પાનખરમાં વસંત
પાનખરમાં વસંત
રંગોનો તહેવાર એટલે જ હોળી. નમ્યાએ આગલે દિવસે જ હોળીની પૂજા કરી હતી. ત્યારે એની નાની પૌત્રીએ કહ્યું હતું કે, "બા, હું પણ તમારી સાથે પૂજા કરવા આવું છું" ત્યારે એ પણ દાદીની જેમ હોળીની પ્રદક્ષિણા ફરી હતી. શ્રીફળ પણ હોમ્યું હતું. નમ્યાએ એને દરેક વિધિનું મહત્વ સમજાવ્યું હતું. હોળી પ્રગટાવવી એટલે આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શકિતઓનું સન્માન કરવું. તેથી જ હોળીની આસપાસ બધા ભેગા મળીને નાચ, ગાન અને મિજબાની કરે છે. ત્યારબાદ તો નમ્યાએ હોળીકા દહન અને પ્રહલાદની વાર્તા પણ એની પૌત્રી નૈસર્ગીને કહી સંભળાવી હતી. બીજા દિવસે ધૂળેટી એટલે રંગોનો તહેવાર એ વિષે પણ વિસ્તૃત રીતે નૈસર્ગીને સમજાવ્યું હતું. જો કે ધૂળેટીની વાર્તા કરતાં નમ્યાની નજર પતિ તરફ ગઈ બંનેની નજર મળતાં બંનેના મુખ પર આછું હાસ્ય આવી ગયું.
આજ થી ૪૫ વર્ષ પહેલાંની હોળી બંનેની નજર સમક્ષ તરવરી ઉઠી. એ વર્ષે એમનાં લગ્ન થયા હતા. સામાન્ય રીતે નવી આવેલી વહુની પહેલી હોળી હોય તો ખાસ કરીને દિયરો, નણંદો તથા દૂરના સગાસંબધીઓ નવી વહુ સાથે હોળી રમવા આવે. ત્યારબાદ બધા ભેગા થઈને ધાણીખજૂર ખાય. એના પતિ પ્રમથેશે કહેલું, "આ આપણી પહેલી હોળી છે તો આપણે આપણા ફાર્મ હાઉસ પર ઊજવીશું"નમ્યા ખુશ થઈ ગઈ હતી. આમ પણ એના પિયરમાં કોઈ હોળી રમતું ન હતું. એના મમ્મી હમેશાં કહેતાં કે પાણી શરીરને અડે તો શરદી થઈ જાય. નમ્યાને થતું કે આટલા બધા હોળી રમે છે તો એ લોકોને તો શરદી થતી ન હતી. એની મમ્મીની દલીલ હતી કે રમવામાં કંઈ વાગી જાય તો દવાખાને દોડવું પડે. હોળી પર તો દવાખાના પણ બંધ હોય. રમવા જવાનું જ નહીં. એને બધા ને રમતાં જોઈ રમવા જવાની ખૂબ જ ઈચ્છા થતી. પરંતુ મમ્મીની બીકે કંઈ ના બોલતી.
જો કે એને મમ્મીને એની બહેનપણી સાથે વાત કરતાં સાંભળી હતી કે ઘર ગંદું થાય, કપડાં ગંદા થાય તો કયાં સાફ કરવા બેસવું ! નમ્યા જક કરે તો બે લાફા મારીને બેસાડી દેવાની. બાળકો પર નાનપણથી જ ધાક રાખવાની અને આપણે આપણું ધાર્યું કરાવવાનું.જયારે એની ઉંમરની બધીજ છોકરીઓ હોળી રમતી. હા, એટલું ખરૂ કે મોટી ઉંમરની વ્યક્તિઓ હોળી રમતી ન હતી. એ જોઇને એને થતું કે શું હું વૃધ્ધ થઈ ગઈ છું ! જાણે કે ભરપૂર વસંત ઋતુમાં પાનખર બેસી ગઈ હોય એવું લાગતું હતું.
બસ ત્યારબાદ એને વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે મારા નસીબમાં એવું જ છે. એટલે તો એ સાસરે આવી ત્યારે હોળી રમવાનો એને ખાસ ઉત્સાહ રહ્યો ન હતો. પિયરમાં મમ્મીની જોહુકમી સહન કરી હતી. હવે તો એને ઉત્સાહ પણ રહ્યો ન હતો. પતિએ ફાર્મ હાઉસ જવાનું કહ્યું અને એને સ્વીકારી લીધું. એની જિંદગીમાં થી તો જાણે કે આનંદ અને ઈચ્છા શબ્દ ની બાદબાકી થઈ ગઈ હતી.
પરંતુ થોડી જ વારમાં પતિના કુટુંબના બધા સભ્ય તથા તેમના મિત્રો આવી પહોંચ્યો. સૌ પ્રથમ તો પાણી ભરેલી બાલદી નમ્યા પર ઠાલવી દીધી. નમ્યા પલળી ગઈ. પણ એને ગમ્યું. જિંદગીમાં પહેલીવાર તો એના અરમાન પુરા થયા હતા. હજી એ આગળ કંઈ વિચારે એ પહેલાં બધા એ ભેગા થઈને જયાં કીચડ થયો હતો ત્યાં જ સુવાડી દીધી. પરંતુ પ્રમથેશે કહ્યું, "ગભરાઈશ નહિ મેં કેસુડાનુ્ં પાણી તૈયાર રાખ્યું છે. અને અબિલ , ગુલાલ, પણ તૈયાર છે. હોળી રમ્યા બાદ બધા હોજમાં નહાવા જઈશું. મહારાજને કહ્યું છે એ રસોઈ તૈયાર રાખશે. હોળી રમ્યા પછી બધાને ખૂબ જ ભૂખ લાગશે".
ખરેખર તો કેસુડાના પાણીને કારણે ચામડીના કોઈ રોગ થતાં નથી. આપણો ધર્મ મહાન છે એટલું જ નહીં એ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. તને પણ બધા સાથે હોળી રમવાનું ગમશે "નમ્યાને એ દિવસ હજી પણ યાદ હતો. તે દિવસે એ બધા સાથે પહેલીવાર હોળી રમી હતી. એને જાણે કે આટલા વર્ષો હોળી નહીં રમવાનું સાટુ વાળી દીધું હતું. એ પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી. કારણ પ્રેમાળ પતિ હતો અને વગર માંગે બધુંજ મળી ગયું હતું. ત્યારબાદ તો સળંગ ત્રણ વર્ષ સુધી એને હોળી રમવાની મજા માણી હતી. પછીના વર્ષે એના દિકરાનો જન્મ થવાનો હતો તેથી એ હોળી રમી ન હતી. જોકે ત્યારબાદ એ સ્વેચ્છાએ જ કહેતી કે, "બસ, મારી ઈચ્છા પુરી થઈ ગઈ છે. આટલા વર્ષો મન દઈને હોળી રમી લીધું. હવે આપણો દિકરો હોળી રમશે અને આપણે જોઈશું. નમ્યા સંસારમાં એવી તો ગુંથાયેલી રહેતી કે એની બે દિકરીઓ અને દિકરો એમના મિત્રો સાથે હોળી રમે, પિકનિક મનાવે એ બધું નમ્યાને ગમતું.
" બા, તમે આવતીકાલે હોળી નહિ રમો ? બા, હું તમને અને દાદાને રંગીશ. મને બહુ મજા આવશે. "
"બેટા, તું હોળી તારી ફ્રેન્ડ સાથે રમજે. અમારી તો ઉંમર થઈ. "
"બા, તમે અને દાદા તો મારા બેસ્ટ ફ્રેન્ડ છો." નમ્યાને લાગ્યું કે નૈસર્ગી બાળક છે કાલે ભૂલી જશે.
પરંતુ બીજા જ દિવસે નૈસર્ગી ર્ઉઠીને તરત હાથમાં અબિલ,ગુલાલ લઈને બા દાદા પર છાંટવા માંડ્યું. ત્યારબાદ તો એમના દિકરાવહુએ પણ એમના માબાપ પર રંગ નાંખવાનું ચાલુ કર્યું. એટલુંજ નહિ એ લોકોએ એવું પણ કહ્યું કે કાલે કાકા તથા ફોઈઓ આવેલા એમને જ અમને કહ્યું કે તમને હોળી રમવાનો બહુજ શોખ હતો. બસ, તમે તમારો શોખ જાળવી રાખો. આજે આપણું આખુ કુટુંબ ભેગુ થવાનું છે અને બધાએ ભેગા થઈને જ હોળી રમવાનું છે. જેમ તમે લગ્નના પહેલાં વર્ષે રમ્યા હતા. અમારે તમારા જીવનમાં હોળી ના વિવિધ રંગો ની જેમ તમારી જિંદગીમાં પણ વસંત ઋતુનું આગમન કરવા માંગીએ છીએ. તમે કાયમ કહો છો કે, "અમે ખર્યુ પાન " મમ્મી પપ્પા અમે તો તમારી જિંદગીમાં પાનખરને બદલે વસંત ઋતુ લાવવા માંગીએ છીએ. એ દિવસે બધા મોડે સુધી હોળી રમ્યા. પરંતુ રાત્રે સુતી વખતે નમ્યાએ કહ્યું, "આજે આપણા બાળકોએ આપણને આપણી પાનખરમાં પણ વસંતનો અહેસાસ કરાવ્યો.
# રંગબરસે
