રિમાઇન્ડર
રિમાઇન્ડર


લોટ બાંધી રહેલ હાથમાં આજે દરરોજ જેવો જોમ અને ઉત્સાહ ન હતો. નાનકડા ફ્લેટના રસોડામાં તૈયાર થઇ રહેલ શાકમાંથી વરાળ અને નાની ચિચક્યારીઓ જેવો સાદ મંદ મંદ ઉપર ઉઠી રહ્યો હતો. રસોડાની નાનકડી બારીમાંથી પ્રવેશી રહેલી વહેલી બપોરની આછી કિરણોમાં સંયુક્તાનો ઉતરેલો ચ્હેરો જાણે સૂર્યસ્નાન કરી રહ્યો હતો. કપાળે બાઝેલા નાના પરસેવાના ટીપા એના રિસાયેલા હાવભાવોને હળવેથી ભીંજવી રહ્યા હતા. સામેના દીવાલ ઉપર લટકતી ઘડિયાળમાં નાનો કાંટો દસના આંકડા ઉપર અને મોટો કાંટો ત્રણના આંકડા ઉપર જડાઈ આગળ ધપવા સેકન્ડ કાંટાની પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા. લાલ બંગડીઓની હલનચલનથી રસોડામાં જાણે ધીમું સંગીત છેડાઈ રહ્યું. શાક તૈયાર થઇ ચૂક્યું હતું,એની અંતિમ ચકાસણી કરી સાવધાનીથી સંયુક્તાએ ચૂલો ઓલવી નાખ્યો. બંધાઈ ચૂકેલા લોટને ભીના કપડામાં લપેટી વાસણથી ઢાંકી દીધું.
રસોડામાંથી એક નાનકડો બ્રેક.
પણ ફરીથી એની દ્રષ્ટિ રાહતની લાગણીમાંથી બહાર ઉમટી રસોડાના બારણે સજાવાયેલા કેલેન્ડર ઉપર આવી સરી પડી. મનનું કદ ફરી ટૂંકાવા લાગ્યું. આજે ૧૪મી ફેબ્રુઆરી. અંતરની અકળામણ ઠાલવવા ખૂણામાં પડેલી પેન લઇ એણે કેલેન્ડર ઉપરની તારીખ ઉપર મોટી ચોકડી બનાવી દીધી. આ શું કર્યું ? શા માટે ? આમ તારીખ ઉપર ચોકડી મારવાથી શું થવાનું હતું ? સમય પ્રમાણે ભાગ્ય નહીં, ભાગ્ય પ્રમાણેજ દિવસો આવતા હોય છે ! હૃદયનો નિસાસો એક ઊંડા શ્વાચ્છોશ્વાસમાં પરિવર્તિત થઇ રહ્યો. રિસાયેલા તનમનને એણે રસોડામાંથી બહાર લઇ જવા વિવશ કર્યા.
અતિ નાનકડા બેઠક -ખંડનો પંખો ચલાવવા ઉઠેલા હાથ ક્ષણ ભર માટે થંભી ગયા. ડોરબેલનો અવાજ સાંભળી સંયુક્તા સતર્ક થઇ, શારીરિક અને માનસિક બન્ને સ્તર પર. પંખાની સ્વીચ દબાવી એ ધીમે ડગલે મુખ્ય દરવાજા તરફ આગળ વધી. પોતાનું અંતરયુદ્ધ કોઈ આંકી ન જાય એ પ્રમાણે પોતાના વ્યક્તિત્વને સામાજિક સંપર્ક માટે સજ્જ કરતા કરતા એણે સંતોષ અને આનંદના હાવભાવોનું પ્રદર્શન ચ્હેરા ઉપર રેડી નાખ્યું. દરવાજો ખુલ્યો અને પડોશી અંજનાબેનના દર્શન થયા.
અંજનાબેનનું વ્યક્તિત્વ આજે નવવધુ જેવું દીપી ઉઠ્યું હતું. પોતાના કરતા પાંચેક વર્ષ આયુ વધુ હશે પણ આજેતો એ પોતાના કરતા પણ વધુ યુવાન અને આકર્ષક દેખાઈ રહ્યા હતા. સંયુક્તાના ચ્હેરા ઉપર બળજબરીએ ફેલાયેલા સંતોષ અને આનંદના હાવભાવોનું ધીમુંધીમું બાષ્પીભવન થઇ રહ્યું. અંજનાબેનની લાલ, આધુનિક ઢબથી પહેરેલી સાડી અને લાલ રંગનો શણગાર સંયુક્તાની આંખોને ફરીથી કેલેન્ડર પર દોરેલી ચોકડી તરફ ખેંચી રહ્યા. આ કેવી ભાવના હતી ? ઈર્ષ્યા ? હા, ઇર્ષ્યાજ તો વળી. અંતરની ઉદાસી ઈર્ષ્યામાં રંગાઈ રહી હતી. સંયુક્તાની નજર અંજનાબેનની શોભા ઉપર અવિરત ફરી રહી હતી.
પોતાની આર્થિક જાહોજલાલી, ઘરેણાઓ અને ઊંચી જીવન શૈલી અંગે હંમેશા અભિમાન, બિન જરૂરી પ્રદર્શન અને બડાઈઓ હાંકવા માટે આખા મહોલ્લા અને વિસ્તારમાં જાણીતા અંજનાબેનની દ્રષ્ટિ સંયુક્તાના સાધારણ વસ્ત્રો અને પરસેવાથી થાકેલા શરીરને ઉપરથી નીચે સુધી અશાબ્દિક વ્યંગમાં વેધી રહ્યું. પોતાના આગમનનું કારણ કે ફક્ત બહાનાને ચતુર કલાત્મકતા જોડે શબ્દોમાં ઉતાર્યું.
"આજે કામવાળી મોડે આવવાની હતી. પણ જુઓને તમારા ભાઈએ સરપ્રાઈઝ વેલેન્ટાઈન ડેટ ગોઠવી રાખી હતી. હમણાંજ કોલ આવ્યો. મને લેવા આવે છે. કામવાળીને કોલ કર્યો પણ ઉપાડતી નથી. તમે જરા કહી દેજો ને કે મેડમ બહાર ગયા છે. આજે એની છુટ્ટી."
"કોઈ વાંધો નહીં, હું કહી દઈશ." સંયુક્તાનો ઉત્તર ફિક્કા હાસ્ય જોડે બહાર નીકળ્યો.
"ચાલો તો હું નીકળું. એ પહોંચ્તાજ હશે."
દાદર તરફ જઈ રહેલ અંજનાબેન કેટલા ભાગ્યશાળી હતા, એ વિચારમાં ખોવાયેલી સંયુક્તા દરવાજો થામી સ્તબ્ધ ઉભી હતી.
ઝડપથી દાદરો ઉતરતા અંજનાબેને એક હાથે પોતાની સાડી અને બીજા હાથ વડે થમાયેલા પર્સને વ્યવસ્થિત કરતા સંયુક્તા ઉપર એક અંતિમ અભિમાની દ્રષ્ટિ છોડી.
"અને હા , તમને પણ હેપ્પી વેલેન્ટાઈન્સ ડે."
'વેલેન્ટાઈન્સ ડે.' બે શબ્દોએ ઇજા ઉપર મીઠું ભભરાવી મૂક્યું. દરવાજો વાંસી અંદર તરફ પ્રવેશતા સંયુક્તાનું હૈયું રડમસ થઇ ઉઠ્યું. આખું વિશ્વ્ પ્રેમની ઉજવણી કરી રહ્યું હતું અને પોતે રસોડામાં દરરોજની જેમ એજ રસોઈ અને એજ કાર્ય. બેઠકખંડના ખૂણામાં ગોઠવાયેલી ગાદી ઉપર નિષ્ક્રિય શરીર આવી ગોઠવાયું. સાડીના છેડાથી મોઢાનો પરસેવો લૂંછતા એક ઊડતી નજર સામે દીવાલ ઉપર શોભી રહેલી લગ્નની તસ્વીર ઉપર આવી થંભી.
મયુરેશનો ચ્હેરો લગ્નની તસ્વીરમાં પણ કેવો ધીર ગંભીર ! તદ્દન એના વ્યક્તિત્વ જેવોજ. નવ મહિના પહેલા ખેંચાયેલી એ તસ્વીર જાણે સંયુક્તા અને મયુરેશના વ્યક્તિત્વ વચ્ચેના વિરોધાભાસના મુદ્દાઓ એક પછી એક ઉકેલી રહી. મયુરેશ તદ્દન શાંત, મૌન અને ગંભીર. જયારે પોતાનેતો આખો દિવસ પણ વાતો માટે ખૂટી પડે. લાગણીઓ મયુરેશના બંધ ઓરડા જેવા હય્યામાં છાનીમાની છુપાઈ રહે અને પોતે નાની સરખી વાતમાં પણ ભાવુક થઇ ઉઠે. મયુરેશને સમાચાર અને વૈજ્ઞાનિક ચેનલો જોવાનો મોહ. જયારે પોતે એક મોટો બૉલીવુડ કીડો. રોમેન્ટિક ફિલ્મો, રોમેન્ટિક ગીતો એના લોહીની દરેક બુંદમાં ચોવીસ કલાક વહ્યા કરે. મયુરેશ તો બોલીવુડને હકીકતની સૃષ્ટિમાંથી અવાસ્તવિક જગતમાં ખેંચી જતું વ્યસન જ સમજે. ટીવીની ઉપર કોઈ ડાન્સ રિયાલિટી શોમાં એકીસાથે નૃત્ય કરતા રોમેન્ટિક યુગલને નિહાળી સંયુક્તાની નજર ભાવવિભોર થતી મયુરેશનો ચ્હેરો શોધતી, ત્યારે એ ચ્હેરો તો સમાચારપત્રમાં છુપાઈ બેઠો હોય.
લગ્નના નવ મહિનામાં કદી એક ગુલાબ લાવી માથામાં ભેરવ્યું ખરું ? કદી હાથ પકડી કોઈ રોમેન્ટિક ડાઈલોગ કહ્યો ખરો ?
કશે જવાનું હોય તો બધુજ પૂર્વયોજના બદ્ધ. ક્યારેક કોઈ સરપ્રાઈઝ આપી રોમાંચિત કરવાનો પ્રયાસ કર્યો ખરો ? બજારથી ખરીદવાની સામગ્રીમાં બધુજ શબ્દેશબ્દ યાદ રહેતું હોય તો ક્યારેક ભૂલથી પણ યાદીમાં ન હોય એવું કંઈક ન ઊંચકી લવાય ? એક તારીખને થોડું મહત્વ ન અપાય ?
એક અઠવાડિયાથી ટીવી ઉપર જાહેરાતો દર્શાવાઈ રહી છે. સમાચારપત્રો પણ વેલેન્ટાઈન ડેની જાહેરાતોથી ઉભરાઈ રહ્યા છે. રેડિયો પર કેટલા બધા રોમેન્ટિક વેલેન્ટાઈન સ્પેશ્યલ ગીતોના સંગ્રહ ગુંજી રહ્યા છે. દરેક હોટેલ સજી ઉઠી છે, ફૂલોની દુકાનો ને ગીફ્ટશોપ પ્રેમથી ઉભરાઈ રહી છે. ચારેતરફ મહેકી રહેલા પ્રેમના તહેવારની તારીખનું સહેજે મહત્વ નહીં ? કોઈ પ્રત્યાઘાત નહીં ? સવારે ઉઠીને નિયમિત નાસ્તો, સમાચાર પત્ર, ચાનો કપ અને ઓફિસે જવાની તૈયારી. જાણે કે આજની તારીખ પણ દરરોજ જેવીજ સામાન્ય. કશો ઉત્સાહ નહીં, કોઈ રોમાન્સ નહીં. વેલેન્ટાઈન ડેનું દૂર દૂર સુધી કોઈ નામોનિશાન નહીં. આટલી વ્યવહારુતા !
એક ગુલાબ તો ખરીદીજ શકાય ને ? ચાલો એટલું નહીં તો ફક્ત "આઈ લવ યુ" ત્રણ શબ્દો તો ઉચ્ચારીજ શકાય ને ? એ પણ નહીં. પ્રેમ અભિવ્યક્ત કરવામાં કેવી શરમ ? કે પછી પ્રેમ છે જ નહીં ?
મોબાઈલની રીંગથી સંયુક્તા સફાળી થઇ. વિચારોની માળા તોડી ફોન ઉપાડ્યો. મયુરેશનો જ કોલ હતો.
"હલો, સંયુક્તા, યાદ છે ને આજે કઈ તારીખ છે ?"
સંયુક્તા રીતસર ચોંકી ઉઠી. મયુરેશને તારીખ સાચેજ યાદ હતી. આગળ શું કહેવું એ અંગે એ ગૂંચવણ અનુભવી રહી.
"હા , પણ ...."
સામે છેડેથી મયુરેશનો અવાજ વધુ સ્પષ્ટ થયો. "પણ ,બણ કઈ નહીં. હું તને લેવા આવી રહ્યો છું. ઝડપથી તૈયાર થઇ જજે."
કોલ કપાયો અને સંયુક્તાનું વિશ્વ ખુશીથી ઉછળી ઉઠ્યું. તન અને મનમાં અનેરી સ્ફૂર્તિ વ્યાપી રહી. જાણે શું કરવું એ પણ ભુલાઈ રહ્યું. રસોડામાં જઈ બાંધેલો લોટ એણે ફ્રિજમાં સરકાવી દીધો. થોડાજ સમયમાં સ્નાન લઇ, સુંદર લાલ વસ્ત્રોમાં સજ્જ થઇ, અરીસાની સામે આવી ઉભી રહી. લાલ બંગડી, લાલ સાડી અને થોડા ઘરેણાં. શરીર અને ચ્હેરો નવવધૂ સમા ચળકી ઉઠ્યા. ગળામાંના મંગળસૂત્રને ફરીથી વ્યવસ્થિત ગોઠવ્યું જ કે નીચે રાહ જોઈ રહેલ બાઇકનો હોર્ન ગુંજ્યો.
પતિ સાથેની પ્રથમ વેલેન્ટાઈન ડેટના વિચારે જ હય્યાને ધડકાવતું કરી મૂક્યું. પૂર ઝડપે બારણે તાળું લટકાવી, એકજ શ્વાસે બધીજ દાદરો ઉતરી, નામનીજ ક્ષણોમાં સંયુક્તા મયુરેશની બાઈક આગળ આવી ઉભી. મયુરેશની નજર ઉપરથી નીચે સુધી સંયુક્તાને અચરજથી તાકી રહી.
"શું થયું ?" સંયુક્તા ને એ અચરજ ભરી નજર નિહાળી અચરજ થયું.
"નહીં, તારી સાડી, ઘરેણાં અને મેકઅપ..." મયુરેશના શબ્દો ટુકડે ટુકડે અચકાઈ પડ્યા.
"એટલે ?" સંયુક્તાની મૂંઝવણ પણ વધુ ઘેરાઈ.
આગળ વાર્તાલાપને ટૂંકમાં સંકેલી લઇ મયુરેશે બાઈક સ્ટાર્ટ કરી.
"કઈ નહીં. નીકળીએ નહિતર મોડું થઇ જશે."
સંયુક્તાનો હાથ મયુરેશના ખભે સ્પર્શ્યો અને સંયુક્તાનો રોમેન્ટિક સ્વભાવ બાઈકની ઝડપ જોડે ઇન્દ્રધનુષી રંગાઈ રહ્યો. ચારે તરફ પ્રેમના પુષ્પો વરસી રહ્યા. કલ્પનાજગતના ખ્યાલોમાં સંયુક્તાના બન્ને હાથ એ પુષ્પોને સ્પર્શી રહ્યા. જાણે વૃક્ષ ઉપર કોઈ હિંચકો વડવાઈ જોડે ઝૂલી રહ્યો અને પોતે એ હિંચકા ઉપર આનંદથી ઝૂલી રહી. પૃષ્ઠભૂમિમાં જુદા જુદા રોમેન્ટિક ગીતો એક પછી એક ગુંજવા લાગ્યા. સફેદ વસ્ત્રોમાં સજ્જ સંયુક્તાનું શરીર ધોધ પાસે નૃત્ય કરી રહ્યું અને દૂરથી ધીમી ગતિએ પવન જોડે ઘોડા ઉપર સવાર મયુરેશ એની તરફ પ્રેમની દ્રષ્ટિ છલકાવતો આગળ વધી રહ્યો. ગીતોનો સાદ પરાકાષ્ઠાએ પ્હોંચ્યોજ કે બાઇકને લાગેલી બ્રેક જોડે સંયુક્તાના પગ સ્વર્ગ સૃષ્ટિમાંથી નીચે આવી વાસ્તવિકતાની ભૂમિને સ્પર્શ્યા.
બાઈક ઉપરથી નીચે ઉતરેલી સંયુક્તાની નજર આસપાસની સૃષ્ટિ જોડે પુન : સંપર્ક સાધવા મથી રહી. મથામણ ઘણી આંચકા જનક હતી. દુરદુર સુધી કોઈ હોટેલ, સીનેમા ઘર, શોપિંગમોલ દેખાઈ રહ્યા ન હતા. આંખ સામે ઉભી ઊંચી ઇમારત એણે પહેલા નિહાળી હતી. આ સ્થળ જાણીતું હતું. પોતાની ગાયનેકોલોજિસ્ટની કેબીન આજ ઇમારતમાં હતી. મોટી મોટી આંખે હેરતથી ઇમારતને તાકી રહેલી સંયુક્તાને સ્ટેન્ડ ઉપર બાઈક ગોઠવી રહેલા મયુરેશના શબ્દો સ્પષ્ટ સંભળાયા.
"મને ખબરજ હતી તું ભૂલી જશે. આજે ૧૪ ફેબ્રુઆરી છે. ગાયનૅકોલૉજિસ્ટનું અપોઈન્ટમેન્ટ. સવારે તે કઈ યાદ ન અપાવ્યું. એટલે હું સમજી ગયો કે તું તારીખ ભૂલી ગઈ. એટલે ઓફિસ માટે નીકળતા સમયે જ તારી ફાઈલ સાથે લઇ લીધી હતી."
સંયુક્તાને જાણે સાંપ સુંઘી ગયો હોય એવી એ જડ બની ગઈ.
" શું થયું ? અરે, રસોઈની ચિંતા ન કરીશ. આજે સાથે બહાર જમી લઈશું."
આશ્વાસન મળ્યા છતાં અકબંધ રહેલી જડતાને દૂર હડસેલવા મયુરેશ સંયુક્તાની સમીપ પહોંચ્યો. એનો હાથ સહજતાથી સંયુક્તાને ખભે ટેકાયો.
"જો સંયુક્તા તું હવે એક યુવતી કે તરુણી નથી. એક સ્ત્રી છે. લગ્ન પછી શરીરના અંતરસ્ત્રાવો બદલાવાથી આખું શરીર બદલાઈ જાય છે. હવે તારે તારા શરીરની અને સ્વાસ્થ્યની ખુબજ કાળજી લેવી પડશે. ડોક્ટર સાથેના અપોઈન્ટમેન્ટ અને તારીખો યાદ રાખવી પડશે. એમાં બેદરકારી ન ચાલે. આપણે સ્વસ્થ હોઈએ તોજ ખુશ રહી શકીએ અને અન્યને પણ રાખી શકીએ. જે રીતે તું મારી બધીજ કાળજી રાખે છે એ રીતે તારી દરેક કાળજી રાખવી એ હવે મારી પણ ફરજ છે. હવેથી હુંજ તારો 'રિમાઇન્ડર' છું."
સંયુક્તાનું મૌન શરીર અને વિચાર મગ્ન હાવભાવો મયુરેશને દ્વિધામાં ઘેરી રહ્યા.
"સંયુક્તા, શું થયું ? આમ શું વિચારે છે ?"
સંયુક્તાના ચ્હેરા ઉપર સાચા સંતોષ અને આનંદ ધીમા ડગલે ખેંચાઈ આવ્યા.
" એજ વિચારું છું કે જીવનમાં કઈ તારીખોને આપણે મહત્વ આપતા રહીયે છીએ. જયારે કઈ તારીખોને સાચેજ મહત્વ આપવું જોઈએ ? તારીખ જોડે જીવનમાં પ્રેમનું અસ્તિત્વ ઉદ્દભવે કે પ્રેમની અને કાળજીની ક્ષણોથી રંગાયેલી દરેક તારીખ જ સાચું જીવન હોય ?"
સંયુક્તાના ફિલોસોફી ભર્યા શબ્દોથી મયુરેશ વધુ ગૂંચવણમાં સરી પડ્યો.
"એટલે ? હું સમજ્યો નહીં."
"કોઈ વાંધો નહીં, હું તો સમજી ગઈ ને ! "
ખભે ટેકાયેલ મયુરેશના કાળજી સભર હાથની હૂંફ મેળવતી સંયુક્તા ગાયનેકોલોજિસ્ટની કેબીન તરફ સહર્ષ ડગ માંડી રહી.