પ્રકૃતિ રક્ષક
પ્રકૃતિ રક્ષક
“પ્રોફેસર, તમારી ઘણી નામના સાંભળી છે. એક પ્રકૃતિ રક્ષક તરીકે શહરમાં તમારી એક આગવી ઓળખ છે.” બારણા પાસે ઉભેલી દેવશ્રી એકીશ્વાસે બોલી ગઈ. પોતાના વિદ્યાર્થીનીના મુખે પોતાની પ્રશંસા સાંભળીને પ્રો. વિનાયક થોડાક ગર્વથી બોલ્યા, “નાનપણથી મને કુદરત સાથે લગાવ છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું મને ખૂબ ગમે છે.”
દેવશ્રી, “આ માટે તમે ઘણા વન વગડા ખુંદી વળ્યા હશો નહીં?”
પ્રો. વિનાયક બોલ્યા, “હા, એ તો છે જ. પરંતુ મેં મારા ઘરમાં પણ કુદરતના સાનિધ્યમાં રહી શકાય તેવી ગોઠવણ કરેલી છે. આવ અંદર આવ...”
ઉત્સાહથી દેવશ્રી ઘરમાં દાખલ થઈ. ત્યાં છત પર નજર જતા તેની આંખો દીપી ઉઠી.
આ જોઈ પ્રો. વિનાયક સહેજ મલક્યા અને બોલ્યા, “ઘરમાં જ અંતરીક્ષની મજા માણી શકાય એ માટે મેં દીવાલ પર રેડીયમના તારા, ગ્રહો અને બીજા નક્ષત્રો લગાવ્યા છે. રાતના અંધકારમાં તેઓ ઝગમગી ઉઠતા છત પર આબેહુબ આકાશનું દ્રશ્ય ખડું થાય છે.”
તે જોઈ દેવશ્રીના મુખમાંથી ઉદગાર નીકળ્યો, “વાહ...”
પ્રો. વિનાયક આગળ બોલ્યા, “મેં ઘરમાં ઠેકઠેકાણે ફુવારા લગાવ્યા છે. જેમાંથી અવરિત વહેતા પાણીનો પ્રવાહ ખળખળ કરતી નદીના જળનો આભાસ કરાવે છે. ઘરમાં ફિલ્ટર મશીન લગાવ્યા છે જે સતત મને શુદ્ધ વાયુનો પુરવઠો પૂરો પાડે છે.”
એક ખૂણામાં નજર પડતા દેવશ્રી આનંદથી બોલી, “પ્રોફેસર, દીવાલ પર લગાવેલા આ ચિત્રો આંખ સમક્ષ જંગલ અને પહાડની સુંદરતા ખડી કરે છે. ખરેખર જાણે પૃથ્વી પરના કોઈ અલૌકિક જગ્યાએ ઊભાં હોઈએ તેવી પ્રતીતિ થઈ રહી છે. અને આ ચિત્ર તો જુઓ એટલું સુંદર છે જાણે આપણે ખરેખર કોઈ સાગર કિનારે ઊભાં ન હોઈએ ! ખૂબ જ મસ્ત વ્યવસ્થા કરી છે. પ્રોફેસર, ખરેખર કહું તો તમારું ઘર દરેક પ્રકારના પ્રદુષણથી અલિપ્ત છે. જાણે પૃથ્વી પર
આવેલું સ્વર્ગ ન હોય !”
પ્રો. વિનાયક બોલ્યા, “દેવશ્રી, કુદરતના સાનિધ્યમાં સતત રહેવા મેં ઘરનું તમામ રાચરચીલું લાકડાનું બનાવેલું છે. આ જે ઘર તું જોઈ રહી છે તે પણ ઉત્તમ દર્જાના લાકડાથી બનેલું છે.”
દેવશ્રીની નજર ઘરના રાચરચીલા પર જતા તેનું મોઢું ઉતરી ગયું. પગ પછાડતા તેણે જણાયું કે પ્રોફેસરના ઘરની ફર્શ પણ લાકડાની જ બનેલી હતી. ઘરમાં ચોમેર નજર ફેરવતા તે ઘર બનાવવા પાછળ કેટલા વૃક્ષો કપાયા હશે તેની કલ્પનામાત્રથી ધ્રુજી ઉઠી.
પ્રો. વિનાયકે ઉત્સાહથી કહ્યું, “આ તો કંઈ નહીં ચાલ મારી સાથે...” આમ કહી પ્રો. વિનાયકે ઝડપથી ઘરનું પાછળનું બારણું ખોલ્યું. ઘરની પાછળ આવેલા બગીચામાં અસંખ્ય નાનામોટા પાંજરા જોઈ દેવશ્રી દંગ થઈ ગઈ. નાનામોટા તે પાંજરાઓમાં જાતજાતના અને ભાતભાતના પશુપંખીઓ પુરાયેલા હતા.
પ્રો. વિનાયકે સ્મિત કરતા કહ્યું, “સવારના પહોરમાં પંખીઓનો કલશોર સાંભળી મન આનંદ વિભોર થઈ જાય છે.”
દેવશ્રીને પાંજરામાંથી આવતો અવાજ કલશોર કરતા આઝાદી માટે તડપતા જીવોનો શોર વધુ લાગ્યો. આકાશમાં મુક્તમને વિહરતા પંખીઓ જોવા તેને ખૂબ ગમતા. કેટલા આકર્ષક તેઓ દેખાય છે. જયારે આ પાંજરામાં પુરાયેલા પંખીઓ ! પાંજરામાંના એક સસલાની આંખમાંથી ટપકતી લાચારી જોઈને તેના આંખોની કોર ભીની થઈ ગઈ. એક ક્ષણમાં સ્વર્ગ સમી ભાસતી એ જગ્યા દેવશ્રી માટે નર્ક સમી બની ગઈ. તેનું મગજ ચકારાવવા લાગ્યું. તેના હૃદયમાં તીવ્ર પીડા થઈ. તેની અંતરઆત્મા રડી ઉઠી. તેનું હૈયું વિલાપ કરી રહ્યું. એ પ્રો. વિનાયકને ઘણું કહી સંભળાવા માંગતી હતી પરંતુ તેની જીભ ઉપડી નહીં. સાચું બોલવા હિંમત જોઈએ પરંતુ એ હિમંત દેવશ્રી કરી શકી નહીં. થોથવાતા સ્વરે એ બોલી, “પ્રોફેસર, તમે સાચા અર્થમાં પ્રકૃતિ ભ... ભ... ભ... સોરી, રક્ષક છો.”