STORYMIRROR

Shalini Thakkar

Inspirational Thriller

5  

Shalini Thakkar

Inspirational Thriller

પુત્રવધૂ

પુત્રવધૂ

4 mins
595

ન્યૂયોર્કથી રવાના થયેલી મારી ફ્લાઇટ રાત્રે લગભગ દસ વાગ્યે અમદાવાદ લેન્ડ થતાં જ એક રોમાંચનો અનુભવ થયો. જાણે બરાબર એક વર્ષ પછી મને મારા હૃદયના ધબકારા સંભળાયા. છેલ્લા એક વર્ષથી મશીનની જેમ ચાલતા આ શરીરમાં એક ધબકતું હૃદય પણ છે એ જાણે હું ભૂલી ગઈ હતી. પપ્પા અને મમ્મી મને એરપોર્ટ પર લેવા આવ્યા હતા. વાતાવરણ થોડું ઠંડુ હતું. દૂરથી બાની ગરમ કાશ્મીરી શાલમાં લપેટાયેલી મમ્મી ને જોઈને જાણે બા મને લેવા આવ્યા હોય એવો ભાસ થયો !

પરંતુુુ બીજી જ ક્ષણે યાદ આવી ગયું કે બા ક્યાંથી હોય ? એને દુનિયા છોડીને ગયે તો એક વર્ષ થઈ ગયું હતું. બરાબર મારા યુએસ ગયાના એક અઠવાડિયા પછી. મેં વિદેશમાં એકદમ નવી જોબ શરૂ કરી હોવાથી તરત જ પાછું આવું મુશ્કેલ હતું માટે વિડીયો કોલ કરીને બાના અંતિમ દર્શન કરી લીધા હતા એ દ્રશ્ય નજર સામેે આવી ગયું ! હૃદય ભરાઈ આવ્યું પણ આંખ સુધી ન આવવા દીધું. બાને યાદ કરીને રડવું એ એમની ગેરહાજરીમાં એમનુંં અપમાન કર્યા બરાબર હતું. એમને યાદ કરીએ અને ચહેરા પર સ્મિત આવી જાય અને હૃદયમાં જીવન જીવવાનો જુસ્સો ભરાઈ જાય એ જ એમને ખરા અર્થમાં આપેલી શ્રદ્ધાંજલિ હતી, એવું હતું બા નું જીવંત વ્યક્તિત્વ. હંમેશા ઉત્સાહી અને આશાવાદી.

અમારું ઘર એરપોર્ટથી નજીક જ હતુંં એટલે થોડી જ વારમાં અમે ઘરે પહોંચી ગયા. શરીરમાં લાંબી મુસાફરીનો થાક હોવાથી હું પથારીમાંં પડતા વેંત જ સૂઈ ગઈ. વહેલી સવારે બા નો અવાજ કાન માં પડ્યો. એજ અવાજ જેે હું નાનપણથી લગભગ રોજ સવારે સાંભળતી,"ચલો ઊઠી જાવ હવે, આમ સવારમાં મોડે સુધી પથારીમાં પડ્યા ના રહેવાય. મેં પણ ઊંઘમાં હંમેશની જેમ મીઠો ગુસ્સો કરતા જવાબ આપ્યો,"સવાર સવારમાં શરૂ થઈ ગયું તમારુ... હવે મને શાંતિથી ઊંઘવા દો.....! વાક્ય પૂરું થતાં જ હું ચોકીને ઉઠી ગઈ. આંખો ખોલી તો નજર સામે મમ્મી ઊભેલી દેખાઈ, મમ્મી એટલે બા ની પુત્રવધૂ ! હું વિચારમાં પડી ગઈ કે બા નો અવાજ ક્યાંથી આવ્યો કે પછી માત્ર એમની હાજરીનો આભાસ થયો.

ફ્રેશ થઈને હું રસોડામાં ગઈ. રસોડામાં એ જ ચાની મહેક આવતી હતી જેવી ચા, બા બહાર ગાર્ડનમાંથી લીલી ચા અને તુલસી તોડીને બનાવતા. એ જ તાજગી અને એ જ સ્વાદ ! ચા પીને હું ઘરના દરેક ખૂણામાં ફરી. ઘરની દરેક દીવાલોમાં, દરેક ખૂણામાં બાના અસ્તિત્વનો ભાસ થતો હતો. એની ગેરહાજરીમાં પણ દરેક જગ્યાએ એની હાજરી વર્તાતી હતી. મનમાં વિચાર આવ્યો ક્યાં છે એનું અસ્તિત્વ?

ઘરે આવતા પહેલા મનમાં કેટલાય વિચાર આવ્યા હતા કે કેવું લાગશે ઘર બા વિના. એના વગર તો ક્યારે ઘરની કલ્પના જ નહોતી કરી. પરંતુ એની હયાતી માત્ર કહેવા પૂરતી જ ન હતી. દરેક જગ્યાએ એના અસ્તિત્વનો અનુભવ થયો..... એ પછી ચાની મહેક હોય કે પછી ચીનાઈ માટીની બરણીમાંથી આવતી અથાણાની ખુશ્બુ હોય. તુલસી ક્યારે વર્ષોથી પડેલી ચાંદીની દીવી હોય કે પછી બગીચામાં ઉગેલા મોગરા અને ગલગોટાની ક્યારી હોય જેની માવજત એ ખૂબ જતનથી કરતી.... દરેક જગ્યાએ હતી એ.....!

જોતજોતામાં મને આયે લગભગ એક અઠવાડિયું થઈ ગયું. એક દિવસ સાંજે મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂતા સૂતા મેં એને બાના અંતિમ દિવસો વિશેે પૂછ્યું. મમ્મી ભૂતકાળમાં સરી ગઈ. એની સામે બાની અંતિમ ક્ષણનું દ્રશ્ય આવી ગયું. આંખો સહેજ ભીની થઈ ગઈ. એણે મને કહ્યું જ્યારે બા અંતિમ શ્વાસ ગણી રહ્યા હતાં ત્યારે પપ્પા અને મમ્મી સતત હોસ્પિટલમાં એમની સેવામાં હતાં. બે દિવસના ઉજાગરા પછી પપ્પા એ મમ્મી ને કહ્યુંં,,"તું થાકી ગઈ હોઈશ. થોડો આરામ કરી લે, બા ની બાજુમાં હું બેઠો છું. મમ્મી બાજુના રૂમમાં ખાલી પડેલા પલંગ પર જઈને આડી પડી. બાની પડખે બેઠેલા પપ્પા ને પણ જોકુ આવી ગયું. બાજુના રૂમમાં સુતેલી મમ્મીને કશોક અજંપો થવા લાગ્યો. બેે દિવસના સતત ઉજાગરા પછી પણ એ સૂઈ ના શકી. એને સમજ ના પડી કે આ એની સાથે શુંં થઈ રહ્યું હતું જીવનમાં આવો અનુભવ પહેલી વાર થઈ રહ્યો હતો. કઈક એવુંં હતું જે એને ઊંઘવા નહોતું દેતું. બેચેની ખૂબ જ વધી ગઈ. મમ્મી ઊઠીને બાના રૂમમાં ગઈ. બા ની દ્રષ્ટિ બારણા પર જ હતી. એનું મન કદાચ શરીર છોડતાં પહેલાં એની પુત્રવધૂ, જે પુત્ર કરતા પણ વધુ હો એવી પુત્રવધૂુને મળવા માટે ઝંખી રહ્યું હતું. મમ્મી ને જોતા જ બા એ પોતાનો હાથ એની તરફ લંબાવ્યો. મમ્મીએ પોતાનો હાથ એમના હાથમાં આપ્યો. બા કશું બોલી ના શક્યા પરંતુ પણ એમની આંખો ઘણું બધું કહી રહી હતી, જે કદાચ એમની પુત્રવધૂ સમજી ગઈ હતી. બંનેે સાસુ અને વહુ વચ્ચે આંખોના ભાવથી વાતોની આપ-લે થઈ અનેે પછી પોતાની પુત્રવધૂને છેલ્લા જયશ્રીકૃષ્ણ કહી બા એ હંમેશ માટે પોતાની આંખો મીચી દીધી.

બાના એ સ્પર્શનો ગરિમા અને આંખોના ભાવ મમ્મીના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયા. બા જતા રહ્યા હંમેશ માટે ...... પણ કુટુંબની પરંપરાઓ ચાલતી રહી. બધા રીત રિવાજો એ જ રીતે ચાલતા રહ્યા જે પેઢી દર પેઢીથી ચાલતા આવતા હતાં.

હવે સમજાય છે કેે બા ની હાજરી અને એનું અસ્તિત્વ ક્યાં હતાં કદાચ એની પુત્રવધૂની હાજરીમાં અને એના અસ્તિત્વમાં....!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational