પરમવીર
પરમવીર
પરમવીર
....અને હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો, જયારે સ્ટેજ પરથી બોલાયું કે , “ અને આ વર્ષનો પરમવીર ચક્ર પ્રાપ્ત થાય છે લેફ્ટનન્ટ કર્નલ દેવલ દિક્ષીત ને....” અને દેવલ છાતી કાઢીને ટટ્ટાર મક્કમ પગલે ચાલીને પ્રેક્ષાગારમાંથી મંચ તરફ ગતિ કરી. સાથે સાથે બધાની પ્રસંશાઓ પણ ઝીલતો ઝીલતો મચ પર પ્રવેશ કર્યો અને સલામ ભરી બોલ્યો ,” જય હિન્દ “. અને એ સાવધાનની સ્થિતિમાં ઉભો રહ્યો અને એની છાતી પર પરમવીર ચક્ર અંકિત કરાયો. ફરી એકવાર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. અને એને માઈક પર પોતાની લાગણી વ્યક્ત કરવા જણાવ્યું. એણે માઈક હાથમાં પકડી બોલવાનું શરુ કર્યું , “ જય હિન્દ... ભારત માતાકી જય ...મિત્રો , આ સન્માન પદક હું મારી બે માતાઓ ને અર્પણ કરવા માંગું છું. એક તો આપણા સૌની ભારત માતા અને બીજી મારી જનેતા માતા મીતા દિક્ષિતના ચરણે આ મેડલ અર્પણ કરું છું સાથે હું મારી માતાને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું “ . અને મીતાબેન આંખમાં હર્ષના આંસુ સાથે મંચ ઉપર આવ્યા.
અને એમણે માઈક પર પોતાની લાગણી દર્શાવવાનું કહેવામાં આવ્યું એટલે તેમણે બોલવાનું શરુ કર્યું , “ જય હિન્દ, આજે મને ગર્વ છે કે મારા દીકરા દેવલને એના જીવતા જીવત આ પરમવીર ચક્ર મળે છે. આજથી ૨૦ વર્ષ પહેલા મારા પતિને પણ આજ મંચ પરથી પરમવીર ચક્ર મળ્યો હતો પણ એ મરણોત્તર હતો. જે લેવા પણ હું જ આવી હતી. મારા પતિએ કાશ્મીરની ખીણમાં ચાલતા આતંકવાદી કેમ્પમાં ઘૂસીને એક સાથે ૨૨ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. પરંતુ ઓપરેશન પૂરું કરીને નીકળતાં જ હતાં ને એક અર્ધ મૃત્યુ પામેલ આતંકવાદીએ પાછળથી આવીને પીઠમાં ખંજર હુલાવી દીધું હતું અને એની સાથેની ઝપાઝપીમાં એ આતંકવાદી ને તો ઘાયલ થઈ ને પણ મારી નાખ્યો અને એમણે છેવટે શહાદત વહોરી લીધી અને એમનો મૃતદેહ જયારે તિરંગામાં લપેટાઈને આવ્યો ત્યારે પણ હું રડી નહોતી. અને જયારે તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત થયો ત્યારે પણ મેં કહ્યું હતું કે અફસોસ છે કે મને એક જ દીકરો છે જો વધારે હોતને તો પણ હું મારા તમામ દીકરાને લશ્કરમાં જોડાવાનું કહેતે. અને મારા એકના એક દીકરા દેવલને લશ્કરમાં મુક્યો હતો. અને આજે એને પરમવીર ચક્ર મળે છે એનો મને આનંદ છે.” અને એમણે પોતાના આંસુ ખાળી ન શકતા માઈક દીકરાને પકડાવી દીધું અને પછી દેવલે મીતાબેનને પાણી પીવડાવી પોતે સ્વસ્થતા ધારણ કરી પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું ; “ આમ જોવા જઈએ તો આ પરમવીર ચક્ર મને વારસામાં મળ્યો ગણાય. પિતા એ પ્રાપ્ત કરેલ સિદ્ધિને મેં તો માત્ર દોહરાવી છે. તમે બધા ઉત્સુક છો કે મને આ સન્માન કેવી રીતે અને શા માટે મળ્યું ? તો એના ઉત્તરમાં તમને જણાવું તો ગયા માર્ચ મહિનામાં મારી મમ્મીએ મને રજા લેવાનું જણાવ્યું. એમની ઈચ્છા મારી સગાઈ કરવાની હતી તો મેં આવવાની તૈયારી બતાવી. છોકરી તો એમણે જોઈ લીધી હતી. મારે માત્ર પસંદ જ કરવાની હતી. અને હું રજા લઇ ટ્રેનમાં સુરત આવવા માટે નીકળ્યો. રાતના ૨.૩૦ વાગ્યા હશે ટ્રેન બિહારમાંથી પસાર થતી હતી. આખો ટ્રેનનો ડબ્બો ઘસઘસાટ સુતો હતો. મને ઊંઘ નહોતી આવતી એટલે હું જાગતો બેઠો હતો. એટલામાં ચેઈન પુલિંગ થયું. થોડીવાર ટ્રેન થોભી અને ફરી ટ્રેન ચાલવા લાગી.
અને અચાનક મારી બાજુની બર્થમાંથી એક સ્ત્રીની દર્દનાક ચીસ સંભળાઈ અને હું મારી લોડેડ રિવોલ્વર ચેક કરી હું ચીસની દિશામાં દોડ્યો..અને જોયું તો સ્ત્રીની કાનની બુટ લોહીથી લથબથ લબડી રહી હતી અને એક ધાડપાડું એના સોનાના દાગીના ઉતરાવી રહ્યો હતો અને બીજો એના વાળ સખ્ત રીતે પકડી ને મારતો હતો અને પેલી સ્ત્રી દર્દથી કણસતી હતી. બાકીના બીજા ત્રણ ધાડપાડુઓ બીજા મુસાફરને લુંટવા નીકળ્યા. મેં નોધ્યું પાંચ જણ હતાં એકની પાસે દેસી તમંચો હતો. બાકીના ચાર પાસે તિક્ષ્ણ ખંજર અને ચાકુ હતા. બધાં જ તદ્દન નિર્દયી બનીને મુસાફરોને મારવા લાગ્યાં અને એમનો સામાન દર દાગીના લુંટવા લાગ્યા. એટલા નિર્લજ્જ હતાં કે પૈસા આપતાંને પણ મારતા હતા. નાના બાળકોને પણ છોડતાં ન હતા. બેરહમીથી મારીને પિશાચી આનંદ ઉઠાવતા હતા. હું તેમની પાસે ધસી ગયો. મારી રિવોલ્વર લોડેડ મારી બંડીમાં હતી. હું કાયમ મુસાફરીમાં હોઉં ત્યારે તો ખાસ લોડેડ જ રાખું. હું કઈ કહું એ પહેલા જ મારી સામે ઉભેલા એક ધાડપાડું એ મને ધક્કો મારી એક તમાચો ચોડી દીધો. હું રિવોલ્વર કાઢવાની ફિરાકમાં જ હતો પણ મેં વિચાર્યું કે એ પાંચ જણા છે હું એકલો, બળથી નહી કળથી કામ કરવું પડશે. મારે ધીરજ ધરવાની હતી. મેં એ લોકોના સરદારને કરગરતા કહ્યું, તમે મને મારો નહી. હું પૈસા વીંટી ઘડિયાળ આપવા રેડી છું. પણ મને મારો નહી. અને એ લોકોના સરદારે હુકમ કર્યો ,” મત મારો ઉનકો, માલ લે લો “. અને હું જમીન પર વીંટી કાઢવાનું નાટક કરવા ઉંધો પડીને મારી બંડીમાંથી ચિત્તાની ઝડપે રિવોલ્વર કાઢી સુતા સુતા જ તમંચાવાળા સરદારના પેટમાં ગોળી ઘુસાડી દીધી. એ લોકો એ સ્વપ્નમાં પણ આવો હુમલો થશે એવું નહી વિચાર્યું હોય. અચાનક હુમલાથી સરદારનું ઢીમ ત્યાજ ઢળી ગયું. એટલે એની પાછળ ઉભેલો બીજો ધાડપાડું કઈ સમજે વિચારે એ પહેલા જ હું ચપળતાથી ઉભો થઈ ગયો અને એના લમણાંમાં જ પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી દીધી. એટલામાં બીજા ત્રણ જણા એલર્ટ થઈ ગયા હોય મેં બે જણાના ખભા પર ખુબ જ ઝડપ થી હાથ મૂકી રિવોલ્વરને હવામાં ઉછાળી ત્રીજાના પેટમાં લાત મારીને એને ટ્રેનની બહાર ધક્કો માર્યો ત્યાં સુધીમાં બે જણા નીચે ફસડાઈ પડ્યા હતા અને સેકન્ડના સો માં ભાગમાં જ રિવોલ્વરને હવામાં કેચ કરી ત્યાં સુધીમાં બે જણા ભાગવા લાગ્યાં એટલે મેં બન્ને જણને પગમાં ગોળી મારીને ઘાયલ કર્યા. ને જીવતા પકડ્યા.
આ બાજુ કોઈ મુસાફરે પોલીસમાં ફોન કરી દેતા બીજા સ્ટેશન પર જ સ્થાનિક પોલીસ ફોજ આવી ગઈ હતી. અને મેં એ લોકોને પોલીસ હવાલે કાયદેસર રીતે કર્યા. અને હું માનભેર ફરી પાછો સુરત આવવા નીકળી ગયો ... અને હું જેવો સુરત સ્ટેશને પહોંચ્યો એટલે મારી મા એ મને મારી બહાદુરીનું ઇનામ મમતા સ્વરૂપ પરમવીર ચક્ર આપતા એટલું જ બોલી; “ શાબાશ દીકરા, તેં આપણા સુરતનું, ગુજરાતનું, ગુજરાતીનું, ગૌરવ વધાર્યું છે. તારા પિતાએ દેશની બહારના ગદ્દારોનો ખાત્મો બોલાવ્યો હતો તેં દેશની અંદરના ગદ્દારોને ખત્મ કર્યા છે. જય હિન્દ ભારત માતા કી જય..” અને આખો હોલ ભારત માતા કી જયના નારાથી ગાજી ઉઠ્યો.
(જાંબાઝ પોલીસ અધિકારી પાસે થી સાંભળેલી વાતોના આધારે)