nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

પૂરક

પૂરક

6 mins
237


મિષ્ટી, તું તો જિંદગીમાં ક્યારેય ખોટું બોલી નથી. તો તેં વચન ભંગ કેમ કર્યો ? તું તો કહેતી હતી ને કે, "આપણે બંને એકબીજા વગર અધૂરા છીએ.આપણે તો એકબીજા વગર જીવી જ ના શકીએ. હવે હું પણ જીવી ને શું કરું ? છેલ્લા એંશી વર્ષથી આપણે જુદા જ કયાં પડ્યા છીએ ? તું તો કહેતી હતી કે હું તમને છોડીને કયાંય જવાની નથી. તો તેં વચનભંગ શા માટે કર્યો ? "

વંશ પત્નીના મૃતદેહ પાસે બેસી ચોધાર આંસુ એ રડતો હતો. દીકરા દીકરી વંશને દૂર કરવા ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતાં. વંશનો વિલાપ પથ્થરને પણ પીગળાવી દે એવો હતો.

સ્વાભાવિક રીતે જ વંશને દુઃખ થાય એ વાત સમજી શકાય એવી હતી. કા૨ણ કે એ તો નાનપણથી સાથે જ મોટા થયા હતાં. ગામમાં એક જ સ્કૂલ હતી. બંને વચ્ચે ઉંમરમાં માંડ એક મહિનાનો જ ફેર હતો. બાજુ બાજુમાં ઘર હોવાથી બંને સાથે જ રમતાં. સ્કૂલનું લેસન પણ સાથે બેસીને જ કરતાં. મિષ્ટી જેમ જેમ મોટી થતી ગઈ એમ એના મમ્મી કહેતાં, "હવે તારે વંશ જોડે રમવાનું નહીં".પરંતુ એને વંશ વગર ચાલતું નહીં અને વંશને મિષ્ટી વગર ચાલતું નહીં.

કોલેજ કરવાની તો ઈચ્છા મિષ્ટીની હતી જ નહીં. તેથી તો એને એસ. એસ. સી. પછી પી. ટી. સી. કર્યું. જેથી તરત નોકરી મળી જાય અને એ જલદીથી કમાતી થઈ જાય. આમ પણ એ જમાનામાં સ્ત્રીઓ માટે ઉત્તમ નોકરી એટલે શિક્ષિકાની. એની પાછળનું બીજું કારણ એ પણ હતું કે એને નાના બાળકો ખૂબ વહાલા હતાં. એની ઈચ્છા એવી હતી કે આખી જિંદગી માબાપે એના ઉછેર પાછળ ખર્ચ કર્યો હતો. ત્યારબાદ લગ્નનો ખર્ચ. એ તો ઈચ્છતી હતી કે એ એના લગ્નનો ખર્ચ પોતે જ કરે. પરંતુ એના માબાપ કહેતાં, "બેટી, દુનિયાના દરેક માબાપ પોતાનાં બાળકોના લગ્ન માટે ખર્ચ કરતાં જ હોય છે. તું તારા પગારના પૈસા તારી પાસે જ રાખજે. મુશ્કેલી વખતે કામ લાગશે. અમે તારા માટે યોગ્ય પાત્રની શોધમાં જ છીએ. પરંતુ એ સમયે જ એને કહી દીધું, " મારા માટે યોગ્ય પાત્ર તો મને મળી ગયું છે. હું મનોમન વંશને પતિ માની ચૂકી છું. વંશ પણ મને ચાહે છે."

"બેટા,અમને તો કંઈ વાંધો નથી. પરંતુ વંશ તો ભણવા માટે શહેરમાં ગયો છે. એ તો હજી ત્રણ વર્ષ પછી પાછો આવશે. ત્યાં સુધી તારા લગ્ન ના કરીએ તો લોકો કહેશે કે દીકરી કમાય છે એટલે લગ્ન નથી કરતાં. અત્યારે પણ સારા સારા કુટુંબમાંથી તારા માટે માંગા આવે છે. આટલી રાહ ના જોવાય. છતાં પણ અમે વંશને ત્યાં જઈ તારા અને વંશના સંબંધ માટે વાત કરીશું"

જયારે એમને વંશના માબાપને વાત કરી ત્યારે એના પપ્પા એ ના પાડતાં કહ્યું, "મારી ઈચ્છા મારા મિત્રની દીકરી સાથે જ સંબંધ કરવાની છે. અમે મિત્રોએ તો નક્કી કર્યુ જ છે. હવે વંશને વાત કરવાની જ બાકી છે. મને ખાતરી છે કે વંશ મારી ઈચ્છા પ્રમાણે જ કરશે. આ વખતે વંશ વેકેશનમાં આવે ત્યારે વિવાહ કરવાનો જ છે." આ વાત સાંભળતાં જ મિષ્ટી વંશને મળવા શહેરમાં દોડી ગઈ. વંશે તો કહી દીધું, મિષ્ટી હું તારા સિવાય કોઈનો પણ વિચાર જ ના કરી શકું. તું આ બાબતમાં ચિંતા ના કરીશ. હું આવતાં અઠવાડિયે આવવાનો છું એ વખતે હું પણ આપણા સંબંધ વિષે વાત કરીશ."

પરંતુ દરેક વખતે મનુષ્યનું ધાર્યું તો કયાં થાય છે ! વંશે મિષ્ટીની વાત કરી એ સાથે જ ઘરનું વાતાવરણ તંગ થઈ ગયું. વંશ મક્કમ હતો તો સામે પક્ષે એના પપ્પા પણ મકકમ હતાં. પરિણામ સ્વરૂપ એના પપ્પા એ કહી દીધું કે,"મારું કહ્યું ના માનવું હોય તો ઘરની બહાર નીકળી જા.હું હવેથી તારા ભણતરનો ખર્ચ કે તારી હોસ્ટેલનો ખર્ચ પણ હું નહીં આપું. મારૂ ઘર છે એમાં મારૂ જ ધાર્યું થશે. "

મિષ્ટીને આ વાતની ખબર પડતાં જ બોલી, "વંશ તું મને ચાહે છે તો બીક શા માટે રાખે છે ? " મિષ્ટી તારી વાત સાચી છે પરંતુ હું પૈસા વગર શું કરૂ ?"

"વંશ આપણે બંને જુદા નથી. હું કમાઉ છું. મારી બચત તો ઘણી છે. તારા બાકીના ભણતરના વર્ષો તો નીકળી જશે. બીજું કે માબાપનો ગુસ્સો થોડા સમયમાં શાંત થઈ જશે.તને નોકરી મળતાં સુધી બધો ખર્ચ મારો. હવે આપણે અગ્નિની સાક્ષી એ જ લગ્ન કરવાના બાકી છે. સૌથી મોટો સંબંધ દિલથી દિલનો છે. વંશ આપણે તો જન્મો જન્મ એકબીજા માટે જ સર્જાયા છીએ.

દિવસો પસાર થતાં રહેતાં હતાં. વંશ ના મમ્મી વારંવાર વંશને યાદ કરી આંસુ સારતાં.પરંતુ વંશના પિતાની જક્ક હતી કે દીકરો એમના કહ્યા મુજબ જ કરે.એમને તો હતું કે પૈસા વગર એ મારા પગે પડતો આવશે. પરંતુ મિષ્ટીના કારણે એ નમતો ના આવ્યો તેથી એમનો ગુસ્સો સાતમા આસમાને હતો. ત્યારબાદ તો એમને નક્કી જ કરેલું જે છોકરી અત્યારથી મારા દીકરાને મારી વિરુદ્ધ કરે એ છોકરી તો હવે કયારેય આ ઘરની પુત્રવધૂ બની જ ના શકે. જોકે વંશના મમ્મી વંશના ભાઈબંધો સાથે પતિથી છાનો નાસ્તો મોકલતી ત્યારે વંશ અચૂક સંદેશો કહેવડાવ્યો, "મમ્મીને કહેજે કે હું એની લાગણી સમજી શકું છું. પરંતુ મમ્મીને કહેજો કે પપ્પાથી છાની મોકલેલી વસ્તુ હું હવેથી નહીં સ્વીકારૂ."

ત્યારબાદ તો વંશની ભાવતી વાનગી એની મમ્મી પણ ખાતી નહીં. કોલેજના છેલ્લા વર્ષમાં જ વંશને સારા પગારની ઊંચા પદની નોકરી મળી ગઈ. તે વાતના બે મહિના બાદ વંશ અને મિષ્ટીએ લગ્ન કરી લીધા. બંનેને શહેરમાં નોકરી મળી ગઈ હતી.

દિવસો વિતતા જતા હતાં. એક દિવસ વંશ પિતા બન્યો એ સમાચાર મળતાં જ હવે વંશના મમ્મીએ જકક પકડી કે મારે વંશને ઘેર બોલાવવો છે. એના બાળકને રમાડવો છે. પણ પતિની જક્ક સામે એનું કંઈ ના ચાલ્યું. આખરે તબિયત બગડતી જતી હતી. ડોક્ટરો એ કહી દીધું કે આ માનસિક બિમારી છે. એની તો કોઈ દવા હજી શોધાઈ નથી. આખરે વંશને તથા મિષ્ટીને તેના બાળક ને લઈને બોલાવ્યા. જાણે કે એ પળની જ રાહ જોતાં હોય એમ ઈચ્છા પુરી થતાં જ એના મમ્મીએ સ્વર્ગારોહણ કર્યું. પત્ની વગર એકલાં પડેલ પતિએ પણ બે મહિનમાં જીવન લીલા સંકેલી લીધી. બંને જણાંએ સારી એવી બચત કરી શહેરમાં પોતાનું ઘર વસાવી લીધું. જિંદગી ખૂબ સારી રીતે પસાર થઈ રહી હતી. વંશ ઓફિસમાં મોડે સુધી પુષ્કળ કામ કરતો હતો. એક દીકરાની પાછળ એક દીકરીનું પણ આગમન થયું.

ઈશ્વરે જાણે કે દુનિયાભરની ખુશી એમના જીવનમાં ભરી દીધી હતી. એવામાં જ એક દિવસ વંશ લકવાગ્રસ્ત થઈ ગયો. શરૂઆતમાં તો લાગતું હતું કે જલદી સાજો થઈ જશે. પરંતુ દિવસો વિતતા ગયા એમ બિમારી લંબાતી ગઈ. ૬ મહિના પછી તો એનો પગાર આવતો પણ બંધ થઈ ગયો. બે બાળકો, પતિની દવા, ઘરના હપ્તા ભરવાના બધી જવાબદારી મિષ્ટી પર આવી ગઈ પરંતુ મિષ્ટી કહેતી વંશ તું છે તો હું દુનિયાભરની મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ છું. તારો પગાર નથી આવતો પણ મારો પગાર તો ચાલું જ છે ને ! હું તને કોઇ તકલીફ નહીં પડવા દઉં. ઈશ્વર આપણા પ્રેમની પરિક્ષા લઈ રહ્યા છે એમાં આપણે ઉત્તીર્ણ થવાનું છે.

કદાચ ઈશ્વરે પણ એમને પરિક્ષામાં પાસ કર્યા હોય એમ બીજા ૬ મહિના બાદ વંશ ચાલતો થયો અને ઓફિસ જવાનું ચાલુ કર્યું. પરંતુ નિયમિત દવાઓ લેવી પડતી એ પણ મિષ્ટી યાદ રાખીને આપતી. ત્યારબાદ જિંદગી સરળતાથી પુરી થઈ જતી હતી. જયારે મિષ્ટીને સવારની સ્કૂલ હોય ત્યારે વંશ વહેલો ઊઠીને મિષ્ટીને કામમાં મદદ કરતો. શનિવારે તો એ અચૂક બંને બાળકોને નવડાવતો. અરે, એમના બાળોતિયા પણ બદલાવતો. એને ખિચડી મૂકતાં આવડતી તેથી શનિવારે એ જ ખિચડી મૂકી દેતો. મિષ્ટી મનાઈ કરતી તો એ તરત કહેતો, "આપણે એકબીજાના પૂરક છીએ. તેથી હળીમળીને કામ કરવું જોઈએ. "

દીકરા દીકરીના લગ્ન બાદ બંને જ્યારે નિવૃત્ત થયા ત્યારે એમને થયું કે ગામડાં સાથે એમની અનેક યાદો સંકળાયેલી છે માટે પાછલી ઉંમરે ગામડે જ જતાં રહીએ. એની સાથે અનેક સ્મરણો સંકળાયેલા છે. તેઓ એકબીજાથી દૂર જ ક્યાં થયેલાં ! ગામડે કુદરતી સાંનિધ્યમાં બંને પ્રફુલ્લિત રહેતાં હતાં. પરંતુ એક રાત્રે મિષ્ટી સૂઈ ગઈ પછી ઊઠી જ નહીં. વંશ કહેતો, "મિષ્ટી, આપણે એકબીજા વગર નું જીવન વિચારી જ કઈ રીતે શકીએ.? " મિષ્ટી હમેશાં કહેતી, "પતિ પત્ની એકબીજાના પૂરક છે. કેટલી સત્ય હકીકત હતી ! દુઃખની હરપળે એને સાથ આપ્યો હતો પછી એ ભણવાનો ખર્ચ હોય કે બિમારીનો.. જયારે મિષ્ટી તો હમેશાં કહેતી, " વંશનો સાથ છે તો હું સંસાર ચલાવી શકુ છું. મારી અડધી જવાબદારી વંશે ઉઠાવી છે. ખરેખર અમે બંને એકબીજાના પૂરક છીએ. "વંશ આ બધું યાદ કરતો હતો. હવે તો એને હિંમત કે આશ્વાસન આપનાર એની પૂરક મિષ્ટી કયાં હતી ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational