Priti Shah

Inspirational

4  

Priti Shah

Inspirational

પત્ર

પત્ર

4 mins
70


મારી વહાલી દીકરી,

         તને પત્ર લખતા ખૂબ જ આનંદ થાય છે. આમ તો, મારે તને પત્ર લખવાની જરૂર જ નથી. કારણ કે, આપણે બંને એકબીજા સાથે ખૂબ વાતો કરીએ છીએ. તું સ્કૂલેથી આવે કે ક્યાંક બહારથી આવે તો તારી બધી જ વાતો તું મને કરે છે. મને તારી વાતો સાંભળવી ખૂબ ગમે પણ છે. કયારેક મારી કહેલી વાતો તું ભૂલી જાય એવું પણ બને. સમયની સાથે અમુક વાતો આપણા સ્મૃતિપટ પર એવી રીતે અંકિત થઈ જાય છે કે જે કયારેય ભૂલાતી નથી. જયારે અમુક વાતો આપણે સાવ ભૂલી જતાં હોઇએ છીએ. એસ.એમ.એસ., ઈ.મેલ, વૉટસૅપના જમાનામાં પત્ર લખવાનું તો સાવ ભૂલાઈ જ ગયું છે. દીકરા, આ પત્ર તારું જિંદગભરનું સંભારણું બની રહેશે. તારી જિંદગીમાં માર્ગદર્શકરૂપ બની રહેશે. એવી આશા સાથે લખી રહી છું.

   દીકરી, તું ખૂબ ચંચળ છે. હસવું-બોલવું, મજાક-મસ્તી આ બધું તને ખૂબ ગમે છે. તું નાનપણથી જ હસમુખી છે. તને નવું-નવું જાણવાનો, નવું-નવું શીખવાનો ખૂબ શોખ છે. તારું ડ્રૉઈંગ પણ ખૂબ સારું છે. તેથી જ કદાચ તું ખૂબ સારી મહેંદી પણ મૂકી શકે છે. કદાચ, તેથી જ આજે B.Arch. માં અભ્યાસ કરવાનું તે તારું સપનું પૂરું કર્યું. 

   તને ડાન્સનો શૉખ છે તેથી જ તે પાંચ વરસની ઉંમરે અમદાવાદ દૂરદર્શનના કાર્યક્રમમાં ભાગ લીધો. વડૉદરા ગાંધીનગર ગૃહમાં સરૉજખાનની ડાન્સ પ્રતિયોગિતામાં ભાગ લેવા ઉપરાંત સ્કૂલમાં કે કોઈપણ જગ્યાએ થતાં ડાન્સના પ્રોગ્રામમાં અવશ્ય ભાગ લેતી. તેનો યશ તારા ડાન્સ ગુરુ મનશ્રીબેન કીરી ને આપવો ઘટે. જેમની પાસેથી તે ભારતનાટયમના પાંચ વરસની તાલીમ લીધી. અરે ! હા, તારા પહેલા ડાન્સ ગુરુ નિપાબેન ચોકસીને તો કેમ ભૂલાય. જેમની પાસેથી તે ડાન્સની શરુઆત કરવાની સાથે કથ્થકની તાલિમ લઈને સફળતાપૂર્વક બે વરસની પરીક્ષા પાસ કરી. 

  તું નાનપણથી જ સ્કૂલનાં દરેક પ્રોગ્રામમાં ભાગ લે છે. આ સિવાય તું સ્પોર્ટ્સમાં પણ ખૂબ જ રસ ધરાવે છે. માનસિક કસરત સાથે શારિરીક કસરત એટલી જ અગત્યની છે. મારા માટે ગર્વની વાત છે કે તું જિલ્લા કક્ષાએ કબડ્ડી રમીને આવી છે. આધુનિક યુગમાં ખૂબ જ જરૂરી એવી "ભરૂચ સુરક્ષા સેતુ" કાર્યક્રમ અંતર્ગત સ્વસુરક્ષાની તાલીમ મેળવીને તેં મને ચિંતા મુક્ત કરી દીધી. 

   તને રસોઈ બનાવવાનો પણ ખૂબ શોખ છે. તને યાદ છે પહેલી વાર તે તારા પપ્પા ને 'ચા' પીવડાવી હતી. ત્યારે તારા પપ્પા ખુશીથી ઝૂમી ઉઠેલા. તારા પપ્પા કહેતાં હતા. નિધિ જેવી 'ચા' તો કોઈ બનાવી જ ન શકે. પછી તો એ નિત્યક્રમ થઈ ગયો. તારા પપ્પા ઘરે હોય ત્યારે બપોરની 'ચા' તારી પાસે જ બનાવડાવતાં. પપ્પા જ નહિ તારા ભાઈને પણ તારા હાથની બનાવેલી 'ચા' ખૂબ ભાવે છે. આ રીતે તું જમવાનું બનાવતાં પણ શીખી છે. બહુ નાની ઉંમરથી તું બહુ જ સરસ જમવાનું બનાવે છે. હું જમવાનું બનાવતી હોઉં ત્યારે તું ખૂબ ધ્યાનથી જોતી. તું મને રસોઈમાં પણ મદદ કરે છે. તને રસોઈનો શોખ છે તે જોઈને મને બહુ આનંદ થાય છે, કેમ કે આ જ કારણથી ભવિષ્યમાં તું બધાંની લાડકી બની જઈશ. 

   બેટા ! આટલી બધી પ્રવૃત્તિ સાથે ટાઈમ મેનેજમેન્ટની જરૂર પડે, ખરું ને ? નાનપણથી જ મેં તને ટાઈમ-ટેબલ બનાવીને તે પ્રમાણે અનુસરતું શીખવ્યું છે. તેને તારા જીવનમાં વણી લેજે. એક વાત હંમેશા યાદ રાખજે. જે સમયને સાચવે છે ને સમય તેને જરૂર સાચવે જ છે.

   નાની-નાની વાતમાં તારૂં ધાર્યું ન થાય તો તું દુ:ખી થઈ જાય છે. જેમ કે, પરીક્ષામાં તારા ધાર્યા માર્ક ના આવે તો તું ખૂબ દુ:ખી થઈ જાય છે. દીકરા, સુખ અને દુ:ખ તો જિંદગીમાં આવ્યા જ કરે. તે એક સિક્કાની બે બાજુ છે. દુ:ખમાં ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ તેવી જ રીતે સુખમાં ક્યારેય છકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

   નિષ્ફળતા મળતાં જ આપણે દુ:ખના દરિયામાં ડૂબવા માંડીએ છીએ. જાણે ક્યારેય આપણાં જીવનમાં સુખ આવવાનું જ નથી. એવું નથી હોતું બેટા, નિષ્ફળતા પછી સફળતા આવે જ છે. જો આપણે થોડીક સમજદારીથી નિષ્ફળતા ને પણ સફળતાની સીડી બનાવી દઈએ તો સફળતાને આવતાં કોઈ નહી રોકી શકે. નિષ્ફળતામાંથી આપણે ઘણું બધું શીખવાનું હોય છે. જે આપણને સફળતામાંથી ક્યારેય શીખવા મળતું નથી. 

   જીવનમાં ક્યારેય નિષ્ફળતા ઘેરી વળે ત્યારે આપણે નેગેટીવ વિચારો જ કરતાં હોઈએ છીએ. તેથી આપણે હતાશા તરફ ધકેલાઈ જઈએ છીએ. બેટા, તેના બદલે આપણે એકદમ ઉલટું વિચારીએ તો ? એટલે ફક્ત ને ફક્ત પોઝિટિવ વિચારોને આપણા મનમાં દાખલ કરીએ તો ? પ્રયત્ન કરી જો જે.

    દીકરી, તું સારી રીતે જાણે છે કે હું કાગળ-કલમ લઈને બેસું છું. ત્યારે મારી કલમ ક્યાંય અટકતી નથી. તારી સાથે ઘણી બધી વાતો કરવાનું મન થાય છે. પરંતુ મને લાગે છે કે બહુ લાંબો પત્ર જોઈને તું ક્યાંક વાંચવાનું જ માંડી ન વાળે. તેથી આજે બસ, આટલું જ લખું છું. પરંતુ ફરી જ્યારે મોકો મળશે ત્યારે ચોક્કસપણે ઘણું બધું લખીશ.

એ જ લિ. 

તારી મમ્મી 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational