રિક્ષાવાળા કાકા
રિક્ષાવાળા કાકા
કડક સ્વભાવના બોસ શિવાની મેડમ કે જેના ચહેરા પર હાસ્ય જોવું બહુ દુષ્કર ઘટના ગણાય ઑફિસમાં એમની ધાક જબરજસ્ત હતી. આખી ઓફિસ એક અવાજે એ દિવસ છે એમ કહે તો દિવસ અને એ રાત કહે તો રાત કહેતી. ઓફિસના સૌથી જૂના માણસ એવા રામુકાકા કહેતાં 'મેં ઘણા બોસ જોઈ નાખ્યાં, પણ આના જેવું કોઈ નહી ભઈ સા'બ. આનામાં તો દયાનો છાંટો પણ નથી. લાગે છે પ્રેમ શું છે ? લાગણી શું છે ? સમજતી જ નથી. દરેક માણસને યંત્ર સમજે છે. લાગે છે એને જીવનમાં કોઈ ચાહવાવાળું જ નહી મળ્યું હોય ! 'ઓફિસના બધાય લોકો એની સાથે સહમત થતાં. એક પ્રિયાંશી એવી હતી કે કયારેક મેડમ સાથે હિંમત કરીને વાત કરી શકતી. બાકી તો યસ મેડમ, નો મેડમ સિવાય બીજો કોઈ શબ્દ બોલતું ન હતું. હા, એક રિક્ષાવાળા કાકા કયારેક કયારેક રિક્ષા લઈને મેડમને મળવા આવતાં. પટાવાળાને સૂચના હતી કે આ કાકા આવે તો સીધા જ મેડમની ચેમ્બરમાં મોકલી દેવાના. ઓફિસના કર્મચારીઓને થતું આ મેડમ આ રિક્ષાવાળાને કેમ આટલો આદર આપે છે. એ ઓફિસમાં આવે ત્યારે બેન છેક રિક્ષા સુધી એને મૂકવાં જાય છે પણ મેડમ શિવાનીના કડપના કારણે કોઈ એમને પૂછવાની હિંમત ન કરતું, ન પેલાં રિક્ષાવાળા કાકાને.
એક દિવસ પ્રિયાંશી કોઈ કામસર મેડમની ચેમ્બરમાં હતી ને મેડમના મોબાઈલ ફોનની ધંટડી રણકી. મેડમે ફોન રીસીવ કર્યો. કંઈક વાત થઈ અને મેડમ 'ના હોય ! ' કરીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. ઓહ ! પ્રિયાંશીના આશ્ચર્યનો પાર ન રહ્યો. આંસુ અને મેડમ ! રડવું અને મેડમ ! સંભવી જ ન શકે એવી લોખંડી મહિલા હતી શિવાની અને એ રડે છે ? પ્રિયાંશી એની આંખો પર વિશ્વાસ ન કરી શકી,પણ તરત જ સ્વસ્થ થઈને એણે મેડમને પૂછ્યું,'મે'મ,શું થયું ? અચાનક તમે રડવા લાગ્યાં. પ્રિયાંશીએ તરત જ મેડમને પાણી આપ્યું. મેડમ હજુ પણ ચોધાર રડી રહ્યાં હતાં. 'પ્રિયાંશી, મારા કાકા, મારા પપ્પા. . . . 'મેડમ પૂરું વાક્ય ન કરી શક્યાં. 'મારે જવું પડશે, હું ગાડી ડ્રાઈવ નહી કરી શકું, ડ્રાઈવર પણ આજે નથી, પ્રિયાંશી તારે જ ગાડી ડ્રાઈવ કરવી પડશે .'
