Kalpesh Patel

Drama Romance

4.9  

Kalpesh Patel

Drama Romance

રાઝ

રાઝ

15 mins
2.2K


સવારથીજ શાલીમાર સ્ટુડિયોમાં ફ્લોર નંબર ૨૧માં ચાલી રહેલા ઓડિશનમાં ડાન્સ ડિરેક્ટર કિશન મહારાજ પ્લેબેક ટ્રેક અને પ્રોબ સાથે સિમૂલને તેના પગ અને ઘૂંઘરુના લય એક કરવા મહેનત કરાવતા હતાંં. સ્ટુડિયોમાં ઘણી છોકરીઓ અભિનેત્રી બનવા માટે લાઈન લગાવી બેઠેલ હતી, પણ શાલીમાર સ્ટુડિયોના માલિક રેમ્બોની અનુભવી આંખે તારવેલ સિમૂલની વાત અલગ હતી, તેઓ સિમૂલમાં ભાવિ સ્ટાર-ડમ જોતાં હતાં અને સિમૂલને તેમની આગામી ફિલ્મ "પ્રોજેકટ 302"ની સફળતાની ચાવી છે તેવું દ્રઢપણે માનતા હતાં. અહી ઓડિશન દરમ્યાન દેશભરના ઘણા કલાકાર સ્ટુડિયોની લાઈનમાં અટવાતા હતાં ઉપરાંત ફિલ્મ જગતની પણ ઘણી નર્તકી રેમ્બોના મેગા પ્રોજેકટમાં એન્ટ્રી માટે આશ લગાવી રહી હતી પણ સિમૂલની નઝાકત નિરાળી હતી.

સિમૂલ તેના અણીયારા નાક અને ખંજન ઉપજાવતા ગાલ અને કોઈ ફિલ્મ જગતની પ્રવર્તમાન લીડ એક્ટ્રેસોને શરમાવે તેવી નાજુક દેહલતા આગામી સમયમાં દરેકને પાછળ પાડીને ફિલ્મ જગતમાં સિક્કા પાડવાની હતી. હવે અંદર ખાને રેમ્બોની શોધ પૂરી થઈ એટલે તેમનો ડ્રીમ-પ્રોજેકટ માટેના પ્રોમોના મુર્હુત શૉટ માટેની છૂપી પણ તડામાર તૈયારીના ભાગ રૂપે તેમના જૂના વિશ્વાસુ ડાન્સ ડિરેક્ટર કિશન મહારાજ સિમૂલને તનતોડ મહેનત કરાવતા હતાં.

હજુ છ-એક વરસ પહેલા સિમૂલને તેના મામા લખનૌથી મુંબઈ લાવ્યા હતાં. તેના માબાપ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં. અને તેની માનસિક હાલત વિચિત્ર હતી છતાં દેહ લાલિત્ય અતુલ્ય હતું તેથી પડશે તેવા દેવાશે પરંતુ આ માસૂમને ફિલ્મ લાઈનમાં ચમકાવીશ તેવા નિર્ધારથી મામા મોહને સિમૂલનો સહારો બની નાનપણથી મોટી કરી હતી. મોહન વર્ષોથી રેમ્બોના સ્ટુડિયોમાં દરજી (ડ્રેસ –મેન) તરીકે કામ કરતો હતો અને બીજા સ્ટુડિયોમાં પણ નાના મોટા કામ કરીને બે પૈસા કમાઈ લેતો અને મોહન-માસ્ટર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંકાયેલ.

મોહન બધાજ કલાકારોના જરૂર મુજબના કપડાં ડિઝાઈન કરી સીવતો. એટલે તે ફિલ્મ જગતમાં ઘણા મોટા કલાકારથી પરિચિત હતો. મામા ભાણીનું ગાડું આમ ચાલ્યું જતું હતું. મુંબઈમાં રહેવાના ઓટલાંના અભાવે મોહન રેમ્બોના સ્ટુડિયોમાં તેઓની રહેમ નજરથી રહેતો.

રેમ્બોના સ્ટુડિયોમાં ઘણા ફ્લોર હતાં અને આધુનિક તેમજ પ્રાચીન સ્થાપત્યને અનુરૂપ બેસુમાર લોકેશન હોવાથી લગભગ બધાજ ફ્લોર ધમધમતા રહેતા. રેમ્બો આમ ફિલ્મ પ્રોડકશનના જુગારથી હમેશા દૂરજ રહેતા હતાં અને સ્ટુડિયોના ભાડાથી સંતોષ માની બેસી રહેલા, પણ આ પ્રોજેકટ નંબર ૩૦૨ એ તેમનું સ્વપ્ન હતું અને તે સો ટકા સુપર ડૂપર સફળ થવાની તેઓને ખાતરી હતી અને તેથી જ તો તેઓ તેમના આ સ્વપ્નાને સાકર કરવા ખુવાર થવા સુધી તેઓ તૈયાર હતાં.

તેઓના આ મેગા પ્રોજેક્ટ માટે કોઈ કચાસ રાખવા માંગતા નહતાં એટલે દરેક તબ્બકે તેઓની સીધી દેખરેખ હતી, અને આખરે લીડ એક્ટ્રેસ માટે સિમૂલ અને લીડ એક્ટર માટે સદાબહાર શેખરને પસંદ કરેલ હતો. આમ છતાં રેમ્બો કોઈ જોખમ લેવા માંગતા નહતાં, એટલે મેગા પ્રોજેકટ ૩૦૨ ચાલુ થાય તે પહેલા એક ચાર ભાગની નાની સિરિયલ બનાવવી અને પછીજ ડ્રીમ પ્રોજેકટ ઉપર કામ કરવું તેવું તેમના મગજમાં ઠસેલું હોઈ, પહેલા સિરિયલની તૈયારી ચાલુ હતી. અને આ લીડ પેર ઉપરાંત રનર અપ પેર પણ સિરિયલમાં ભાગ લેવાની હતી.

 શાલીમાર સ્ટુડિયોમાં દરેક મહિનામાં એક બે વાર ફંક્શન રહેતા, મોહન સિમૂલને ફિલ્મ લાઈનમાં ચમકાવવા માટે અવનવા ડ્રેશમાં સાથે લઈ જતો, બાળસહજ સિમૂલને તે અજાયબ લાગતું, અહી અલક મલકનો મેળાવડો ઉમટતો રહેતો. રેમ્બોની પ્રેમિકા રોમાદેવી જીવતા હતાં ત્યારે અહીની રોનક કઈ ઓર હતી.પરંતુ રોમાદેવીના અવસાન પછી રેમ્બોના દિવસો કામમાં અને રાત્રિ દારૂના નશામાં વિતતી. ક્યારેક તેઓના પુત્ર સ્મિતને પાર્ટીમાં લાવતા અને રોમાદેવીને યાદ કરીને છુપું રડી લેતા. કામને સમયે કામની નીતિને વળગેલા રેમ્બો વ્યવસાય પરત્વે વફાદાર હતાં. અને હવે તેમના આગામી પ્રોજેકટ માટેની અભિનેત્રી પસંદગી માટેની દોટ મોહન માસ્ટરની ભાણીથી અટકી હતી.એટલે મોડીરાત સુધી હવે પ્રોજેક્ટને આખી ઓપ આપવા માટે વ્યસ્ત રહેતા હતાં.

બીજીબાજુ સિમૂલ અને સ્મિત સ્ટુડિયોમાં યોજાતી પાર્ટીના શોર બકોર વચ્ચે મળતા રહેતા. સ્મિત અંતર્મુખી વ્યક્તિત્વનો સ્વામિ હતો, ઓછું બોલતો પણ દુનિયાદારીથી બેખબર સિમૂલના સંગમાં સહજ લાગણીના તંતુથી બંને પોતપોતાની એકલતા દૂર કરતાં. સમય જતા સ્મિતની બદલાયેલી વાતોથી, સ્મિતનો તેના માટેનો પ્રેમ સિમૂલને પણ સમજાવા લાગ્યો. બંને એકબીજાની આંખોમાં પ્રેમ વાંચી લેતા. સ્પર્શ અને શબ્દોની તેમને જરૂર નહોતી. બસ માત્રને માત્ર અહેસાસ જ બંને માટે પૂરતો હતો.

કિસન મહારાજ આ સહજ પાંગરતા પ્રેમના સાક્ષી હતાં. પણ સાથે સાથે તેઓ સિમૂલને પિતાતુલ્ય સલાહ આપી સમજાવતા કે નવી અભિનેત્રીઓને પ્રેમ કરવાની પરવાનગી જ નથી હોતી તેને લાંબી મજલ કાપવાની હોય છે, ડાઈરેક્ટર – પ્રોડ્યુસરના લખલૂટ ખર્ચાને પણ નજરમાં રાખવાનો હોય છે. ફિલ્મ જગતમાં લોકોના દિલ ઉપર રાજ કરવા માટે પરણેલી અભિનેત્રી હમેશા આડખીલી બનતી હોય છે, અંહી પોતાના રૂપથી જ લોકોને લલચાવવાના હોય છે. આ નશીલા રૂપની અમુલ્ય મૂડી સમાન દિલજ તું કોઈને સમર્પિત કરી દઈશ તો આગળ કેવી રીતે વધાશે ? દીકરી સિમૂલ, તારે અત્યારેતો આ કામથી દૂર રહેવું ઘટે.

સિમૂલ પણ આ વાતને માનતી હતી, પરંતુ તે પ્રેમના ઉમટી રહેલા આવેગ પાસે લાચાર થતી રહેતી. બાળપણની આવી મુલાકાતો ઉમર વધતાં હવે નાજુક સ્તરે પહોચી ચૂકી હતી. સિમૂલ મનથી સ્મિતની થતી જતી હતી. ચોરીછૂપીથી વિતાવેલી સ્મિત સાથેની શુલ્ક ક્ષણોને આખો દિવસ વાગોળતી પણ ફિલ્મજગતના પંકમાં કમળની જેમ અન્યથી પોતાને દૂર રાખતી.

પરંતુ આ બધા ક્રમમા સિમૂલને હવે એવું થતું,કોઈએ તેને આંખે પાટા બાંધી, એક ગોળ પૈડા સાથે કોઈએ જકડી દીધી છે. તે સતત ગોળ ગોળ એકધારું ફરતી હતી. એ દરરોજ ખૂબ ચાલતી, થાકી જાય ત્યાં સુધી, છતાં એ ત્યાં જ હતી. એક તસું પણ ખસી નહોતી!

શરૂઆતમાં આ સ્ટુડિયોમાં સારું ખાવા પીવા અને પહેરવાના કપડાં મળતા ત્યારે તો તેને ખૂબ ગમતું, અને ડાન્સ માસ્તર કિસન મહારાજની નિગરણીમાં રોજના પોષ્ટીક ખોરાક, રેગ્યુલર ડાએટીસીયનની મુલાકાત તેમજ અવાર નવાર બદામના તેલથી મર્દન અને કેશને જડીબુટ્ટીનો ધૂપ જેવા મળતા લાલન પાલનનો ખરો અર્થ હવે સિમૂલને સમજાતો જતો હતો.

સમય વિતતા સિમૂલનું સૌંદર્ય ખુબ નીખર્યું હતું. આયનામાં પોતેજ પોતાનું સૌંદર્ય જોઈને લજવાઈ જતી. પણ એ વિચારતી, "આ રૂપનો માલિક કોણ ? પોતે આજે પોતાની જાતને એક સૂક્ષ્મ તારથી સંચાલિત થતી કઠપૂતળી હોય તેમ અનુભતી હતી. પોતે તેના મનના માણીગર સ્મિત તરફની પ્રીતને કેવી રીતે અવગણશે ? આવા વિચારની સાથે અકળવનારી વાસ્તવિકતા પજવતી હતી તેમજ રોજ-બરોજની એકધારી દિન ચર્યામાં મુઝાતી રહેતી.

સ્મિત જ્યારે પણ સ્ટુડિયો આવે ત્યારે તેને હમેશા તેના ભૂતકાળ ના જાળાં પજવતા સિમૂલને બાળપણના દિવસોની કઠણાઈથી સ્મિતને કેવી રીતે વાકેફ કરવો તે વિચારતી રહેતી.

બદલપુર ગામના સમીરને નાનપણથી છોકરીઓની જેમ તૈયાર થવું ગમતું હતું. આજ કારણે નાની ઉંમરે અન્ય કિન્નરોની સાથે મળીને તેણે નાચવા ગાવાનું શરૂ કરી લીધું. સમીર અંગેથી પુરુષ હતો પણ વાસ્તવમાં તેના મગજની ગ્રંથિઓ તેમ માનવા બંડ પોકારતી, માં બાપ તો હતાં નહીં અને મામા આખો દિવસ સિલાઈ કામમાં વ્યસ્ત રહેતા અને સમીર છોકરીઓના કપડાં અને સણગાર સજી સિમુલના હુલામણા નામે નાના મોટા પ્રોગ્રામના નાચી-ગાઈને જે કમાણી કરતો તે મામાને આપતો.

મામાના કહેવા પ્રમાણે,સિમૂલે ફિલ્મ લાઈનમાં સોપાન સર કરવા સ્મિત સાથે ઘરોબો કેળવેલ, પણ સમય જતાં હવે જ્યારે સ્મિત તેની નજીક આવીને તેના દિલની વાત જણાવતો તો એક મુગ્ધા યુવતી સહજ સિમૂલ શરમાઈને તેનાથી દૂર ચાલી જતી. આમ સિમૂલ પોતાના મનમાં સતત ચાલી રહેલ તિમૂલ મંથન વચ્ચે પણ સ્મિત માટે ભારોભાર લાગણી ધરાવતી થઈ હતી, બંને વચ્ચેના હવે શૂન્યમાં ભારોભાર લાગણી ધરબાતી જતી હતી.....

..બંને પ્રીતની રાહ પર હતાંં પરંતુ આ પ્રેમી પંખીડા, પોતાના પ્રેમનો આશીયાનો બનાવી શકશે કે કેમ ? તેની મથામણમાં હતાં. વળી અહીંની દુનિયાથી દૂર જઈને ક્યાં જવું, અને એકલા સંસાર કેવી રીતે માડશે, હજુ સિમૂલ નાબાલિક હતી. તેથી સ્મિત પણ પહેલ કરતાં અચકાતો હતો.

.....આજે સવારે જ સિમૂલે મોહન મામાને શેખર કુમાર સાથે વાત કરતા સાંભળ્યા હતાં કે પ્રોમો માટેના મુર્હુતની તૈયારી પૂરી થઈ છે, ત્યારથી તે ખુબ ચિંતામાં હતી. શેખર ફિલ્મ જગતનો મોટો કલાકાર અવારનવાર સિમૂલના ડાન્સ ટ્યુશન દરમ્યાન સ્ટુડિયોમાં મહેમાન બનતો. સિમૂલનું નૃત્ય અને તેના રૂપનો રસિયો હતો. સિમૂલના નિર્દોષ હાવભાવ અને તેના મૃગનયનોમાં હંમેશા ડૂબી જવાની તમન્ના સેવતો.

શેખરના આ લગાવની કિસન મહારાજને ખબર હતી તેથી,તેઓ સલામત અંતરની કાળજી લેતા હતાં જ પણ પ્રોજેકટ નબર ૩૦૨ માં સફળ અભિનેતા શેખર હશે તે લગભગ નક્કી હતું. અને સિમૂલ તેની પહેલી ફિલ્મ થીજ આગળ જ હશે એવું અનુમાન લગાવી મનમાં પોરસાતા.

હવે તેઓની પાસે ફક્ત મહિનાનો સમય જ હતો. અને પ્રિ લોન્ચની જાહેરાતોનો દોર ચાલુ થઈ ગયો હતો, હવે આવતે શનિવારે મુર્હુત હતું, અને તેમાં " ડાન્સ સિકવલ" ફિલ્માવવાની હતી, કિસન મહારાજ અને સિમૂલ બંનેનો આત્મવિશ્વાશ ચરમ સીમાએ હતો, અને સિરિયલની ડાન્સ સિક્વલમાં ગેસ્ટ એપિયરન્સ માં ભાગલેનાર શેખર તો નીવડેલાં કલાકાર હતાં, છતાં તેઓએ પણ તનતોડ મહેનત કરેલી હવે તેઓના અને નૃત્યના સાથી કલાકારો માટે મોહનમાસ્ટરે તૈયાર કરેલા ડ્રેસ પણ તૈયાર હતાં, ગીતની અંતમાં શેખરની રોમાંચક એન્ટ્રી થકી સિમૂલને આગમાંથી બચાવવાની થીમ હતી.

"યાર "રેમ્બો ", આ તારા "રાઝ" પ્રોજેકટ, આઈ મીન આપણા "પ્રોજેક્ટ નંબર ૩૦૨ " ની અફલાતૂન સફળતા માટે હું એક જકાસ નુસખો ગોતી આવીયો છું. બધુજ રોકાણ મારૂ, સ્ટોરી ભલે તમારી પણ બીજુબધું મારી મરજી મુજબ બોલ, હા કે ના ? તારે કોઈ મુશ્કેલી નહીં આ એક માત્ર હા થી બધુજ બરાબર થશે, અને ખાત્રિ રાખ રોમબો આ ફિલ્મથી, આ સિતારાઓના જગતમાં તને લોકો સદાકાળ યાદ કરશે.".

કાર્યક્રમ શરૂ થવાની થોડીક વાર હતી. સ્ટુડિયોનો ફ્લોર આખો આમંત્રિતોથી ખીચોખીચ ભરેલો હતો. બધાજ પોતાની બેઠકો પર ગોઠવાઈ. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો. શરૂઆતમાં પ્રાર્થના રજૂ થયા બાદ રોમબોએ એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું,

"દોસ્તો, હવે આપની સમક્ષ એક નવા ચહેરાને જાણીતા સદાબહાર અભિનેના શેખર સાથે રજૂ કરવા જઈ રહ્યો છું, જેના વખાણ હું કરીશ તો મજા નહીં આવે. આજે મારો નવો પ્રોજેકટ નબર ૨૦૩નો પ્રોમો ફ્લોર પર જઈ રહ્યો છે ત્યારે તમારા આશીર્વાદ તેને સફળતા અપાવશે તેવો મને વિશ્વાસ છે,વધુ સમય બોલવામાં નથી લેતો, તો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું મિસ સિમૂલને મુર્હુત ટેક માટે, આપ સૌ કોઈને વિનતિ કે આપની તાળીઓના ગડગડાટ રૂપે તમે મિસ સિમૂલનો ઉત્સાહ વધારશો

રાજ્સ્થાનના કોઈ એક ગામના પાદર ને અભિકૃત કરતાં સેટ ઉપર લાઈટસનો ફોકસ વધુ થયો. આસમાની અર્ધ પારદર્શક સરરા શુટમાં ધીમા પણ મક્કમ પગે સિમૂલે સેટ ઉપર પગ મૂક્યો ત્યારે હજર રહેલાઓના હ્રદય થડકવી ગયા.

રંગ રસિયા કેશુડો તારો રુદિયે વસે છે

આંખમાંઆ ગોરંભાયેલ શૂન્યમાં તું ડોકાય છે

તો મહેફિલ બિન સાજિંદાની આ રુદિયામા સર્જાય છે.

યાદની તે મહેફિલમાં મૌન તારું પડઘાય છે,

અવકાશે વિસ્તર્તા વ્યાપે ચોતરફ હવે તું દિસે છે.

શું,આ મૌન "હેત" કેરા પગલાં "રેત" ઉપરના જ છે ?

નથી ભૂંસી શકતી પ્રીત-પગલી,

શૂન્યમાંતું એક મનમાં ડોકાય છે,

"ગુલાલ" ફાગણ કેરા રૂડિયામાં રેલાય છે,

રંગ રસિયા કેશુડો તારો રુદિયે વસે છે.

આબેહૂબ ગામના પાદરમાં સિમૂલ અને સાથી કલાકારો, રાસ મંડળથી હોળીના ફાગ ખેલતા જોઈ લોકો રોમાંચિત થઈને રોમબોને વધાઈ આપવા લાગ્યા.

આ તરફ સ્ટુડિયોની ઝક્મ્જોળમાં પણ ખૂણામાં દૂર શાંતિથી ઉભેલો સ્મિત, સિમૂલ એકલી પડે તેની રાહ જોતો વિચારતો હતો કે બાળપણથી જ સુખ એની જિંદગીથી બે કદમ આગળ જ ચાલતું હતું. શું અંહી પણ,,? હજુ બે વરસનો લાંબો સમય રાહ જોવાની હતી અને પોતાની કેરિયર બનાવીને સેટ થવા વિચારતો હતો...

.....શું ? તે અને, સિમૂલ કદી શરીરનો, સ્વભાવનો અને સ્વાસ્થ્યનો ભેદ પાર કરી બંને ક્યારેય એક થઈ શકશે ? સિમૂલ માટે પોતાના પિતા રોમ્બોના સ્વપ્નોનું સતત થઈ રહેતું સમર્પણ તેને પાગલ કરી મૂકતું. અણ-સમજમાં સ્મિત હવે પોતાની જાત ઉપરાંત તેના પિતાને ધિક્કારવા લાગ્યો હતો.

એટલામાં તેના કાને અવાજ પડ્યો...અરે જુનિયર રોમ્બો અહી સ્પોટ લાઈટમાં આવો પાછળ ખૂણે અંધારે તમે રહો તેમ કેમ ચાલે ?. તેની નજર સામે શેખરને જોઈને તેનું રક્ત જાણે વહેતું અટકી ગયું હોય તેમ તેને લાગ્યું, પણ ક્ષણમાં સ્વસ્થ થઈ ગયો શેખરને ક્યાં ખબર છે કે તે સિમૂલને દિલો-જાનથી મહોબ્બત કરે છે. વળી ત્યાંજ તેને કિસન મહારાજને પણ પાછળ આવતા જોઈને દરિયામાં ડૂબતી વ્યક્તિને સહારો મળે તેમ લાગ્યું.

શેખર લગભગ તેની બાજુમાં આવી તેનો હાથ બિરજુ મહારાજના હાથમાં આપતા કહ્યું કે મહારાજ હજી આ કાચા હીરાને પણ તારવવાનો છે !, તમારું કામ પૂરું નથી થયું !.શું થઈ રહ્યું છે સમજાય તે પહેલા શેખર બોલ્યા, ઓ મજનૂ, આ સિમૂલ તને દિલ ફાડીને પ્રેમ કરે છે. તારી સાથેના સોનેરી સપના સાચા કરવા તડપે છે.હું તેના પ્રેમમાં પાગલ ખરો, પણ એક નેક કલાકાર છું, લાગણી અને પ્રેમના તંતુની ગૂંચ મારાંથી બહેતર કોણ ઉકેલી શકે !.

પ્રોજેકટની તૈયારી દરમ્યાન મને સમયસર સચ્ચાઈની જાણ થઈ અને મારું ઝમીર મને પોકારી ઉઠયું.લાંબા સમયથી સ્ટેજ પર ઘણી કાગળ ઉપરની જોડીઓનો જન્મ થાય છે. ફિલ્મીજગત સવાર- બપોર સાંજ, સમયના સથવારે એકજ જોડીઓના સ્વરૂપ પ્રેમી- પ્રેમિકા, પતિ પત્ની, બોસ- કામદાર જેવા બેસુમાર રિશ્તોમાં અલગ અલગ રીતે ઉભરતા રહેતા હોય છે. આજે પહેલીવાર કોઈ કોઢ ભરેલી નાદાન, જમાનાના દૂષણોથી બેખબર છોકરીનો સંસાર મંડાતા રોકવાનું હું નિમિત્ત શું કામ બનું?

તું પણ સિમૂલને સાચા દિલથી પ્રેમ કરે છે, તારા સુખને રોળીને મારો આશયાનો કેમ બનાવી શકાય? તારો સિમૂલ પર હક્ક પહેલો છે, સ્મિત તું સિમૂલ સાથે સુખી રહે, પણ હા, પહેલા આ ફિલ્મમાં તારે અને સિમૂલે તનતોડ મહેનત કરી યોગ્યતા પુરવાર કરવાની રહેશે.

ઓ મહારાજ ચાલો જલ્દી હમણાંજ કરો રી ટેક તૈયારી,કિસન મહારાજ શેખરની નિખાલસતા ઉપર પર વારી ગયા અને સ્મિતનો હાથ પકડી ને સ્ટેજ તરફ જઈ રહ્યા હતાં ત્યાંરે સ્ટેજ ઉપર પણ પ્રેમ અને સ્વત્રંતાની પ્રભાતનું અજવાળું ફેલાવાવનું શરૂ થઈ ગયું હતું.

રોમ્બો સમજી ગયા કે હવે લાઈટ કેમેરા એક્શન સાઉન્ડ રેડી વગેરેના આવાજો અને ફ્લોર પરના શોરબકોર વચ્ચેની શૂન્યતામાં "સ્મિતની" જિંદગી નું સ્ટેજ હવે સિમૂલના સથવારે ગોઠવાવવાનું હતું.....!, તો દૂર મોહન માસ્ટર સત્વરે સ્મિત માટે ડ્રેસ અલ્ટર કરતાં,સ્ટુડિયોના ફ્લોર ઉપરના નભને જોતાં સ્વગત પૂછે છે " અરે ભગવાન, આ તું શું કમાલ કરવા જઈ રહ્યો છે ? "સિમૂલની જિંદગીનો એક દરવાજો બંધ કરી ને અંધારું કર્યું છે અને હવે બીજા દરવાજે ભરપૂર ઉજાશ આપે છે".

સિરિયલના નિયમિત શુટિંગ સ્મિતના ભરપૂર લાગણીવેડા વચ્ચે સિમૂલ તેને ટોકતી, ઑ મજનૂ તું જાણી લે કે હું એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છું, 360 વોટના જીવતા વાયર જેવી. બની શકે કે તારા પિતાને કે તારા કુટુંબના કેટલાક લોકોને હું ગમું પણ નહીં. આ ઉપરાંત હું આળસું અને તરત જ ગુસ્સે થઈ જાઉં છું. આ આદતો મારા આપણાં જીવનમાં મુશ્કેલી સર્જી શકે છે. જોકે, હું જેવી છું, એવી જ રહેવાની છું. મારા ભૂતકાળ અંગે કશુજ કહેવાની નથી. તારી સાથે આ મુદ્દે ક્યારેક વાત થઈશકે છે પરંતુ હું કોઈ પણ પ્રકારની માહિતી કે જસ્ટિફિકેશન આપીશ નહીં. બાકી અમારા પરિવાર તથા નિકટના લોકો વિષે તારા પપ્પાને ખબર છે.

મારામાટે આવા સ્ટુડિયોના ફ્લોર પ્રેમ કરવા માટે યોગ્ય જગ્યા નથી. હું બહુ જલ્દીથી કોઈના પ્રેમમાં પડતી નથી અને આથી જ મે મનોમન સિંગલ રહેવા નક્કી કરેલું હતું. મને નથી લાગતું કે કોઈની સાથે એક બે સિરિયલ કરવાથી હું લાઈફ પાર્ટનર પસંદ કરી શકીશ. અહીંયા સીમિત લોકોની દુનિયા છે અને હું સાત નદીઓ ઠેકી લખનૌથી અહી મુંબઈ કેરિયર બનાવવા આવી છું. મને ખબર છે કે બહારની દુનિયા શુ છે ? હું હાલ તને મારા લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી કે અવગણી શકીશ નહીં.

સ્મિતે કહ્યું હું ભલે ૨૧ વર્ષનો છું પરંતુ કિસ્મતની થાપટે મને સમયથી વહેલો મેચ્યોર બનાવી દીધો છે. જો કોઈ તારા જૂના એફર કે ફ્લર્ટ હશે તો મને ક્યારેય અસલામતી લાગશે નહીં. જોકે, હા આપણાં લગ્ન જીવનમાં એક બાઉન્ડ્રી જરૂર હશે અને તેને ક્રોસ કરવાની આપણાં બંને માથી કોઈ હિંમત કરશે તો ઠીક રહેશે નહીં.' 'જો કોઈ યુવાન તારા અભિનયને પસંદ કરવા લાગશે તો મને અસલામતી લાગશે નહીં. હું એ વિચારીને ખુશ થઈશ કે મારી લાઈફ પાર્ટનર ચાર્મિંગ તથા ગુડ લુકિંગ છે. મને ગર્વ મહેસૂસ થશે. સાચું કહું તો હું આ વાતઅંગે ઘણો મેચ્યોર છું.....

......સ્મિત એક દિવસ સિમૂલને પોતાની કારમાં બેસાડી શહેરના એક બગીચામાં લઈ જાય છે. સિમૂલ ત્યારે બોલી ઉઠે છે "અરે ! તમે મને આ નદી કિનારે બગીચામાં કેમ લઈ આવ્યા?''ત્યારે એક બાંકડા ઉપર બેસી સ્મિતે, સિમૂલનો હાથ પોતાના હાથમાં લીધો. સિમૂલ કંઈ સમજી શકે કે શું થઈ રહ્યું છે. ત્યાં તેના કાને સ્મિતનો અવાજ રણક્યો, " સિમૂલ હું તને કંઈક કહેવા માંગુ છું !''

"ચોક્કસ,..... તમે કહો તેમાં, તમારે પૂછવાનું હોય ખરું ? '' સિમૂલે નિર્દોષ પ્રત્યુત્તર વાળ્યો."સિમૂલ હું..હું..હું! '' સ્મિત કોઈ અગમ્ય કારણથી અટકીને બોલતો હોય તેમ લાગ્યું. તે આખરે બોલ્યો અરે,. સિમૂલ સભાળ..."હું તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પુષ્પોની જેમ મહેંકતું તારૂ નૂર અને નિખાલસતા મારા દિલને સ્પર્શી ગઈ છે.. અને જેવી રીતે પુષ્પનો રસ પીધા પછી મધુકરને જેમ ફૂલની પ્રીતની ચાહ લાગે છે તેમ મારૂ હયું, હવે કેવળ તારી "પ્રીત'' ઝંખે છે. હું તારી સાથે લગ્ન કરવા માગું છું. શું મારો પ્રસ્તાવ સ્વીકાર કરીશ ? ''

અચાનક સ્મિતની વાત સાંભળી ખળભળી ઊઠેલી સિમૂલે કહ્યું."આ શું કહો છો તમે? તમને મારા દારુણ ભૂતકાળની કોઈજ ખબર છે? મારી અંધકારમય જિંદગીમાં શું કામ તમારા જીવનને વેડફી નાખવા માગો છો. તમનેતો મારાથી પણ સર્વાંગ સુંદર યુવતિઓ પસંદગી માટે મળી શકશે! ''

આ સ્મિત "ને "ના'' કહીશ નહીં. હું તારા અંધકારમય જીવનમાં "સહારો'' બની સ્મિત રેલવા ચાહું છું. અને હા,તું મને હવે "તું'' કહીને બોલાવીશ તો વધુ ગમશે ! આવતે મહિને આપની સિરિયલ એર થાય તે પછી હું તારી સાથે કોર્ટ મેરેજ કરવા ચાહું છું. " સ્મિતે દિલની વાત જણાવી.

બપોરનો દોઢવાગ્યો હતો મુંબઈ મિડ ડે ની આવ્રુતિ બાહર પડી ચૂકી હતી અને તેમાં પહેલે પાને ગઈકાલે લેટનાઈટ એર થયેલી શામિલર સ્ટુડિયોની સિરિયલ "રાઝ" ના મ્હો ફાટ વખાણ થયેલા હતાં, અને ક્રિટિકને મત અનુસાર સ્મિત અને સિમૂલની જોડીમાં સૌ ભાવિ સ્ટાર ડમ જોતાં હતાં. મિડ ડે રિવ્યૂથી રોમ્બો ખુશ હતાં અને મોહન માસ્તરને તેની ભાણી અને તેના પહેલા પ્રોગ્રામની સફળતા માટે ફોન લગાવતા હતાં.

ત્યારે સ્મિત તેમાં રૂમમાં બેસી સિમૂલને એક પત્ર રહ્યો હતો અને શાલીમાર સ્ટુડિયોના કોટેજમાં સિમૂલ પણ તેવુંજ કરી રહી હતી. તે સાંજે તાજના બેકવેટ હોલમાં "રાઝ" સિરિયલની સફળતા માટેની પાર્ટી હતી. 

આજે તાજ હોટેલના બેંકવેટ હોલના ડાંસ ફ્લોર પર અગણિત પગ થરક્તા હતાં, વાતાવરણમાં કાર્યો કેનનથી ફેલાતા ધુમાડાના વાદળ, અને એઈટ ચેનલ જે બી એલ મ્યુજિક સિસ્ટમ યુવાન હૈયાને બહેકવા માટે પૂરતા હતાં. સ્મિત આતુરતાથી કોઈની રાહ જોઈ રહ્યો હતો.

આજે હોટેલમાં રોમ્બોની મેઈડન પ્રોડુસ્ડ સિરિયલની સફળતાની ઉજવણી હતી અને શહેરના નામાંકિત મહાનુભાવો અને સરકારી અમલદારો હાજર હતાં. આમ લોકોમાં આવા ફાંકશનમા નિમંત્રણ મેળવવાનું સ્વપ્ન રહેતું, કે તેઓને નિમંત્રણ મળેતો ઓળખાણ પિછાણ વધે, બધા મન મૂકીને ડાન્સ કરતાં હતાં અને સૌ કોઈ ઉત્સાહમાં હતાં. એવામાં સૌ કોઈની નજર હોલના દરવાજે પડી.સૌદર્યના કામણ ફેલાવતી રૂપરૂપના અંબારસમી સિમૂલ આછા બ્લૂ ગાઉનના લીબાસમાં ઊભી હતી, તેની ડોકમાં રહેલ ચમકતો ડાયમંડનો નેકલેસ તેની સુંદરતા પુરવાર કરવા માટે જરૂરિયાતથી વધારે હતો. શાલીમાર સ્ટુડિયોના માલિક રોમ્બોના એક માત્ર દીકરો સ્મિત દરવાજે ઊભેલી સિમૂલની પાસે ગયો અને ગર્વથી,તે યુવતીને હોલમાં દોરીને લઈ આવ્યો.

લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે આખરે તેને, ડાન્સ ફ્લોર ઉપર લઈ ગયો અને તેનો હાથ પકડી, ઈંટ્રોડ્યુસ કરવાના અંદાજે બોલ્યો, મિત્રો, મીટ માય લવલી ફ્રેન્ડ ' મિસ સિમૂલ ... તે વખતે ફૂલ સ્પીડે ચાલતા એર કંડિશનરની ઠંડી હવાની લહેરો વચ્ચે, સ્મિતને પરસેવો નીતરી આવ્યો. પરંતુ સિમૂલે સ્મિતને નશીલી અદામાં કીધું,"ઑ માય સ્મિત કેન વી ડાન્સ" ઓહ, વાય નોટ.. કરતાં સ્મિત પણ પૂરા જોશથી ડાન્સ સિકવન્સમાં જોડાયો. તે દિવસની જોરદાર મહેફિલ પછી, પાછા વળતાં સિમૂલે એક પત્ર જ્યારે ચૂપચાપ સ્મિતને આપ્યો ત્યારે તે પત્ર મેળવી રોમાંચિત થયો . અને સિમૂલ જેવી અચાનક રીતે આવી હતી તેવી રીતે અચાનક ગાયબ પણ થઈ ગઈ.

સ્મિત આતુરતાથી પાર્ટી પાટે તેની રાહ જોતો હતો, હવે તેનું મન પાર્ટી કરતાં સિમૂલે આપેલા કવરમાં હતું, શું લખેલું હશે ? સિમૂલે તેના પ્યારનો એકરાર કર્યો હશે કે ઈનકાર.. જેવા સવાલોએ ભરડો લીધેલો હતો.આખરે મોડી રાત વીતે પાર્ટી પતિ ત્યારે આતુરતાથી સિમૂલનો પત્ર વાંચવાનો શરૂ કર્યો....

પ્રિય 

સ્મિત તને આમ સંબોધવું મને બહુ ગમે છે, કારણ તું મને બહુ પ્રિય છે, ઈંગ્લિશ માં જેને આપણે એને ડિયર કહીએ, એટલે જ તો તને તારા નામથી ઓછું ને ડિયર કહી ને વધારે બોલાવું છું.

મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન બેસાડી શકાય, કારણ એ'તો અંતરની અનુભૂતિ છે, એક એવો એહસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તને મળ્યા પછી મને જે એહસાસ થયો છે એ એવો જ છે, ત્યારે જ સમજાયું કે હું તને અનહદ પ્રેમ કરું છું, શરૂમાં તારી સાથે પ્રેમનું નાટક કરતી હતી, ફિલ્મ જગતમાં સિક્કો જમાવવા, પણ અત્યારે તને પ્રેમ કરું છું, કોઈ કારણ વગર. હકીકતમાં ગમાડવા ને ગમી જવાનો ફરક મને તારા મળ્યા પછી જ થયો છે. ત્યારે મારી વાસ્તવિકતા વધારે દાહક બને છે, હું તારે લાયક નથી....!!!!, મને ખબર છે કે તું સાચો પ્રેમી છે કોઈજ આડું અવળું હરગિજ નહીં વિચારે. અને એ પણ ખબર છે કે તું નાજુક દિલનો માલિક છે. પણ હકીકત નો એકરાર કરવો જરૂરી છે. હા સ્મિત હું તારે લાયક નથી.. હકીકતમાં હું જન્મથી પેરા સાયકોલોજિકલ કોમ્પ્લેક્સથી પીડિત એક યુવક છું, આ બીમારીથી મને મારા પુરુષ હોવા છતાં હું એક યુવતી છું તેવું વધારે લાગતું હતું અને તેથીજ સમજણી થઈ ત્યારથી સ્ત્રી થઈને જીવી રહી છું જે મારી જિંદગીનું રાઝ છે તે તારી આગળ ખોલવું જરૂરી હતું માટે જાણવું છું, આ રાઝ જાણ્યા પછી તારા મન ની શું હાલત હશે ? તે વિચારતા ડર લાગે છે, તેમજ જિંદગીમાં શુધ્ધ પ્રેમ શું ભાગ ભજવે છે એ મે તારીસાથે વિતાવેલ પળો માં જાણ્યું છે જે મારા જીવનની મોઘેરી મૂડી રહેશે..

 બીજે દિવસે બપોરે સ્ટુડિયોના ફ્લોર ઉપર સ્મિત ડાયમંડ રિંગના બોક્સ સાથે આતુરતાથી સિમૂલની રાહ જોઈ રહ્યો હતો અને સિમૂલના આગમન સાથે તેને ખૂણાના ટેબલ ઉપર દોરી ગયો, અને તેને લખેલો પત્ર સિમૂલને વીંટી સાથે આપ્યો..

સિમૂલ , હું તને દિલોજાનથી ચાહુ છું, અને જેને તમે ચાહતાં હોવ એ તમારી સાથે હોય એવું એવું સદ્ભાગ્ય બહુ ઓછાને પ્રાપ્ત થાય છે, અને હું પોતાને બહુ નસીબદાર સમજુ છું, કે મેં જેને ચાહી એ મારી સાથે છે. મારી દ્રષ્ટિએ પ્રેમ એ રોજ ઉજવવાનો તહેવાર છે, ફરક બસ આપણા દૃષ્ટિકોણનો છે. તારી સાથે વિતાવેલી હરેક ક્ષણ કીમતી છે અને ત્યારે એકમેકની જિંદગીના રાઝ ને કોઈ સ્થાન નથી,સ્થાન છે તો માત્ર અને માત્ર મીઠી અને મધુરી યાદનો એહસાસ, કારણકે તે જિંદગી જીવવાનું કારણ બની બહુ લાંબો સાથ નિભાવે છે .

તો ચાલ આપણે હવે પછીની હરએક પળ પ્રેમથી પણ ઉજવીયે, ફરી એક વાર હાથ પકડીએ, નદીની રેતમાં ચાલતા ચાલતા થાકી જઈએ, તું થાકી ને મારા ખભા પર માથું રાખે ને મને બસ જરાય હલવાનું મન ન થાય, ફરી ફરી બધુ ભૂલી એકબીજા ને આલિંગનમાં લઈએ ને એકબીજા સાથીદાર બની જઈએ.

પત્ર વાંચતાં સિમૂલની આંખોમાથી નીર વહી રહ્યા હતાં, અને તેણે તેની રિંગ ફિંગર સ્મિતના હાથમાં મૂકી ત્યારે સ્મિતે ડાયમંડ રિંગ સિમૂલની રિંગ ફિંગરમાં સરકાવી દીધી ત્યારે. દૂર બેસેલા મામા મોહનને સમજાયું કે પ્રેમ કોને કહેવાય ? પ્રેમમાં નાત –જાત કે શબ્દોનો પણ અવકાશ નથી હતો. સિમૂલની જિંદગીમાં હવે સ્મિત રેલાવાનું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama