રમત રમાડે રામ
રમત રમાડે રામ
" એ બુન, ખાવાનું આલજો. . " લહેકાભેર મોટે સાદે બોલાયેલા આ વાક્યનો જવાબ આપતા હોય તેમ રમાબેન બોલ્યા " બેટા ભાસ્કર, આ બે રોટલીને શાક પેલીને આપી આવ ને ! " માનો હુકમ એટલે લેશન કરતો ભાસ્કર ઊઠીને પેલી માંગણને ખાવાનું આપી આવ્યો. જોકે આ રોજનું હતું. સ્કૂલેથી આવી જમીને ભાસ્કર લેશન કરવા બેસે, મા રસોડું આટોપતી હોય ત્યાં કોઈને કોઈ. . . . કાં તો પેલી માગણ બાઈ કે પછી એની નાની છોકરી અને એ નહોય તો પેલો મંજીરા વગાડતો બાવો દરવાજે ઊભાં જ હોય ! ને મા એમને અચૂક ખાવાનું આપે. કિશોર ભાસ્કરને આ જોઈ ગુસ્સો આવતો. . . . પોતાને ઊઠવું પડે એટલે નહીં પણ નીચલા મધ્યમ વર્ગના પોતાના ઘરમાં મા ને એમને માટે રોજ વધારે રસોઈ કરવી પડતી એટલે. મા આટલી મહેનત કરે અને પેલા લોકો રોજ મજેથી તૈયાર માલ મેળવે ! એ મા પાસે અણગમો પણ ઠાલવતો " મા, તમારા જેવા લોકો જ આ માંગણોને ખોટી ટેવ પાડે છે. તમારે શું કામ એમને રોજ ખાવાનું આપવું પડે ? હા ક્યારેક વધ્યું -ઘટ્યું હોય ને આપો તો સમજી શકાય. " આ સાંભળી મા હસતી ને કહેતી " બેટા એમ ન બોલીએ, આ તો રામરોટી કહેવાય. આપણે બીજાનું પેટ ભરીએ તો રામજી આપણા ભંડાર પૂરે "
પછી તો વર્ષો વીત્યાં. ભાસ્કર ભણવા મોટા શહેરમાં આવ્યો ને ત્યાં જ વસી ગયો. ભાસ્કરનો પોતાનો સરસ સંસાર હતો. નાનું મજાનું ઘર, પત્ની અને બે બાળકો. મા તો હવે આ સંસારમાં નહોતાં પણ એમના આપેલા સંસ્કાર એના મનમાં દ્દઢ હતાં તે દર શનિવારે ઓફિસમાં અર્ધો દિવસ હોય ત્યારે એ કંઈને કંઈ ખાવાનું લઈ હનુમાનને મંદિર પહોંચી જતો અને બહાર બેસી રહેતા ભિખારીઓને વહેંચી દેતો. કોઈવાર ગાંઠીયા, કોઈવાર કેળાં, કોઈવાર બિસ્કીટ. આ કાયમ બેસતા ભિખારીઓ પણ હવે જાણીતા થઈ ગયાં હતાં.
દર અઠવાડીયાના ક્રમ મુજબ આજે પણ એ પાંવ-વડા લઈ મંદિરે પહોંચ્યા બધાને વહેંચ્યું ત્યાં એમનું ધ્યાન થોડે દૂર બેઠેલા એક કાકા પર પડ્યું. હાથ લાંબો કર્યા વગર એ ચૂપચાપ બેઠેલા. ભાસ્કરભાઈએ નજીક જઈ કહ્યું " કાકા તમારે નથી ખાવું ? " એમણે ખચકાતા -ખચકાતા હાથ લાંબો કર્યો ને બોલ્યા " બેટા, આ પેટ ક્યાં કોઈનું સગું થાય છે ? એટલે જ લાચાર છું ભાઈ ! " ભિખારીને મોઢે આવા શબ્દો સાંભળી એણે ધ્યાનથી કાકાને જોયા. મોઢા પર લાચારી સાથે એક ખાનદાની પણ ઝલકતી હતી. ભાસ્કરભાઈને આ માણસમાં રસ પડ્યો એટલે વાત આગળ વધારી તો ખબર પડી કે આ કાકાના એકના-એક દીકરા-વહુએ ચાલીમાં આવેલું એમનું ઘર પોતાને નામ કરાવી લીધું અને એમને બહાર તગેડી મૂક્યા છે. શરીર કરતાં એમના મનનાં આઘાતે એમને મૂઢ જેવા બનાવી મૂક્યા અને શરમ આવતી હોવા છતાં આ પેટ એમની પાસે હાથ લાંબો કરાવે છે. આ બધું સાંભળી ભાસ્કરભાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા " કાકા, આ રામરોટી કહેવાય તમે લેવામાં સંકોચ ન રાખો "
. . . . . પણ ભાસ્કરભાઈનું મન કંઈ જુદું જ વિચારતું હતું એને મનમાં થતું હતું ' હું કે કોઈ બીજું કે પછી રામજી પોતે, કાકાને ક્યાં સુધી રોટી ખવડાવીશું ? ને આ સ્વમાનના ભોગે મેળવેલી રોટી એમને ખાધાનો સંતોષ આપશે કે ? 'કાકાને બીજા શનિવારે અહીં જ મળવાનું જણાવી એ છૂટા પડ્યા.
કાકા માટે શું કરી શકાય ? આ વિચારમાં દિવસો ગયાં. શુક્રવારે એમનાં મનમાં કંઈક વિચાર આવ્યો ને એ સાંજે એ પોતાના વિસ્તારમાં એક આંટો મારી આવ્યા. શનિવારે બધાને બિસ્કીટ વહેંચતી એમની નજર કાકાને શોધતી હતી. થોડે દૂર બેઠેલા જોયા એટલે પાસે જઈ એમને પણ બિસ્કીટ આપ્યા ને ધીમેથી પૂછ્યું " કાકા, કોઈ કામ -ધંધો મળે તો કરો કે ? " કાકા અવિશ્વાસથી એની સામે જોતા બોલ્યા " મને બુઢ્ઢાને કોણ કામ આપે ? મારી પાસે પૈસા કે હિંમત જ નથી તો હું શું ધંધો કરું? મને મદદ પણ કોણ કરે ? "
"એ તમે મારા પર છોડો. જુઓ હું તમને પાંચસો રુપિયાના કાંદા-બટેટા અપાવું છું. એ વેચજો. મારા ઘર પાસેના એક દુકાનદાર સાથે મારે વાત થઈ છે. એ તમને એને ઓટલે બેસવા દેશે. હમણાં તો મફતમાં. પછી તમે કમાવા માંડો ત્યારે ભાડું આપજો. તમને એ ઓટલે સૂવા પણ દેશે.
પછીના છ મહિનામાં કાકા, એ ઓટલેથી નાની ખોલીમાં રહેવા આવી ગયા. સ્વાભિમાનની રોટીનો રાજીપો એમના ચહેરા પર અને કોઈને રોટી રળાવી આપવાનો રાજીપો ભાસ્કરભાઈના અંતરમાં ઉભરાતો હતો. પછી તો આ સિલસિલો ચાલુ રહ્યો. આમ જ એક મોટી ઉંમરના માજીને સફેદ ચામડીનો રોગ થયો તો કોઢીયણ કહી સ્વજનોએ કાઢી મૂક્યા. એ પણ બીચારા અહીં -તહીં આથડતા હતાં. ભાસ્કરભાઈએ એમને માટે અનોખી વ્યવસ્થા વિચારી. એક ઓળખીતાના તબેલામાં જઈ સવાર સાંજ બે કલાક માટે ગાયમાતા ને ભાડેથી લેવાનું ઠરાવી પેલા માજીને વૈષ્ણવ હવેલીની બહાર ઘાંસ આપી ઊભાં કરી દીધાં. વૈષ્ણવો ગાયને ઘાંસ ખવડાવી પુણ્ય રળે અને માજી પેટીયું રળે !
પછી તો આ કામ વધતું ગયું કોઈને સીવવાનો સંચો, કોઈને મોચીનો સામાન, કોઈને શાકની લારી આવા અસંખ્ય કામ અને સાથે સાથે હિંમત અને હામ આપી લોકોને રોટી રળતાં કરતાં ગયાં. ઓળખીતા -પાળખીતાને ખબર પડતાં એ લોકો પણ આ કામ માટે પૈસાની મદદ કરતાં ગયાં. ' લોગ મીલતે ગયે ઓર કાંરવાં બનતે ગયા ' ભાસ્કરભાઈએ એક ટ્રસ્ટના નેજા હેઠળ વૃધ્ધ-અશક્ત માટે ટિફિન સર્વિસ પણ શરુ કરી. રામરોટી નો એક વિચાર વટવૃક્ષમાં ફેરવાઈ ગયો.
આજે પંચ્યાશી વર્ષે ભાસ્કરભાઈ થોડા ધીમા પડ્યાં છે. પગની તકલીફને લીધે એ પોતે ઘર બહાર નથી નીકળતાં પણ એમના સુધી પહોંચનારને એ અવશ્ય સંભાળી લે છે. કોઈ એમના વખાણ કરે કે કોઈ નાના-મોટાં ખબરપત્રી એમની મુલાકાત લે ત્યારે એ હસીને કહે છે " આ તો રમત રમાડે રામ. "
