રિવાજ
રિવાજ


સુવર્ણાના લગ્ન માલેતુજાર પરિવારના દીપક જોડે થયા હતા. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે સુવર્ણાના માતાપિતાએ લગ્ન નક્કી કરતા પહેલા દીપકની જન્મકુંડળીથી માંડીને તેની પગાર સ્લીપ સુધીની તમામ બાબતો ચકાસી જોઈ હતી. જોકે દીપકની શ્રીમંતાઈની ચકાચોંધમાં તેના અવગુણો અને કુટેવો કોઈની નજરે ચઢ્યા જ નહોતા! દીપક શરાબ, કબાબ અને શબાબનો જબરો શોખીન હતો. બજારૂ સ્ત્રીઓ સાથે વિતાવેલી અંગત પળોને કારણે તેને એઇડ્સ જેવી ગંભીર બીમારી થઇ હતી.
જોકે લગ્ન પહેલા દીપકે તેની આ બીમારીની વાત કોઈને કહી નહોતી. હવે દીપક સાથે લગ્ન થયા બાદ સુવર્ણાને પણ એઇડ્સનો ચેપ લાગી ગયો હતો. એઇડ્સને લીધે સુવર્ણાની હાલત દિવસેને દિવસે કથળતી ગઈ પરિણામે તેને અસ્પતાલમાં દાખલ કરવી પડી હતી. એક દિવસ જયારે સુવર્ણાના માતાપિતા હોસ્પિટલમાં તેની ખબરઅંતર પૂછવા આવ્યા ત્યારે અશ્રુભીની આંખે સુવર્ણા માત્ર આટલું જ બોલી કે, “પિતાજી, કાશ! લગ્ન પહેલા છોકરા છોકરીની જન્મકુંડળી મેળવવા કરતા તેમની સ્વાસ્થ્ય કુંડળી મેળવવાનો રિવાજ હોત.”