પ્રાયશ્ચિત
પ્રાયશ્ચિત
રાજેશભાઈએ જુવાન દીકરાનું ખોળિયું છાતીએ વળગાડી એવું કલ્પાંત કર્યું કે સમગ્ર વાતાવરણ રડી પડ્યું. એ રડતાં રડતાં બોલતાં હતાં, "વાહ..! કુદરત, વાહ..! કહેવાય છે તારી લાઠીમાં અવાજ નથી હોતી. એ તે સાબિત કરી આપ્યું. મારા કર્મની વાત સમજ્યો પણ એની મમ્મીને કેમ સજા આપી ! એ તો નિર્દોષ છે."
બે દિવસ વિધીમાં અને શોકસભામાં પસાર તો થયાં પણ પોતે પ્રાણ વગર શરીર હોય એવું રાજેશભાઈને લાગતું હતું. રાજેશભાઈ દીકરા અક્ષયના મોત માટે ખુદને જવાબદાર સમજતાં હતાં. પોતે હોંશથી નામ રાખ્યું દીકરાનું અક્ષય પણ નાની ઉંમરમાં જ એનો ક્ષય થયો.
અક્ષયની માતા તો પાગલ જેવી બની ગઈ હતી. કેમ ન બને ! એકનો એક દીકરો એકાએક ઘોડે ચડવાને બદલે અર્થીએ ચડે તો માનું કાળજું કંપી જ જાય. પત્ની તરફ નજર જતાં પોતે પોતાની જાત પર ફિટકાર વરસાવતાં.
રાજેશભાઈ અક્ષયની તસ્વીર પાસે ઊભાં હતાં ત્યારે એને મહેસૂસ થયું કે અક્ષય કહીં રહ્યો છે, "સમજાયુંં પપ્પા, સ્વજન ગુમાવવાનું દુઃખ શું હોય..! તમને કેટલા માતા પિતાના નિસાસા લાગ્યા હશે." આમને આમ ગ્લાનિ ભર્યું જીવન વિતતું ગયું.
એક દિવસ રાજેશભાઈ આંખો બંધ કરી બેઠાં હતાં અને સંપૂર્ણ જીવન એની નજર સમક્ષ પસાર થવાં લાગ્યું. પોતે નાસ્તાની લારી કાઢતાં અને કોલેજિયનના નાસ્તામાં થોડુંક કેફી દ્રવ્ય નાખતાં. યુવાનોને આ નાસ્તામાં અનેરી મોજ આવતી. વધુ કિંમતે પણ યુવાનો ત્યાં જ નાસ્તો કરવાનું પસંદ કરતાં.
ધીમે ધીમે નાસ્તાની લારી તો ફક્ત આવક દેખાડવાનું સાધન જ બની રહી અને રાજેશભાઈ ડ્રગ્સ વેચતાં શીખી ગયાં. થોડા વર્ષમાં જ ગાડી, બંગલો, જમીન ઘણી મિલકત વસાવી. ઘણાં યુવાનો આ લત લાગવાથી મોતને ઘાટ ઉતર્યા હતાં છતાં પણ પોતાનાં પેટનું પાણી પણ ન હલતું. આજે પોતાના પેટનો દીકરો જ પોતાને ખબર પણ ન રહીં અને ડ્રગ્સ એડિક્ટ બની આ રંગીન દુનિયા છોડી ગયો હતો.
એકાએક રાજેશભાઈના મગજમાં કંઈક વિચાર આવ્યો ઓફિસે ગયાં. એક ચિઠ્ઠી લખી જેમાં આ ડ્રગ્સના ધંધામાં જોડાયેલ લોકોના નામ સરનામા લખ્યાં. બીજા પુરાવા એકત્રિત કર્યા અને પોલિસ સ્ટેશન અને બીજા અલગ અલગ જગ્યાએ મોકલી આપ્યાં.
છેલ્લે સ્યુસાઈડ નોટ લખી.
કુદરતની કરામત આગળ હું નત મસ્તક છું. એની લાઠી અજબ છે. અવાજ નથી પણ અસર ઘણી કરે છે. મારા ડ્ગ્સના ઘંધાથી ઘણાં પરિવારના ચિરાગ બુઝાઈ ગયા છે. પ્રાયશ્ચિત રૂપે હું સમગ્ર ઘંધોની જાણકારી સરકારને જાહેર કરી આ જ ઝેરથી આત્મહત્યા કરું છું.
અંતે ડ્રગ્ઝના ઓવરડોઝથી રાજેશભાઈએ અંતિમ વિદાય લીધી.
