પૈસાનો વરસાદ
પૈસાનો વરસાદ
દોસ્તના લગ્ન માટે ગામડે જવાનું થયું. લગ્નની બે દિવસની દરેક વિધિમાં હું ભાવેશ સાથે જ રહેતો. તેણે ખાસ મને આમંત્રિત કર્યો હતો.એક સાંજે પીઠી સમયે હું તેની બાજુમાં બેઠો.ત્યાં જ ગીત સંભળાયું,
"પૈસાનો વરસાદ વરસ્યો ભાવેશભાઈ હવે બાજોઠેથી ઉતરો રે..!"
સતત આ ગીત વાગતાં મારાથી ન રહેવાયું અને મેં સીધું જ પીઠીથી લથબથ ભાવેશના કાનમાં કહ્યું,
"અલ્યા, ભાવેશ લગ્ન માટે બહુ ઉતાવળ કરી હો"
"દોસ્ત, આ ગીત સાંભળ પૈસાનો વરસાદ વરસે છે .તો તું જ કહે કરી લેવાય ને"
જીગરી દોસ્તના નાતે મને અંગત સલાહ આપવાનું મન થયું, પણ, આ મોંઘવારીમાં તું કેવી રીતે લાઇફ સેટ કરીશ. તારી પ્રાઈવેટ નોકરી, ઘર ચલાવવું મુશ્કેલ નહિ બને ? તારે પેહલા લગ્ન માટે છોકરી નહિ પરંતુ, સારી નોકરી શોધવાની જરૂર હતી."
"મારે ક્યાં નોકરીની જરૂર છે ? તારી ભાભી સરકારી નોકરી કરે ને ! લગ્ન પછી લાઇફ સેટ જ છે. દેખાવ ભલે ને ન હોય પણ આજ હું મારું મની પ્લાન્ટ રોપું છું જો જે આવતાં સમયે મને પૈસાનું ઝાડ બનાવી દેશે. હું એ પૈસાના ઝાડ નીચે બેઠો બેઠો 2000ની નોટો તોડિશ."
એની વાત સાંભળી હું અવાક થઈ ગયો. ખરેખર,કોઈ પોતાના સ્વાર્થ માટે જીવનસાથી સાથે અજાણ્યો દગો કરી શકે ! શું સંબંધમાં પ્રેમના બદલે પૈસાનું એટલું બધું મૂલ્ય વધી ગયું ?હજુ મારા સવાલો વચ્ચે ગૂંચવાઈ જાઉં ત્યાં જ ફરી કાને શબ્દો અથડાયા,
"પૈસાનો વરસાદ વરસ્યો ભાવેશભાઈ હવે બજોઠેથી ઉતરો રે"
સાચે જ્યારે ભાવેશ તેની પીઠીમાંથી બાજોઠ ઉપરથી ઊભો થયો ત્યારે પૈસાનો ઢગલો નીચે પડ્યો અને મારા સામે આંખથી ઈશારો કરી,એક ગૂઢ ભરેલું સ્મિત આપી જતો રહ્યો.
