તો સારાનરસાની ખબર પડે...’ પણ ગામલોકો સોમાભાઈની વાત ક્યાં સમજવાના હતા ? એ તો આવી વાતોને હસી નાખતાં.

દિવસો વીતતા ગયાં, વૈભવી ચૌદ વર્ષની થઈ ત્યાં તો તેના માટે માગા આવવા લાગ્યા, પણ સોમાભાઈએ ઘસીને ના પાડી. `મારી વૈભવી જ્યાં સુધી અઢાર વર્ષની ન થાય ત્યાં સુધી સગપણ નથી કરવું.’ પોતાનો નિર્ણય સોમાભાઈએ જાહેર કરી દીધો. ગામના કેટલાય વડીલોએ સમજાવ્યા પણ સોમાભાઈ જ્યારે દીકરીની વાત આવે ત્યારે કોઈનું ન સાંભળે. એમ કરતાં કરતાં વૈભવી અઢાર વર્ષની થઈ ગઈ અને આઠ ચોપડી જેટલું ભણી પણ લીધું. બાજુના ગામમાંથી એક જમીનદારના દિકરાનું માંગુ આવ્યું. થોડીઘણી પૂછપરછ, ઓળખ-પારખ થઈ અને સગપણ ગોઠવાયું. થોડા સમય પછી વૈભવી અને રાઘવના લગ્ન પણ લેવાયા. લાલલીલું પાનેતર, માથાથી પગની વેઢ સુધી દાગીનાથી સજેલી, માથા પર મોટો કુમકુમ ચાંદલો અને સેથાને લાલ સિંદુરથી ભરી વૈભવી શ્વસુરગૃહે આવી.

વૈભવી સાધારણ ઘરની હતી એટલે અહીં તેને ફાવતા વાર લાગી પણ બધી છોકરીઓની જેમ તેણે પણ પોતાને સાસરાના ઢાંચામાં ઢાળી દીધી. એક મહિનો, બે મહિના એમ કરતાં લગ્નને છ મહિના વીતી ગયા.

વૈભવીના સુખના દિવસોને ભરખી જતો સમય આવી ચડ્યો અને રાઘવને ટી.બીની બિમારી આવી. ખાસતો ખાસતો રાઘવ બેવડો વળી જતો. કેટલાય દોરાધાગા કર્યા, કેટલાય વૈદ્ય ડોક્ટરોને બતાવ્યું પણ આખરે એ બિમારીએ રાઘવનો જીવ લીધો. માત્ર છ જ મહિનાનું લગ્નજીવન અને હવે..... વૈભવી માથે આભ તૂટી પડ્યું. સમાજના જડ રીતિરિવાજોનો ભોગ વૈભવી પણ બની. માત્ર ઓગણીસ વર્ષની વૈભવીના જીવનમાંથી રંગે વિદાય લઈ લીધી. અહીંથી તેની બેરંગ જીવનનો પ્રારંભ થયો. સોમાભાઈ ગમે તેટલા ઉદાર વિચારવાળા હોય પણ વૈભવીએ હવે શ્વસુરગૃહની જ ઈચ્છા પ્રમાણે રહેવાનું હતું.

સફેદ સાડીમાં મોઢાને લાજથી ઢાંકેલી વૈભવીના ડૂસકા સાંભળી સોમાભાઈ ઊંઘમાંથી સફાળા જાગી ગયા. જોયું તો કોઈ નહોતું. અત્યારે તો આ સપનું હતું પણ કાલે જ્યારે દીકરીને શોક ભાંગવા પિયરે તેડી લાવશે ત્યારે તે ખરેખર આ જ સફેદ પરિધાનમાં હશે. સોમાભાઈનું હૃદય આક્રંદ કરી રહ્યું. તેની પારેવડી જેવી દીકરી હવે સમાજથી મોં છૂપાતી ફરશે. તેને હવે અભાગણી કહી જાકારો અપાશે. ક્યાંક સુખદ પ્રસંગમાં તેને અવગણવામાં આવશે. મૃદુલાબેન અને ભાનુબા પણ સોમાભાઈની આ પરિસ્થિતિ સમજી શકતા હતાં. તેમનું હૃદય પણ વલોપાત કરતું હતું, તેઓ જાણતા હતાં કે, એક સ્ત્રીની જિંદગી કેટલી દોઝખ બની જાય છે જ્યારે વૈધવ્ય આવે ત્યારે...

