રેશમી દોર.
રેશમી દોર.


"મારો મોબાઇલ કયાં છે ?"
"એને જયાં હોવું જોઈએ ત્યાં" પલક ગુસ્સે થતા બોલી.
પલકનો પતિ ગુસ્સે થતા બોલી ઉઠયો. પલકને પતિના ગુસ્સાની કયાં પડી હતી એ તો વધુ ગુસ્સો કરતા બોલી, "તમે તો બધા ને કહેતા ફરો છેા કે પત્ની એટલે પતિનું અડધું અંગ. તો હું તમારો મોબાઇલ ચેક કરુ એમાં ખોટું પણ શું છે ? મને ખબર તો પડે કે તમે પેલી નાગણ જોડે કેટલી વાતો કરો છો ? બે દિવસમાં ૪૮ મિનિટ વાત કરી છે."
"જેા પલક તું મારી સારાસનો દુરુપયોગ કરે છે. એ નાગણ નહીં તારી નણંદ છે બોલવામાં સભ્યતા રાખ. એને આપણું શું બગાડ્યું છે ?એનું છે પણ કોણ ? મોટોભાઈ તો મા બાપની જગ્યાએ હોય, હું મારી નાની બહેન જોડે વાતો કરુ એમાં ખોટું શું છે ? "
પલાસ ની વાત સાંભળીને પલક બરાડી ઊઠી, "બધીજ સભ્યતા તો તમારી બહેનમાં ભરી છે પછી મારા માટે સભ્યતા કયાંથી વધી હોય ?"
પલાસ જાણતો હતો કે પત્ની સાથે દલીલ કરવા નો કંઈ અર્થ જ નથી. તેથી ચંપલ પહેરી બહાર જવું વધુ સલામત છે. જોકે પલાસ ને ખબર હતી કે મારા ગયા પછી પણ પલકનો બબડાટ ચાલુ જ રહેશે. પલક પત્ની તરીકે ખુબ સારી હતી પરંતુ એનો પતિ એની બહેન જોડે સંબંધ રાખે એ પસંદ ન હતું. જોકે એની પાછળ પણ કારણ હતુ કે પલકના પિયરમાં મિલકત બાબતે ઝગડો ચાલુ હતો એના ભાઈએ તો કહી દીધું હતું કે,"અમે તને મિલકતમાંથી કશું જ નહીં આપીએ." એ કારણે જ પલકને ભાઈબહેનના સંબંધ પ્રત્યે નફરત હતી.
જોકે એના મનમાં એવો ડર પણ હતો કે નણંદ મિલકતમાં ભાગ લેવા આવશે. જો મને મારા પિયરમાંથી મિલકત ના મળે તો અમારે નણંદ ને શા માટે આપવી ? જોકે પલાસ ઘણી વાર પલકને સમજાવતો કે પૈસાે સર્વસ્વ નથી માણસને જીવવા માટે કેટલા પૈસા જોઈએ ? પરંતુ પલક કોઈ વાતે માનવા તૈયાર ન હતી.
એવામાં રક્ષા બંધનનો તહેવાર નજીક આવી રહ્યો હતો ત્યારેજ પલાસે કહ્યું, "આ વર્ષે મા
રી બહેન મને રાખડી બાંધવા નહીં આવે, હવે તો તું ખુશ ને ? "
"કરી હશે મારી બુરાઈ બીજું શું ?"
"ના પલક, તું સમજવાની કોશિશ કર મારી બહેન તને ખૂબ પ્રેમ કરે છે પરંતુ એનું કહેવું હતું કે ભા઼ભી એમના ભાઈને રાખડી બાંધવા જતા નથી તો હું ત્યાં નહીં આવુ. કારણકે ભાભીને એમનો ભાઈ યાદ આવી જાય અને એમને દુઃખ થાય."
પલક થોડી ક્ષણ કશું બોલી ના શકી. એની આંખોમાં આંસુ આવી ગયા. રૂધાંતા સ્વરે બોલી, "ખરેખર તમારી બહેને એવું કહ્યું ?"
"હા, પલક એ તને ખૂબ પ્રેમ કરે છે. પણ તું એ વાત સમજી શકતી નથી એને સમજવા તુ પ્રયત્ન કર. બીજી વાત કે આપણે સુખીજ છીએ તને કોઇ વાતે ઓછું આવવા દીધુ નથી. તો શા માટે માત્ર પૈસા માટે સંબંધ બગાડે છે ? ધાર કે તને પૈસા મળી પણ ગયા તો શું એ પૈસા તને માનસિક શાંતિ આપી શકશે ? પલક હજી પણ મોડું થયું નથી, તું કેસ પાછો ખેંચી લે. જયાં ભાઈબહેનના પ્રેમમાં વચ્ચે પૈસા આવે એટલે પ્રેમ ગાયબ થઈ જાય. લેનાર કરતાં આપનાર મહાન હોય છે."
પલક પતિ સામે જોઈ રહી પતિની વાતમાં તથ્ય હતું. એ પૈસા નેએ શું કરશે કે જે પૈસો બળેવ અને ભાઈબીજ જેવા તહેવાર આંખમાં આંસુ સાથે પસાર કરવા પડે ?
પલક ઊઠીને ફોન પાસે ગઈ અને ભાઈને ફોન કરતાં બોલી, "ભાઈ હું કેસ પાછો ખેંચી લઉ છું મારે મિલકતમાં ભાગ નથી જોઈતો. કાલે રક્ષાબંધન છે મારી ન઼ંણદ રાખડી બાંધવી આવવાના છે હું ત્યાં આવી શકું એમ નથી પણ તું જરૂરથી આવજે. "
સામે થી શું જવાબ આવ્યો એ તો ના ખબર પડી પરંતુ પલકનું ધુ્સકુ સંભળાયું. પલાસે પણ પત્નીને કંઈ પુછ્યું નહીં. પરંતુ થોડી વાર રહી એ એના નણંદ સાથે વાત કરી રહી હતી કે તમે જરૂરથી રાખડી બાંધવા આવજો. મારો ભાઈ પણ આવવાનો છે. આ તો પરસ્પર પ્રેમનો તહેવાર છે એ તો સાથેજ ઊજવવાનો હોય. બહેન ભાઈને માત્ર હાથે જ રેશમ દોરી નથી બાંધતી પણ એ તો સ્નેહની દોરથી બાંધી દે છે."