રેવડી
રેવડી


રામપુરાની સરકારી પ્રાથમિક શાળાની બહાર એક કાર આવીને ઉભી રહી. સૂટ બૂટ માં સજ્જ એ કારચાલક યુવાન આસ પાસ નજર કરે છે. એ કંઈક શોધતો હોય એમ લાગે છે.
"શું શોધે છે દીકરા ?" એક વડીલે વિનમ્રતા દાખવતા પૂછ્યું. "શિવાકાકાની લારી" યુવાને કહ્યું. વડીલ હસવા લાગ્યા ને બોલ્યા, "ઘણાં વખતે આ ગામમા આવ્યો લાગે સે દીકરા, શિવા ને તો શહેર જતે રહ્યે'ય ઘણા વરસો થિયા. અને આજકાલ નાં આ સોકરાવ એની લારીની ઓલી ખાટીમીઠી પીપરુ ને ઓલી રેવડીયુ ખાતા હસે કંઈ".
યુવાને શાળા તરફ નજર કરી. અહી આ ડાબી બાજુ લીમડાના ઝાડ નીચે શિવાકાકાની લારી. ઘરેથી બે આઠાના મળ્યા હોય વાપરવા. એક આઠાના રિસેસમાં ને બીજા આઠાના શાળાએથી છૂટું ત્યારે વાપરું. શિવાકાકા આઠાનાની બે રેવડી આપે. બે રેવડી રિસેસમાં ખાઉં ને બે રેવડી શાળાએથી છૂટીને ઘરે જતી વેળાએ મોઢામાં મમરાવતો જાવ. મને રેવડી બહુ ભાવતી... ને ઓલા રાજ્યાને જલજીરા વાળી ગોળી... ને કાન્યાને મીઠાપાનની... ને ઓલી જમનાકાકીની દેવલી, એને તો મધની ગોળી બહુ ગમતી... ક્યારેક એ પૈસા ન લાવી હોય તો હું મારા એક આઠાનાની એને એ મધની ગોળી લઈ આપતો. કેટલી હરખાતી ને કહેતી કે ભગવાન તારા જેવો વીરો સ્હન્ધાય ને આલે. એ દિવસની બે રેવડી હું જતી કરતો ને એ બે રેવડી ના બદલ એ દેવલી બે ગણું હરખાતી.
અહી હવે એ રેવડી નહીં મળે...