પ્લેગ્રુપ એડમિશન
પ્લેગ્રુપ એડમિશન
રમેશભાઈ સવારે વહેલા પાંચ વાગ્યાથી દીકરા સૌમ્યના પ્લેગ્રુપના એડમિશન માટે લાઈનમાં ઊભા હોય છે. લાઈન કાર્યાલયથી શરૂ કરીને છેક સ્કૂલના દરવાજા બહાર પહોંચી હોય છે. રમેશભાઈના એક હાથમાં ભરેલું ફોર્મ અને ફી ના બે ચાર બંડલ રૂપિયા. માંડમાંડ શહેરના ભૂતપૂર્વ મેયરે ચિઠ્ઠી લખી ત્યારે તો ફોર્મ મળેલું. પરસેવે રેબઝેબ થયેલાને પાણી પણ સવારનું પીધેલું નહીં. એમાં વળી પટાવળો જાણે મોટો કલેક્ટર હોય તેવો રોફ કરી બધાને ધમકાવતો. લાઈનમાંથી આડા અવળા કોઈને થવા દેતો નહીં. એવામાં લાઈન ધીરે ધીરે આગળ ચાલી રમેશભાઈનો વારો મેદાન સુધી આવી ગયો હતો.
મેદાનમાં મોટો બગીચો કાઢીને શાળાનું બીજું બિલ્ડીંગ બનતું હતું. મજૂર માણસોના છ – સાત બાળકો ઘર ઘર રમતા હતા. એક બાળક નાનું નાનું ઘાસ લાવી ખેતર બનાવી રોપતો. બીજો લાકડાની સળીથી ખેડ કરતો. ત્રીજો અને ચોથો માટીના ગારામાંથી લોટો-પ્યાલો-ડોલ-થાળી આવું બનાવતા હતા. એક તો લીમડાની સળીઓ ભેગી કરી મેદાન વાળતો. એક મેંદીના પાંદડા વાટકામાં ભેગા કરતો હતો. બીજી તરફ તેના મા-બાપ ઈંટો લઈ છેક ચોથે માળ ચઢાવતા હતાં. રમેશભાઈ આ બધું જોઈ સૌમ્યનો ચહેરો નજર સામે દેખાવા લાગ્યો. પોતાના બાળપણના દિવસો અને ગામડું યાદ આવ્યું. જે લીમડાના ઝાડ નીચે તેઓ ફળિયાના છોકરાઓ સાથે રમતા હતા. એ આંખ સામે તરબતર થવા લાગ્યું.
ઘડીક થંભી ગયાંને પછી ભરેલું ફોર્મને પેલા બેચાર બંડલ ભરેલી થેલી લઈ લાઈનમાંથી બહાર નીકળી ગયાં. પટાવાળો બૂમ પાડે છે. એ ! ભાઈ પછી એડમિશન નહીં મળે હોં !
