પતિ-પત્નીનો સાચો પ્રેમ
પતિ-પત્નીનો સાચો પ્રેમ
મસ્ત મઝાનો મોસમ હતો. પૂરો પાર્ટીપ્લોટ મસ્ત રીતે સજાવેલ હતો અને બાજુમાં લાગેલા ફુવારાઓમાંથી આવતી પાણીની વાંછટ વાતાવરણને વધુ ખુશનુમા બનાવી રહ્યો હતો. લગ્નના રીસેપ્શનમાં લોકો વર-વધૂની રાહ જોતા હતા અને તેમને વાર લાગે એવું હોતા લોકોએ જમવાનું શરુ પણ કરુ દીધું હતું.
રાહુલ અને રીનાએ પણ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો અને આગળ વધ્યા. આગળ જતા જોયું તો એના બચપનનો દોસ્ત મનન અને તેની પત્ની મીરા એક ગોળ ટેબલ પર જમતા હતા અને સાથે હતા મનનના પિતા. મનનના કુટુંબના ડ્રેસીંગ પરથી તેમની પાતળી આર્થિક હાલતનો ખ્યાલ આવી જતો હતો. ખરેખરમાં તો પિતાની સારવાર પાછળના ખર્ચામાં મનન સરખો ઊતરી ગયો હતો. રાહુલ ઉભો રહી ગયો અને મનન સાથે વાતચીત શરૂ કરી. મનનનું ધ્યાન એના પિતામાં હતું જે એક્દમ ક્રુષકાય હતા. જમતા જમતા પિતાના કપડા પર ઢોળાયેલ જમવાનું પ્રેમથી સાફ કરતો હતો મનન અને મિરા પિતાના મુખમાં થી બહાર આવેલ જમવાનું હુંફ પૂર્વક લૂછી રહી હતી.
અરે, જરા બેસને રાહુલ. આ જોને બાપુજીને પાર્ટીમાં આવવું ન હતું અને અમે એમને થોડોક આગ્રહ કરીને લઇ આવ્યા જેથી એમને થોડોક ચેન્જ મળે, થોડુંક ઘરની દુનિયાથી બહાર નિકળે. રાહુલના પિતા થોડા ક્ષોભીત હતા પણ મુખ પર સંતોષનું એક સ્મિત ઝળકતું હતું.
એક પળ માટે રાહુલ અને રીનાની નજર મળી અને ઝુકી ગઇ અને બનેંને ઘરથી નિકળતી વખતે થયેલ વાર્તાલાપની તાજી થઇ. રાહુલના પિતાને પાર્ટીમાં આવવું હતું પણ રીનાની જરાયે ઇચ્છા ન હતી. તે બબડી કે હવે આ ઉંમરે શું પાર્ટીમાં આવવાનું હોય ? હવે ચટકા મુકે તો સારું. બિમાર પડશે તો કોણ સેવા કરશે ? રીનાનો મૂડ જોઇને રાહુલે પણ અનિચ્છા વ્યકત કરીને પિતાજીને ઘર મુકીનેજ પાર્ટીમાં આવી ગયા.
મનન અને મિરાના પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર જોઇને રાહુલને મનોમન એવું લાગ્યું કે પોતે આર્થિક રીતે મનનથી ગમે તેટલો આગળ રહ્યો હોય, તે જિંદગીમાં ઘણો પાછળ રહી ગયો છે.
"ગરીબી અને લાચારીમાં પણ આપે દિલથી સાથ,
પતિ-પત્નીનો પ્રેમ છે ત્યારે જ યથાર્થ."