ફરી ધબકતી જિંદગી
ફરી ધબકતી જિંદગી


ટાઉનહોલના ડ્રેસિંગરુમમાં ચહલપહલ હતી. બંસરી અરીસા સામે બેઠી હતી. મેકઅપ ચાલી રહ્યો હતો. એની અણિયાળી આંખ, સંપૂર્ણ, સુડોળ, સુરેખ દેહયયષ્ટિને આમ તો કોઈ કૃત્રિમ શૃંગારની ક્યાં જરુર હતી? બંસરી સામે આદમકદ અરીસામાં જાણે અતીત નિહાળી રહી.
કેવલ હંમેશાં કહેતો,
“તું બંસરી છો. કાન્હાજીના હોઠ પર સદાય તું વસે એટલે તારામાં કોઈ ખોટ હોય જ નહીં.”
બંસરીને આ સંવાદ ગમતો છતાં અણગમો દર્શાવીને કહેતી,
“આહાહા! હું કાંઈ એટલી સંપૂર્ણ નથી હોં! મારે તો કેવલનું જ બનીને રહેવું છે.”
આમ જ મીઠાં મધૂરાં વીસ વર્ષ દાંપત્યજીવનનાં પસાર કરીને બંને ઉંમરના એવા પડાવ પર પહોંચ્યાં જ્યાં બંને સંતાન પોતાના પગ પર ઊભાં થઈને વિદેશ વસી ગયાં હતાં. પાછળ નજર નાખતાં મીઠું સપના જેવું જીવાઈ ગયેલું જીવન હતું તો આગળ ઉંમર પ્રમાણે જોવાતાં સપનાંનું લિસ્ટ હતું.
બસ, એમાંથી એક સપનું અમરનાથની યાત્રાનું હતું. બાબાનાં દર્શન પગ ચાલે છે ત્યાં થઈ જાય એવી બંનેની ઈચ્છા સાકાર થઈ અને યાત્રાનો આરંભ થયો. પહેલગામ સુધી તો યાત્રા સુખદ હતી. ત્યાંથી આગળ જવા પહેલાંની રાતે ભારે હિમવર્ષા થઈ.
છતાં બસો પ્રવાસીઓ સાથે યાત્રા આગળ વધી. યાત્રાળુઓના જીવ થોડા ઊંચા થતા તો સંચાલકો કહેતા કે આવાં બરફનાં તોફાનો તો રોજનાં છે. કાંઈ નહીં થાય. બર્ફાનીબાબા સહુ સારાંવાનાં જ કરે છે.
આસ્થા અને શ્રધ્ધા સાથે કાફલો આગળ વધતો જતો ત્યાં ચોતરફ કાળાં ડિબાંગ વાદળોનો ગડગડાટ અને લીસ્સી વીજળીના આંખ આંજી નાખે એવા ચમકારા શરુ થયા. અને ભયાનક તોફાનમાં હિમશિલાઓ ઉપરથી પડવા લાગતાં યાત્રાળુઓમાં ભય ફેલાયો. ચારેકોર અંધાધૂંધી ફેલાઈ અને લગભગ બે કલાક પછી જ્યારે તોફાન શમ્યું ત્યારે કેટલીય જિંદગી બરફમાં જ બરફ થઈ ચૂકી હતી.
બંસરીને બે દિવસે ભાન આવ્યું ત્યારે જાણ થઈ કે કેવલ હંમેશ માટે બાબાની ગોદમાં સમાઈ ગયો હતો અને પોતે હજારો કિલોમીટર દૂર શહેરના કોઈ નારીનિકેતન સંસ્થામાં લાવવામાં આવી હતી.
બંસરી મૌન થઈ ગઈ હતી. સમય એની પ્રકૃતિ પ્રમાણે ચાલતો રહ્યો.
એક દિવસ સંસ્થામાં ચહલપહલ મચી હતી. બંસરીએ સંચાલિકા બહેનને પૂછ્યું,
“આજે શું છે?”
“એ તો શહેરની નામી ગાયિકા સામે ચાલીને આપણી સંસ્થામાં કાર્યક્રમ આપવા આવી રહી છે. એની તૈયારીઓ ચાલી રહી છે.”
સમયસર ગાયિકા કવિતાનું આગમન થયું. સત્કારવિધી બાદ કાર્યક્રમ શરુ થયો. કવિતાએ એક પછી એક સુંદર ગીતોની ઝડી વરસાવી. શ્રોતાઓ મંત્રમુગ્ધ હતા. એણે નવું ગીત શરુ કર્યું,
“પિયા તો સે નૈના લાગે રે..”
બંસરીના પગમાં જાણે વીજળી દોડી.
પોતે પણ નૃત્યમાં વિશારદ હતી એ સાવ ભૂલી જ ગઈ હતી જાણે.
અને..
કોઈ સંમોહનમાં હોય એમ બંસરી સ્ટેજ પર પહોંચી ગઈ. સ્ટેજને વંદન કરીને એણે પહેલી મુદ્રા સાથે નૃત્યનો આરંભ કર્યો.
પછી તો શ્રોતાઓ ઉત્તમ ગાયકી અને ઉત્કૃષ્ટ નૃત્યનો સંગમ આંખમાં ભરી ભરીને માણી રહ્યાં.
એ મનમોહક યાદગાર પળ પૂરી થઈ અને આજ સુધી એક પણ આંસુ ન પડ્યું હતું એ આંખ ભરચોમાસા જેમ વરસી પડી.
કવિતા પણ જાણે સ્તબ્ઘ હતી. બંસરીને ખભે હાથ મૂકીને એણે કહ્યું,
“દીદી, આજ સુધી મારી ગાયકી આટલું સન્માન નથી પામી. તમારી કલા ઉત્તમ છે. તમે સમયને જીત્યો હોય એમ તમારી ઉંમર પણ જણાતી નથી.”
બંસરી પાસે બેસીને એણે સમગ્ર વ્યથા-કથા સાંભળી.
બંસરીનો હાથ પકડીને એણે કહ્યું,
“દીદી, કલા જ જીવનને જીવંત રાખે છે. મારી વિનંતી છે કે મારી સંગીતઅકાદમી તમે પાવન કરો. તમારા જેવી અનુભવી અને લાગણીશીલ હસ્તી મારી અકાદમીને યોગ્ય રીતે સાચવી શકશે. હું તો દેશ-વિદેશ કાર્યક્રમોમાં વ્યસ્ત હોઉં છું. જો તમે હશો તો હું નિશ્ચિંત થઈ શકીશ.”
કવિતાની નૃત્ય અકાદમીમાં પહેલે દિવસે બંસરીએ તાલીમ આપી અને ઘણી બધી ચુલબુલી દીકરીઓ સાથે ઓળખાણ થઈ ગઈ.
બંસરીને કેવલના શબ્દો યાદ આવ્યા,
“તું બંસરી છો. દરેક કલાકારને તારી જરુર રહેવાની જ. તું હંમેશાં જીવંત રહેવા જ સર્જાયેલી છો.”
અને આજે નૃત્ય અકાદમીને પાંચ સફળ વર્ષ બંસરીની જ તનતોડ મહેનતને લીધે પૂરાં થયાં હતાં. ટાઉનહોલમાં શહેરની લગભગ તમામ પ્રતિષ્ઠિત હસ્તીઓની હાજરી સાથે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગણેશવંદનાથી શુભ શરુઆત અકાદમીના તમામ સભ્યોના અતિ આગ્રહને વશ થઈ બંસરીને ભાગે આવી હતી. મોટા અરીસા સામે બંસરી તૈયાર થતાં થતાં જિંદગી પણ જોઈ રહી. આંખમાં સ્મિતમિશ્રિત આંસુ સાથે બંસરી ફરી સૂરમય ધબકી ઊઠી.