lina joshichaniyara

Comedy

2.5  

lina joshichaniyara

Comedy

પતિની વ્યથા

પતિની વ્યથા

10 mins
1.6K
હું બિચારો પતિ. તમને થતું હશે કે પતિ ક્યારેય બિચારો હોય શકે? અને એ પણ ભારત જેવા પુરુષપ્રધાન દેશમાં? પણ હા, આ જ દેશમાં માઁ દુર્ગા કાલી સ્વરૂપ લઈને મહિષાસુર જેવા રાક્ષસોનો વધ કરે છે એ વાત સામાન્ય રીતે લોકો ભૂલી જ જાય છે. હા તો ક્યાં હતા આપણે? હું બિચારો પતિ શા માટે છું એ વાત શરુ કરતા પહેલા એક બીજી વાત કહી દઉં કે આ લેખ કોઈ સ્ત્રી વિરોધી લેખ નથી પરંતુ એક પતિ કે જ પોતાની પત્નીથી વ્યથિત છે એની વાત છે. હું પોતે સ્રીઓનો ખુબ આદર કરું છું અને મારી પત્નીને પણ ખુબ પ્રેમ કરું છું.


તહેવારો ગમે તે આવે અને જાય પરંતુ એનાથી પતિ ને કંઈ જ ફાયદો થયો? એમના માટે તો બધા જ તહેવારો કે એમ કહો કે બધા જ વાર સરખા. રવિવારની રજા પણ પતિ ના ભાગે તો ભાગ્યે જ આવે. ના, ના, એમ નહિ, કહેવાનો મતલબ એમ છે કે બીજી કોઈ નોકરી કે વ્યવસાય કરતા હોય તો તમને  રવિવારની કે બીજાકોઇ વારે અઠવાડિયામાં એક દિવસની રજા મળી શકે પરંતુ જ્યાં પત્ની બોસ હોય એ નોકરી એવી છે કે જેની ડીક્ષનરીમાં રજા જેવો કોઈ શબ્દ જ ન મળે. ઉલ્ટું રજા ના દિવસનો કાર્યક્રમ તો રજાના ૧૦ દિવસ પહેલા જ ગોઠવાઈ ગયો હોય.


મારી વાત લગ્ન કરીને પસ્તાઈ રહેલા મારા ભાઈઓ બહુ સારી રીતે સમજી શકશે. જેમને હજી લગ્ન જીવનનો અનુભવ નથી થયો એવાં મારા નસીબદાર ભાઈઓ આ લેખ વાંચી સમજી શકશે. અરે ના ના, લગ્ન એ કંઈ ખરાબ નથી એ તો એક એવો લાડવો છે કે જે ખાધા પછી લાડવામાં રહેલા જાયફળની જેમ ચડે અને ન ખાય તો ખાવાનું મન પણ થયા રાખે. કેમ સાચી વાત ને?

હમણાં જ નવરાત્રીનો તહેવાર ગયો. નવરાત્રીના તહેવારોમાં સૌથી પહેલી રજા ઘરે કામ કરતા રસોઈવાળા બહેન, કામવાળા બહેન લે. એટલે મારા શ્રીમતીજી પણ એમનું બુટિક લગભગ બંધ જેવું જ રાખે.


વાતો વાતો માં એ કહેવાનું રહી ગયું કે મારા શ્રીમતીજી અમારા શહેરના જાણીતા ફેશન ડિઝાઈનર છે સાથે સાથે એ એનજીઓ પણ ચલાવે છે અને હું એક લેખક કમ પાર્ટટાઈમ બુટિક મેનેજર કમ અકાઉન્ટન્ટ કમ સેલ્સ પર્સન કમ પતિ છું.

પહેલા નોરતાના દિવસે મેં મારા શ્રીમતીજી ને કહ્યું," અરે સાંભળે છે? હમણાં ઘણા દિવસથી તારા હાથના દાળ-ભાત નથી ખાધા. રસોઈવાળા બહેનના હાથના દાળ-ભાત ખાઈ ખાઈ ને હું કંટાળી ગયો છું. જ્યાં સુધી મમ્મી સાથે રહેતો હતો ત્યાં સુધી તો એમના હાથના દાળ-ભાત રોજ ખાવા મળતાં. શું આજે મને તારા હાથ નો લાભ મળશે?"


મને શું ખબર કે મેં એને કેવો ભયાનક સવાલ પૂછી લીધો હતો! આ સવાલની ભયાનકતા એ સવાલ પુછયાંની પાંચ જ મિનિટમાં જોવા મળી, નહિ નહિ સાંભળવા મળી.


શ્રીમતીજી બોલ્યા "શું કહ્યું તમે? દાળ-ભાત બનાવું? અરે અહીં મારા પગની કઢી થઇ ગઈ છે અને પતિદેવને દાળ-ભાત ખાવા છે? અરે ક્યારેક એમ તો પૂછો કે તને કેમ છે? તારી તબિયત તો સારી છે ને? ચાલ આજે કોઈ કામવાળા નથી આવવાના તો આપણે બહાર જમી આવીએ અથવા તો લાવ આજે હું તને રસોઈમાં મદદ કરું. પણ ના, એવું પૂછવાનું તો એક બાજુ રહ્યું ઉપરથી તમારા મમ્મીના ગુણગાન ગાઈ ને મને મ્હેણાં મારો છો? મારે હજી કેટલા બધા કામ બાકી પડયા છે. હજી મનીષભાઈ સાથે પેલા લાઈટ ફિટિંગ કરવાવાળાને પણ મળવા જવાનું છે. આ જો, એમનો જ ફોન આવી રહ્યો છે. હું એમની સાથે પેલા ભાઈને મળતી આવું. મેં શાક તો બનાવી લીધું છે, રોટલી આવી ને બનાવીશ.”


આ સાંભળ્યા પછી એમ થયું કે કયાં મુહર્તમાં મેં દાળ-ભાત બનાવવાનું પૂછી લીધું? ત્યાં જ મારા મનમાં એક વિચાર પ્રગટ થયો કે ચાલને આજે હું એને દાળ-ભાત બનાવીને સરપ્રાઈઝ આપું. વિચાર કરતો કરતો હું રસોડામાં ગયો અને દાળ અને ચોખા ગોતવા લાગ્યો. હા, હું મારી પત્નીની ગેરહાજરી માં ક્યારેક ક્યારેક એના રાજ્યમાં હાથફેરો કરી લઉં છું. હાસ્તો વળી, મારી પત્ની મારા દિલ તેમજ ઘરની રાણી છે તો રસોડું તો એનું રાજ્ય જ થયું ને!!! હા, એ વાત અલગ છે કે કામની વ્યસ્તતાના કારણે એ હવે એના રાજ્યમાં એટલે કે રસોડામાં ઓછી જાય છે અને અમને રસોઈવાળા બેન નો લાભ મળતો રહે છે. પરંતુ તો પણ કહેવાય તો એ રાણી જ!


હવે ચોખા તો જાણે મળી ગયા પણ આ દાળ ખબર નહિ ક્યાં છુપાઈ ને બેઠી હતી. મારુ સાળુ, જયારે જરૂર હોય ત્યારે જ આપણને દાળ ન જડે. બાકી તો ઠુમક ઠુમક કરતી આડી આવતી હોય. આખરે મહામહેનતે દાળ ગોતી લીધી અને દુશ્મન રાજ્યમાં પણ આપણે દાળ-ભાત બનાવીને આપણો વાવટો ફરકાવી દીધો.

દુશ્મન રાજ્ય? હા ભાઈ હા, દુશ્મન રાજ્ય. એવું શા માટે એ પણ હમણાં જ ખબર પડી જશે. હજી તો કોથમીર સુધારીને દાળ ને શણગારતો હતો ત્યાં જ એ આવી.


"અરરરરરર .......આ રસોડાની શું હાલત કરી નાખી છે તમે તો? હું બનાવી દેત તમને દાળ-ભાત. એટલે જ તો ભાગતી ભાગતી આવી. હવે આ બધું કોણ સાફ કરશે? એક તો આજે બાઈ પણ નથી આવવાની. તમે તો હંમેશા મારુ કામ જ વધારતા હોય. હવે ત્યાં ઉભા ઉભા મને શું જોઈ રહ્યા છો? ચાલો હવે આ રાયતો તમે જે ફેલાવ્યો છે એ ઠીક કરવામાં મારી મદદ તો કરો."

લ્યો બોલો, છૂટ્યો અમારા રાણી નો હુકમ. હવે આપણે આ હુકમ ને હસતા મોઢે જ, કોઈ પણ જાતની સાફ સફાઈ દીધા વિના સ્વીકાર્યે જ છૂટકો. આપણે તો મદદ કરી રહ્યા હતા પણ શું ખબર કે એનું કામ વધારી રહ્યા હતા.


આ બધું વાંચી લીધા પછી એવું ન માની લેતા કે મારી રાણી મને પ્રેમ નથી કરતી. જી ના, એના જેટલો પ્રેમ તો મને આ દુનિયામાં કોઈ નથી કરતુ. પણ આ તો ક્યારેક ક્યારેક માં દુર્ગા એની અંદર આવી અને મને એક ને જ એના દર્શનનો લાભ આપે છે.


એ જ સાંજે, એને રૂમમાં સુંદર રીતે તૈયાર થતી જોઈ મેં એને પાછળથી આલિંગન આપતા પૂછ્યું," ડાર્લિંગ, તું આટલી સરસ તૈયાર થઈને ગરબા રમવા જવાની છે? પણ આજે સવારે તો તારા પગ ની કઢી થઇ ગઈ હતી ને? એટલા પગ દુઃખતાં હોય તો ગરબા રમવા જવાની શું જરૂર છે? ચાલને ટીવી ઉપર ફાલ્ગુની પાઠકના ગરબા આવવાના છે તો એ આપણે સાથે બેસીને જોઈએ. જોતા જોતા તારા પગ દાબી આપીશ તો તારા પગને પણ આરામ થઇ જશે અને આપણે સાથે ગરબા પણ માણી શકીશું."


ઓહોહોહો .....પાછો પુછાઈ ગયો ભયાનક સવાલ!


મારી પત્ની મારા ઘરની રાણી તો છે જ પણ સાથે સાથે અમારી સોસાયટીની સેક્રેટરી પણ છે અને મને એના ઉપર ગર્વ છે. આજે સવારે નવરાત્રીની તૈયારીમાં જ એના પગની કઢી થઇ ગઈ હતી.

આ સ્ત્રીઓની એક વાત ખુબ સારી પણ છે અને સમજાતી પણ નથી. સ્ત્રી ગમે તે ઉંમરની હોય, ગમે એટલા ગોઠણ, પગ, કમર કે બીજું કઈ દુઃખતાં હોય તો પણ ગરબાનું નામ પડે કે બધી જ રમવા માટે તૈયાર જ હોય. અરે, ગરબા રમવા એ સારી વાત છે પણ શરીર દુઃખતું હોય અને ગોળીઓ ખાઈ ખાઈ ને રમવું એ વળી કેવું? પણ આ જ આપણા ગુજરાતની ખાસિયત છે કે અહીં બધા જ તહેવારો લોકો ઉજવે તો છે જ પણ માણે પણ છે. આપણી ગુજરાતી સ્ત્રીઓ નવરાત્રી વખતે પોતાનું દૈનિક કાર્ય તો કરે જ છે અને ગરબા પણ મન મૂકી ને માણે છે.


હા, તો આપણે ક્યાં હતા, ભયાનક સવાલ, બરાબર ને! ચાલો તો જઈએ હવે ભયાનકતા તરફ...આ ભયાનકતા એટલે બીજું કઈ નહિ પણ સ્ત્રીઓનું જૂનું હથિયાર એટલે કે ઇમોશનલ અત્યાચાર......


શ્રીમતીજી થોડું ગરીબડું મોઢું કરી ને ઉવાચઃ " અરે એમ થોડી ચાલે? હું તો સેક્રેટરી છું. મારે તો જવું જ પડશે. અને ત્યાં ગયા પછી જો ગરબા ન રમું તો કેવું લાગે? એટલે ગરબા પણ રમવા જ પડશે. તમારે જો મારા પગ દબાવી જ દેવા હોય તો ગરબા રમી ને આવું પછી દાબી દેજો જેથી કરીને સારી ઊંઘ પણ આવી જાય. મારા પગની કઢી થઇ ગઈ હતી એવા મહેણાં મારવાની શું જરૂર છે? મને ખબર છે મેં આજે દાળ-ભાત નથી બનાવી આપ્યા એટલે જ આમ કહો છો ને! તમને તો મારી કોઈ કદર જ નથી. મનીષભાઈ કાલે જ કહેતા હતા કે ભાભી, ગરબા રમવામાં તો તમને કોઈ હરાવી શકે નહિ. પણ તમારે શું? ઠીક છે બસ, નથી જતી ગરબા રમવા. ભલે બધા ઘરે આવે બોલાવવા માટે. બીજું શું!"


અરે માતાજી, મેં તો તારા પગ દુઃખતાં હતા એટલે કહ્યું હતું અને રહી વાત દાળ-ભાતની તો એ તો ક્યારનાંયે પચી ગયા છે. મને તો યાદ પણ નથી રહેતું એવું બધું. પણ આ બધા ડાયલોગ આપણે આપણા મનમાં જ બોલવાના. પત્ની સામે હીરોગીરી નહિ કરવાની. અરે, પાગલ થઇ ગયા છો? વિફરેલી વાઘણ કે ભડકેલી ભેંસના રસ્તે પડાય?


હજી એવું વિચારતો હતો ત્યાં જ શ્રીમતીજી બોલ્યા" અરે, સારું થયું તમે યાદ અપાવ્યું."

હું ડરી ગયો કે હવે મેં એવું શું યાદ અપાવ્યું? મેં ડરતા ડરતા પૂછ્યું," શું? શું યાદ અપાવ્યું?"

શ્રીમતીજી:" અરે પેલા ફાલ્ગુની પાઠક નું ગીત 'પરી હું મેં...' એ ખાસ વગાડવાનું છે એ મનીષભાઈ ને કહી દઉં."

જોયું? ગરબા રમવા જવું કે નહીં એ વાત તો એક બાજુ જ રહી ગઈ. પણ અહીં તો એ પોતાની કલ્પનાઓમાં ગરબા રમવા પણ લાગી.

મને થોડી રાહત થઇ અને મગજમાં એક વિચાર ઝબૂકી ઉઠયો. એ વિચાર મેં મારી પત્નીને કહ્યો.


"પ્રિયે, મને એક વાત નથી સમજાતી."

"કઈ વાત?"

“એ જ કે આ ફાલ્ગુની બેનના ગીતના બોલ છે ‘પરી હું મેં...પરી હું મેં..’ પણ આ ગીતમાં નાચતા તો બધા પરા જ હોય છે!!! એવું કેમ?”

શ્રીમતીજી એમની મોટી મોટી આંખો દેખાડી બોલ્યા," હા, બસ જો. હું વિચારતી જ હતી કે લેખક મહાશય, ના, ના હાસ્યલેખક મહાશયે કેમ હજી સુધી રમૂજ ન કરી? તો હવે તમને મારા મનપસંદ ગીત માં પણ તકલીફ છે? પરીઓ નાચે કે પરા નાચે? તમે શા માટે આટલા પરેશાન થાઓ છો?"


મેં હમણાં ક્યાંક વાંચ્યું હતું કે શાસ્ત્રોમાં કોની સાથે કેવી રીતે વાત કરવી તેનો ઉલ્લેખ કરેલો છે જેમકે,

ભગવાન સાથે હાથ જોડી ને,

ગુરુદેવ સાથે માથું નમાવી ને,

માતા સાથે નિખાલસતાથી,

પિતા સાથે આદરથી,

ભાઈ સાથે દિલ ખોલીને,

બહેન સાથે વ્હાલથી,

સંતાનો સાથે લાડ પ્યારથી,

મિત્રો સાથે હસી મજાકથી

અને

પત્ની સાથે? ..

અરે ભાઈ, પત્ની સાથે કેમ વાત કરવી એનું સંશોધન હજી ચાલુ જ છે...


હું જયારે મારી રાણી એટલે કે શ્રીમતીજી ને જોવા ગયો હતો ત્યારે મારા સાસુમા અને સસુરજી એમની દીકરીના ખુબ વખાણ કરતા હતા. અમારી દીકરી રસોઈમાં નિપુણ, ઘરના કામકાજ માં પણ એક્કો, ભણવામાં પણ હોશિયાર વગેરે વગેરે. આ બધું તો સમજ્યા કે એ તો દરેક માં-બાપ કહેતા જ હોય છે. પણ સાથે સાથે ત્યારે મારા સાસુમા અને સસુરજી એ એમ પણ કહેલું કે અમારી દીકરી તો પારેવડું છે પારેવડું. મને થોડી નવાઈ લાગી. સામાન્ય રીતે દીકરીને ગાય સાથે સરખાવે. દરેક માં-બાપ ને પોતાની દીકરી ગાય જેવી જ લાગતી હોય છે. બસ આગળ 'શીંગડાવાળી' શબ્દ ભુલાઈ જાય છે. પણ આ પારેવડું વળી નવું આવ્યું લાગે છે માર્કેટ માં!!! લગ્ન પછી સમજાયું કે આ પારેવડાં વાળી વાત સાચી પણ આગળ 'ચાંચવાળું' બોલતા ભુલાઈ ગયું લાગે છે.


હજુ આ બધા વિચારો કરતો હતો ત્યાં જ મારા શ્રીમતીજી બોલ્યા," હવે આમ બેઠા બેઠા શું મનમાં ને મનમાં હસો છો? કોઈ જોક હોય તો મને પણ કહો અને ન હોય તો તૈયાર થઇ જાવ. ગરબા રમો નહિ તો કઈ નહિ પણ જોવા તો આવવું જ પડશે. હું જાઉં છું અને તમે જલ્દી કરજો. વળી પાછું કઈ લખવા બેસી ન જતાં."


હું એક હાસ્યલેખક છું એટલે આવી નાની નાની વાતોમાં પણ હાસ્ય શોધી જ લઉં છું. 

આમ કરતા નવલા નોરતાની નવ રાત્રિઓ પૂરી થઇ અને દશેરાનો દિવસ આવ્યો. સવાર સવારમાં જ ફાફડા-જલેબીનો નાસ્તો કરી હું અમારી સોસાયટીના ચોગાનમાં ચક્કર મારી રહ્યો હતો ત્યાં જ મને શ્રીરામ નું બાણ ચડાવેલું અને એની બરાબર સામે રાવણ નું દસ માથાવાળું પૂતળું દેખાયું. મારા મનમાં એક તોફાની વિચાર આવી ગયો.


સાંજે અમારી સોસાયટીમાં એકદમ ચહેલ-પહેલ હતી. ખાણી-પીણીના લાગેલા નાના-નાના સ્ટોલમાં બધા ભોજનની લિજ્જત માણી રહ્યા હતા.

હું, મારી રાણી સાથે દરેક સ્ટોલની મુલાકાત લઇ અને ભોજનનો સ્વાદ માણી રહ્યો હતો. ફરતાં-ફરતાં અમે પેલા શ્રીરામ અને રાવણ ના પૂતળા પાસે આવી ગયા. મેં શ્રીમતીજી ને કહ્યું કે શ્રીરામનું કેટલું સરસ પૂતળું છે તો એમની સાથે મારો એક ફોટો તો ખેંચી આપ. મારી પત્ની સામે ઉભીને ફોટો ખેંચી રહી હતી ત્યાં જ મેં ચિંતાના હાવભાવ સાથે એને થોડા ઊંચા સ્વરમાં કહ્યું," અરે, અરે અહીં વચ્ચે ક્યાં ઉભી છે? થોડી સાઈડમાં જતી રહે."


શ્રીમતીજી ને ખબર ના પડી કે હું શું કહી રહ્યો છું. આખરે હું એ જ્યાં ઉભી હતી ત્યાં ગયો અને એને થોડી સાઈડમાં લઇ જઈ ત્યાં ઉભી રાખી.

મારા શ્રીમતીજી ના આંખોના હાવભાવ પરથી હું સમજી ગયો કે રાણી બરાબરની મૂંઝાણી!

આખરે એનાથી ન રહેવાયું અને મને પૂછી જ લીધું." હું બરાબર તો ઉભી હતી. ત્યાંથી તમારો ફોટો કેવો સરસ આવતો હતો. મને અહીં શા માટે ઉભી રાખી છે તમે?"


મેં જવાબ આપ્યો." મને શ્રીરામથી ડર લાગ્યો."

શ્રીમતીજી થોડા મુંજાઈ ને," એટલે? હું કઈ સમજી નહિ!!!"

અરે મારી રાણી, મારી પ્રિયે, મને શ્રીરામ ની બીક લાગી કે તું એકદમ શ્રીરામની સામે જ ઉભી હતી ને તો ક્યાંક શ્રીરામ રાવણ ને બદલે તને બાણ ન મારી દે."

આમ કહી હું શાંતિથી વાવાજોડાની રાહ જોવા લાગ્યો. પણ મારા સદનસીબે એને હજુ સમજાય એ પહેલા જ મારા પાડોશી મિત્રો અમને મળવા આવી ગયા અને હું બચી ગયો.....


બીજા દિવસે સવારે ચા પીતાં-પીતાં મારી પત્ની એ પૂછ્યું," કાલે તમે શું કહેતા હતા? શ્રીરામ અને પેલું બાણ ?"

મેં કહ્યું, "અરે એ બધું જવાદે ને રાણી. હાશ, તહેવારો પત્યા."

શ્રીમતીજી" અરે ક્યાં પત્યા છે? હજી દિવાળી તો બાકી છે......"

હવે દિવાળીમાં શું કારસ્તાન થાય છે એ વાત તો દિવાળીએ...!


Rate this content
Log in

Similar gujarati story from Comedy