'હા,મેડમ' કહી પ્રિયાંશીએ ગાડીની ચાવી મેડમના હાથમાંથી લીધી અને તરત જ બંને બહાર નીકળી ગાડીમાં ગોઠવાયાં. આખો સ્ટાફ મેડમના આંસુ ભરેલી આંખોને આશ્ચર્યથી પહોળી થયેલી આંખોએ જોઈ રહેલો. પ્રિયાંશીએ ગાડી સ્ટાર્ટ કરી એને થયું કે મેડમ ગુજરાતી છે અને આ મહારાષ્ટ્રનું નાસિક શહેર. એને એ પણ ખબર હતી કે મેડમ શહેરમાં એકલા રહે છે,એટલે એમના કાકા,પપ્પા. . . માટે ગુજરાતના કોઈ શહેરમાં જવાનું થશે. એ વિચારેને વિચારે એણે ગાડી નાસિકના મુખ્ય માર્ગ પર લીધી. પ્રિયાંશીના આશ્ચર્ય વચ્ચે મેડમે ગાડીને શહેરના જૂનાં કોટ વિસ્તારવાળા રસ્તે લેવા કહ્યું. પ્રિયાંશીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને પાકી ખાતરી હતી કે આ વિસ્તારમાં તો બહેનના મા-બાપ કે સંબંધી ન જ રહેતાં હોય પણ એણે મેડમનાં આદેશનું પાલન કરી તેમના કહેવા મૂજબ ગાડી ચલાવી. લગભગ પંદરેક મિનિટ પછી સાંકડી ગલીઓ વાળા સ્લમ કહી શકાય એવા વિસ્તારમાં એક ખૂબ જ જૂનાં થઈ ગયેલાં મકાન આગળ ગાડી ઊભી રખાવતાં મેડમે કહ્યું 'બસ અહીં' એ મકાનમાં થોડી રોકકળનો અવાજ આવતો હતો. પ્રિયાંશી પણ ગાડીમાંથી ઉતરી મેડમ સાથે એ મકાન તરફ જવા લાગી. દરવાજો આવતાં જ મેડમે રીતસરની દોટ મૂકી અને ઓસરીમાં પડેલા મૃતદેહને બાઝી પડ્યા. કાકા. . . કાકા. . . ઊઠો મને મૂકીને કેમ ચાલ્યાં ગયાં. તરત જ ઊભી થઈ એ મરનારની પત્નીના ગળે વળગી પડ્યાં. બા આ શું થયું ? કાકા . . કેમ આપણને મૂકીને જતાં રહ્યાં ? જેનો પતિ મરી ગયો છે એ વૃદ્ધાને સાંત્વના આપવાને બદલે મેડમ તો વધુ રડતાં ગયાં. એવો સમય આવ્યો કે વૃદ્ધાને મેડમને શાંત કરવા પડ્યાં. પ્રિયાંશી આ બધું જોતી જ રહી પણ બહાર પડેલી રિક્ષા પરથી એને એ તો ખબર પડી કે આ ઘર પેલા રિક્ષાવાળા કાકાનું છે જે કયારેક કયારેક મેડમને મળવા ઓફિસ આવતાં. એ જ કાકા મૃત્યું પામ્યાં છે. ઘર અને વૃદ્ધાની બોલી જોતાં એને લાગ્યું કે મૃતક રિક્ષાવાળા કાકા મરાઠી છે અને બેન ગુજરાતી. એ કંઈ સંબંધને સમજી ન શકી. મેડમનું આટલું રડવું,આવું લાગણીવશ થઈ જવું, વર્ષોથી આ ઘર સાથે પરિચિત હોય એ રીતે વર્તવું. પ્રિયાંશીના મગજમાં કંઈ બેઠું નહી.
મેડમે પ્રિયાંશીને જવા જણાવ્યું અને આગામી પંદરેક દિવસ ઓફિસે નહી આવે એમ કહ્યું.
પ્રિયાંશી ગઈ તો ખરી પણ આ રિક્ષાવાળા કાકા અને મેડમનું સગપણ એના માટે સંશોધનનો વિષય બની ગયો.
પંદરેક દિવસ પછી મેડમ ઓફિસ આવ્યાં. એમના ચહેરા પર રિક્ષાવાળા કાકાના મૃત્યુની ઉદાસી, દુઃખ, વેદના સ્પષ્ટ વર્તાતી હતી. આવી સટ્રોઁગ મેડમને ઢીલી જોઈ સ્ટાફને તો બહુ જ નવાઈ લાગેલી અને એ પણ રિક્ષાવાળા મરાઠી કાકા માટે.
એ દિવસે તો ઓફિસનું બાકી કામ પતાવવામાં મેડમને સમય ન મળ્યો પણ બે-ત્રણ દિવસ રહીને પ્રિયાંશી બપોરના સમયે કોઈ કામસર મેડમના ચેમ્બરમાં ગઈ ત્યારે તક જોઈને એણે એક સવાલ મેડમને પૂછી લીધો. 'મેડમ,પેલાં રિક્ષાવાળા કાકા. . . . ' મેડમે એને અધવચ્ચે જ એને રોકીને બેસવા કહ્યું. 'બેસ, તને કહું' પ્રિયાંશી સંકોચાતાં સંકોચાતા બેઠી કારણ કે આ પહેલાં પ્રિયાંશી તો શું ? ઓફિસના સિનિયર મેનેજર પણ મેડમની ચેમ્બરમાં એણે બેઠેલા જોયાં ન હતાં.
મેડમની આંખો ભરાઈ આવી. એમણે કહ્યું. એ રિક્ષાવાળા કાકા માત્ર રિક્ષાવાળા કાકા ન હતાં. મારા સાચા બાપ હતાં. આજથી પચીસ વર્ષ પહેલાં આ શહેરમાં હું સાવ નવી હતી. મારા પતિ એક કંપનીમાં નોકરી કરતાં હતાં એટલે અહીં આવી ગયેલી. મારા માટે બધું જ નવું હતું. મારા પતિ સાથે મેં લવ મેરેજ કરેલાં. પણ લગ્ન પછી તરત જ મને ખબર પડી ગયેલી કે એ મારી ભૂલ હતી. એ મને ઓછું ગમાડવા લાગેલો. એણા મારા જોડે કરવા ખાતર લગ્ન કર્યા હોય એવું લાગતું. નાનપણમાં જ મારા પપ્પા મરણ પામેલાં. મારી મા એ અમને ત્રણ ભાઈ બહેનોને મોટા કરેલાં અને પછી લગભગ વીસ વર્ષની ઉંમરે મેં મમ્મીની ઉપરવટ જઈ ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધેલાં. આ જ શહેરમાં હું પ્રથમ વખત સગર્ભા થયેલી. છેલ્લો મહિનો જતો હતો એ સમયમાં મારા પતિને પ્રમોશન આવ્યું. એ અહીંથી મન એ જ અવસ્થામાં મૂકી હૈદરાબાદ જતાં રહેલાં. સાસરિયાંએ સાસરીમાં અને પિયરીયાંએ પિયરમાં આવવાની સ્પષ્ટ ના પાડેલી હતી.
આ અવસ્થામાં અજાણ્યા શહેરમાં મારા માટે ઉપર આભ અને નીચે ધરતી ! કોઈ મારું નહી ! હા,આવતાંની સાથે મારા પતિએ અહીં પોતાનો ફલેટ લઈ લીધેલો એટલે મકાનમાંથી કોઈ કાઢવાવાળું ન હતું. પણ. . બીજું કશું પણ ન હતું. એ દિવસોમાં આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ જ નહોય એવું લાગવા માંડેલું પણ પેટમાં બચ્ચું હતું એટલે એ વિચાર પણ મને યોગ્ય ન હતો લાગતો.
અચાનક એક દિવસ અસહ્ય દુઃખાવો ઉપડ્યો. એ પ્રસુતિની જ પીડા હતી. બચાવેલા થોડા પૈસા લઈ હું ફલેટ બંધ કરી હું જેમ તેમ કરી નીચે આવી. એક રિક્ષાને ઊભી રાખી સરકારી દવાખાને લઈ જવા કહ્યું. હું રિક્ષામાં બેઠી. રિક્ષાવાળા કાકા મારી હાલત જોઈ સમજી ગયા કે હું શેના માટે દવાખાને જઈ રહ્યો છે. એમણે મને પૂછ્યું 'દીકરી,કેમ એકલી છે ? આવી પરિસ્થિતિમા પણ કોઈ સાથે નથી. મેં કહ્યું 'ના,હું એકલી જ છું. કોઈ નથી બીજું. સરકારી દવાખાનું આવી ગયું. રિક્ષાવાળા કાકાને મેં ભાડું પૂછ્યું. એમણે ના પાડી અને રિક્ષા પાર્ક કરી મારી સાથે આવ્યાં અને બોલ્યાં 'બેટા, આ પરિસ્થિતિમાં હું તને એકલી નહી મૂકું. ચાલ ડૉકટર પાસે. તારી કાકીને પણ બોલાવી લીધી છે એ પણ હમણાં જ આવી જશે. 'મેં એમને વિનયપૂર્વક એમ કરવાની ના પાડી. ' એમણે કહ્યું 'માણસ માણસને કામ નહી આવે તો કોણ આવશે' તું દીકરી જ છે અમારી' મેડમની આંખો ભીની થઈ ગઈ. થોડી વાર ગળે ડૂમો બાજી ગયો. થોડું પાણી પીને એ સ્વસ્થ થયાં. પછી બોલ્યાં. થોડી વારમાં રિક્ષાવાળા કાકાના પત્ની કાકી પણ આવી ગયાં જેને હવે હું મમ્મી કહું છું. મમ્મી એક માની જેમ પ્રસુતિ માટે જરુરી તૈયારી સાથે જ આવ્યાં હતાં. થોડી વારમાં જ મેં બાળકીને જન્મ આપ્યો. અમે બંને સ્વસ્થ હતાં. નોર્મલ ડીલીવરી થઈ હતી. સાંજે તો હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ. રિક્ષાવાળા કાકા એટલે કે પપ્પા અને મમ્મી મારી સાથે જ ઘરે આવી ગયાં. બાળકની અને મારી સાર-સંભાળનું કામ મમ્મીએ ઉપાડી લીધું. મેં સાસરી,પિયર અને મારા પતિને બાળકીના જન્મની જાણ કરી. કોઈએ ખબર અંતર પણ પૂછ્યાં નહી. આવવાનું કે બોલાવવાનું તો દૂર. બરાબર સવા મહિનો થયાં પછી રિક્ષાવાળા કાકા એટલે કે પપ્પાએ મને નોકરી માટે તૈયાર કરી અને મમ્મીએ બાળકીને સંભાળવાની. ઈશ્વરે મને એમના રૂપમાં દેવદૂત મોકલી આપ્યાં. જોબ કરતાં કરતાં મે ભણવાનું શરુ કર્યું. મારે ઘર ખર્ચની જવાબદારી રહી ન હતી. એ તો પપ્પા જ રિક્ષા ચલાવીને પૂરી કરતાં હતાં. એમણે કયારેય મારો એક પણ રૂપિયો લીધો નહી. દીકરીનું લેવાય નહી એમ કહી ઘર ખર્ચ માટે પણ કયારેય એમણે મારી પાસેથી રકમ લીધી નહી. એમણે સગી દીકરીની જેમ મને રાખી. મને ફરી ભણાવી. એમ. બી. એ. સુધી ભણી. મારી દીકરી મોટી થઈ પછી ફરી એ એમના ઘરે રહેવા જતાં રહ્યાં. બેટા,તને સારી નોકરી અપાવી અને તારી દીકરીને મોટી કરી આપી. હવે અમારી મોટી જવાબદારી પૂરી થઈ. હવે દીકરીના ઘરે ન રહેવાય. અમે અમારા ઘરે ભલા,પણ તું જ્યારે યાદ કરીશ ત્યારે અમે બંને હાજર થઈશું. એમણે મને મારા પગ પર ઊભી કરી. કોઈ પણ સ્વાર્થ વગર સાચો પ્રેમ આપ્યો. મારા ખોટી વ્યક્તિને પ્રેમ કરવાના એક ખરાબ નિર્ણયના કારણે મારી જિંદગીને દોજખ થતી બચાવી. જ્યારે લોહીના સંબંધ કામ ન આવ્યા ત્યારે લાગણીના સંબંધે મારી લાજ બચાવી. પૃથ્વી પરના મારા ભગવાન સાબિત થયાં.
આજે રિક્ષાવાળા પપ્પા નથી રહ્યાં. મમ્મીને તો મેં સાથે રહેવા લાવી દીધી છે. પપ્પાની યાદગીરી રૂપે રિક્ષાને ઘરમાં એક મંદિર બનાવીને મૂકી છે. પપ્પા નથી પણ એમની યાદ રિક્ષા રૂપે જીવંત છે. એક સામાન્ય લાગતાં, એક પછાત વિસ્તારમાં રહેતાં, નાનું કામ કરતાં, ગરીબ દંપતિમાં ખુદ ઈશ્વર વસતો હતો. મારા માટે તો એ ભગવાનથી પણ અધિક હતાં. શિવાની મેડમે આંખના બે ભીનાં ખૂણા લૂછ્યાં. પ્રિયાંશી શિવાની મેડમમાં એક સંવેદનશીલ દીકરી નીહાળી રહી હતી. શિવાની મેડમે કહેલી રિક્ષાવાળા કાકાની કથા કોઈ ઈશ્વર કથાથી કમ ન હોતી.
