પુણ્યમાં ભાગ
પુણ્યમાં ભાગ


"ઓહ ! ચાર વાગી ગયાં ! હમણાં થોડીવારમાં નીકળવું પડશે. પહેલાં ચા-પાણી પતાવું, પછી બસ સામાન પર છેલ્લી નજર નાંખી દઈએ. . "
થોડીવાર આરામ કરવા આડી પડેલી મમ્મી જલદી -જલદી કિચનમાં ગઈ ને ગેસ પર ચા મૂકી દીધી. મમ્મી-પપ્પા ને બે સાવ નાની દીકરી, ધરા-વિધી. .આજે વેકેશન માટે બહારગામ જવાનાં હતાં. લાંબુ રોકાણ હોવાથી ફ્રીજ વગેરે બંધ કરી -ઘર, કીચન બરાબર સાફ કરી મમ્મીએ પૂરી તૈયારી કરી રાખેલી. . .
ચા ઉકળી કે એમાં દૂધ નાંખવા મમ્મીએ નાની તપેલી હાથમાં લીધી જેમાં ચા પૂરતું થોડુંક દૂધ રાખેલું. ઢાંકણું ખોલ્યું તો આશ્ચર્ય ! એ તો ખાલીખમ્મ હતી..અરે ! દૂધ ક્યાં ગયું? છોકરાઓ ને તો દૂધ નામથી જ નફરત છે એટલે એ લોકો તો ન જ અડે. .પણ તો??. . .એણે ઘરનાં ગાર્ડનમાં રમતી બંને દીકરીઓ ને બૂમ પાડી દૂધ વિષે પૂછ્યું. જવાબ ન મળતાં બહાર નીકળી જોયું તો બંને એકબીજાનો હાથ પકડી ચૂપચાપ ઊભેલી. કંઈક શંકા જતાં એણે જરા જોરથી પૂછ્યું " દૂધ કોણે વાપર્યું ?" જરા ડરી ગયેલી બંને ધીમેથી બોલી. . . 'એ તો છે ને, બહાર સોસાયટીમાં, એક બિલ્લી આવી'તી . .બહુ ભૂખી હતી તે અમે એને પીવડાવી દીધું " . . . મમ્મી ને તો શું કરવુ ખબર જ ન પડી. .. ! !?
પછી તો મમ્મી સેફ્ટી માટે ઘરમાં વધારે દૂધ રાખતી થઈ ગઈ. અને એરિયાની બિલ્લીઓ ને તો મજા થઈ. એમનાં ગાર્ડનમાં રહેલો પંપ રુમ તો જાણે બિલ્લીઓનું મેટરનીટી હોમ બની ગયું. કેટલીએ બિલ્લીઓએ ત્યાં બચ્ચાં ને જન્મ આપ્યો. મમ્મી અવાજ ને ગંદકીથી અકળાય. પણ બંને દીકરીઓની જીદ પાસે લાચાર. . ..હવે બંને થોડી મોટી થઈ હતી.
એક દિવસ બપોરે મમ્મી જોબ પરથી ઘરે આવી તો ઘર બંધ. નોરમલી આ ટાઈમે બંને સ્કૂલેથી આવી લેશન કરતી બેઠી હોય. કામવાળી કામ કરી ચાલી ગઈ હોય. કોઈ ફ્રેંડને ત્યાં રમવા ગઈ હશે? વિચારતાં મમ્મીએ પોતાની ચાવીથી દરવાજો ખોલ્યો ને ફ્રેશ થઈ ચા નો કપ લઈ બેઠી જ હતી ત્યાં નાની દીકરી વિધી, જે ત્યારે લગભગ દસ વરસની હતી-------એને આંગણામાં થી જ ઘરનાં દરવાજા તરફ ડોકીયું કરી પાછી જતી જોઈ. શું ચાલે છે એ જોવા મમ્મી બહાર નીકળી તો મેઈન ગેટ પાસે મોટી બાર વરસની દીકરીને પોતાના બંને હાથમાં એક સાવ નાનું બિલ્લીનું બચ્ચું લઈ ઊભેલી જોઈ. હવે આ નવો ત્રાસ ક્યાંથી ઉપાડી લાવ્યાં? મૂકી આવો જે બિલ્ડીંગમાંથી લાવ્યાં હો ત્યાં. .બૂમ મારતાં મમ્મી બોલી. બંને નજીક આવ્યાં ને બોલ્યાં " મમ્મી તું જો તો ખરી આતો કેટલું નાનું ને ક્યૂટ છે..ને એની મમ્મી પણ નથી.. ! "
તમને ક્યાંથી ખબર એની મમ્મી નથી?
મમ્મા અમે જ્યાંથી લાવ્યાં ને એણે કીધું. ને આ તો એના નાના -નાના હાથ પાંજરામાંથી કાઢી અમને બોલાવતું હતું. પછી તો લાવવું જ પડે ને?
એટલે? ક્યાં ગયાં હતાં તમે?
ને પછી ખબર પડી બંનેનું પરાક્રમ. ..સ્કૂલેથી આવી વિધી બે- ત્રણ બિલ્ડીંગ છોડીને રહેતી ફ્રેંડને ત્યાં નોટ્સ લેવા નીકળી..જરા આગળ ગઈ કે એને સાવ ઝીણું -ઝીણું 'મ્યાઉં ' સંભળાયું. બપોરના સમયે રોડ તો સૂનો હતો.એણે ઊભા રહીને ધ્યાનથી જોયું તો સાઈડમાં, એક નાના ખાડામાં સાવ નાનું બિલાડીનું માંદુ બચ્ચું પડ્યું હતું. એના શરીર પરના ધા માંથી લોહી વહેતું હતું. બેન તો દોડીને ઘરે આવ્યાં. ને મોટીબેન ને વાત કરી. હવે આ મોટી તો પાછી જીદ્દી ને બોલ્ડ. એણે તો ઘરનાં કબાટમાંથી થોડા પૈસા લીધાં. એક કાર્ડબોર્ડ લીધું ને બંને ઘર બંધ કરી, પેલાં બચ્ચાં ને કાર્ડબોર્ડ પર ઉચકી રિક્ષા કરી પહોંચ્યા એમની સ્કૂલ પાસે આવેલા એક વેટરનરી ડોક્ટર પાસે. સદભાગ્યે દવાખાનું ખુલ્લું હતું ને આ --પહેલાંનો, સાદગી ને સલામતી નો જમાનો હતો !
ડોક્ટર, એ બચ્ચાં ને તો ન બચાવી શક્યાં..પણ બે દીકરીઓના ઉદાસ ચહેરા જોઈ, એમને બાજુમાં જ આવેલાં પ્રાણીઓના શેલ્ટર હોમમાં મોકલ્યાં ને ત્યાં . .આ નાનાં -નાનાં હાથ પાંજરામાંથી કાઢી એમને બોલાવતું બચોળીયું મળ્યું ને લો, એને ઉઠાવી લાવ્યાં. .અત્યાર સુધી ઘર નાં આંગણ સુધી રહેલી મુસીબત હવે ઘરમાં જ આવી ને સાથે સાથે અત્યાર સુધી બહાર જ રહેતી બીજી બે બિલ્લી પણ ઘરજમાઈ થઈ 'પેટ' બની ગઈ. મમ્મીના વિરોધ વચ્ચે બંનેની જીદ ને પપ્પાનો સાથ જીતી ગયો. મમ્મી શું કરે?
થોડો સમય વીત્યો હવે તો ઘરની માલિક બની બેઠેલું પેલું બચોળીયું 'મીમી' મોટું થયું હતું. એવામાં મમ્મીને ટાઈફોઈડ થયો. સખત નબળા માં કેટલાયે દિવસ પથારીવશ રહેવું પડ્યું ત્યારે એને સૌથી વધુ સાથ આપવાવાળી હતી મીમી ! ચોવીસે કલાક એ મમ્મીની પથારીની આસપાસ જ રહે !
હવે તો મમ્મીનું પણ પુરું ધ્યાન મીમી પર રહેતું. પણ સાજે -માંદે એની સેવા તો ધરા જ કરે. એ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે. ધરા એને કીસ કરે તો એ પણ સામી કીસ કરે. ધરા એ પોતાના રુમમાં સવારે હજી આંખ જ ખોલી હોય. મીમી જ્યાં હોય ત્યાંથી દોડી એની પાસે પહોંચી જાય ! ધરા બહાર ગઈ હોય ને ઘરમાં બેઠેલી મીમી આંગણામાં દોડે કે સમજવાનું કે એ આવશે ને ખરેખર બે-ચાર મિનીટમાં ધરા આવે. . પ્રાણીઓની 'સિક્થ સેન્સ ' કેટલી તીવ્ર હોય છે ! . .
વચમાં થોડો સમય, એક સસલાને ક્યાંકથી બચાવી ઘરમાં લાવ્યાં . .તો ..મીમીની અસલામતીની ભાવના ને નારાજગી એટલી તીવ્ર કે રમવાનું છોડી એણે પોતાને એક રુમમાં કેદ જેવી જ કરી દીધી. લાંબો વખત. .સસલાનાં જતાં પાછી પહેલાં જેવી રમતી થઈ. .પ્રાણીઓની સંવેદના માણસ જેવી જ હોય છે. એમની હૂંફ -એમનો પ્રેમ માણસ માટે જડીબુટ્ટીની ગરજ સારે છે.
બંને બહેનોની પ્રાણીસેવા તો ચાલુ જ હતી. રસ્તામાંથી ઉપાડી ઘણીએ બિલ્લીઓની સેવા કરવી. પોતે કમાતા થયાં એટલે જ્યાં ને જે બિલ્લીનાં શેલ્ટર હોમ હોય ત્યાં આર્થિક મદદ કરવી વગેરે.
હજુ એ કોઈવાર મમ્મી અકળાય તો ખરી પણ પછી કહે. તમે બંને બહેનો તો પુણ્યનું કામ કરો છો પણ મારી ને પપ્પા પાસે પણ પરાણે પ્રાણીઓની વેઠ કરાવો છો તે. .અમારો ભાગ પણ રાખજો તમારા પુણ્યમાં. !
બંનેનો જવાબ હોય . ..ભગવાન તો હરએક બાળકને ભરપૂર માનવતા સાથે જ મોકલે છે. પણ એ રહેતી નથી. તમે બંને એ અમારી સંવેદના ને કચડી ન નાંખી એને પાંગરવા દીધી એ માટે પુણ્યમાં ભાગ જ શું કામ? આખું પુણ્ય જ તમારે નામ.
પણ એક ' મા' એમ સ્વાર્થી થોડી થાય? એટલે હું સામા આશીર્વાદ આપું. "પુણ્યવતી ભવ. . . ." હા હું આશીર્વાદ આપું ! કારણ એ બંને મારી દીકરીઓ છે !