પપ્પા એટલે પપ્પા
પપ્પા એટલે પપ્પા
જીવનમાં મારા પપ્પા સલાહ આપવા કરતા જીવન એવું જીવ્યા કે એમનું જીવન જ અમારા માટે આદર્શરૂપ છે. તેઓ સલાહ આપવા કરતા કામ કરવામાં માનતા. નથી ક્યારેય અમને રોક્યા કે કદી ટોક્યા.
મમ્મી તો સાવ નાનપણથી નહોતી. પણ પપ્પાએ મા -બાપ, ગુરુ બધી રીતે મારા જીવનને ખીલવ્યું છે.
પોતે દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠે. અમે વહેલા ઊઠી જઈએ, તે માટે એક પ્રેરણાદાયક પ્રસંગ વહેલી સવારે કહેતા.
મને હજુ યાદ છે, હું જ્યારે હાઈસ્કૂલમાં આવી ત્યારે ફ્રોકની જગ્યાએ મારા નવા પાંચ ડ્રેસ આવી ગયા. ચોમાસામાં વરસાદમાં નહાવું ખુબ ગમે. અને મને શરદીનો કોઠો. પપ્પા સૂંઠની ગોળીઓ બનાવીને તૈયાર રાખતા. પોતે શરદી ના હોવા છતાંય ખાય, એટલે અમે પણ હોંશે હોંશે ખાઈએ. પર્સમાં કાયમ છુટ્ટા પૈસા સાથે રાખવા, નિયમિતતા અને ખાસ તો વાંચનની ટેવ, ડાયરી લખવાની ટેવ.. પપ્પાને જોઈને તેનું અનુકરણ કરતા અમે ઘણું શીખ્યા. પપ્પા એટલે પપ્પા.
તેમની ઘણી બધી ટેવો આજેય મારામાં છે. બસ પપ્પા જાણે સુક્ષ્મદેહે મારી સાથે જ છે.
