પરિસ્થિતિ
પરિસ્થિતિ


શેઠ રઘુનાથ આજે કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમનો એકનો એક દીકરો મોહન કારની અડફેટમાં આવી ગયો હતો. જો તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો તેમના પુત્ર મોહનના જાનને જોખમ હતું. કહેવાય છે ને કે મુસીબત આવે છે તો ચારેબાજુથી આવે છે. બસ એમ જ શેઠ રઘુનાથ પણ પાછલા કેટલાક સમયથી મુસીબતોથી ઘેરાયેલા હતા.
ધંધામાં ભારે નુકસાન થવાને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ હતી. પરિવાર માટે બે ટંકનું ભોજન સુદ્ધા ખરીદવાના પૈસા નહોતા ત્યારે ઓચિતામાં દીકરાના ઉપચારના ખર્ચનું વિચારી જ તેઓ પડી ભાંગ્યા હતા. જિંદગીભર જાહોજલાલીમાં રહેલા શેઠ રઘુનાથને કોઈની સામે હાથ લંબાવવાનું ગમતું નહોતું પરંતુ આજે પોતાના વહાલસોયા દીકરા મોહનના પ્રાણ બચાવવા ખાતર તેઓએ ડોકટરો સામે હાથ
લંબાવ્યા. પરંતુ આ કાળઝાળ મોંઘવારીમાં મફત ઈલાજ કરવા કઈ હોસ્પિટલ તૈયાર થાય ! નિરાશ વદને શેઠ રઘુનાથ પાછા ફરી જ રહ્યા હતા ત્યાં તેમના કાન પર અવાજ સંભળાયો.
“નર્સ, તાત્કાલિક શેઠના દીકરાને ઓપરેશન થીએટરમાં ખસેડો. શું કહ્યું તેમણે ફી નથી જમા કરાવી ? અરે! બેવકૂફ, આજે હું ડોક્ટર છું તે આ પરમાત્મા એ આપેલી સ્કોલરશીપને કારણે છું ! તેઓએ મારા પર કરેલા ઉપકારનું ઋણ ચૂકવવાનો આજે સમય પાક્યો છે ત્યારે તું ફીની વાત કરી મને પાપમાં નાખે છે ? ઝટ... કામે લાગો... હરી અપ... હમણાંજ આને ઓપરેશન થીએટરમાં ખસેડો...”
આમ બોલતા બોલતા ડોક્ટર રાવ જયારે શેઠ રઘુનાથના પગે લાગ્યા ત્યારે ત્યાં ઉભેલ સહુ કોઈ અવાચક નજરે નિહાળી રહ્યા એ સારા કર્મના પરિણામને .