પાણીપુરી
પાણીપુરી


ઢળતી સાંજે મહેશભાઇ ગામમાં આંટો મારવા નીકળ્યા. પાણીપુરીનો ઠેલો જોયો ને તેમને પાણીપુરી ખાવાનું મન થઇ ગયું, પણ આ ઉનાળાની સીઝન ને પોતાની તબિયત તો ઠીક પણ સાથે બે ટાબરિયા ય હતા. તેથી એ પાણીપુરી ખાઇ શકાય તેમ નહોતું તેથી તેમણે રસ્તો કાઢ્યો. પાણીપુરીવાળાને કહ્યું કાલે સાંજે આમારે ઘેર પાણીપુરી બનાવી આપજે. પૂરી, બટાકા, ચણા, પાણી બધુ જ અમારું, ફક્ત મસાલો તારો...તારે અમને પાણીપૂરી બનાવીને આપવાની, પાણીપૂરીવાળો ઘેર આવવા તૈયાર થઇ ગયો.
મહેશભાઇ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા ચાર ભાઇઓનો બહોળો પરિવાર હતો. પણ સૌ સંપીને સાથે રહેતા. સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં આવે તેવી ફેમીલી હતી. ઘર સાંકડું હતું. ઘરમાં માંડ માંડ બધાનો સમાવેશ થતો હતો. એકાદ મહેમાન આવે તોય સૂવામાં તકલીફ પડતી. પણ કોઇ ભાઇ અલગ રહેવા તૈયાર નહોતા. સૌએ પોતાનો ફ્લેટ લઇ રાખ્યો હતો પણ તોય તેમાં રહેવા નહોતા જતા. અરે નાના ભાઇ વિદિતની પત્નીને તો અહીંથી ઑફિસ દૂર પડતી હતી, ફ્લેટ ઑફિસની નજીક હતો. બે એક મહીના ત્યાં રહેવા ગયા પણ ફાવ્યું નહીં. અહીં સાથે રહેવામાં જે મજા હતી તે ત્યાં નહોતી.
મહેશભાઇનું સંચાલન જ એવું હતું સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર હતા. રાત પડ્યે રોજ જુદીજુદી રમતો રમાતી. મહેશભાઇ ક્યારેક કોઇ હરિફાઇનું આયોજન કરતા.. નાના -મોટાનો, તારા મારાનો બધો ભેદ ભૂલાઇ જતો. મહીનામાં એક બે વાર નાનીમોટી પિકનીક થતી. ક્યારેક સૌ હોટલમાં સાથે જમવા જતા. એકેએક્ તહેવાર ધામધૂમથી ઉજવાતો. નાની વહું અમદાવાદની હોવા છતાં ઉત્તરાયણમાં અમદાવાદ જવા કરતા અહીં સૌ સાથે ઉત્તરાયણમાં પતંગો ચગાવતી.
દેરાણી જેઠાણીના ઝગડાનું સામાન્ય રીતે જે કારણ હોય છે તેમાં એક કામકાજ. મહેશભાઇ ઘરનું તમામ કામ કરાવી લેતા. રસોઇ બનાવવા બંન્ને ટાઇમ બે બાઇ આવતી. રસોઇમાં ય વિવિધતા રહેતી, સ્વાસ્થ્ય અને સ્વાદ બંને જળવાતા. વાસણ કચરા પોતા માટે અલગ કામવાળી હતી. બાળકો ય નાનપણથી સાથે જ રહ્યાં હોવાથી પિતરાઇ ભાઇ કે સગા ભાઇબહેન જેવો ભેદ રહ્યો નહોતો.રમકડા કે અન્ય કોઇ બાબત માટે બાળકોમાં કોઇ વાર ઝગડો થાય તો બાળકો પોતે જ ઝગડો નિપટાવતા. કોઇ મોટા તેમાં વચ્ચે પડતા નહીં.
સંયુક્ત પરિવારમાં ઝગડાનું બીજુ કારણ હોય છે પૈસા...આ ઘરમાં બધા ભાઇઓ એક નિશ્ચિત રકમ મહેશભાઇને આપી દેતા. મહેશભાઇ બીજા ભાઇઓ જેટલું કમાતા નહીં. તેઓ પોતાના માટે, પત્ની અને બાળકો માટે ઓછો ખર્ચ કરતા પણ ભાઇઓ એ કસર પૂરી દેતા. પોતાના કપડાં ખરીદે ત્યારે મોટાભાઇ ભાભી અને તેમના બાળકો માટે ય કપડાં, ચીજવસ્તુંઓ લઇ આવતા. મહેશભાઇ ના પાડતા પણ તેઓ એમ ક્યાં માને તેમ હતા. મહેશભાઇની આવડત અને હોશિયારીથી ઘર સારી રીતે ચાલતું. ઘર નહીં એક મેળાવડો રહેતો. દિકરાઓ વચ્ચેનો આવો સંપ જોઇ માબાપની આંખો ઠરતી. બહેનો પણ ખુશી ખુશી આવતી અને રોકાતી.
મહેશભાઇએ ઘેર આવી સૌને પાણીપુરીની વાત કરી. સૌ ખુશ થઇ ગયા. બીજા દિવસે સવારથી ચણા પલાળી રાખ્યા હતા. પાણીપુરીવાળા સંજુએ આવીને ચણા અને બટેટા બાફીને મસાલો તૈયાર કર્યો. પાણીપુરીનું પાણી પણ એક્વાગાર્ડથી ફિલ્ટર થઇ આવેલું તેમાં સંજુએ પોતાનો મસાલો ઉમેર્યો. સૌ થોડી થોડી વારે રસોડામાં ડોકા કાઢતા હતા આજે રવિવાર હોવાથી સૌ ઘેર હતા વિદિતે કહ્યું. ચાલો આજે તો આપણે ભાઇઓ વચ્ચે હરિફાઇ થઇ જાય કોણ વધારે પાણીપુરી ખાય છે. ત્યાં બીજા નંબરના ભાઇ અભિનવની પત્ની મેહા બોલી તો અમારા દેરાણી જેઠાણી વચ્ચે ય હરિફાઇ થઇ જાય. બાળકો ય પછી કેમ પાછળ રહે તેમણે ય હરિફાઇ રાખી ત્યાં ત્રીજા નંબરના ભાઇ નિલેન્દુએ કહ્યું હું હરિફાઇમાંંથી બાકાત છું. મારી તબિયત હમણાં બરાબર નથી પણ હરિફાઇમાં જે પ્રથમ બીજો ત્રીજો આવશે તેને મારા તરફથી ઇનામ. સૌએ પૂછ્યૂં શું ઇનામ છે ત્યારે તેણે કહ્યું તે સરપ્રાઇઝ છે.
પાણીપૂરી તૈયાર થઇ ગઇ. સૌ સીસકારા બોલાવતા જાય ને પાણીપુરી ખાતા જાય. પાણીપુરી ખાવાની આ પહેલા આવી મજા ક્યારેય નહોતી આવી. બીજા દિવસે સૌને એનું સરપ્રાઇ ઇનામ પણ મળી ગયું.
થોડા દિવસ પછી મહેશભાઇની તબિયત લથડી. સૌ હોસ્પીટલમાં હાજર હતા. બધા એક જ પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન મહેશભાઇને જલ્દી સારું થઇ જાય. મહેશભાઇએ એકસૂત્રે જે રીતે સૌને બાંધી રાખ્યા હતા તે બીજા કોઇની વશની વાત નહોતી. ડૉક્ટરને ય આશ્ચર્ય થયું. પોતાની આટલા વરસોની કારકીર્દીમાં આટલા બધા સ્વજનોના હાથ દુવાઓ માટે ક્યારેય નહોતા ઊઠ્યા ને સૌની દુવા ફળી. મહેશભાઇ સાજાસમા ઘેર આવી ગયા.
હોસ્પીટલનું અઢી લાખનું બિલ આવ્યું પણ કોઇ ભાઇએ મહેશભાઇને તેમની બચત ઉપાડવા નહોતી દીધી. મહેશભાઇને ખબર ય ન પડી કેમ બિલ ભરાઇ ગયું.
ફરી પરિવાર કિલ્લોલ કરતું થઇ ગયું. પાણીપૂરી જેવો જ ગળચટ્ટો અને સૌને આકર્ષતો એ પરિવાર.