રાજીનામું
રાજીનામું
આજે ઘણાં વર્ષો પછી જલ્લાદ જોરાવરસિંહને જેલમાંથી કહેણ આવ્યું હતું. હમણાં તો ઘણા સમયથી કોઈને ફાંસી આપવામાં આવી નહોતી. છેલ્લે નિર્ભયાના હત્યારાઓને ફાંસી થઈ હતી પછી કોઈ કામ એને મળ્યું નહોતું. જો કે એ વિચારતો હતો કે લોકોમાંથી ફાંસીનો ડર નીકળી ગયો છે એટલે જ આટલાં બધાં ગુના વધી ગયાં છે. પણ દેશની ન્યાયપ્રણાલી સામે કોઈનું કંઈ ચાલે નહીં.
વહેલી સવારે નાહીધોઈને જોરાવર ઈષ્ટદેવને પગે લાગી પોતાના ગંતવ્ય તરફ નીકળી ગયો. ફાંસી કોને આપવાની છે એ તો ત્યાં ગયા પછી જ ખબર પડે. એણે જેલના રજીસ્ટરમાં પોતાની હાજરી પૂરાવી અને સૂચના મુજબ ગાળિયો તૈયાર કરવા જતો રહ્યો. પણ એને ખબર નહોતી કે આજે એની પરીક્ષા થવાની છે.
સમય થતાં જેલ સુપરિન્ટેન્ડટ, પોલીસ, ડૉક્ટર, સૌ આવી ગયા. થોડીવારમાં બે મહિલા પોલીસ કેદીને લઈને આવી પહોંચી. નિયમ મુજબ હત્યારણનું નામ બોલાયું અને જલ્લાદ જોરાવરસિંહનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ક્યાંક છ વર્ષ પહેલાં ઘરેથી ભાગી ગયેલી પોતાની ગોરા તો નહીં ? એણે સુપરિન્ટેન્ડટને ગુનેગારોનું મોં બતાવવા કહ્યું પણ કાયદો એની મંજૂરી આપતો નહોતો.
સમય થતાં એણે ફાંસીનો ગાળિયો બંધ મહિલા કેદીને પહેરાવ્યો. પણ કોઈ દિવસ નહીં ને આજે એનું હૃદય એને સાથ આપતું નહોતું. એ પડી ભાંગ્યો અને હાથ જોડી એણે ફાંસી આપવાની ના પાડી દીધી. હવે તાત્કાલિક બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ફાંસીની સજા મુલતવી રહી. કદાચ એ મહિલાનું નસીબ જોર કરતું હશે.
જોરાવરસિંહ ઉપર ઑફિસમાં બેસી રડવા લાગ્યો. કઠણ કાળજાના જલ્લાદને રડતાં જોઈ સૌ નવાઈ પામી ગયા. એણે શાંત પડ્યા પછી આજે જે મહિલાને ફાંસી આપવાની હતી તેની માહિતી પોતાને આપવા વિનંતી કરી. કાયદાની વિરુદ્ધ જઈ જેલ સુપરિન્ટેન્ડટે એને બધી વિગત કહી. તે સાંભળી પોતાના હૃદયના અવાજ પર એને શ્રદ્ધા બેઠી. એણે સૌથી પહેલું કામ પોતાનું રાજીનામું આપવાનું કર્યું.
છ વર્ષ પહેલાં ઘરના લોકોની મરજી વિરુદ્ધ જઈ ગોરાએ અન્ય કોમમાં લગ્ન કરી લીધાં હતાં. ત્યારે તો ઘરના સૌએ એના નામનું નાહી નાંખ્યું હતું પણ આજે એની કેસની વિગત જાણી બાપનું હૃદય પીગળી ગયું.
સારામાં સારા વકીલને રોકી એનો કેસ રિઓપન કરાવ્યો અને એના સાસરિયાંએ ગોરાને ખોટી રીતે ફસાવી હતી. તેમાંથી એને ફાંસીની સજામાંથી ઉગારી. પરીક્ષાની ક્ષણ તો ગોરા અને જોરાવરસિંહ બંનેની હતી. દીકરીએ ખરાં દિલથી બાપની માફી માંગી અને પોતાના ખોટા નિર્ણય માટે અફસોસ વ્યક્ત કરવા લાગી. બે વર્ષની જેલની સાદી સજા ભોગવીને બહાર આવેલી ગોરાની જાણે પરીક્ષા આજે પૂરી થઈ હતી.
