STORYMIRROR

Falguni Rathod

Inspirational

3  

Falguni Rathod

Inspirational

રાધાના સપના

રાધાના સપના

4 mins
166

મુંબઈના જુહુ ચોપાટી પરના પોતાના આલિશાન બંગલાના ઝરુખે ઊભી રહી બધા ચાહકોને હાથ હલાવી અભિવાદન કરતી અભિનેત્રી રાધા. હા આ એ જ રાધા કે જે થોડા વર્ષો પહેલા એક ગામડામાં રહેતી ગરીબીમાં ઉછરી મોટી થયેલી પણ જેના સપનાં હંમેશા ઊંચા હતા. એવી રાધાને નાનપણથી જ મોટા મોટા સપનાં જોવાની આદત. પિતાને ધેર ખાવાના ફાંફા ને બેન રાધાને તો મોટર,ગાડી બંગલા ને હવેલીને ઝરુખે ઝૂમવાના શોખ. . . . !

એને એની મા કાયમ કહેતી, અરે ! રાધા આ બધા સપનાં જોવાના મેલ ને ચાલ મારી હારે કામ કરવા ચાલ. . . ! પણ રાધા તો પોતાના સપનાંમાં જ ખોવાયેલી રહેતી ને માને કહેતી, અરે . . . . ! માંડી આખી જિંદગી મારે આવા દુઃખમાં થોડી કાઢવાના છે. નક્કી એક દાહડો તો સમય જરુર બદલાશે આપણે પણ મોટા માણસ થાશું. હું તો મોટા શહેરમાં જઈને કંઈક મોટું કામ કરવાની છું મારે તો શહેરમાં જ પરણવું છે . . . . . જો માંડી મને જો તે ગામડે પરણાવી તો તો હું નક્કી ભાગી જ જઈશ. '

 ' બેહ ને છાનીમાની. . . મોટી આવી શે'રમા પરણવાવાળી. ચાલ જા તારા બાપા માટે રોટલા ઘડી દે એને કામે જવાનું મોડું થાય છે. '

ને છણકો કરતી રાધા રોટલા ઘડવા લાગી ને વિચારે ચડી, ' આ મા ને બાપા આવી મજૂરી કરીને આખી જિંદગી આમ જ પૂરી કરવાના, પણ મારે નથી કરવી . મારે તો ફરવું છે હરવું છે ને નવી નવી દુનિયા જોવી છે મારે ખૂબ પૈસાદાર બનવું છે. '

ત્યાં એક દિવસ અચાનક રાધા માટે તો ચમત્કાર થયો. એકવાર ગામમાં સિનેમાવાળા ફિલ્મનું શૂટિંગ કરવા આવ્યા. એ વાતની રાધાને જાણ થતાં બધા કામ પડતાં મૂકી શુટિંગ ચાલતું હતું ત્યાં પહોંચી ગઈ. ત્યા શુટિંગ કરતા હીરો હીરોઈનને જોઈને રાધા તો નવાઈ પામી ગઈ. ' આ હીરોઈન લોકો ને કેવું મજાનું કામ કરવાનું. . . . ! નોકર ચાકર ને ગાડીમાં ફરવાનું. . . હું પણ આવી ફિલ્મોમાં હીરોઈન બની જાઉં તો મારેય પછી જલસા. . . જ જલસા. ' ને રાધાબેન તો રંગીન સપનાંં જોવાં લાગી.

જેવું શુટિંગ પૂરું થયું કે રાધાબેન તો પહોંચી ગયા ડાયરેક્ટર પાસે.

' નમસ્તે સાહેબ ',

'હા બોલ '.

' સાહેબ મને આવી ફિલ્મોમાં કામ મળે કે નહીં. મારે પણ હીરોઈન બનવું છે ક્યાં સુધી આવી ગરીબીમાં પડી રહેવું, સાહેબ ? મારે પણ પૈસાદાર બનવું છે. મોટી હવેલીમાં રહેવું છે ; ને હવેલીના ઝરુખેથી બધાને હાથ હલાવી હલાવીને દર્શન દેવા છે. મને પણ એક મોકો આપોને સાહેબ ; હું ખૂબ મહેનત કરીશ, સાહેબ. . . ! '

 ડાયરેક્ટરને તો રાધાનું ભોળપણ જોઈને હસવું આવી ગયું. તેણે રાધાને કહ્યું, રાધા તું ધારે એટલું હીરોઈન બનવું સહેલું નથી. એક હીરોઈન બનવા માટે જે તે પાત્રનો રોલ ભજવવો પડે, તૈયાર કરવું પડે, ભાષાઓ શીખવી પડે. આ બધું કરવા માટે એક્ટિંગ શીખવી પડે. કેમેરાની સામે કેટલાંય કલાકો સુધી રોલ ભજવવો પડે. તારાથી આ બધું ના કરી શકાય. '

' સાહેબ એક વાર મને તક આપો તો ખરા હું બધું જ શીખી જઈશ. ' 

ડાયરેક્ટર સાથે આવેલા પ્રોડ્યુસર આ બંનેની વાત સાંભળી રહ્યા હતા.

જુવાન પ્રોડ્યુસર રાધાને જોઈને એની સુંદરતાને જોઈને, એના ભોળપણને જોઈને એના તરફ આકર્ષિત થયો.

ડાયરેકટર રાધાને ના પાડી ઘરે જવા માટે કહેતા હતા ત્યાં જ પ્રોડ્યુસર એને જતા અટકાવી ડાયરેક્ટરને એને એક ચાન્સ આપવા માટે તૈયાર કરી લે છે. રાધાને એક દ્રશ્ય ભજવવા માટે આપે છે. ને રાધા તો એટલી સુંદર રીતે ભજવે છે કે એને ફિલ્મમાં હીરોઇન બનવાનો મોકો મળે છે.

રાધાનું તો નસીબ ઊઘડી ગયું. એ તો એના મા બાપા પાસે જઈ બધી વાત કરે છે પણ એના મા બાપ એ કરવાની ના પાડી દે છે 

 ' જો તારે કામ જ કરવું હોય તો ઘરના કામ કર. . આ બધા હીરોઈન બનવાના સપનાં છોડી દે. . આ આપણી દુનિયા નથી. એમા ઘણું જોખમ છે, બેટા. . . ! '

' બાપા આવી તક મને વારેઘડીએ નથી મળવાની. હું આ તક ગુમાવવા નથી માંગતી. મા બાપા આપણું ભવિષ્ય સુધરી જશે. આપણે આવી ગરીબાઈમાંથી બહાર આવી જશું એટલું તો વિચારો. મને હોંશે હોંશે રજા આપો. '

રાધાની જીદ આગળ એના મા-બાપ પણ હારી ગયા. રાધા તો ફિલ્મોમાં કામ કરવા લાગી ને એક ખ્યાતનામ અભિનેત્રી બની ગઈ. જેણે એને તક આપી એવા પ્રોડ્યુસર મોહનની સાથે એણે લગ્ન કરી લીધા. પોતાના મા-બાપના જીવનને પણ સુખી કરી દીધા.

રાધાનો જ્યારે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે એણે બધા લોકોને એટલો જ સંદેશો આપ્યો કે, ' ભલે આપણો જન્મ ગરીબ ઘરમાં થયો હોય પણ સપનાં હંમેશા ઊંચા જ જોવા. એને પામવા મક્ક્મ બની આગળ વધવું. એક દિવસ જરૂર એ સાચાં પડે જ છે.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational