Prashant Subhashchandra Salunke

Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational

પ્રિય પુસ્તક: માનવીની ભવાઈ

પ્રિય પુસ્તક: માનવીની ભવાઈ

2 mins
3.8K


ગુજરાતી સાહિત્યમાં આમતો ઘણી શ્રેષ્ઠ રચનાઓ લખાયેલી છે. કોઈ એકને શ્રેષ્ઠ કહી બીજાને જરાયે અવગણી ન શકાય. છતાંયે જો મને પૂછવામાં આવે કે તમારુ પ્રિય પુસ્તક કયું? તો હું નિ:સંકોચ જવાબ આપું “માનવીની ભવાઈ”. શ્રી પન્નાલાલ પટેલની ૧૯૪૭માં પ્રકાશિત આ નવલકથાથી સહુ કોઈ પરિચિત છે. ભાગ્યે જ કોઈ એવો હશે જેણે આ નવલકથા વાંચી નહીં હોય. શ્રી પન્નાલાલ પટેલજીએ તેમની નવલકથા “માનવીની ભવાઈ” આ નામ અંગે ઉલ્લેખ કરતા કહ્યું છે કે, “ભવાઈ એટલે મિલકત એવો અર્થ થાય છે દા.ત. બે ઢોરાં ને બે છોરાં એ આપણી ભવાઈ. આ સિવાય, ખેતી એ તો ભાઈ, (ઝાઝા) માનવીની ભવાઈ છે-“ નામ અંગેના આટલા ઉલ્લેખ પછી લેખકને કંઈ કહેવાનું બાકી રહેતું નથી.

ગુજરાતના ૧૮૯૯-૧૯૦૦માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા દુષ્કાળ પર આધારિત આ નવલકથાના કુલ ૩૮ પ્રકરણો છે. જેમાં ગુજરાતના ગામડાઓમાં ખેડૂતોના દુષ્કર જીવનનો ચિતાર છે. વળી લેખકે આ નવલકથામાં વાલા પટેલના પુત્ર કાળુ અને ગાલા પટેલની પુત્રી રાજુની પ્રેમકથાને પણ ખૂબ સુંદર રીતે વણી લીધી છે. બંને પ્રેમી પંખીડાઓ એકમેકને દિલોજાનથી ચાહતા હોય છે. તેઓ એકબીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર હોય છે પરંતુ કમનસીબે તેઓના લગ્ન બીજે થાય છે. આખી નવલકથામાં દુષ્કાળ દરમિયાન ખેડૂતોએ ભોગવવી પડતી હાલાકીને લેખકે અદભુત રીતે પ્રસ્તુત કરી છે. વળી નવલકથાનો અંત વરસાદના પ્રથમ બિંદુ સાથે આણી લેખકશ્રી પન્નાલાલ પટેલે તો કમાલ જ કરી દીધી છે. ખેડૂતોની સર્વ પીડા અને યાતનાઓના અંતનું પ્રતિક સમું એ વરસાદનું પ્રથમ બિંદુ વાંચકોને પણ અભિભૂત કરી દે છે. ઈ.સ. ૧૯૯૫માં વી. વાય કંટકે આ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેમજ ઈ.સ. ૧૯૯૩માં અભિનય સમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ આ નવલકથા પરથી ચલચિત્ર બનાવ્યું હતું. જેનું નામ “માનવીની ભવાઈ” જ રાખવામાં આવ્યું હતું. ખરેખર દરેક ગુજરાતી વાંચન રસિકોએ એકવાર તો આ પુસ્તકને વાંચવું જ જોઈએ.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational