ફરી કામ ન મળે
ફરી કામ ન મળે


"હવે મારાથી આ કામ નથી થતું." માધવભાઈ ધ્રુજતા હાથે પોતાનું કામ કરતા કરતા જ બોલ્યા.
"શું થયું ? તમારી પાસે સમય ઓછો છે." તેમના પત્ની તેમને સાંત્વના આપતા બોલ્યા.
"બધા વ્યક્તિઓ પોતાને કામ મળતું હોય ત્યારે ખુશ થતા હોય છે, જયારે હું મારી જાતને ધિક્કારું છું. ઇચ્છુ છું ફરી આ કામ ન મળે."
"હા હું સમજી શકું છું."
"જયારે મને આ કામ માટે ફોન આવે છે, ત્યારે મારા હાથ ધ્રૂજે છે કેટલી શબપેટી બનાવવાની છે તે સાંભળતી વખતે હું ઇચ્છુ છું કે મને ઓછું જ કામ મળે તો સારું, હંમેશા ઓછા જવાન શહીદ થયા હોય એવી મારા દિલની દુઆ હોય છે." માધવભાઈ આંખમાં અશ્રુ સાથે બોલી રહ્યા હતા.
"હા આ દુઃખ તો દેશની દરેક વ્યક્તિ અનુભવે છે. કાળજું કંપે છે અને હૈયું રડે છે. મારી પણ એ જ દુઆ હોય છે કે જયારે પણ આર્મીમાંથી ફોન આવે તમારા માટે ઓછું કામ હોય."
માધવભાઈ રડતા ચેહરે આજે તેમને મળેલો વીસ શબપેટી બનાવાનો ઓર્ડર પૂરો કરી રહ્યા હતા અને ક્યારેક તો એ શબપેટીને વારંવાર વંદન પણ કરી લેતા અને માથે અડકાડી આદર વ્યકત કરતા. અને ક્યારેક દીવાલ પર ટાંગેલા, સુખડનો હાર ચડાવેલા આર્મી ડ્રેસમાં સજ્જ પોતાના છોકરાના ફોટાને પણ વંદન કરી લેતા.