પર્યાવરણ દિવસ
પર્યાવરણ દિવસ
નવા બોલવા શિખેલા બાળક જેવા
નાના કુમળાં છોડે એક સવાલ કર્યો,
હે દાદાજી આ માણસ આજ શું કરે છે ?
આમથી તેમ આટા મારે છે
મારા નાના મોટા ભેરુઓને અહીંથી ત્યાં
આમતેમ હાથમાં લઈ કેમ ફેરવે છે ?
કોઈ ને ખાડામાં નાંખે માટી નાખે છે ?
કોઈ એના સામે ફોટા પાડે છે ?
આ શું કરે છે આવું ?
ખખડધજ શાખાઓવાળું આખા કંપાઉન્ડમાં
બસ એક આ જુનું ઝાડ,
અડધા પાન પીળા પડી ગયેલા
પાણીના તરસ્યા હોય તેવા સૂકાભટ હતાં,
પણ ઝાડના ખાસ્સા મૂળ જમીનના ઊંડાણે ઉતરેલા હતા,
એટલે હજુ હયાત જેવું એ એક જ વડીલ સમાન ઝાડ,
નાના છોડનાં સવાલ પર, દાદાજી સમાન ખખડધજ
ઝાડે થોડું ગંભીર હાસ્ય કર્યું... પછી બોલ્યા...
બેટા આ માણસ પોતની જાત સાથે
આજના દિવસે આમ જ રમત રમે,
હું તો વર્ષોનો સાક્ષી છું આનો,
નાના છોડે ફરી સવાલ કર્યો.... છેતરે એટલે દાદા.?
દાદા એ અટ્ટહાસ્ય કરતા છોડને સમજાવ્યું,
બેટા આ માનવજાત આજે પર્યાવરણ દિવસ ઉજવે છે.
આજ એક દિવસ તારા ભેરુઓને આમ તેમ રોપશે જ્યાં જગ્યા મળશે ત્યાં પછી ફોટાઓ પાડશે દેખાડા કરશે,
બસ એક દિવસ એકબીજાને દેખાડા કરવા પૂરતા,
નાનો છોડ ફરી સવાલ કરે છે હે દાદાજી તો
પછી શું કરે આ રોપેલા મારા ભેરુઓનું,
દાદા નિસાસો નાંખતા બોલ્યા કંઈ નહી બેટા આજનો દિ પૂરો થશે એટલેે કાલ સવારમાં જ આ બધા અહીંથી ખાડામાંથી કાઢી કંપાઉન્ડમાં નડે નહી ત્યાં મૂકી દેવાશે, અને આ કુમળાં બાળ જેવા છોડોનો કોઈ ભાવ પણ નહી પૂછે, ના પાણી આપશે કે ના કોઈ માવજત.
સૂકાઈને સાવ જીવ જતો રહેશે ત્યારે કચરાના ઢગલામાં ભેળવી દેવાશે.
આજ કરુણતા હું વર્ષોથી જોતો આવું છું બેટા.
ત્યાં છોડ બોલ્યું તો હે દાદા આ માણસ આપણેને છેતરે કે પોતાની જાતને ?
નાના છોડના આ સવાલ બાદ વટવૃક્ષ સમાન
દાદાજી થોડી વાર મૌન રહી છોડને કહ્યું,
બેટા એતો આ સ્વાર્થી માણસને સમય જ જવાબ દેશે
કે ખુદને છેતરતો હતો કે આપણી જાતને.
