પરીની દુનિયા
પરીની દુનિયા


'શ્રેયા, હવે તારે સુઈ જ જવાનું છે. કાલે વહેલા જાગીને સ્કૂલ જવાનું થાય છે ત્યારે તને તકલીફ થાય છે. અત્યારે તારે મારી અને પપ્પા સાથેની વાતોમાં બહુ રસ પડે છે.', સંજનાએ એની દીકરી શ્રેયાને થોડા મોટા અવાજે બોલીને કહ્યું.
'સંજના, ચીકુ(શ્રેયાનું હુલામણું નામ)ને રમવા દે ને થોડી વાર. કાલે એ તો જાગીને સ્કૂલ જતી રહેશે. હે ને ચીકુ ?', સુનિલે પ્રેમથી એને બોલાવતા કહ્યું.
ચીકુ એટલે સુનીલના દિલની ધડકન ને સંજનાના હૈયાનો શ્વાસ. જિંદગી જેટલી જીવાય એ બધું જ બસ ચીકુ માટે જ. દીકરીના મા-બાપની જે રીતે ચિંતા એ બધી જ ચિંતા સુનિલ-સંજનાને થતી. સંજના હરહંમેશ એની બધી જ વસ્તુમાં ખૂબ કાળજી લેતી. વ્યવસાયે એક બિઝનેસ વુમન હોવા છતાં એક માતા તરીકેની દરેક જવાબદારી ખૂબ અંતરમનથી અને સાવચેતીપૂર્વક કરતી. થોડી વાર વાતો અને મસ્તી કર્યા પછી શ્રેયને સુવાડવા સંજના એના રૂમમાં ગઈ.
'મમ્મી, આજે મને વાર્તામાં કોઈ પરીની કહાની સાંભળવી છે ને.. હું રોજ શૂરવીરની કહાની સાંભળીને કંટાળી ગઈ છું. નાનાએ લખેલી વાર્તામાંથી કોઈ વાર્તા મને કહી સંભાળવજે. નાના તો કેટલા મોટા લેખક હતા એમને કેટલી બધી વાર્તાઓ લખી છે બસ આજે મારે પરીની જ વાર્તા સાંભળવી છે.', શ્રેયા બોલી.
'ઠીક છે મારી પરીને આજે 'પરીની' વાર્તા કહીશ. હા, મને મારા પપ્પા કેહતા એ જ વાર્તા હું તને કહી સાંભળવીશ. ચાલ તું આંખ બંધ કરી દે.'
નાના છોકરાઓ પરીઓની કહાનીમાં જ જીવે. એક નાની છોકરી પણ એ જ કહાનીમાં જીવીને પોતાની જિંદગી વિતાવતી. મા-બાપ તો કોઈ રહ્યું નહિ એટલે અનાથ આશ્રમમાં જ મોટી થઇ હતી. નાનપણમાં જ જિંદગીએ આપેલા ઘા સહી ના શકી એટલે ઉંમર કરતા વહેલા મોટી થઇ ગઈ અને બધી જ સમજણમાં એ પાક્કી હતી. જિંદગી સાથે આંખમિચોલી રમીને પુખ્ત વયની થઇ ગઈ અને કોલેજમાં જવા લાગી. રોજ રાત્રે સુઈ જાય ત્યારે સપનામાં બસ પરીને જોઈને પોતાની જાતને પરી સમજતી અને એ જ ખાલી રાતે જ પોતાની જિંદગી જીવતી હોય એવું લાગતું. જિંદગી જાણે એની સાથે કોઈ રમત રમતી હોય એવું લાગતું. કોલેજ જવાનું, જોબ જવાનું રાત્રે આવીને પોતાના પલંગને રાજસિંહાસન સમજવાનું, આંખ બંધ કરવાની ને પરીઓની દુનિયામાં જવાનું પછી પરી બની આખા ગગનમાં ઉડવાનું. કેટલી શાંતિ હતી એની જિંદગીમાં એ ખાલી એને રાત્રે જ સમજાતું. એને બસ એ જ દુનિયામાં આખો દિવસ અને રાત રેહવું ગમે. સપનામાં એ દુનિયાભરની સફર કરી આવે, જિંદગીના દરેક સપના જોઈ લે, દરેક ખુશી મહેસુસ કરી લે, પોતે જાણે આખા ગગનની માલકીન હોય એમ આખા આકાશમાં વિચરે. રાત્રે સૂતી વખતે જ એના ચહેરા પર સ્માઈલ આવે એ સ્માઈલ કેટલા સુકૂનની હશે એ આપણે બસ અંદાજો જ લગાવી શકીએ. બસ....
શ્રેયા સુઈ ગઈ અને એના ચહેરા પરની સ્માઈલ જોઈને સંજનાના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ ત્યાં જ દૂર ઉભેલા સુનિલે આવીને કહ્યું.
'હા, બસ આવી જ સ્માઈલ સાંજના.'
બંને ચીકુને સૂતી જોઈ રહ્યા.