જેમતેમ રડતારડતાં રાત વિતાવી અને સૂરજનું પહેલું કિરણ ઊગ્યું. મૃદુલાબેને ઘરનું કામ આટોપ્યું, ભાનુબાએ પૂજાઅર્ચના પૂરી કરી અને સોમાભાઈ દીકરીને લેવા ઉપડ્યા. વૈભવીના સાસરે પહોંચી ડેલી ખખડાવતા જ જાણે સોમાભાઈનો હાથ ધ્રૂજી રહ્યો હતો. સાંકળ ખખડવાનો અવાજ આવતાં જ પિતાના આવવાની રાહ જોતી વૈભવી પોતાના ઓરડામાંથી બહાર આવી. વૈભવીને જોતાં જ સોમાભાઈ જાત પરથી કાબુ ગુમાવી બેઠા અને દીકરીને ભેટી રડવા લાગ્યા. બાપ-દીકરીનું આક્રંદ ઘરમાં ભલભલાની છાતી ફાડતું હતું. વૈભવીના સાસુ અને સસરાએ આ નાજુક સમયને સાચવી, વૈભવીને વિદાય આપી.

વૈભવી પિયર આવી. મૃદુલાબેન ભારે હૈયે વૈભવીને બાથમાં લઈ રડ્યા. વૈભવી ભાનુબા પાસે આવી અને બોલી, `બા જુઓ તમારા જેવો સફેદ સાડલો... હવે હું પણ...’ ભાનુબાએ વૈભવીના મોં પર હાથ રાખી તેને અટકાવી... પણ હવે તો આ જ વૈભવીનું જીવન હતું.

વૈભવી પિયરમાં રહી, બા જોડે પૂજાઅર્ચના કરતી, બા જોડે સાદો ખોરાક લેતી, મંદિર જતી અને બાકી સમયમાં રાઘવ સાથેના સહજીવનને યાદ કરી આંસુ સાર્યા કરતી. સોમાભાઈ એક મહિનાથી દીકરીની આ પરિસ્થિતિ જોઈ અંદરઅંદર શોષાતા. રાત-દિવસ બસ વૈભવી માટે વિચાર્યા કરતાં. સોમાભાઈ એકવાર વૈભવીની શાળા પાસેથી પસાર થયા, ત્યાં શાળાના શિક્ષક મથુરભાઈએ તેમને રોક્યા અને વૈભવી વિશે પૂછ્યું. સોમાભાઈએ વૈભવીની દુર્દશા તેના મથુરભાઈને કહી. મથુરભાઈએ સોમાભાઈને પાસે બેસાડી સમજાવ્યા, `તમારી વ્યથા સમજુ છું ભાઈ. વૈભવી મારી દીકરી જેવી છે. તે ખૂબ જ તેજસ્વી છોકરી છે. મને ખબર છે તે ભણવા આવતી ત્યારે ગામલોકોએ તમને ઘણીવાર સલાહ આપી કે, દીકરીને ન ભણાવાય.. પણ તમારા વિચારો જાણી તેઓ પાછા પડતા. તમે આટલા સમજુ અને હવે જ્યારે ખરેખર તમારી દીકરીને તમારા ટેકાની જરૂર છે ત્યાં તમે જ ઢીલા પડો છો ?’

`હું સમજ્યો નહિ.’ સોમાભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.

`હું તમને એમ કહેવા માંગુ છું. વૈભવીને શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી મળે. તેના જીવનને નવો વળાંક મળશે. દુઃખમાંથી બહાર આવશે.’ મથુરભાઈએ સમજાવતા કહ્યું.

સોમાભાઈ વાત સાંભળી થોડીવાર માટે ચૂપ થઈ ગયા. તેમને પહેલા તો સમાજનો વિચાર આવ્યો, પણ પછી વૈભવીનો આંસુથી ખરડાયેલો ચહેરો નજર સમક્ષ આવ્યો. સમાજની સામે પોતાની ઢીંગલીને આમ જીવવા છોડી કેમ શકે ? રાત આખી સોમાભાઈને ઊંઘ ન આવી. મથુરભાઈની વાતો, વૈભવીનો ચહેરો અને સમાજના મહેણાટોણાં. સોમાભાઈ પડખા ઘસતા રહ્યાં....

સવાર પડી અને સોમાભાઈએ કંઈક નક્કી કરી લીધુ. તેણે વૈભવીને બૂમ પાડી અને કહ્યું, `ચાલ બેટા તૈયાર થઈ જા, આપણે ક્યાંક જવાનું છે....‘ મૃદુલાબેન અને ભાનુબાને નવાઈ લાગી.

`વૈભવીને ક્યાં લઈ જવી છે તારે ?’ ભાનુબાએ પૂછ્યું.

`આવીને સમજાવીશ. વૈભવી તૈયાર છે બેટા ?’ સોમાભાઈએ પાછો હાકોટો કર્યો.

`હા બાપુ...’ કહી વૈભવી આશ્ચર્ય સાથે, પણ કંઈ જ પ્રશ્ન કર્યા વગર સોમાભાઈ સાથે ચાલી નીકળી.

સોમાભાઈ વૈભવીને લઈ શાળા તરફ જવા લાગ્યા. મનમાં પોતાની ઢીંગલીના નવજીવનના રંગબેરંગી શમણાં લઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational