પ્રતિદ્વંદિતા
પ્રતિદ્વંદિતા
ચિન્મય જાણતો હતો કે એના નિર્ણયનો એની મમ્મી જોરદાર વિરોધ કરશે. મમ્મીનો સ્વભાવ એ નાનપણથી જોતો આવ્યો હતો. મમ્મીનું વાક્ય એટલે "બ્રહ્મવાક્ય" મમ્મીનો વિરોધ કરવાની તાકાત તો એના પપ્પામાં પણ ન હતી. કદાચ એનું કારણ એ પણ હોઇ શકે કે મમ્મી નોકરી કરતી હતી. જો કે એના કરતાં પપ્પાનો પગાર ઘણો વધારે હતો. પરંતુ વારંવાર મમ્મી એવું સાબિત કરવા માંગતી હતી કે ઘર, બાળકો અને નોકરી એકલા હાથે સંભાળવું સહેલું નથી. એ તો માત્ર એ જ કરી શકે. તમને તો સાણસી પકડતાં પણ નથી આવડતું.
ઘરની શાંતિ ના જોખમાય એ માટે જ શ્ર્લોક શાંત રહેતો. બાકી ખડગપુરમાંથી આઇ.આઇ.એમ. કરનાર મુર્ખ તો ના હોય ને ! આમ પણ ઘરમાં એમનું માન પણ કયાં સચવાતું હતુ ! એની બહેન શ્રધ્ધા પણ વાતવાતમાં એના પપ્પાનું અપમાન કરતી. કયારેક મમ્મીને ખુશ રાખવા એ પણ પપ્પાનું અપમાન કરવામાં પાછીપાની કરતો નહીં.
શ્રધ્ધા તો મમ્મીની વહાલસોઇ હતી પરંતુ જયારે એને બીજી જ્ઞાતિના દર્પણ સાથે લગ્નની વાત કરી ત્યારે મમ્મીને સખત આઘાત લાગ્યો હતો. દીકરીને મારઝુડ પણ કરી, એક રૂમમાં પુરી રાખી પણ એય મમ્મી જેટલી જ જક્કી હતી. દીકરીની જક સામે એનો અહમ ઘવાયો હતો. પરિણામ સ્વરૂપ એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
જો કે ચિન્મયને પાછળથી ખબર પડેલી કે એના પપ્પાએ એને સાથ આપેલો. આ વખતે ચિન્મયને વિશ્વાસ આવી ગયો હતો કે એના પપ્પા એને જરૂરથી મદદ કરશે. ચિન્મયે જયારે એના પપ્પાને વાત કરી ત્યારે એના પપ્પા એ સાથ આપવાનું વચન આપી દીધું. એટલું જ નહીં પણ સાથેસાથે ઉમેર્યું પણ ખરૂ કે,"મારા બાળકોની ખુશી એ જ મારી ખુશી. છોકરી સંસ્કારી જોઇએ. તારી સાથે જ ભણતી હતી તમને બંનેને એકબીજા નો સ્વભાવ અનુકૂળ હોય તો હું જ્ઞાતિમાં માનતો નથી."
જયારે એની મમ્મીને ખબર પડી કે દીકરાએ પણ એની પસંદગીનું પાત્ર શોધી લીધું છે ત્યારે એને કહી દીધું, "આજથી આપણા મા-દીકરાના સંબંધનો અંત આવે છે" એ સિવાય પણ એ સતત રુદન કરતી રહી. કયારેક માથા પણ કૂટતી. એસિવાય ઘણું બધુ દીકરાને સંભળાવતી રહી. જોકે ચિન્મય પર આની કંઇ જ અસર ના થઇ. ચૂપચાપ સાંભળતો રહ્યો.
આખરે ચિન્મયે કહી દીધું કે, "મમ્મી,હું વેદાંતી વગર જીવી નહીં શકું. તું વિરોધ કરીશ તો હું આ જીવન કુંવારો રહીશ."
"તારામાં આટલી બધી હિંમત એ છોકરીના કારણે જ આવી છે. બાકી આજ સુધી કોઇ મારી સામે બોલવાની હિંમત નથી કરી શક્યું".
આખરે એકના એક દીકરા સાથે બાંધછોડ તો કરવી જ પડી. લગ્નબાદ વેદાંતી ઘરમાં આવી ત્યારે એને નક્કી કરેલું કે એને સીધી કરી દઇશ. એ સમય દરમ્યાન કોરોનાને કારણે"વર્ક ફ્રોમ હોમ" હતું.
ચિન્મયે કહેલું કે ,"મમ્મીની બેટીંગ અને બોલીંગ સામે તું ટકી નહીં શકે"
"ચિન્મય, તું ગભરાઇશ નહીં . ઓલરાઉન્ડર ખેલાડી પણ જીરો રનમાં આઉટ થઇ જાય છે. એટલું જ નહીં એમને આખી સિઝન દરમ્યાન એકપણ વિકેટ નથી મળતી. "
કોરોનાને કારણે બહારગામ તો જવાનું જ ન હતું. તેથી બીજા જ દિવસે સવારે વેદાંતી મોડી ઉઠી અને ચિન્મયને કહ્યું,"મમ્મી ને કહે કે મારી ચા ઉપર આપી જાય. નવ વાગે હું ગરમ નાસ્તો કરવા નીચે આવીશ નાસ્તો તૈયાર રાખજો. "
વેદાંતી નવ વાગે નીચે આવી ત્યારે નાસ્તો તૈયાર ન હતો. વેદાંતી ગુસ્સે થઇ ને બોલી, "મેં કહેવડાવેલું કે નાસ્તો તૈયાર રાખજો. હજી કેમ તૈયાર નથી ?"
"હું તારી સાસુ છું તારે મને તૈયાર કરીને આપવાનો હોય"
"તો બજારમાંથી લઇ આવો પૈસા હું આપીશ"
"પૈસા તેં જ જોયા છે ? અમારી પાસે પણ પૈસો છે."
"તો એનો ઉપયોગ કરો. "
દિવસો આમ જ વિતતા હતા. કોરોનાને કારણે કામ કરનાર મળતાં ન હતાં. "કામ તો ઘરમાં વહુઓ એ કરવાનું જ હોય ને !નોકરી નવાઇની નથી કરતાં. કપડાં,વાસણ રસોઇ તો કરવાની જ હોય ને ! ઘરમાં મદદ કરવી નહીં ને હુકમ કરવાના. "
ત્યારબાદ વેદાંતીએ ઓનલાઇન વોશીંગમશીન તથા ડીશવોશર મંગાવી લીધા. એમની સોસાયટીમાં જ એક જરૂરિયાતમંદ સ્ત્રી હતી એને રસોઇ માટે રાખી લીધી. વેદાંતીની સાસુ ને ગમ્યું તો નહીં પણ વેદાંતી એના પૈસે લાવી હતી. જો કે ત્યારબાદ વેદાંતીની સાસુને સમય ઘણો મળવા લાગ્યો. એનું ચિડીયાપણું થાકનું હતું. હવે એના સ્વભાવમાં સુધારો આવતો ગયો. હવે એ પતિ સાથે ઉંચા અવાજે બોલતી તો વેદાંતી કહેતી,
"મમ્મી, પપ્પાનું માન સાચવવાનું તમારા હાથમાં છે. જે સ્ત્રી પોતાના પતિને માન ના આપે એનું સમાજમાં કોઇ સ્થાન જ નથી. "
વેદાંતીના આવ્યા બાદ એના સાસુના સ્વભાવમાંથી તોછડાઇની જગ્યાએ નમ્રતા આવી ગઇ હતી. તેથી વેદાંતીને વિચાર આવ્યો કે હું તો મારા સાસુને પહોંચી વળી. પણ મારા જેવી કેટલી એ સ્ત્રીઓ હેરાન થતી હશે ! તથા એના સસરા તથા પતિ એ મમ્મીની કેટલીયે જોહુકમી સહન કરી હશે. વેદાંતી એ રાત્રે સૂઇ ના શકી. એને મનોમન નિર્ણય લઈ લીધો કે એ પોતે એન.જી.ઓ. ચલાવશે.
દિવસે દિવસે વેદાંતીનું એન.જી.ઓ.નું નામ થઈ ગયું. વેદાંતી કહેતી કે બંનેપક્ષે સમજદારીથી કામ લેવામાં આવે તો ઝગડાનું અસ્તિત્વ જ ના રહે. ત્યારબાદ તો પુરૂષ હોય કે સ્ત્રી હોય કંઇ પણ તકલીફ હોય તો વેદાંતી પાસે પહોંચી જતાં.
ચિન્મય ઘણીવાર કહેતો,"વેદાંતી તારી સંસ્થા એન.જી.ઓ. નું નામ મારી મમ્મીના નામ પરથી રાખવું જોઇએ.ગમે તેટલો સારો ખેલાડી હોય પણ એ કાયમ નોટઆઉટ નથી રહેતો." અને બંને જણ હસી પડ્યા.
