પ્રિય સખીને પત્ર
પ્રિય સખીને પત્ર
પ્રિય સખી એંજલ
તમે બધા ત્યાં કુશળ મંગલ હશો અમે લોકો પણ અહીં મજામાં છીએ. ઘણા સમયથી આપણે મળ્યા પણ નથી, તારા જન્મ દિવસ પર તને રૂબરૂ મળવું શકય નથી એટલે પત્ર દ્વારા તને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું વિચાર્યુ. આ પત્ર લખવા બેઠી ત્યારે બાળપણની કેટલી યાદો નજર સમક્ષ ટળવળે છે. નવા કપડાં પહેરી નિશાળે જવાનું અને ઘરે આવીએ ત્યારે બા એ બનાવેલી તારી મનપસંદ સુખડીની લિજ્જત માણવાની ગામના ભાગોળે આવેલા મંદિરે દર્શન કરવા જવાનું અને વાડીએ પેલા હિંચકા તો કેમ ભૂલાય ? સમય બદલાતો ગયો અને આપણે આગળ ભણવા માટે શહેરમાં આવી વસી ગયા અને એ બધી બાળપણની મીઠી યાદોને જયારે પણ યાદ કરીએ ત્યારે તેની ખુશી શબ્દોથી વ્યક્ત કરી નથી શકાતી. તને યાદ છે એકવાર મારો જન્મદિવસ વેકેશન દરમિયાન આવેલો અને હું મામાને ઘરે ગયેલી ત્યારે તે આવી રીતે પત્ર દ્વારા મને જન્મદિવસની શુભકામના પાઠવી હતી એ પત્ર મેં હજુ સાચવી રાખ્યો છે. અને વિચાર્યું કે એ યાદોને ફરી તાજી કરીએ એટલે આ વખતે તને પત્ર લખી જન્મદિવસની શુભેચ્છા પાઠવું.
જન્મદિવસની અનેક શુભકામના, આવનારા વર્ષમાં તું ખુબ પ્રગતિ કર. હંમેશા ખુશ રહે. આનંદનાં તોરણ તારા દરવાજે ઝૂલતા રહે અને બહુ બધા વહાલ સાથે જન્મદિવસની અનેક અનેક શુભકામના.
લી.
તારી સખી યેશા.