nayana Shah

Inspirational

3  

nayana Shah

Inspirational

પૈસો છે ને !

પૈસો છે ને !

6 mins
213


રામ અને શ્યામ બંને બાજુ બાજુના ગામમાં રહે. પરંતુ સ્કૂલમાં જતી વખતે બંને સાથે જ જતાં. જો કે એ વાત તો સો એક વર્ષ પહેલાંની છે. ત્યારે ગામમાં સ્કૂલો ન હતી. સ્કૂલે જવું હોય તો નદી ઓળંગી અને ત્યારબાદ પણ લગભગ બે એક કિલોમીટર જેટલું ચાલવું પડતું. ચોમાસામાં તો નદી બે કાંઠે વહેતી હોય અને કયારેક તો એ કારણોસર સ્કૂલે પણ જઈ શકતાં નહિ. જો કે એવી સ્થિતિમાં પણ બંને મિત્રો એસ. એસ. સી. સુધી ભણ્યા. ભણીને ગામમાં ખેતી કરવા લાગ્યા હતાં. ગામ નજીક નજીક હોવાના કારણે બંને મિત્રો અવારનવાર મળતાં રહેતાં હતાં. જો કે એ વખતે એસ. એસ. સી. પાસ કરનાર ખૂબ ઓછી વ્યક્તિઓ ગામમાં હતી. પરિણામ સ્વરૂપ બંને પોત પોતાના ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઓળખાતાં હતાં. એટલું જ નહિ પરંતુ બંનેનો સ્વભાવ પરગજુ હતો. તેથી જ ગામ લોકોનો આગ્રહ હતો કે તમે જ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી દો. જો કે એ તો સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ ગયા. બંને મિત્રો સરપંચ બની ગયા હતા. પરંતુ બંનેના મનમાં એક વાત ખટકતી હતી કે આપણા ગામમાં પ્રાથમિક શાળા તો હોવી જ જોઈએ. કારણકે આપણે તો ઘણી મુશ્કેલીઓ વેઠી.પરંતુ આપણી આવનાર પેઢી માટે આપણે કંઈક કરવું જોઈએ તેથી જ બંને ગામની નજીક પ્રાથમિક શાળા બનાવી. જયારે પણ બંને મિત્રો મળે ત્યારે વિચારે કે કોલેજ કરવા માટે તો બધાએ દૂરના શહેરમાં જવું પડશે. તેથી લાંબી મુસાફરીને કારણે યુવાનો ભણવાનું છોડી દેશે. જયારે પણ બંને મિત્રો મળતાં ત્યારે આ વાત તો અચૂક નીકળતી. સાથે સાથે એવું પણ વિચારતાં કે આપણા બાળકો ભણીગણીને ખેતી કરવાને બદલે જો શહેરમાં નોકરી કરવા જતાં રહેશે તો ! આખરે બંને મિત્રોએ નક્કી કર્યુ કે આપણે શહેરમાં જ એક સોસાયટી બનાવડાવીએ. જયાં તારા અને મારા કુટુંબના સભ્યો જ રહેતાં હોય અને વિચાર અમલમાં પણ મૂકાઈ ગયો. બંને પાસે ખેતીની આવક તો ઘણી જ હતી. સોસાયટી માટેની જમીન ખરીદી લીધા બાદ ઘણા વર્ષો બાદ બંગલાઓનું બાંધકામ ચાલુ કરાવ્યું. ત્યાં સુધી દીકરાના દીકરાઓને પણ શહેરની હવા લાગી હતી. એમને ગામડું ગમતું જ નહીં. બંને જણા એ દસ દસ બંગલા વહેંચી લીધા હતા. એમનો ઈરાદો એવો કે કુટુંબના સભ્યો સાથે સાથે રહેતાં હોય તો સુખદુઃખ વહેંચાઈ જાય.જો કે રામ અને શ્યામ વચ્ચે જે આત્મીયતા હતી એવી આત્મીયતા એ પછીની પેઢીમાં ઓછી થતી ગયેલી. એમના દીકરા દીકરીઓને ખેતીમાં કે ગામમાં રહેવામાં રસ ન હતો. જેમ જેમ છોકરાંઓ ભણતાં ગયા તેમ તેમ માનસિક રીતે માબાપથી જાણે દૂર થતાં ગયા.

આખરે રામ અને શ્યામે નક્કી કર્યુ કે આપણે તો ગામ છોડવું નથી ભલે આપણા દીકરાઓ અને દીકરીઓ શહેરમાં સ્થાયી થાય. આપણે પણ અવારનવાર જતાં આવતાં રહીશું. પરંતુ શહેરમાં ગયા પછી રામ અને શ્યામ બંનેના કુટુંબોની ખૂબ પ્રગતિ થતી ગયેલી. શ્યામના કુટુંબના સભ્યોમાં પુષ્કળ ઘમંડ આવી ગયેલો. કારણકે એના દીકરા દીકરીઓ પરદેશ જતાં રહેલા. ત્યાંથી તેઓ પૈસા મોકલતાં રહેતાં હતાં. કુટુંબના સભ્યો એકલા હોવા છતાં પણ નોકર, ચાકર, રસોઈયા સાથેની સગવડ ભોગવી રહ્યા હતાં. ઘરમાં કાર હતી તે પણ ડ્રાઈવર સાથે. કયાંય કોઈ તકલીફ શોધી પણ જડે એમ ન હતી.તેથી જ તેઓ માનતા કે આપણે કોઈ સાથે સંબંધ રાખવાની જરૂર જ કયાં છે ! ઘણી વાર તેઓ કહેતાં કે અમારૂ ઘર કલ્પવૃક્ષ સમાન છે. જયારે તેઓની સામે રામના કુટુંબના સભ્યો દિવસમાં એકાદવાર તો ભેગાં થતાં. ત્યારે સામે રહેતાં સ્વાતિબેનને થતું આ બધું શા માટે ? દરેકે પોતાના ઘરમાં રહેવું જોઈએ. ઘરમાં ટીવી, મોબાઇલ બધું જ હોય પછી કોઈને ત્યાં જવાની શું જરૂર ? પરંતુ માયાબેનના ઘરમાંથી તો સતત વાતો અને હસવાના અવાજો આવતાં જ રહેતાં. એવામાં જ માયાબેન દાદરેથી પડી ગયા અને હાથે તથા પગે ફેક્ચર થઈ ગયું. ત્યારબાદ તો સ્વાતિબેન જોતાં કે કોઈ ને કોઈ તો એમને ત્યાં હાજર હોય જ. કયારેક તો એ સાંભળતાં કે બધા માયાબેનને આગ્રહપૂર્વક ખવડાવતાં, એમનું માથું ઓળી આપતાં. અરે, બધા વારાફરતી એમને આવીને નવડાવી પણ જતાં.

દિવસો વિતતા જતાં હતાં. માયાબેનને સારૂ થઈ ગયું હતું. પરંતુ સ્વાતિબેન તો માનતા કે આપણે ભલાને આપણું ઘર ભલું. તેથી જ સગાં સંબંધીઓ નજીક હોવા છતાં પણ એમને કોઈ જોડે સંબંધ રાખ્યો ન હતો. બધા ધીરે ધીરે એમનાં સ્વભાવથી પરિચિત થઈ ગયેલા તેથી તો એ કોઈ જોડે વાત કરતાં નહિ અને કોઈ એમની સાથે વાત કરતું નહિ. છતાં પણ સ્વાતિબેન ખુશ રહેતાં અને કહેતાં પૈસો હોય તો કોઈ જોડે બહુ સંબંધ રાખવો જ નહીં. કારણ કે એ લોકો ગમે ત્યારે આપણી પાસે ઉધાર પૈસા માંગવા આવે. એમાંય માયાબેન તો એમની સામે જ રહેતા હતાં. જો કે એ મોટેભાગે એમના બારણાં બંધ જ રાખતાં. માયાબેનને ઘણી વાર થતું કે સ્વાતિબેન સાથે વાત કરે. પણ સ્વાતિબેન સંબંધ વધારવા તૈયાર જ ન હતા. નજીક નજીકના ગામના હોવા છતાં પણ એમને તો પોતે ગામડાંના છે એવું કહેતાં પણ શરમ આવતી. એટલે જ એમને થતું કે આ બધા ગામડિયાઓથી દૂર જ રહેવું.

દિવસો તો પસાર થતાં રહેતાં હતાં. એમને તો ગામડેથી મહેમાન આવે એ પણ પસંદ ન હતું. એમનો વ્યવહાર જોઈને જ બધાએ એમને ત્યાં જવાનું ધીરે ધીરે બંધ કરી દીધું હતું જો કે એ વાતનો એમને અફસોસ ન હતો પરંતુ એ વાતનો એમને આનંદ હતો. એવામાં જ્યારે કોરોનાનો કેર વર્તાતો હતો ત્યારે એ સગાઓ એ જ કહેલું કે, "તમે અહીં આવતા રહો કારણ ગામડાઓમાં હજી કોરોના નથી પ્રવેશ્યો. " પરંતુ સ્વાતિબેન શહેર છોડીને જવા તૈયાર જ ન હતાં. એવામાં જ સ્વાતિબેનને અને એમના પતિ ને કોરોના થયો અને હોમ કોરન્ટાઈન થવું પડ્યું. તેથી એમને ત્યાં નોકર,ચાકર, રસોઈયા તથા ડ્રાઈવરે પણ આવવાનું બંધ કરી દીધું. ટિફિન આવતું પણ એ બહાર મૂકીને જતો રહેતો. દિવસે દિવસે સ્વાતિબેનને એટલી અશકિત આવી ગઈ કે પથારીમાંથી ઊઠી પણ શકતાં નહિ. ખાવાનું તો ભાવતું જ ન હતું. એમના પતિનો સ્વભાવમાં પણ ચિડીયાપણું આવી ગયું હતું. એમનું મન કોઈ જોડે વાત કરવા તડપતું હતું. એમને થતું કોઈ એમનું માથું ઓળી આપે તો સારું. અરે, કોઈ વ્યક્તિ પાસે આવીને બેસે તો પણ સારું લાગે. પરંતુ અત્યાર સુધી એને કોઈ જોડે સંબંધ જ કયાં રાખેલો ! બધાએ કહી દીધું કે અમે આખો મહિનો કામ કરવા નહિ આવીએ. એક તો સ્વાતિબેનથી ઉઠાતું ન હતું. ઘરમાં તો ઘણો કચરો થઈ ગયેલો. વાસણ ઘસવા પણ એ ઊઠી શકતાં ન હતાં. ત્યારે એમને માયાબેનની યાદ આવતી હતી. એમની બિમારીમાં એમનું ઘર ભર્યું ભર્યું રહેતું હતું. એ જમી લે તો એમને હાથ પણ થાળીમાં ધોવડાવતાં હતાં એટલુંજ નહીં જતી વખતે પણ કહેતાં ,"સાંજે હું કંઈક તીખું કરીને મોકલીશ અને તારા ઘરવાળા ને તો ગળ્યું જ ભાવે છે હું ગુલાબજાંબુ કરીને મોકલાવીશ." સ્વાતિબેનને આ વધુ પડતું લાગતું હતું. પરંતુ એમની માંદગીમાં એમને અનુભવ થયો કે કોઈ પાસે આવીને બેસે કે ખબર પૂછે તો સારું લાગે. પૈસા હોવા છતાં પણ આજે બંને જણ પરવશ બની ગયા હતા. એ જાતે ઉઠીને માથું પણ ધોઈ શકતા ન હતાં. જયારે પણ કંટાળો આવે ત્યારે બ્યુટી પાર્લરમાં જઈને માથું ધોવડાવતાં. અત્યારે તો ડ્રાઈવર પણ ન હતો. પૈસો હોવા છતાં પણ માણસો મળતાં ન હતાં. બે ટાઈમ ટિફિન તો આવી જતું પણ ચા નાસ્તા વગર તકલીફ પડતી હતી. એમને તો ઘણી વાર માયાબેનને કહેતાં સાંભળેલા કે, "હવે તમે કોઈ નાસ્તો ના લાવતાં બહુ જ નાસ્તો પડી રહ્યો છે. " જયારે એ પોતે નાસ્તા વગર ભૂખ્યા રહેતાં હતાં. સ્વાતિબેનની આંખોમાં આંસુ આવી ગયા. જે પૈસા પર પોતે ઘમંડ કરતાં હતાં એ પૈસો આજે કામ આવતો ન હતો. જયારે માયાબેનને બધા પૂછતાં, "તમારે શું ખાવાની ઈચ્છા છે ? " માયાબેનની બિમારી વખતે કામવાળીના આવે તો નજીક નજીક રહેતાં કુટુંબના સભ્યો કચરા પોતા પણ કરી જતાં. જયારે એમના ઘરમાં તો કચરાના થર થઈ ગયા હતા. ખરેખર તો બધા એટલાં તો સંપીને રહેતાં હતાં કે દુ:ખ તો સહેલાઈથી વહેંચાઈ જતું હતું. એટલુંજ નહિ સુખ પણ બેવડાઈ જતું હતું. કારણકે વારતહેવારે બધા ભેગા મળીને જમતાં હતાં. ઘરમાં વધુ સભ્યો એકસાથે એક ઘરમાં ભલે ના રહી શકે પણ બધા નજીક નજીક તો રહી શકે ને ! અને સતત સાથે રહેવાથી પ્રેમમાં વધારો જ થતો રહે. કોરોના ને કારણે સ્વાતિબેન ને ઘણી બધી વાતો સમજાઈ ગઈ હતી. એમના ભાઈબહેનો નજીક નજીક હોવા છતાં પણ કોઈ એમની બિમારીમાં આવ્યું નહિ એ તો ઠીક કોઈ એ ફોન કરીને ખબર પૂછી નહિ. હવે તો એમને સમજાઈ ગયું હતું કે જીવવા માટે પૈસો જરૂરી છે પરંતુ પોતાનાનો પ્રેમ મેળવવો એમના માટે દુર્લભ થઈ ગયો હતો.અત્યાર સુધી એ તો કહેતાં હતાં કે, "મારી પાસે પૈસો છે. મારે કોઈની જરૂર નથી." પરંતુ આખરે પોતાના એ પોતાના જ રહે છે. પગારદાર માણસો કામ તો કરતાં જ હોય પણ એમાં લાગણીઓનો સતત અભાવ હોય છે. પરંતુ હવે એને સમજાઈ ગયું હતું કે કયારેય એવું ના કહેવું કે, "મારી પાસે પૈસો છે ને ! "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational