પિયર
પિયર
ટ્રેને ધીમે ધીમે ગતિ પકડવા મંડી. મિલીએ પતિ સામે ક્યાંય સુધી હાથ હલાવે રાખ્યો. અને મિલિન્દ પણ જતી રહેલી એ ટ્રેન સામે જોતો ક્યાંય સુધી ઊભો રહ્યો, જાણે એ ટ્રેનમાં રહેલ નવોઢા પત્નીને મન ભરીને નિરખતો ન હોય! બારીની બહાર જોઈ રહેતી મિલીની આંખ થોડી ભીની જણાતી હતી. કોઈ જોઈ ન લે તેમ તેણે ધીમેથી આંખ લૂછી નાંખી. દૂર દૂર ફેલાયે જતાં અને ટ્રેન સાથે દોડે જતાં વૃક્ષની હારમાળાને તે જોયા કરતી હતી. આ બધા એએમ એક સાથે ક્યાં ચાલ્યા? પોતાના વિચાર પર પોતે જ હસી પડી.
વૃક્ષની લીલીછમ હારમાળાની ઉપરથી ક્યાંક એક પોપટ ઊડી ગયો અને તેની લીલી કુમાશ હવામાં ઉડાવી ગયો. પોતાની જેમ જ ને! પિયરનું પ્રાંગણ છોડીને જાણે પોતે પણ પોપટની જેમ ઊડી ગઈ હતી. તેને ક્યાં બહુ દિવસ થયા હતા? પણ ના ના આજે, અત્યારે, આ ક્ષણે રડવાનો નહીં ખુશ થવાની પ્રસંગ છે. આજે તો પોતેપોતાના ઘેર જતી હતી ને? ના ના પોતાના પિયર, જ્યાંની દીવાલો પર હજી યે પોતે દોરેલા ચકરડા દેખાઈ રહ્યા છે, જે સ્ટડી ટેબલ પર હજી પોતાની બે ચાર ટ્રોફી ગોઠવાયેલ છે. બસ એક નાજુક સ્પર્શ અને રેશમ ની પીંછી જેમ ફરતી સોનેરી યાદો. મીઠી જ નહીં, ખાટી-મીઠી યાદો.
ટ્રેન એક પછી એક સ્ટેશન વટાવતી ગઈ. સુપર ફાસ્ટ ટ્રેન ની ગતિ મિલી ને સાવ ધીમી લગતી હતી. તે મનમાં ને મનમાં ગણતી જતી - આ સ્ટેશન પછી.. પછી.. અને પછી.. બસ હવે ત્રણ જ સ્ટેશનની વાર છે...
આખરે છેલ્લેથી બીજું સ્ટેશન પસાર થઈ ગયું. હજી ગાડી ને અડધો કલાક કાપવાનો હોવા છતાં મિલી માટે બેસી રહેવાનુ મુશ્કેલ હતું. જાણે ઘરનું દ્રશ્ય નજર સામે તરવારતું હતું. મા, પપ્પા, ભાઈ, ભાભી, નાનકી અને ઓહો લાડકો ભત્રીજો રવિ...
યાર્ડમાં ટ્રેન પ્રવેશતાં જ તે જાણે બહારની બાજુ આવેલ સાઇન બોર્ડ વાંચવા લાગી... યાર, હવે આવ્યું... આ પ્રાઇમરી સ્કૂલ... પેલી બેકરી ઓહો અને ત્યાં દૂર મેદાનમાં કયાંક રમતા ટાબરિયાઓ...
સ્ટેશન આવતા જ જાણે હ્રદય એક ધબકારો ચૂકી ગયું. આ રેલ્વે-સ્ટોર્સ, કુલીઓ, બધું પરિચિત હોવા છતાં કઈક જુદું કેમ લાગે છે જાણે!
ભાઈનેએ પહેલા જ તેના કોચનો નંબર પૂછી લીધેલ. હજી તો ટ્રેનના દરવાજામાં આવી ત્યાં જ ભાઈએ તેની બેગ ઊંચકી લેવા હાથ લંબાવ્યો. તે કૂદકો મારી નીચે ઉતરી ભાઈને જાણે ભેટી જ પડી!
હસતાં હસતાં મોટા ભાઈ એ ટપારી : થોડુંક વહાલ ઘરના બીજા લોકો માટે પણ રાખીશ કે નહીં?
'હ હા... પણ ભાઈ તમારો દીકરો જ પછી તો આખેઆખું વહાલ ઉપાડી જશે ઘેર પહોંચીને હો!'
'અત્યારે તો તને કોઈ આખીને આખી ઉપાડી ગયું છે, બેન!' અને અચાનક એ હાસ્યમાં કોઈ છુપા દર્દનો બંને એ અનુભવ થયો.
સામાન કારમાં નાંખીને ઘર તરફ બંને ઉપાડ્યા અને વાતો વાતોમાં માર્કેટ રોડ, ટાવર પરનું મોટું ઘડિયાળ, ચોરાહા પરનો તેનો ખાસ પાણીપુરીનો સ્ટોલ ક્યાં પસાર થઈ ગયો તેનું જાણે ધ્યાન જ ન રહ્યું. બસ આ છેલ્લો ટર્ન અને આ દેખાય ગ્રે કલરનો બંગલો... પોતાનું પિયર...
ચંપલ આંગણમાં ફંગોળીને તેણે સીધી ઘરમાં દોટ જ મૂકી. જાણે આખે આખા ઘરને, તેના તમામ સભ્યોને એક સાથે ભેટી લેવું ન હોય!
‘ફોઇ આવી... પપ્પા ફોઇને લઈ આવ્યા.’ કહેતાં નાનકડો રવિ દોડ્યો. ફોઇ એ પણ ઘરમાં પ્રવેશતાંવેંત જ રવિને તેડી લીધો,
‘રવીડી! શું કરતી હતી મારા વિના?’
‘મ.... ઝા...’ રવિએ ફોઇના જ શબ્દપ્રયોગ સાથે તેનાં જ લહેકામાં જવાબ આપ્યો. અને મિલીની સાથે જ આખું ઘર હસી પડ્યું.
સૌ ખુશ હતા. કેમ ન હોય? આજે તેમની લાડકી દીકરી લગ્ન પછી પહેલીવાર પિયર આવતી હતી. મા, ભાઈને બેન વળગી જ પડ્યા. પપ્પાનો તો કોઈ વારો આવવા દે તો ને? મિલી જ સામેથી દોડી, ‘પ...પા’
કારણ મિલી જ જાણતી હતી કે તેનાં પપ્પા ભલે બોલતાં નથી પણ મિલીના સાસરે જવાથી તે જાણે નમાયા બની ગયા હતા!
‘લાવ, મમ્મી હું રોટલી બનાવી દઉં.’
‘ના, ના તું બેસને... હમણાં થઈ જશે.’ કાયમ કામ કરવા માટે ટોકટોક કરતી માએ જવાબ આપ્યો.
‘ચાલો ચાલો, ફોઇ કામ તો મમ્મા કરી નાંખશે.’ કહેતો રવિ તેને ખેંચવા માંડ્યો.
‘રવિ, આવતાંવેંત હેરાન ન કરીશ ફોઇને. મુસાફરીનો થાક તો ખાવા દે...’ ભાભીએ ઠપકો આપ્યો.
આ વળી નવું ! રવિને લાગ્યું. તેને જ નહીં મિલીને પણ નવાઈ લાગી... કારણ કાયમ તો ભાભી કહેતી,
‘અરે આ તમારા બારકસ ભત્રીજાને સાચવો છો એ જ મોટું કામ છે... બીજી મદદ ની જરૂર જ નથી.’
‘ચાલો દીદી તમને મારી નવી શોપિંગ બતાવું...’ કહેતી તેની બેન આવી અને બંને શોપિંગ ક્યાંથી, કેમ કઈ રીતે કર્યું તેની વાતોમાં એટલાં ગૂંથાઇ ગયા કે સાંજ ક્યારે પડી ગઈ તેની ખબર જ ન રહી.
‘આ લે દી, આ તને ગમતો કલર છે…’ હજી હમણાં જ લગ્ન નિમિત્તે લીધેલ હેવી ડ્રેસ કાઢીને બેને તેની સામે મૂક્યો.
‘ના તું રાખ... તારા માટે લીધો છે.’
‘પણ તને ગમે છે... મને ખબર છે... એ મે તો પહેરી લીધો છે... હવે ક્યાં હેવી ડ્રેસ પહેરવાનો? તારે તો હમણાં બધે ફરવા જવાનું હોય તો વટ પડે ને!’ નાની બેને સત્તર કારણો આપ્યા તે સાથે જ મિલીના મગજની કમાન છટકી: ‘કેમ આવું કરે છે? કાયમ તો મારા કપડાં સૌથી પહેલાં તું જ ચડાવતી હતી... મારી બધી જ વસ્તુ હક્કથી ઠેકાવી લેતી હતી. આજે શું કામ તારો મઝાનો ડ્રેસ આપે છે?’
અને... તમે બધા જ આવું કેમ કરો છો? મારે રસોડામાં નહીં જવાનું, રવિને નહીં સાચવવાનો... આરામ કરવાનો.. મહેમાનની જેમ સોફા પર બેસીને ટી વી જોવાનું એમ?’ કહેતાં તે રડમસ થઈ ગઈ.
‘તે તું કેમ આમ કરે છે? કાયમ તો જે ગમે તે માંગી લે છે, તેના માટે લડી પણ લે છે ને આજે આટલું બધું જોયા પછી બહારના માણસની જેમ ‘સરસ છે સરસ છે’ કર્યા કરે છે, ને એક પણ વસ્તુ કેમ માંગી નહીં? જવાબ આપ, જોઈએ. નાનીએ પણ ગુસ્સાથી કહ્યું.
‘જા.. જા.. વળી લેવો હોય તો લે નહીં તો કઈ નહીં... આ તો આપણે એમ કે સાસરેથી આવી છે તે સાચવીએ...’ બોલતા બોલતાં તે પણ રડવા જેવી થઈ ગઈ.
અને પછી બંને એકમેકને ભેટી પડી: ‘યે હુઈ ન બાત...’
બંને બેનોના હાસ્યનો અવાજ ઘરની બહાર સુધી ફેલાયો.
