STORYMIRROR

Jagruti Kaila

Others

3  

Jagruti Kaila

Others

ખંડિત

ખંડિત

1 min
163

"નમસ્કાર, આપ સૌ જાણો જ છો કે આપણી પાર્ટીના શ્રી મહેશભાઈ દેશ સેવાના કેટલા કાર્યો કરે છે. દેશને આગળ લાવવા એ સતત પ્રયત્નશીલ રહે છે. એમના વધુ વખાણ સૂરજને દીવો બતાવવા જેવું થશે. તો હવે હું સ્ટેજ પર માનનીય શ્રી મહેશભાઈને આમંત્રિત કરૂ છુ કે એ બે શબ્દો કહે. પ્લીઝ વેલકમ મહેશભાઈ." પાર્ટી સભ્યના શબ્દ સાંભળી મહેશભાઈ ઊભા થયા.

મહેશભાઈએ વાતનો દોર શરૂ કર્યો. એમનો આજનો વિષય હતો ;બાળમજૂરી.'

મહેશભાઈના શબ્દો હતા, "બાળકો તો દેશનું અમૂલ્ય ધન છે. એમની કેળવણી યોગ્ય રીતે થશે તો દેશ ધનવાન બનશે. હવે પછી એ જ વિચાર ચાલે છે કે મજૂરી કરતાં બાળમજૂરોની મજૂરી છોડાવી એમના શિક્ષણ અને પોષણ પર ધ્યાન આપવું."

સભા તાળીથી ગાજી ઊઠી, ફરી આગળ મહેશભાઈ બોલ્યા, "બાળકોતો ઈશ્વરનું સ્વરૂપ હોય છે, કેટલા માસૂમ..! ખબર નહીં કેમ લોકો એમની પાસે કામ કરાવી શકે છે ?હૈયું દ્રવી જવું જોઈએ."

આમ, બાળકોને ફૂલ, સિતારા અને ઈશ્વર સ્વરૂપ ઉપમાઓ અપાતી ગઈ. તાળીઓનો ગડગડાટ અવિરત ચાલુ રહ્યો. આ સાંભળી ખૂણામાં ઉભેલા દસ વર્ષના રાજુને પણ પોતે બાળમજૂરીમાંથી છુટશેના દિવા સ્વપ્ન આવવા લાગ્યા. સભા પૂરી કરી મહેશભાઈએ વિસ્તારમાં લોકોને મળવા પગપાળા નિકળ્યા ત્યાંજ રાજુ પર ધ્યાન જતાં એના સહાયકને કહ્યું, "આને દસ વીસ રુપિયા આપી ગાડી સાફ કરાવી લેજોને."

દસ વર્ષિય રાજુનું દિવા સ્વપ્ન ખંડિત થયું અને સાથે સાથે મનથી બનાવેલી આદર્શ મૂર્તિ પણ..


Rate this content
Log in