natwar tank

Inspirational Thriller

4.5  

natwar tank

Inspirational Thriller

પગલાં

પગલાં

2 mins
59


મા ભોમની રક્ષા કરવા માટે પરાજિત ૧૦ વર્ષ પહેલાં લશ્કરમાં ભરતી થયો હતો. માતાએ પોતાના બે પુત્રોમાંથી, બીજા પુત્ર પરાજિતને લશ્કરમાં જવા દીધો હતો કારણ કે તેની ઈચ્છા મુજબ તે લશ્કર સિવાય ક્યાંય જવા માંગતો ન હતો. મોટો પુત્ર ગામડામાં રહીને ખેતી કરતો હતો. તેનું ગામ પણ દેશની સરહદથી થોડે દૂર જ હતું. પિતા તો ઘણા વર્ષો પહેલા જ મૃત્યું પામ્યા હતા. મોટો પુત્ર પરણિત હતો. જ્યારે પરાજિતની હજીયે પરણવાની ઈચ્છ ન હતી !

દર વર્ષે પરાજિત એકાદ માસની રજા લઈને આવતો, સાથે લશ્કરને લગતા કાગળ, દસ્તાવેજો,નક્શાઓ તેની સાથે હોય. તેની માતા અને મોટા ખેડૂત ભાઈની તો છાતી ગજગજ ફૂલતી આ બધી પ્રવૃતિઓથી ! તેઓને થતું કે અમારો પરાજિત લશ્કરમાં કેટલો બધો ભોગ આપે છે, રસ લ્યે છે દેશની સેવા કરવામા અને રચ્યોપચ્યો રહે છે રાત દિવસ જોયા વગર.

એક વખત સરહદે યુધ્ધના એંધાણ જેવું વાતાવરણ હતું. પરાજિત ઘણા બધા સામાન સાથે ઘેર આવ્યો. તેની પોતાની સૂવા-બેસવાની વ્યવસ્થારૂપે એક રૂમ પહેલાથીજ અલગ હતી. રાતે બધાએ સાથે ભોજન લીધું, વાતો કરી અને પછી સૌ પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. પરાજિતની મા રોજ ઓસરીમાં જ સૂતી હતી. રાત્રે અચાનક તેણીની ઊંઘ ઉડી ગઈ. પરાજિત હજુ જાગતો હતો.પરાજિત આટલી મોડી રાત્રેય કામ કરે છે ! તે શું કામ કરતો હશે તે જોવા તેણીએ તે જોવા પરાજિતની રૂમ તરફ ગઈ, તો તે રૂમમાંથી વાયરલેસમાં વાત કરવાનો અવાજ તેણીના કાને અથડાયો. તેણીએ રૂમના બારણે કાન માંડ્યો તો સાંભળતી જ રહી ગઈ.

"હલ્લો ,અમારા દેશનાં લશ્કરનાં તમામ નક્શાઓ મેં તમને મોક્લી દીધા છે, આ ઉપરાંત અમારા છૂપાં લશ્કરી મથકો, રડાર મથકો અને છાવણીઓની માહિતી લઈને હું સવારે જ સરહદી કોતરોમાં થઈને તમારા લશ્કરી ચિફને મળવાં આવું છું, મારા એક કરોડ રૂપિયા તૈયાર રાખજો..ઓવર."

પરાજિતની માતાનું હ્દય ધડકવા લાગ્યું. તેણી ઝડપથી પોતાની પથારી પાસે આવી, ઊંઘવાની કાશિશ કરી,પણ ઊંઘ ન આવી. પડખાં ઘસતાં ઘસતાં તેણીએ સવાર પાડી !

સવાર પડતાં જ પરાજિતે માને કહ્યું, "મા, મારે તાત્કાલિક જાવાનું થયેલ હોવાથી હું નીક્ળું છું" ત્યારે તેની મા એક ક્ષણ માટે તો જાણે કે હ્દયનો ધબકારો ચૂકી ગઈ. પછી માએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર,ઘર સાફ કરવાનું પોતું મોટા દીકરાંની વહુંના હાથમાંથી લઈને, ઘરની બહાર જઈ રહેલાં પરાજિતના પગનાં બધા જ પગલાં ભુંસી નાખ્યાં ! ત્યારે તેણીના મોટાં પુત્રએ કહ્યું, "મા, આ તું શું કરે છે ?" મા કંઈ પણ જવાબ આપ્યા વગર જ ઘરમાં ચાલી ગઈ.મોટા પુત્ર અને પુત્રવધૂને કંઈ સમજાયું નહી.

બીજે દિવસે મોટો પુત્ર દૈનિક સમાચાર પત્ર ઘેર લાવીને બધાને સંભળાવતો હતો. દેશની સરહદ પાસેજ આપણાં દેશનો જ પરાજિત નામનો એક લશ્કરી જવાન પોતાની દેશદ્રોહી પ્રવૃતિઓને કારણે ઠાર કરવામાં આવ્યો છે અને દેશને ઘણાં મોટાં લશ્કરી હૂમલાંઓથી બચાવી લેવાયો છે.

અને તરત જ મોટાં પુત્ર અને તેની પત્નીને,મા ની પગલાં ભૂંસવાની વાત સમજાય ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational